ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/વિશ્વનાથ સદારામ પાઠક

વિશ્વનાથ સદારામ પાઠક

સ્વ. વિશ્વનાથ સદારામ પાઠકનો જન્મ ઈ.સ.૧૮૫૫માં ધોળકા તાલુકામાં આવેલા ભોળાદમાં થયો હતો. તેમના પિતાનું નામ સદારામ કાશીરામ પાઠક અને માતાનું નામ કરસનબા. તે પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ હતા. નાનપણમાં માતાનું અવસાન થવાથી તે ભાવનગરમાં પોતાના મોસાળમાં ઊછર્યાં હતા. તેમના પિતા સદારામ પાઠક નિ:સ્પૃહી અને સાદું જીવન ગાળનારા હતા. તે નમાયાં બાળકોને બે-ચાર વરસ ઊછેરી, મોસાળ મોકલીને યાત્રાએ ચાલ્યા ગયાં હતા અને ગોકુળ-મથુરામાં તેમણે દેહ છોડ્યો હતો. વિશ્વનાથ પાઠકે પ્રાથમિક કેળવણી ભાવનગરમાં લીધી હતી. થોડું સંસ્કૃત અને થોડું અંગ્રેજી પણ તે શીખ્યા હતા. ૧૭ વર્ષની વયે રાજકોટની ટ્રેનિંગ કૉલેજમાં દાખલ થઈ બે વરસ ત્યાં અભ્યાસ કરી સીથા (કાઠિયાવાડ)માં તેમણે મહેતાજીની નોકરી લીધી હતી. બે વરસ ત્યાં નોકરી કરીને અમદાવાદની ટ્રેનિંગ કૉલેજમાં એક વર્ષ ભણી તે સિનિયર થયા હતા અને સીથાથી રાજકોટના તાલુકા સ્કુલ મારતર તરીકે તેમની બદલી થઈ હતી. ત્યાં ઉપરી સાથે અણબનાવ થવાને કારણે ગાંફના કુંવરના ટ્યૂટર તરીકે ગયા હતા. ત્યાં તેમણે થાણદારની પરીક્ષા પાસ કરી પરન્તુ થાણદારી ન સ્વીકારતાં રાજકોટ સદર સ્કૂલના માસ્તરનું પદ સ્વીકાર્યું. ત્યાંથી તેમની બદલી રાજકોટ ટ્રેનિંગ સ્કૂલમાં થઈ જ્યાં તે ઘણાં વરસ રહ્યા. આ સમયમાં તેમને વેદાંતનો અભ્યાસ કરવાની અને ‘પંચદશી’નું ભાષાંતર કરવાની તક મળી હતી. ત્યાંથી તે ખંભાળિયા, ગોંડળ અને જેતપુરમાં કેટલાંક વર્ષ શાળાની નોકરી કરીને ૧૯૦૬માં ભાવનગરમાં આવ્યા. તેમનો અને તેમના કેટલાક મિત્રોનો વિચાર ભાવનગરમાં એક આદર્શ શિક્ષણસંસ્થા શરુ કરવાનો હતો જેમાં સદ્ગત પ્રભાશંકર પટ્ટણીએ મદદ કરવાનું સ્વીકાર્યાથી ૧૯૦૭માં તેમણે મુંબઈ ઇલાકાની જુદા જુદા પ્રકારની સરકારી તથા ખાનગી શાળાઓની તથા અનેક કેળવણીકારોની મુલાકાત લીધી અને તેમના અભિપ્રાયો લખી લીધા. આ પ્રયત્નોને પરિણામે ભાવનગરમાં શ્રી દક્ષિણામૂર્તિ ભવન સ્થપાયું. આ અભિપ્રાયોની ફાઈલનો થોડો ભાગ મળી આવ્યો છે. આ કામ માટે તેમણે બે વર્ષની રજા લીધેલી. રજાનો બાકીનો ભાગ તેમણે રાજકોટમાં ગાળીને 'ભગવદ્ગીતા'ના