ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/રંગનાથ શંભુનાથ ઘારેખાન

રંગનાથ શંભુનાથ ઘારેખાન–બી. એ.

એઓ પાટણના રહીશ વડનગરા નાગર ગૃહસ્થ છે. તેમના પિતાનું નામ શંભુનાથ ત્રીકમનાથ અને માતુશ્રીનું નામ અ. સૌ. અન્નપૂર્ણાબા. તેમનો જન્મ સં. ૧૯૨૧ ના માગશર સુદી ૨ ના રોજ દ્વિતીય પુત્રરત્ન રૂપે થયેલો. ધારેખાનના કુટુંબમાં તેમનાથી સાતમી પેઢીએ જગન્નાથ ઘારેખાન થયેલા તેઓ ગુજરાત ખાતે બાદશાહી દીવાન હતા અને તે વખતની તેમની હવેલી અત્યારે પણ રાયપુરમાં મહાલક્ષ્મીની પોળ સામે એમનાજ કુટુંબીઓના કબજામાં છે. આખી નાગરકોમમાં ઘારેખાન અવટંકનું માત્ર આ એકજ કુટુંબ છે. તેવા કુટુંબમાં રા. રંગનાથનો જન્મ થયેલો. તેમનું લગ્ન પાટણમાંજ ધર્મપરાયણ વૈશ્નવરાજ મજમુંદાર બળવંતરાય તથા શિવદુર્ગાનાં દીકરી સત્યભામા વેરે થયેલું હતું. તેમનાં ધર્મ-પત્ની સં. ૧૯૬૯ ના આસો વદી ૫ ના રોજ પાંચ પુત્રરત્ન અને ચાર પુત્રીરત્નનો બહોળો વિસ્તાર મુકીને વૈકુંઠવાસી થયાં હતાં. ગ્રંથ અને ગ્રંથકારના પુસ્તક પહેલામાં રમેશ રંગનાથ ઘારેખાનની હકીકત આપેલી છે તેમના આ રંગનાથ પિતા થાય.

શ્રી. રંગનાથે પ્રાથમિક અભ્યાસ તેમના પિતાશ્રીની કામદાર તરીકેની નોકરીના પ્રસંગે લાઠીમાં અને પાછળથી પાટણની નિશાળમાં કરેલો. તે વખતે પાટણમાં હાઈસ્કુલ કે સારી ઈંગ્રેજી સ્કુલ નહિં હોવાથી પાટણના નાગરો અમદાવાદમાં જ ઈંગ્રેજી કેળવણી માટે આવી રહેતા. તે પ્રમાણે રા. રંગનાથ પણ તેમના મોટાભાઈ માણેકનાથ સાથે સં. ૧૯૩૨-૩૩માં અમદાવાદ આવી તેમના બાપદાદાના રાયપુરના મકાનમાં રહેતા હતા. અને અત્યારે પણ તેઓ નિવૃત્તિપરાયણ થઈને ઘણો વખત અમદાવાદમાં જ રહે છે. આ વખતે માંગરોળનિવાસી નાગર વૈશ્નવરાજ રા. અનંતપ્રસાદ ત્રિકમલાલ પણ ઇંગ્રેજી અભ્યાસ માટે અમદાવાદમાં રહેતા હતા. તેઓના પ્રમુખપદે બાળજ્ઞાનવર્ધક સભા સ્થાપવામાં આવી હતી. તેમાં ઘણાખરા પટણી નાગરો તથા અન્ય કોમના તેમના સ્નેહીસંબંધીઓ પણ દર શનિવારે એકઠા મળતા. વારાફરતી દરેકજણ ગમે તે વિષય ઉપર ભાષણ તૈયાર કરી લાવે અને તે ઉપર જેને યોગ્ય લાગે તે વિષે વિવેચન કરે તેવો નિયમ હોવાથી ઘણાખરા સભાસદો પોતાના વિચારો ગમે ત્યાં છુટથી દર્શાવવાને ટેવાતા હતા. રા. રંગનાથ પણ આ સભામાં આગેવાની ભર્યો ભાગ લેતા હતા. રા. અનંતપ્રસાદજીના અમદાવાદથી નિવૃત્ત થતાં આ સભાનું સુકાન પટણી ભાઈઓએ હાથ લીધું હતું અને સૌ વિદ્યાર્થી અવસ્થામાં હોવા છતાં સને ૧૮૮૦-૮૧માં બાલજ્ઞાનવર્ધક માસિક ચોપાનિયું માત્ર એક ફોરમનું (૦-૬-૦ વાર્ષિક લવાજમ અને ૦-૩-૦ પોસ્ટેજ) કાઢયું હતું. તેમાં પણ રા. રંગનાથ લેખ અને કવિતાઓ અવારનવાર લખતા હતા. તે અરસામાં આવું માસિક સૌથી પ્રથમજ હતું અને તેનાં ગ્રાહક પણ ૧૨૦૦ ઉપરાંત થયેલા હતા. પરન્તુ પાછળથી મેટ્રીકમાં મોટો ભાગ પાસ થવાથી અને ઘણા સભાસદો કૉલેજ અને ધંધે વળગવાથી તેની ઉજ્જવલ કાકિર્દિ હોવા છતાં બંધ કરવું પડ્યું હતું. આ રીતે વિદ્યાર્થી અવસ્થાથી જ રા. રંગનાથને સાહિત્ય તરફ અનુરાગ હતો.

