ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/જટાશંકર લીલાધર ત્રિવેદી

સ્વ. વૈદ્ય પંચાનન જટાશંકર લીલાધર ત્રિવેદી
Jatashankar Liladhar Trivedi.jpg

તેમનો જન્મ કાઠીઆવાડમાં જામનગર પાસે આવેલ ધ્રોળ નામના ગામમાં સંવત ૧૯૧૫ના ચૈત્ર સુદી ૩ ના રોજ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના પારાશરગોત્રી ગાદે કુટુમ્બના લીલાધર લક્ષ્મીધર ત્રિવેદીને ત્યાં થયો હતો; જટાશંકર એ લીલાધર ત્રિવેદીના સૌથી નાના પુત્ર હતા; અને તેમની બાળવયમાંજ લીલાધર ત્રિવેદીનું અવસાન થવાથી મોટાભાઈના આશ્રય નીચે કેળવણી મેળવી હતી. એ વખતે સાધનોની અનુકૂળતા વગર ઈંગ્રેજી કેળવણી મેળવવી બહુ મુશ્કેલ હતી. છતાં અનેક પ્રકારનાં સંકટો વેઠી જામનગરની હાઇસ્કુલમાં મેટ્રીક સુધીનો અભ્યાસ તેમણે કર્યો. અભ્યાસ પુરો થયા પછી કાઠીઆવાડના કેળવણી ખાતાના વડાને દફતરદાર નિમાયા હતા. જેથી ત્રણ ચાર વર્ષ સુધી આખા કાઠીઆવાડમાં તેઓ એજ્યુકેશનલ ઈન્સ્પેકટર રા. ગોપાળજી સુરભાઈ દેસાઈ સાથે ફર્યા હતા. ત્યાર પછી જામનગર હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નિમાયા હતા. જામનગરમાં પોતાના ૪-૫ વર્ષના વસવાટમાં શ્રીમાળી જ્ઞાતિની ઘણી સારી સેવા કરી હતી અને ત્યાં શ્રીમાળી શુભેચ્છક સભા તથા “ શ્રીમાળી શુભેચ્છક” માસિક સ્થાપ્યાં હતાં અને “સ્વધર્માભિમાન” વિગેરે પુસ્તકો લખ્યાં હતાં. આ અરસામાં તેમણે જ્ઞાતિમાં કેળવણીની પ્રગતિ થાય તેવા હેતુથી એક છાત્રાલય ખોલવા ઈચ્છા રાખી હતી; અને જ્ઞાતિ હિતચિન્તક સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ તથા સ્વ. બાવાભાઈ મીઠારામ ઓઝાએ જ્ઞાતિના કારણે રૂા. ૫૦૦) આપવાની પહેલ પણ કરી હતી. પરન્તુ અન્ય સહાય નહિં મળવાથી એ સમયની તેમની મુરાદ બર આવી શકી નહિં.

જામનગરના તેમના વસવાટ દરમ્યાન તેમની પ્રતિભાશાળી લેખનશૈલી અને સંસ્કૃતનું અસાધારણ જ્ઞાનથી ઘણા ગુણગ્રાહક સજ્જનોનું અને જામનગરના વૈદ્યરાજોનું આકર્ષણ થયું હતું. ગુણોથી આકર્ષાઈ કેટલાક વૈદ્યરાજોએ પોતાની પાસે રહેવાની માગણી કરી, જેથી “નોકરી કરવી કે સ્વતંત્ર ધંધો કરવો ?” તે પ્રશ્ન તેમના મનમાં ઉભો થયો. નોકરી ચાલુ રાખી હોત તો વૈદ્યરાજ જટાશંકર રાવબહાદુર થયા હોત અને ગુજરતાં પહેલાં એક દાયકો માસિક રૂ. ૨૦૦) નું પેનશન પણ ખાધું હોત. છતાં તેમનું મન કોઈ સ્વતંત્ર ધંધા તરફ કાયમ ખેંચાતું રહેતું હતું, અને તેજ સંકલ્પબળથી મહાત્મા ઝંડુભટ્ટજી સાથે તેમનો મેળાપ થયો.

