ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી

ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી

‘મસ્ત કવિ'ના નામથી ગુજરાતી સાહિત્યમાં જાણીતા આ કવિનો જન્મ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં ભાવનગર તાબે મહુવા ગામમાં સં. ૧૯૨૧ના આસો સુદિ ૩ ને શનિવાર, તા. ૨૩મી સપ્ટેમ્બર ૧૮૬૫ના રોજ થયો હતો. એમના પિતાનું નામ પ્રેમશંકર ભાણજી ત્રિવેદી અને માતાનું નામ અમૃત બહેન ધનેશ્વર ઓઝા. મહુવામાં જ અંગ્રેજી ૧લા ધોરણ સુધીની પ્રાથમિક કેળવણી લઈ તેમણે અભ્યાસ મૂકી દીધો. ફરી ચારપાંચ વર્ષે અભ્યાસની વૃત્તિ થતાં ઘેર અભ્યાસ કરી ગુજરાતી પાંચમા ધોરણની પરીક્ષા આપી પાસ થયા; પણ બાળપણથી કાવ્યનાં શ્રવણ, વાચન અને આધ્યાત્મિક જ્ઞાન માટેની પિપાસા એવી હતી કે જીવનભર બીજો કોઈ વ્યવસાય ન કરતાં તેની પાછળ જ એ રત રહ્યા હતા. એમનાં માતા અમૃતબા જૂનાં મૌખિક કાવ્યોના ભંડાર રૂપ હતાં અને ઘણું સારું ગાતાં. તેની તેમજ મહુવા કાશીવિશ્વનાથ મઠના સાહિત્યવિલાસી મહન્ત રામવનજીના ધર્મવનજીના સંસર્ગની કવિના જીવન અને કવન ઉપર ઊંડી અસર થઈ. એ ઉપરાંત નરસિંહ મહેતો, રવિદાસ આદિ ભક્ત કવિઓ, ‘પ્રવીણસાગર’નો વિખ્યાત ગ્રંથ અને કવિ નર્મદાશંકરના કાવ્યોની પણ એમના પર પ્રબળ છાપ પડી. એમનું લગ્ન બે વખત થએલું: સંવત ૧૯૩૦માં દીવાળીબાઈ સાથે અને સંવત ૧૯૪૫માં ભાગીરથીબાઈ સાથે. બંને લગ્ન ભાવનગરમાં થયાં હતાં. સંતાનોમાં સૌ. અનસૂયાબહેન અને સૌ. હીરાલક્ષ્મીબહેન એ બે પુત્રીઓમાંથી બીજાં હાલ હયાત છે. ૨૪ વર્ષની વયે અમરેલીમાં એમને સ્વ. હરિલાલ, હર્ષદરાય ધ્રુવની મુલાકાત થઈ. તેમણે વડોદરાના દીવાન મણિભાઈ જશભાઈ ઉપર ભલામણપત્ર લખી આપ્યો અને કવિએ સંભળાવેલી કવિતાઓથી ખુશ થઈ દીવાન સાહેબે તેમને કોઈ સારા લેખક પાસે આગળ અભ્યાસ તથા માર્ગદર્શન મેળવવા ભલામણ કરી, તેમજ માસિક સાડાબાર રૂપિયાની સ્કૉલરશિપ બાંધી આપી. સ્વ. હરિલાલ ધ્રુવની ભલામણથી કવિ ‘જટિલ' (જીવનરામ લક્ષ્મીરામ દવે) પાસે ભાવનગરમાં જઈને કવિ રહ્યા. છએક માસ વીત્યે હરિલાલ ધ્રુવે તેમને ૪૦ રૂપિયાના દરમાયાથી વડોદરા રાજ્યમાં જૂના શિલાલેખોની નકલ કરવા માટે રોક્યા, પણ ટૂંક સમયમાં એ કામથી કંટાળી તે છોડી દઈને ફરી તે ‘જટિલ' પાસે સાવરકુંડલા જવા નીકળ્યા. માર્ગમાં લાઠીમાં પોતાના સ્નેહી અંબાશંકર શુક્લને ત્યાં ઊતરતાં તેમની ભલામણથી કલાપીની મુલાકાત થઈ અને તે પછી કલાપી સાથેનો સંબંધ ગાઢ થતો ગયો. ઇ.સ.૧૮૯૫માં કલાપીએ ગાદીએ આવતાં જ કવિને વર્ષોસન બાંધી આપ્યું તથા તેમની ભલામણથી ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ, વડિયાના દરબાર કલાપીમિત્ર બાવાવાળાએ તથા કલાપીના જમાઈ રાજકૉટ ઠાકોર સાહેબ લાખાજીરાજે પણ તેમને વર્ષાસનો બાંધી આપ્યાં જે તેમના જીવનપર્યંત ચાલુ હતાં. આ દરમ્યાન, સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત) કૉલેજમાં અભ્યાસ કરતા તે પોતાના મોટા ભાઈ માધવજી રત્નજી ભટ્ટ (પ્રો. હરિલાલ ભટ્ટના પિતા) પાસે મહુવામાં વૅકેશન ગાળવા આવતા તેમનો પણ કવિને પરિચય થયો, અને પાછળથી ભાવનગરમાં તે એટલો ઘાડો થયો કે કલાપીનું અવસાન થતાં કવિને જે આઘાત લાગેલો તેમાં એ 'કાન્ત'ની મૈત્રીએ જ એમને સાચું આશ્વાસન આપ્યું. આ ઉપરાંત રાજકૉટ ઠાકોર સાહેબે વર્ષાસન બાંધી આપ્યા પછી કવિને વારંવાર ત્યાં જવાનું થતાં કવિ નાનાલાલ તથા બલવંતરાય ઠાકોર સાથે પણ એમને એવો જ પરિચય બંધાયો, જે એમના જીવનપર્યત કાયમ રહ્યો હતો. સંવત ૧૯૭૯ના આષાઢ સુદી ૧૫ ને શુક્રવાર તા.૨૭ મી જુલાઇ ૧૯૨૩ના રોજ રાજકૉટ મુકામે એમનું અવસાન થયું. એમના જીવનવિષયક વિશેષ માહિતી સ્વ. ‘કલાપી’એ ભાવનગરના મહારાજા ઉપર એમનો પરિચય આપતો એક પત્ર લખેલો છે તેમાં મળે છે. એક આદર્શપત્ર તરીકે ગણાતો એ પત્ર ‘કલાપીના પત્રો'માં છે. એમનું પહેલું કાવ્યપુસ્તક 'વિભાવરી સ્વપ્ન' ઈ.સ.૧૮૯૪માં બહાર પડ્યું. તે પછી ઈ.સ.૧૮૯૫માં ‘મિત્રનો વિરહ’, ઈ.સ.૧૯૦૧માં ‘સ્વરૂ૫ પુષ્પાંજલિ’ અને ઈ.સ.૧૯૧૩માં એમને વિશેષ ખ્યાત કરનાર ‘કલાપી વિરહ' બહાર પડ્યું.

***