સને ૧૮૮૨ના નવેંબર માસની મેટ્રિકની પરીક્ષામાં તેઓ પાસ થયા અને ગુજરાત કૉલેજમાં દાખલ થયા. તે વખતે હાઈસ્કુલમાં દરેક ધોરણમાં પ્રથમ ત્રણ કે ચાર છોકરાઓને સ્કૉલરશીપ મળતી તેમાં દરેક ધોરણમાં રા. રંગનાથને સ્કોલરશીપ હોયજ. કૉલેજમાં પણ તેમને બે વરસ સુધી સર લલ્લુભાઈ સામળદાસ સ્કૉલરશીપ મળી હતી. આ કૉલેજની જીંદગીમાં તેમને શેઠ શ્રી ચીનુભાઈ માધવલાલ (પાછળથી બેરોનેટ) શેઠ શ્રી મંગળદાસ ગીરધરદાસ, શેઠ શ્રી સારાભાઈ મગનભાઈ કરમચંદ, શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ તથા ર. રમણભાઈ મહીપતરામ ( પાછળથી સર ) સાથે સહાધ્યાયી તરીકે સારો સ્નેહ સંબંધ બંધાયો હતો અને તે સંબંધ ઘણાખરા સ્નેહીઓ સાથે તેમના અવસાનપર્યન્ત શુદ્ધ સ્નેહી તરીકેજ કાયમ રહ્યો હતો.

ઈંગ્રેજી રાજ્યમાં જ્યારે ગ્રેજ્યુએટોને પ્રોબેશનર તરીકે નીમી તેમને મામલતદારની ગ્રેડમાં મૂકવાનો વહિવટ દાખલ થયો ત્યારે ગાયકવાડી રાજ્યે પણ તેનું અનુકરણ કરવા માંડ્યું હતું અને ખાલસાના કેટલાક ગ્રેજ્યુએટોને તે પ્રમાણે દાખલ કર્યા હતા. રા. રંગનાથ ગાયકવાડી પ્રજા હોવાથી સને ૧૮૮૭માં બી. એ; થયા પછી તેઓને પણ રૂ. ૬૦) ના પગારથી હજાર આ. ડીપાર્ટમેંટમાં પ્રોબેશનર તરીકે લેવામાં આવ્યા હતા. નિયમ પ્રમાણે દરેક ઑફિસમાં કામ કરીને હાયર સ્ટેન્ડર્ડની પરીક્ષામાં પહેલે નંબરે ઉત્તીર્ણ થવાથી તેમને રૂ. ૧૦૦)માં વહિવટદાર નિમવામાં આવ્યા હતા. પાણીદારનું પાણી ઝળક્યા વગર રહેતું નથી તેમ રા. રંગનાથની હોંશીઆરી, ચાલાકી દરેક કામમાં ઉંડા ઉતરવાની તેમની વિવેક બુદ્ધિ અને હાથ લીધેલું કામ ખંતથી અને પ્રમાણિકપણાથી સંતેાષકારક રીતે પાર મુકવાની તેમની કાર્યદક્ષતાથી ખુદ મહારાજા સાહેબનું તેમના પ્રત્યે ધ્યાન દોરાયું હતું અને તેના પરિણામે તેમનો નોકરીનો ઘણોખરો વખત ખાસ મહત્વના કાર્યો માટે સ્પેશીઅલ ડ્યુટીમાંજ ગાળવો પડ્યો હતો.