મહાત્મા ઝંડુ ભટ્ટજી ઉર્ફે કરૂણાશંકર વિઠ્ઠલજી કરૂણાનોજ અવતાર હતા અને ગુજરાત કાઠીઆવાડમાં તેઓ ધન્વન્તરીના અવતારરુપ હતા. તે મહાત્માની કરૂણા રા. જટાશંકરભાઈ ઉપર ઉતરી અને તેઓ રા. જટાશંકર માસ્તર મટીને વૈદ્ય બન્યા. હીરાના પારખ હજારો મળે છે પણુ સદ્ગુણના પારખનાર કોઈક જ હોય છે, તે હીસાબે મહાત્મા ઝંડુ ભટ્ટજીએ ખરો હીરો પારખી કાઢયો અને માસ્તર જટાશંકરને વૈદ્યકનું વ્યવહારૂ અને શાસ્ત્રીય જ્ઞાન આપી વૈદ્ય બનાવ્યા.

આ રીતે વૈદ્ય જટાશંકરને વૈદ્યક ધંધામાં બરાબર તૈયાર થયેલા જોઈને મહાત્મા ઝંડુ ભટ્ટજીએ કહ્યું કે “અહિં તો મારા ઘણા શિષ્યો છે પણ ગુજરાતમાં મારો કોઈ શિષ્ય નહિં હોવાથી તમારે અમદાવાદ જવું.” મહાત્માની આ આજ્ઞા માથે ચડાવી કેળવણી ખાતાની નોકરીનું રાજીનામું આપી વૈદ્ય જટાશંકર ઇ. સ. ૧૮૯૨માં અમદાવાદ આવી “ગુજરાત આર્ય ઔષધશાળા”ની સ્થાપના, મહાત્મા ઝંડુભટ્ટજીના હસ્તે કરી. દરેક ધંધામાં શરૂઆત મુશ્કેલીભરી હોય છે તેમ શરૂઆતમાં બે ત્રણ વર્ષ વૈદ્ય જટાશંકરને ઘણીજ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પણ ડાહ્યા માણસો કદિ નિરાશ થતા નથી અને પોતાનો ઉદ્યોગ બેવડા ઉત્સાહથી ચાલુ રાખે છે. સ્વતંત્ર ધંધો હાથ આવ્યા પછી મહાત્મા ઝંડુ ભટ્ટજીના આદેશ અને સંકેત મુજબ ગુજરાતમાં તંદુરસ્તી અને સુખશાંતિના જ્ઞાનનો પ્રચાર કેવી રીતે કરવો તે સવાલ ઉભો થવાથી વૈદ્ય જટાશંકરે વૈદ્યકલ્પતરુ માસિક સ્થાપ્યું. આ કાર્યમાં પણ તેમને ઘણી મુશ્કેલીઓ નડી, અને આઠ વર્ષ સુધી મોટી ખોટ ખમીને આ માસિક ચાલુ રાખ્યું, જે હજુ સુધી નિયમિત સમાજની સેવા બજાવી રહ્યું છે. માસિકના ગ્રાહકોની સંખ્યા વધારવા માટે ભેટ તરીકે વૈદ્યક વિષયનું પુસ્તક આપવાની પ્રેરણા તેમને થઈ અને અન્ય સ્નેહીઓની પણ તે બાબતમાં સંમત્તિ મળવાથી પ્રતિવર્ષ વૈદ્યક વિષયનું એક પુસ્તક ભેટ તરીકે “વૈદ્યકલ્પતરુ” ના ગ્રાહકોને મળવાનું શરૂ થયું. ઉપરાંત હિંદી જાણનારાઓ માટે હિન્દી વૈદ્યકલ્પતરુ પ્રગટ કરવાની શરૂવાત કરી, જે આશરે નવ વર્ષ ચાલ્યા પછી પુરતા ગ્રાહકોના અભાવે બંધ કરવામાં આવ્યું હતું.

