ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/બહેરામજી મલબારી

બહેરામજી મલબારી

સ્વ. બહેરામજી મલબારીનો જન્મ ઈ.સ.૧૮૫૩માં વડોદરામાં થયો હતો. કુટુંબમાં ખટરાગને કારણે તેમનાં માતા વડોદરેથી સુરતમાં આવી વસ્યાં હતાં ત્યારે બહેરામજી બે વર્ષની વયના હતા. સુરતમાં બહેરામજી કુસંગમાં પડી ગયા. બાર વર્ષની વયે માતાનું મૃત્યુ થતાં તેમની આંખો ઉઘડી ગઈ અને તેમણે બધાં દુર્વ્યસનોનો ત્યાગ કર્યો. જ્ઞાન મેળવવાની ઝંખના થતાં સુરતની મિશન સ્કૂલમાં તે દાખલ થયા. ત્યાં તેમણે મેટ્રિક સુધી અભ્યાસ કર્યો પરન્તુ ગણિતમાં નાપાસ થવાથી આગળ અભ્યાસ મુલ્તવી રાખવો પડ્યો. તેમનું વલણ સાહિત્ય તરફ વિશેષ હતું. શેક્સપિયર, મિલ્ટન, વર્ડ્ઝ વર્થ, સ્પેન્સર આદિ કવિઓનો તેમણે ખૂબ અભ્યાસ કર્યો. પોતે કવિ હતા અને અંગ્રેજી સાહિત્યના અભ્યાસ પછી તે અંગ્રેજી-ગુજરાતી બેઉ ભાષામાં કવિતાઓ રચવા લાગ્યા. ડૉ. વિલ્સને તેમની શક્તિ જોઈને સર કાવસજી જહાંગીરને ભલામણ કરી ‘ટાઈમ્સ ઑફ ઇંડિયન’ના તે વખતના તંત્રી મિ. માર્ટિન વૂડના હાથ નીચે નોકરીમાં રખાવ્યા. સામાજિક અને રાજકીય સુધારણા વિષેના તેમના લેખો શિક્ષિત વર્ગમાં હોંશભેર વંચાતા હતા. ઈ.સ.૧૮૭૫માં મિત્રોની સહાયથી તેમણે ‘ઈંડિયન સ્પેકટેટર' નામનું અંગ્રેજી સાપ્તાહિક શરુ કર્યું હતું. ઈ.સ.૧૮૭૮માં મિ. માર્ટિન વૂડ ‘ટાઇમ્સ ઑફ ઈન્ડિયા'માંથી છૂટા થતાં તેમની મદદથી ‘ગુજરાત અને ગુજરાતી' નામનું બીજું પત્ર તેમણે શરુ કરેલું. ૧૮૮૩માં દાદાભાઈ નવરોજીના આશ્રય હેઠળ ‘વૉઈસ ઑફ ઇંડિયા' પત્ર શરુ થયું તેના મુખ્ય લેખક તરીકે પહેલેથી શ્રી. મલબારી રહ્યા હતા. સ્ત્રીશિક્ષણ, વિધવાવિવાહનો પ્રચાર અને સેવાસદનની સ્થાપના એ બધું કેટલેક અંશે એમના શ્રમને આભારી છે. તેમની ગુજરાતી કવિતાઓ સાદી, સરલ અને બોધક હતી. ઈંગ્લાંડની મુસાફરી તેમણે ત્રણ વખત કરેલી. ‘ઈંડિયન આઈ ઑન ઈંગ્લીશ લાઈફ' નામનું તેમનું પુસ્તક ઇંગ્લાંડની લોકસ્થિતિના દર્શનને આધારે તેમણે લખેલું જે ખૂબ વખણાયેલું. છેલ્લે તેમણે ‘ઈસ્ટ ઍન્ડ વેસ્ટ' નામનું પ્રખ્યાત માસિક પત્ર શરુ કરેલું પરંતુ તેની લાંબી કારકીર્દી તે જોઈ શક્યા નહિ અને તા.૧૧-૭-૧૯૧૨ના રોજ સીમલામાં અવસાન પામ્યા.

***