નોકરીની આવી કસોટીની સ્થિતિ હોવા છતાં તેઓ પોતાની સાહિત્ય પ્રવૃત્તિ ભુલી ગયા નહોતા. ગુજરાતી સાહિત્યમાં કાંઈ મહત્વની કૃતિ મુકી શકાય તે માટેની પોતાના અન્તઃકરણમાં ભૂમિકા તૈયાર કરતા હતા-ઉપનિષદો વગેરે ધાર્મિક ગ્રંથોના નિરીક્ષણ સાથે તેના મનન અને નિદિધ્યાસ નથી તેઓએ સૌથી પ્રથમ મારા ધર્મ વિચાર ભાગ પહેલો એ નામનો અત્યંત મનનીય ગ્રંથ તૈયાર કર્યો પરન્તુ તે સને ૧૯૨૩ની સાલ સૂધી બહાર પાડી શકાયો નહિ અને તેજ અરસામાં રંગમાળા તથા શ્રીકૃશ્ન કીર્તનાંજલિ એ નામનું ગેય પુસ્તક બહાર પાડયું. સને ૧૯૨૭માં શ્રી કૃષ્ણ દર્શન ગ્રંથ ગદ્ય રૂપે તથા કૃશ્ન લીલામૃત બિન્દુમાળા એ કવિતા રૂપે જુદા જુદા રાગ-રાગણી-રાહ-ગજલ-લાવણી-છંદમાં બહાર પાડ્યાં. દરમ્યાન દુનિયાના પ્રચલિત સઘળા ધર્મોમાં શું શું રહસ્ય છે અને તે સઘળાનો સમન્વય શી રીતે થઈ શકે તે માટે સઘળા ધર્મોના ગ્રંથોના વિસ્તૃત વાંચન સાથે તેનો ઉંડો અભ્યાસ કરીને દુનિયાના ધર્મો તથા મારા ધર્મ વિચાર ભાગ ૨. જો એ નામનું પુસ્તક સને ૧૯૩૧માં બહાર પાડયું. બીજા લખેલા તેમના ગ્રંથો છે પરન્તુ તે હજુ અપ્રસિદ્ધ છે તે પ્રસિદ્ધ થાય ત્યારે.

નાયબ સુબાના હોદ્દા સુધી પહોંચી તેઓ પેન્શનપર નિવૃત્ત થયા છે. તેમની ધર્મ પરાયણ વૃત્તિથી તેમજ કેવળ સરળ અને પ્રમાણિક વર્તનથી શ્રી શંકરાચાર્યે તેમને સુનીતિ ભાસ્કરની ઉપાધિ આપેલી છે.

—:એમની કૃતિઓ:—

મારા ધર્મવિચાર-ભાગ પહેલો સને ૧૯૨૩
શ્રી રંગમાળા તથા શ્રીકૃશ્નકીર્તનાંજલિ સને ૧૯૨૩
શ્રીકૃશ્નલીલામૃત-બિન્દુમાળા સને ૧૯૨૭
શ્રીકૃશ્નદશન સને ૧૯૨૭
શ્રી હાટકેશ્વર મહાદેવનાં વરઘોડાનાં ગીત સને ૧૯૨૯
દુનિયાના ધર્મો તથા મારા ધર્મ વિચાર - ભાગ બીજો સને ૧૯૩૧