સ્વ. વૈદ્યરાજની લેખનશૈલી અલૌકિક હતી. લખાણ લખવામાં તેમનું મન એટલું બધું ઓતપ્રોત થઈ જતું કે તે વખતે ભાગ્યેજ તેમને આજુબાજુનો ખ્યાલ રહેતો, લખાણ કાર્યમાં તેઓ અઢાર કલાકથી પણ વધારે સમય લેતા. પોતાનાં માસિકો અને પુસ્તકો ઉપરાંત વર્તમાન પત્રોમાં પણ વારંવાર લેખો લખી મોકલતા. આ દરેક કામને પહોંચી વળવા માટે તેમને સખ્ત પરિશ્રમ કરવો પડતો હતો. શરીર સંરક્ષણ અને આરોગ્ય સબંધી જ્ઞાનના પ્રચાર અર્થે તેમણે ઘણાં લોકોપયોગી વૈદ્યકગ્રંથો લખી બહાર પાડ્યાં છે (૧) આરોગ્ય રહેવાના ઉપાય. (૨) બ્રહ્મચર્ય, (૩) ઘરવૈદું, (૪) બાળલગ્ન, (૫) જીજીકર કલ્પતરુ. (૬) ધાત્રી શિક્ષા, (૭) સારીસંતતિ. (૮) રોગી પરિચર્યા, (૯) ગરીબોનો વૈદ્ય, (૧૦) નિર્બળતા, (૧૧) ખાનપાન અને નાના નાના નિબંધો વિગેરે. બીજાં પણ ઘણાં પુસ્તકો ભેટ તરીકે અપાયેલાં અન્ય વિદ્વાન લેખકો પાસે લખાવી પ્રગટ કરેલાં છે.

“ગુજરાત આર્ય ઔષધશાળા”ની સ્થાપના થયા પછી થોડો વખત તેમાં વપરાતી બધી દવાઓ જામનગરથી જ આવતી પણ પછી જેમ જરૂર જણાઈ તેમ તેમ દવાઓ પોતે જાતે બનાવવા માંડી. શરૂઆતમાં દવાઓ બનાવવાનું, ખાંડવાનું, ગોળીએ વાળવાનું તથા દવાઓ પેક કરવાનું કામ ઘરનાં માણસોએ હાથોહાથ કરવા માંડયું; પણ બહાર ગામથી દવાઓની માગણી વધવા માંડી અને તેને પહોંચી વળવા માટે “ગુજરાત ઔષધશાળા”ને ગુજરાત–આયુર્વેદિક ફાર્મસી ના રુપમાં ફેરવી નાખી. અને દવાઓ મોટા જથ્થામાં તૈયાર કરવાને માણસો તથા મજુરો રાખ્યા, અને તેને માટે અમદાવાદ શહેરથી દૂર નદીને સામે કાંઠે કોચરબ પાલડી પાસે વિશાળ જમીનની ખરીદી કરી, ત્યાં કારખાનું, ફાર્મસીની ઓફીસ અને રહેવાનું રાખ્યું. ધીમે ધીમે દવાઓની માગણી એટલી બધી વધી પડી કે તેને પહોંચી વળવા માટે કારખાનામાં યાંત્રિકબળ (એન્જીન) વિગેરે સાધનોની મદદની જરૂર પડી અને થોડા વખત પહેલાં એક નાની રસશાળાની દુકાન કે જે પોતાનું ખર્ચ માંડમાંડ ઉપાડી શકતી હતી, તેમાંથી આખા દેશમાં પોતાની દવાનો ફેલાવો કરનાર એક સ્વતંત્ર કારખાનું થયું. વિશાળ જમીન, ભવ્ય બંગલો, દવાના મોટા સંગ્રહ માટે બંગલા નીચે બનાવેલું સુંદર ભોંયરૂં, સંચાઓથી ચાલતું કારખાનું તથા છાપખાનું જોતાં એક માણસ પોતાના ઉદ્યોગથી ધીમે ધીમે કેવી ઉન્નતિ કરી શકે છે તેનો ખ્યાલ સહેજે આવે. આ અરસામાં દવાઓ સામટા જથ્થામાં બનાવી રાખવી પડતી હતી. આશરે એંસીહજારની દવાઓ કાયમ સ્ટોકમાં રાખવામાં આવતી, અને તે બગડે નહિં તે માટે તેને જાળવવા માટે બહુજ કાળજીપૂર્વકનાં સાહિત્યો મોટા ખરચે વસાવ્યાં હતાં.

