ચાંદનીના હંસ/૨૫ કવિ શ્રી ઉમાશંકર જતાં...


કવિ શ્રી ઉમાશંકર જતાં...

વણ-ઝરી ગંગોત્રીનું ઉર હવે શાન્ત.
હવે માત્ર પારદર્શક સોનેરી ઝાંય.

અશરીરી શબ્દમાં, અવકાશમાં,
લાલ ટસરમાંથી ઊભો થાય આખે આખો માણસ.
ભૂખની લ્હાય, બળતાં પાણી, ધૂળિયાં મૂળ,
પહાડ અને ઝાડ રંગતો ઈશ્વર પણ અહીં જ.
સળગતા સ્વપ્નોભરી
રમ્ય આ વસુંધરા નિર્લેપ.

ને અવનિ – તલના નેત્રજળે
છાપરું થઈ છવાયેલું આકાશ
મૌન ધરી વિસ્તર્યું આકાશોમાં.
હવે માત્ર પારદર્શક સોનેરી ઝાળ.

૨૮-૧-૮૯