ચંદ્રહાસ આખ્યાન/કૃતિપરિચય


કૃતિપરિચય : ચંદ્રહાસ-આખ્યાન

પ્રેમાનંદનું આ આરંભકાલીન આખ્યાન આજના વાચકોને પણ જકડી રાખનારું એની સર્જકપ્રતિભાનો પરિચય આપતું આખ્યાન છે. જન્મે રાજકુમાર છતાં, ચંદ્રહાસ નબળા ભાગ્યને લીધે શી રીતે અનાથ અને ગરીબ બની જાય છે અને સમય જતાં ભાગ્ય આગળથી પાંદડું હટતાં પાછો કેવો રાજપદ પામે છે એનું રસાળ આલેખન આ આખ્યાનમાં છે. ક્રૂર ધૃષ્ટબુદ્ધિ, અનાથ બાળ ચંદ્રહાસને અવગણે છે ત્યારે ‘આ બાળકની તું અવમાનના કરે છે, પણ એ ભવિષ્યમાં તારો જમાઈ બનશે’, એવી ગાલવ ઋષિની વાત સાંભળી ક્રોધે ભરાઈને વારંવાર તેને મારી નાખવાનાં કાવતરાં કરે છે પણ ભગવત-ભક્ત ચંદ્રહાસ કેવી રીતે ઊગરી જાય છે અને દરેક કાવતરાને અવળું પાડીને ઉચ્ચ પદ પામતો જાય છે તેનું રોચક વર્ણન છે. આખ્યાનની નાયિકા વિષયા પોતાના બુદ્ધિચાતુર્યથી ચંદ્રહાસને મોતના મુખમાં જતાં કેવી રીતે ઉગારી લે છે એનું વર્ણન પણ રોમાંચક છે. વિષયાના મુખે થયેલું ચંદ્રહાસના સૌન્દર્યનું વર્ણન પ્રેમાનંદની વર્ણનકલાનો સરસ નમૂનો છે. આખ્યાનના તેરમા કડવામાં થયેલું વાડીનું વર્ણન ચિત્રાત્મક છે. વિવિધ વનસ્પતિનાં નામની અને વિશેષતાની જાણકારી પ્રેમાનંદની બહુમુખી પ્રતિભાનો ખ્યાલ આપે છે. ‘પુષ્પભારે વનસ્પતિ તે સર્વ વળી છે વંક મરોડ’માં પવનને કારણે લચી પડતાં ફૂલછોડનું ગતિશીલ ચિત્ર, અને ‘ચાતક હંસ ને મોર કોકિલા શબ્દ કરતાં હોય’ કહીને પક્ષીઓના આનંદ ટહુકારને પણ આપણી સામે ખડાં કરી દીધાં છે. પ્રેમાનંદના વેગીલા કથનપ્રવાહમાં ભાવક તરીકે તણાવું આજે પણ આપણને ગમે છે તો એ કાળનાં શ્રોતાજનોે કેવાં એકતાન થઈને પ્રેમાનંદનાં કથન, વર્ણન, ગાયન, લય, અભિનયને માણતાં હશે! એવી રસાળ કૃતિમાં હવે પ્રવેશીએ...