સ્વ. વૈદ્યરાજ જટાશંકર દર્દીઓ સાથે એટલા માયાળુપણે વર્તતા અને ધીરજ આપતા હતા કે તેમના સમાગમમાં આવેલા હરકોઈ દરદી સંપૂર્ણ સંતોષ પામતા હતા. બહારગામ બોલાવવામાં આવે તો અનેક કાર્યો પડતાં મુકીને દિવસે કે રાત્રે ચાલી નીકળતા હતા અને મહાત્મા ઝંડુ ભટ્ટજીની પેઠે પૈસાની કાળજી કરતાં દર્દી સારો થાય તેની કાળજી રાખતા હતા. ભયંકર દરદોવાળા દર્દીની પથારી પાસે તેઓ કલાકોના કલાકો સુધી બેસતા હતા એટલુંજ નહિં પણ રાત્રે ઉઠીને પણ દર્દીની હાલત તપાસતા હતા. મહાત્મા ઝંડુભટ્ટજીની માફક માત્ર નિર્ભય અને શાસ્ત્રીય દવાઓ જ વાપરતા હતા. જ્ઞાનતંતુઓને બહેકાવી મુકનારી કે શક્તિની જલદ દવાઓનો કદિ પણ ઉપયોગ કરતા નહોતા પણ શક્તિની ટોનિક-દવાઓની જાળમાં ફસીને તન, મન અને ધનની ખુવારી કરનારાઓને પોતાના લેખો દ્વારા સદૂપદેશ આપતા હતા, શક્તિની દવાઓની જાહેરખબરો સામે તેમને સખ્ત અણગમો હતો અને તેથી વારંવાર માસિકમાં અને વર્તમાનપત્રોમાં ઘણીજ કડક કલમ ચલાવેલી હતી. દવા સાથે પથ્યાપથ્ય ઉપર તેઓ ઘણું વજન આપતા અને તે બાબતમાં દર્દીની સાથે બહુજ ખુલ્લા દિલથી ચર્ચા કરતા. કુદરતી ઉપાયોથી મટી શકે તેવાં દરદોમાંમાં તેઓ દવાનો ઉપયોગ ન કરતાં દરદીને નિયમમાં રાખી વગર દવાએજ સારો કરવાની કોશીષ કરતા; અને બધા દરદીને કુદરતના કાયદાનું પાલન કરીનેજ આરોગ્ય રહેવાનો ઉપદેશ હંમેશાં આપતા.

મહાત્મા ઝંડુ ભટ્ટજીની પ્રેરણા, ઉદ્દેશ અને ઉપદેશ લક્ષમાં રાખીને, અનેક સંકટો વેઠી, કેવળ કર્તવ્ય બુદ્ધિથી ધૈર્ય રાખી, તન, મન, ધનનો ભોગ આપીને દ્રવ્ય એકઠું નહિં કરતાં જે કાંઈ અર્થ પ્રાપ્તિ થતી તે ધંધામાંજ રોકતા હતા.

દર્દીઓને આરોગ્યભૂવનમાં પાસે રાખી તેમની સારવાર તથા ઐાષધ યોજના, આયુર્વેદનો પદ્ધતિસર અને અનુભવપૂર્વક અભ્યાસ ઉપલા આરોગ્ય ભૂવનમાં કરીને વૈદ્યો તૈયાર કરવા માટે પાઠશાળા, અને દેશી ઔષદ્યો તો મોટા પ્રમાણમાં પ્રજામાં પ્રચાર કરવા અર્થે મોટી મુડીવાળી રસશાળા, આ ત્રણ સાધનોથી આયુર્વેદની ઉન્નત્તિ અથવા સેવા થઈ શકે તેમ તેઓ દ્રઢપણે માનતા અને એ ત્રણેની સ્થાપના માટે તેમણે તેમની જીંદગી પર્યંત નાંણાં માટે ખંતથી અને નિસ્પૃહપણે પ્રયત્નો કરેલા; પરંતુ મુડીવાદીઓની આયુર્વેદ પ્રત્યે ઉદાસિનતા અને વૈદ્યરાજના આવાં કાર્ય માટે તેમને દબાવીને નહિં કહેવાના અતિ નિસ્પૃહી સ્વભાવને લીધે આરોગ્યભૂવન અને પાઠશાળા ઈત્યાદિ કાર્યો પાર પડી શક્યાં નહિં, તો પણ પોતાથી બનતો પ્રયત્ન કરીને નવા યુવાનોને પગાર આપીને પણ તૈયાર કરવાને સ્વર્ગસ્થે કેટલાક યુવાનોને પાસે રાખ્યા હતા, જેમાંના કેટલાક અત્યારે પોતાનો સ્વતંત્ર ધંધો ઘણી સારી રીતે ચલાવે છે. વધુ સારા વૈદ્યો અને વ્યવહારૂ શિક્ષણ માટે તેમણે એક નાની યોજના ઉભી કરી હતી કે જેમાં દર્દીઓને રાખીને તથા તેની સાથે શિક્ષણ શાળા સ્થાપીને વૈદ્યક ધંધાનું વ્યવહારૂ અને શાસ્ત્રીય શિક્ષણ આપી શકાય. આ કાર્ય માટે મકાનો, સાહિત્યની જરૂર હતી જે માટે જાહેર પ્રજા પાસેથી તેમણે ઓછામાં ઓછા રૂા. ૧ લાખની માગણી કરી હતી; પરંતુ તે અરસામાં તેમની તબીયત લથડવા માંડી જેથી તે યોજના પણ અધુરી મૂકવી પડી.

