ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/જગજીવન કાલિદાસ પાઠક

જગજીવન કાલિદાસ પાઠક

સ્વ. જગજીવન કાલિદાસ પાઠકનો જન્મ તેમના વતન ભોળાદમાં સં.૧૯૨૮(ઈ.સ.૧૮૭૨)ના વૈશાખ સુદ ૫ના રોજ થએલો. તેમના પિતાનું નામ કાલિદાસ રાઘવજી પાઠક અને માતાનું નામ ગોદાવરીબાઈ. ન્યાતે તે પ્રશ્નોરા બ્રાહ્મણ હતા. તેમણે ભોળાદમાં પ્રાથમિક કેળવણી ગુજરાતી સાત ધોરણ સુધી લીધી હતી. ત્યારપછી રાજકોટની ટ્રેનિગ કૉલેજમાં અભ્યાસ કરી તે સીનિયર થયા હતા. તેમને રાજકોટ રાજ્યની સ્કૉલરશિપ મળતી હતી. અભ્યાસ બાદ તેમણે કેળવણીખાતાની નોકરી લીધી હતી. પહેલાં તે પોરબંદરના મહારાણાના ટ્યૂટર હતા અને પછી મુખ્ય તાલુકાસ્કૂલના હેડમાસ્તર થયા હતા. હિંદી, બંગાળી સાહિત્ય અને કાઠિયાવાડી લોકસાહિત્ય તેમના અભ્યાસના પ્રિય વિષયો હતા. પયગમ્બરોના જીવનમાં તેમને સારી પેઠે રસ હતો તેને પરિણામે તેમણે ‘મુસ્લીમ મહાત્માઓ’ પુસ્તક લખેલું. સંસ્કૃત નાટકોના અભ્યાસથી તેમણે કેટલાંક નાટકે લખેલાં તેમાંનું 'રામાયણ' તખ્તા પર પણ સફળના મેળવી શક્યું હતું. ઇતિહાસસંશોધનના રસના પરિણામરૂપે તેમણે જેઠવાઓના ઈતિહાસનું સંશોધન કરીને “મકરધ્વજવંશી મહીપમાના” પુસ્તક બહાર પાડ્યું હતું. ખેતીવાડી અને તુલનાત્મક ધર્મનો પણ તેમને ઠીક અભ્યાસ હતો. તેમનું પહેલું લગ્ન વારણા (ભાલ)માં સ્વ. ઉમયા સાથે સં.૧૯૫૮માં થએલું, જેમનાથી થએલા પુત્ર તે શ્રી શાન્તિલાલ પાઠક. બીજું લગ્ન સં.૧૯૭૨માં પાલીતાણામાં વિજયાબડેન સાથે થએલું તેમનાથી તેમને ૪ પુત્રો અને ૨ પુત્રીઓ થયાં હતાં: ચિત્તરંજન, જનકરાય, પ્રભાશંકર, હરિકૃષ્ણ; અનસૂયા અને ચંપા. સંવત૧૯૮૮ના આષાઢ સુદી ૯ને રોજ પોરબંદર હાઈસ્કૂલમાં કેળવણીનો સમારંભ હતો તેમાં ભાષણ કરતાં હૃદય બંધ પડવાથી તેમનું અવસાન થયું હતું. તેમની કૃતિઓની નામાવલિ નીચે મુજબ: (૧) ધ્રુવાભ્યુદય, (૨) વિજ્ઞાનશતક, (૩-૪) ઉપનિષદોનો ઉપદેશ ભાગ ૧-૨ (૫) નૌકાડૂબી (બંગાળીમાંથી ભાષાંતર), (૬) લાવણ્યલતા અને કામાંધ કામિની, (૭) રાણી વ્રજસુંદરી, (૮) રાયચંપક (ઐતિહાસિક નવલકથા), (૯-૧૦) વ્યવહાર નીતિદર્પણ ભાગ ૧-૨, (૧૧) બંકીમ નિબંધમાળા (બંગાળીમાંથી અનુવાદ) (૧૨) મકરધ્વજવંશી મહીપમાળા, (૧૩) બાળકોનો આનંદ, (૧૪) મુસ્લીમ મહાત્માઓ. કેટલાંક શાળાપયોગી પુસ્તકો પણ તેમણે લખેલાં, જેવાં કે સંસ્થાન પોરબંદરની સંક્ષિપ્ત ભૂગોળ, ઐતિહાસિક ચરિત્રમાળા ૩ ભાગ, પદાર્થપાઠ ૩ ભાગ, ઈત્યાદિ. તે ઉપરાંત લોકગીતો, રાસો, દુહાઓ ઈત્યાદિ તેમણે સંશેાધેલાં તે અને તેમણે પોતે લખેલાં છંદોબદ્ધ અને ગેય કાવ્યોનો સંગ્રહ અપ્રસિદ્ધ રહ્યો છે.

***