ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/છોટાલાલ ચંદ્રશંકર શાસ્ત્રી
સ્વ, છોટાલાલ ચંદ્રશંકર શાસ્ત્રીનો જન્મ ઈ.સ.૧૮૬૮માં થયો હતો. તે ન્યાતે સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ હતા. પ્રાથમિક કેળવણી લીધા બાદ માધ્યમિક કેળવણીમાં તેમણે વડોદરાની કૉલેજમાં પ્રીવિયસ સુધી અભ્યાસ કર્યો હતો. સંસ્કૃત ભાષાનું જ્ઞાન તેમણે વિશેષાંશે પોતાના પિતા પાસેથી મેળવ્યું હતું. અભ્યાસ છોડ્યા પછી તેમણે મુંબઈમાં ગોકળદાસ તેજપાળ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી લીધી હતી. ત્યારપછી તેમને સ્વ. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ પોતાના મુદ્રણાલયમાં શાસ્ત્રી તરીકે અને પ્રૂફ સંશેધનકાર તરીકે રાખ્યા હતા. અહીં તેમને કાર્યને અંગે ધાર્મિક ગ્રંથોના અભ્યાસ તથા સંશોધન માટેની સારી તક મળી હતી. સંસ્કૃતમાંથી તેમણે અનેક ગ્રંથો અનુવાદિત કર્યા હતા. અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદનું ભાષાંતર તેમણે પૂરું કર્યું હતું અને ઋગ્વેદનું ભાષાંતર અધૂરું રહ્યું હતું. તે વેદાંતી ઉપરાંત કર્મકાંડી અને શાસ્ત્રી પણ હતા. સાદું જીવન તથા ઉચ્ચ વિચારો તેમણે જીવનમાં ઉતાર્યાં હતાં. તેમણે લખેલાં અને પ્રસિદ્ધ થએલાં પુસ્તકોમાંનાં મુખ્ય નીચે મુજબ છે: “બ્રહ્મસૂત્ર-શાંકર ભાષ્ય”, “આત્મપુરાણ”, “એકાદશોપનિષદ્", "તત્ત્વાનુસંધાન”, “પતિવ્રતા સ્ત્રીઓ”, “વિવાહકૌમુદી”, “મહાશિવપુરાણુ”, “વિચારસાગર”, “કૂટસ્થાદેશ”, “સપ્તશતી", “આદિત્યહૃદય”, ઈત્યાદિ. તેમનાં પુસ્તકો મુખ્યત્વે સંસ્કૃત આદિમાંથી કરવામાં આવેલાં ભાષાંતરરૂપ છે. તા.૨૭-૮-૪૨ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું. તેમના એકના એક પુત્ર શ્રી. ચુનીલાલ તથા તેમનો પરિવાર વિદ્યમાન છે.
***