ત્રીજો ઉપાય રસશાળાનો રહ્યો. આ કાર્ય તો તેમના હાથથીજ ચાલતું હતું. તેઓ જ્યારે અમદાવાદ પ્રથમ નિમાયા, અને મહાત્મા ભટ્ટજીએ જ્યારે તેમને સ્વતંત્ર રીતે કામ કરવા આજ્ઞા આપી ત્યારે થોડાક સમયમાં તેમણે રસશાળાને મોટા પાયા ઉપર લઈ જવા માટે ૧ લાખની યોજનાવાળી લીમીટેડ કંપની કરવાનું ઠરાવ્યું. પરંતુ કેટલાક ગૃહસ્થ શુભેચ્છકોની તે કામમાં સલાહ નહિં મળવાથી તુરત માટે તે યોજના પડતી મુકેલી પણ પાછળથી રૂ. ૬ લાખની યોજનાવાળી લીમીટેડ કંપની ઉભી કરી અને તેના શેરો ભરાયેલા પણ ખરા; પરંતુ દૈવની ઈચ્છાને કોઈ જાણી શકતું નથી તે મુજબ વૈદ્યરાજની તબીયતમાં અચાનક ફેરફાર થવાથી તેઓને તે કાર્ય પડતું મુકવાની કુદરતી ફરજ પડી આ રીતે તે યોજના પણ સફળ થઈ નહિ અને ભરાયેલા શેરનાં નાણાં પાછાં મોકલી આપ્યાં.

આયુર્વેદના ઉદ્ધાર માટે વૈદ્ય સમ્મેલનો અને પ્રદર્શનો ભરાય છે. તેમની વ્યવસ્થા વિષે વૈદ્યરાજને વારંવાર તીક્ષ્ણ ટીકાઓ કરવી પડી છે, અને તેથી કેટલાકની ઈતિરાજી પણ વહોરી લેવી પડી હતી પણ દરદને ટાળવાને જેમ કડવી દવાની કે સખ્ત પરહેજીની જેટલી જરૂર છે તેટલીજ જરૂર આ સમ્મેલનો અને પ્રદર્શનોને ફતેહમંદ અને કાર્યસાધક ઉતારવાને એકસંપ અને સુવ્યવસ્થિત કારોબારની હતી, જે કોઈપણ સ્થળે તેમણે જોયેલ નહોતી. તેમને આ સમ્મેલનો અને પ્રદર્શનો તરફથી ડીગ્રીઓ અને ચાંદો મળેલાં હતાં. પણ કર્તવ્ય બુદ્ધિથી કામ કરનારને આવી ઉપાધિઓ કે પદકોની દરકાર હોતી નથી.

તેમનાં રચેલાં પુસ્તકો પૈકી સૌથી પ્રથમ તેમણે “યુવાવસ્થાનો શિક્ષક” એ નામનું લખ્યું. જો કે તે સ્વતંત્ર પુસ્તક નથી. વિલ્યમ કોબેટ કૃત “એડવાઈઝ ટુ ધી યંગ” નો આધાર લઈ લખવામાં આવ્યું છે; તોપણ તેમની લેખન શૈલીથી તે પુસ્તક અતિ લોકપ્રિય થઈ પડ્યું છે, અને વડોદરા રાજ્યમાં તે કેળવણી ખાતામાં ઇનામ ગ્રન્થ તરીકે મંજુર થયું છે.

