ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/બચુભાઈ પ્રભાશંકર શુક્લ

બચુભાઈ પ્રભાશંકર શુક્લ

શ્રી. બચુભાઈ પ્રભાશંકર શુક્લનો જન્મ તેમના વતન વઢવાણ શહેરમાં તા. ૪ થી ઓકટોબર ૧૯૦૫ની સાલમાં થએલો. ન્યાતે તે બ્રાહ્મણ છે પરન્તુ જ્ઞાતિભેદને માનતા નથી. તેમણે એક બંગાળી ગ્રેજ્યુએટ અને કલાકાર શ્રીમતી મૈત્રીદેવી સાથે ૧૯૩૩માં લગ્ન કરેલું. તે કટક (ઓરીસ્સા)નાં વતની છે. તેમને એક પુત્ર થએલો છે તે ચારેક વર્ષની વયનો છે. શ્રી. બચુભાઈએ કેળવણી રખડી-રઝળીને જ લીધી છે. ચૌદ વર્ષની વયે તેમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરેલી. પછી 'સાયન્સ'નો અભ્યાસ કરવા માંડેલો. પછી તે શાંતિનિકેતનમાં અભ્યાસ માટે ગયા અને ‘વિશ્વભારતી'ના ગ્રેજ્યુએટ થયા. પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસમાં તે ભાષાશાસ્ત્ર શીખતા અને એકંદરે બારેક ભાષાઓનો અભ્યાસ કરેલો. પછી તે વધુ અભ્યામ માટે જર્મની ગયા અને ત્યાં બૉન યુનિવર્સિટીમાં જોડાયા પણ ભાઈની માંદગીને કારણે અભ્યાસ છોડીને તેમને પાછા ફરવું પડ્યું. વ્યવસાયમા પણ તેમણે શિક્ષણને જ પસદ કર્યું છે શાતિનિકેતનમાં તેમણે ત્રણ વર્ષ શિક્ષક તરીકે કામ કરેલું. હાલમાં તે વિલેપારલેની ‘પ્યુપીલ્સ ઓન સ્કૂલ'ના પ્રિન્સીપાલ છે. ભાષાશાસ્ત્ર, સગીત, નાટ્યકળા, ક્રિકેટ, ટેનિસ ઈત્યાદિ અનેક વિષયોમાં તે રુચિ ધરાવે છે, પરન્તુ તેમની વિશેષ રુચિ બાળકોના શિક્ષણમાં અને ગીતો તથા નાટકોના લેખનમાં છે. કવિવર રવીંદ્રનાથ ટાગોરના જીવન તથા સાહિત્યની તેમના ઉપર વિશેષ અસર છે. તેમની પ્રથમ સાહિત્યકૃતિ ૧૯૩૪માં ‘શુકશિક્ષા’ (નાટક) બહાર પડેલી. એ નાટક કવિવર ટાગોરની ‘તોતાકાહિની' નામની વાર્તા ઉપરથી લખાયલું છે ‘મંડૂક-કુંડ’, ‘સ્વર્ગ અને મર્ત્ય' તથા ‘દેવયાની' (સગીત) એટલાં નાટકો તેમણે રચી પ્રસિદ્ધ કર્યાં છે. તે ઉપરાંત ‘અધૂરું સ્વપ્ન' એ તેમની નવલકથા અને ‘ભાષાવિજ્ઞાન-પ્રવેશિકા' (ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ)એ તેમનું ભાષાવિજ્ઞાનવિષયક પુસ્તક પ્રસિદ્ધ થયું છે. બીજા પણ કેટલાક અનુવાદો તેમણે કરેલા છે.

***