ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/પ્રસ્તાવના

પ્રસ્તાવના

એક મિત્રે સૂચના કરી કે “ગ્રંથ અને ગ્રંથકાર”ની વિષય મર્યાદા વિસ્તારી, મરાઠીમાં પ્રસિદ્ધ થતા “મહારાષ્ટ્ર સાંવત્સરિક” જેવું તેને એક સર્વદેશી રેફરન્સ પુસ્તક કરવામાં આવે. તે સૂચનામાં અવ્યવહારૂ કશું નથી. એવા સર્વદેશી રેફરન્સ પુસ્તકની ગુજરાતીમાં જરૂર છે, એ વિષે ભાગ્યેજ મતભેદ સંભવે; અને એ ઉણપ આપણે મોડીવહેલી પૂરી પાડવી ૫ડશે; કદાચ તે કામ ઉપાડી લેતાં વિલંબ થાય, પણ તે પૂર્વે “ગુજરાત સર્વ સંગ્રહ” તો અવશ્ય વેળાસર યોજવો જોઈએ, જેમાંથી ગુજરાત વિષે સર્વ સામાન્ય અને જરૂરી માહિતી તુરત સુલભ થાય. ઉપરોક્ત સર્વદેશી રેફરન્સ પુસ્તક તૈયાર કરવામાં કેટલીક વ્યવહારૂ મુશ્કેલીઓ રહેલી છે, તે આપણે વિસરવી જોઈએ નહિ. પ્રથમ તે કાર્ય મ્હોટું ખર્ચાળ છે, તે સિવાય તે સારૂ કાયમી સ્ટાફ રોકવો જોઈએ. બીજું તે પુસ્તકનો સારો અને એકસરખો ઉપાડ થશે કે કેમ એ પણ એક વિચારણિય પ્રશ્ન છે. મહારાષ્ટ્ર સાંવત્સરિકને ટિળક ટ્રસ્ટ ફંડની સહાયતા હતી, તેમ છતાં એ પ્રવૃત્તિ હાલમાં બંધ પડેલી છે; અને આર્થિક દૃષ્ટિએ તે ફતેહમંદ નિવડી નથી, એવી મારી માહિતી છે. વળી અંગ્રેજીમાં રેફરન્સનાં સાધનો એટલાં વિપુલ અને વિવિધ પ્રકારનાં મળી આવે છે કે સ્વભાષામાં એ જાતનાં પ્રકાશનને પુરતું ઉત્તેજન મળે કે કેમ એ પણ એક મુંઝવતો પ્રશ્ન છે. તે પુસ્તક પ્રતિ વર્ષ બહાર પડે, તેમાં ચાલુ સુધારાવધારા થતા રહી, તે અપટુડેટ અને નવીનતાભર્યું રહે એ વિસરાવવું જોઈએ નહિ. અત્યારના સંજોગોમાં, બીજા કોઈ કારણસર નહિ તો, આર્થિક દૃષ્ટિએ તે કામ કઠિન છે. ગ્રંથ અને ગ્રંથકારનું પ્રકાશન સોસાઈટીએ ગુજરાતી ભાષા સાહિત્ય અને ગુજરાતી ગ્રંથકારો વિષે માહિતી મેળવવામાં જે મુશ્કેલીઓ પડતી, તે દૂર કરવા અને બને તેટલી હકીકત એક સ્થળે સંગ્રહીત, સહેલાઈથી મળી શકે, એ એક આશયથી, આરંભ્યું હતું. ગ્રંથકાર ચરિત્રાવળીનું કાર્ય હજી ચાલુ છે. અર્વાચીન વિદ્યમાન ગ્રંથકારોમાંના ઘણાખરા વિષે બહાર પડેલા ગ્રંથ અને ગ્રંથકારના ગ્રંથેમાંથી ઉપયુક્ત માહિતી મળી રહે છે. અર્વાચીન વિદેહી વિષે જરૂરી માહિતી એકઠી કરવામાં આવે છે; અને હવે પછી પ્રાચીન કવિઓ વિષે, ઉપલબ્ધ સાધનો ઉપરથી, સંક્ષેપમાં, તેમનું ચરિત્ર આલેખવા તેમ તેમની કૃતિઓ સાલવાર નોંધવા તજવીજ કરવામાં આવશે. ગુજરાતી ભાષા સાહિત્યના વિષયમાં હજી એટલું બધું કરવાનું બાકી રહે છે, કે, તેના મૂળ ધ્યેયને વળગી રહી, “ગ્રંથ અને ગ્રંથકાર” તેનું વ્યક્તિત્વ સિદ્ધ કરે, એ જ હાલના સંજોગોમાં, ઈષ્ટ અને જરૂરનું છે. આ વર્ષે ગુજરાતી ભાષા વિષેના પ્રકીર્ણ લેખો, જે મેળવવામાં અડચણ પડતી અને યુનિવરસિટી તરફથી જે લેખો અભ્યાસ સારૂ ભલામણ થતા તે સંગ્રહીને છાપ્યા છે. ગ્રંથ અને ગ્રંથકારની પ્રવૃત્તિમાં શ્રીયુત બચુભાઈ રાવત પ્રથમથી સહાયતા આપતા આવેલા છે; અને ‘સન ૧૯૩૫ની કવિતા’ની પસંદગી આ વર્ષે એમણે જ કરી આપેલી છે; એ સેવાકાર્ય બદલ હું તેમનો બહુ આભારી છું. સોસાઈટીના ઓનરરી સેક્રેટરી તરીકે લેડી વિદ્યાબ્હેનનો આ પ્રકાશન સાથે નિકટ સંબંધ રહેલો છે; પણ તેના સંપાદનમાં તેઓ જે ઉલટ અને કાળજી દર્શાવે છે, તે, ખરે, સંપાદકને બહુ પ્રોત્સાહક થઈ પડે છે.

અમદાવાદ.
૫-૧૦-૧૯૩૬

હીરાલાલ ત્રિ. પારેખ.