ભાષાંતરનો ગ્રંથ લખ્યો. એ ગ્રંથમાં તેમણે શ્લોકોના ગુજરાતી અર્થ અને શાંકર ભાષ્યના અનુવાદ ઉપરાંત બીજા પચીસેક ગ્રંથોનો રહસ્યાર્થ પણ તારવી ઊમેર્યો છે. આ કામ પૂરું કરીને તે જેતપુરમાં ગયા અને દરબાર વાજસુરવાળા પોરબંદરના એડમિનિસ્ટ્રેટર નીમાતાં તેમણે તેમને પોરબંદરના ડે. એજ્યુ. ઇન્સ્પેક્ટર નીમ્યા. ત્યાંથી ૧૯૧૬માં તે નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી તેમણે વેદાન્તનું વાચનમનન ચાલુ રાખેલું. તે ઉપરાંત તેમણે ગુજરાતી લઘુલિપિના પ્રયોગ પાછળ પુષ્કળ શ્રમ લીધેલો. નાનપણથી તેમણે દુર્લભ સંસ્કૃત ગ્રંથો લખી લેવા માંડેલા, જેમાંનો એક 'બટુક ભાસ્કર' ગ્રંથ હતો. તેમને ચિત્રો કાઢવાનો પણ શોખ હતો. દક્ષિણની મુસાફરીમાં તેમણે ત્યાંની વનસ્પતિનાં વર્ણનોમાં તેનાં પાંદડાના સુરેખ આકારો કાઢ્યા હતા. તેમને યોગનો સારો અભ્યાસ હતો. પહેલાં તે હઠયોગ કરતા, પણ પાછળથી માત્ર ધ્યાનમાં જ બેસતા. તેમને કવિતા રચવાનો શોખ હતો. ધીમે તાલબદ્ધ રીતે તે સ્વરચિત પદો ગાતા પણ ખરા. ગુરુભક્તિનાં અને યોગાનુભવનાં તેમનાં કેટલાંક પદો ‘અહિચ્છત્ર કાવ્યકલાપ'માં સંગ્રહાયાં છે. ઈ.સ.૧૯૧૮માં તેમણે સંન્યાસ લીધો હતો અને ચાણોદ કાશી વગેરે સ્થળે રહ્યા હતા. ૧૯૨૩માં તે દિલ્હી ગએલા ત્યાં તેમનો દેહ પડ્યો. વિશ્વનાથ પાઠકનું લગ્ન આશરે ૩૦ વર્ષની વયે ગાણોલ (તા. ધોળકા)માં થએલું. તેમનાં પત્નીનું નામ આદિતબાઈ તેમને પાંચ સંતાનો થયાં હતાં તેમાંનાં સવિતા બહેન ૧૮ વર્ષની વયે અવસાન પામેલાં. બાકીના ચાર પુત્ર વિદ્યમાન છે. શ્રી. રામનારાયણ પાઠક અધ્યાપક અને લેખક, શ્રી. ગજાનન પાઠક સ્થપિત અને કલાવિવેચક, શ્રી. નાનુભાઈ પાઠક સિવિલ ગાર્મેન્ટ કટર અને એ વિષયના લેખક અને શ્રી. પ્રાણજીવન પાઠક મિલમાં સ્પિનિંગ ખાતાના મુખ્ય અને લેખક. તેમનાં લખેલાં પુસ્તકો નીચે મુજબ છે : “પંચદશી” (શ્રી. વિદ્યારણ્યસ્વામીપ્રણીત મૂળ શ્લોક સહિતનું ગુજરાતી ભાષાંતર, શ્રી. રામકૃષ્ણ પંડિતની ટીકાને અનુસરીને) ૧૮૯૫, “નચિકેતા કુસુમગુચ્છ” (કાઠકોપનિષદ્ની ગુજરાતી આખ્યાયિકા) ૧૯૦૮, પુષ્પદંતવિરચિત “મહિમ્ન સ્તોત્ર”નું ગુજરાતી સમશ્લોકી ભાષાંતર (મૂળ, પદ, પદાર્થ અને વિવેચન સાથે). ૧૯૦૮, “શ્રીમદ્ ભગવદ્ગીતા” (શાંકર ભાષ્ય અને અનેક ટીકાકારોના આશય સાથે) ૧૯૦૯.

***