“ઘરવૈદું” એ તેમની સ્વતંત્ર કૃતિ છે; જેની બરોબરી કરી શકે તેવું એક પણ પુસ્તક નથી અને આ ગ્રન્થ તૈયાર કરવામાં તેમને ઘણો શ્રમ પડ્યો હતો. પરંતુ લોકકલ્યાણની ઉંડી ભાવનાથી તે કોઈપણ કાર્ય કરવામાં શ્રમિત થતા દેખાતાજ નહિં. અને આવી ઉત્તમ ભાવનાથી તેમની આ કૃતિ અમર થઈ ગઈ છે. આઠ આઠ આવૃત્તિ થવા છતાં હજુ તે પુસ્તકનું વેચાણ જરાપણ ખોરવાયું નથી. જે દેશમાં એક આવૃત્તિ પણ સહેલાઈથી નીકળી શકતી નથી તે દેશમાં એક પુસ્તકની આઠ આવૃત્તિ થાય તેજ તેની લોકપ્રિયતાનો પ્રખર પૂરાવો છે.

આ સિવાય “વૈદ્યકલ્પતરુ” ની ભેટ તરીકે આપેલ “સારીસંતતિ” ના બન્ને ભાગ પણ એટલાજ લોકોપયોગી ઉદ્દેશથી તેમણે લખેલા છે. આ બધી તેમના નામને ઉજ્જવલ કરનારી અમરકૃતિઓજ છે.

સ્વર્ગસ્થ અમદાવાદ, મુંબઈ, કલકત્તા, અને સુરતમાં પોતાની શાખાઓ નાખી છે જેમાંની કલકત્તાની શાખા પાછળથી તેમની નાદુરસ્ત તબીયતને કારણે બંધ કરવી પડી હતી. બાકીની શાખાઓ હજુ ચાલે છે, ઉપરાંત નાનાં મોટાં ગામોમાં એજન્સીઓ છે.

સ્વર્ગસ્થની ચિકિત્સા ગઢડાનિવાસી પ્રખ્યાત વૈદ્યરાજ નાનભટ્ટ અંબારામ કરતા હતા. પોતાનો મંદવાડ કાંઈક ઓછો થવાથી હરતાફરતા થયા હતા, અને પોતાનું મંદ પડેલું કાર્ય પાછું બમણા ઉત્સાહથી ચાલુ કર્યું હતું, પણ જેમ ઓલવાતો દીપક વધારે પ્રકાશ થોડો વખત આપે છે તેમ તેમની આયુષ્ય દોરી તુટી પડવાની હોવાથી તેઓ પાછા દરદના હુમલામાં સપડાયા; આ હુમલો તેમનો જીવલેણ નીકળ્યો. ચિકિત્સકોની સ્થળાંતર કરવાની સૂચના થવાથી કાઠીઆવાડમાં વઢવાણ મુકામે તેમને લઈ જવામાં આવ્યા. પરંતુ ત્યાંથી થોડાજ વખતમાં પાછું ફરવું પડ્યું, અને તા. ૨ જી જુન સને ૧૯૨૧ વૈશાખ વદી ૧૧ ની રાત્રે ૯ વાગ્યે આ ફાની દુનિયાનો ત્યાગ કરી તેમનો અમર આત્મા પરલોક પ્રતિ પરિયાણ કરી ગયો.

—:એમની કૃતિઓ:—

ગ્રંથનું નામ. સાલ
ઘરવૈદુ (Family Medicine) ૧૮૯૯
સારી સંતતિ ૧૮૯૯
ધાત્રીશિક્ષા ૧૯૦૭
રોગીપરિચર્યા ૧૯૦૯
નિર્બળતા ૧૯૧૫
મળાવરોધ ૧૯૧૨
વાજીકર કલ્પતરૂ ૧૯૦૧
આરોગ્ય રહેવાના ઉપાય ૧૮૯૬
બ્રહ્મચર્ય ૧૮૯૭
૧૦ આરોગ્ય અને આચારોની એકવાક્યતા ૧૯૦૭
૧૧ સાસરે જતી પુત્રીને માની શિખામણ ૧૯૦૬
૧૨ ખાનપાન ૧૯૨૧
૧૩ બાળલગ્ન ૧૮૯૮
૧૪ વિધવા વિવાહ વિષે વિચાર ૧૯૦૪
૧૫ જૈન ધર્મ અને વૈદકશાસ્ત્ર ૧૯૦૩
૧૬ ગરીબોને વૈદ્ય ૧૯૧૪
૧૭ વાગ્ભટ સૂત્રસ્થાન ૧૯૦૮
૧૮ યુવાવસ્થાનો શિક્ષક ૧૮૯૫
૧૯ સ્વધર્માભિમાન ૧૮૯૦