ચાંદનીના હંસ/૪૦ આંગળીના ટેરવે...


આંગળીના ટેરવે...


આંગળીના ટેરવે એકાદ તારો ચીંધી શકાય.
આખું આકાશ ઓછું વીંધી શકાય?
સાબુના ફીણમાં
પોલી નળી વાટે ફૂંક મારતાં ફૂટેલા સ્વપ્નો તો
ઉચ્છ્વાસથી જ પરપોટાઈને તૂટતાં રહે છે.
સવારે નદીમાં ન્હાતા છોકરાઓએ
પુલ પર મેઈલ ટ્રેનનાં પૈડાં નીચે
સૂરજને કચડાતો જોયો હતો.
લોહીનીંગળતા દિવસનો ચહેરો જોયા વગર,
મારા રાતા પડછાયે ચાલી તળિયાં બાળ્યા કરું છું.
ચોમાસે છલકાઈ ઊઠેલા ખાબોચિયા જેવા
સંબંધોની યાદમાં
જીભ ટૂંપાતી જ રહે છે.
મધરાતે બારી ખોલતાં પુલ પર જોઉં છું તો
સૂરજને બદલે કૂદતા છોકરાઓ જ દેખાય છે.
આવતી-કાલ થઈ ધસી આવનારી મેઈલ-ટ્રેનનું ચિત્ર
ખડું થાય
તે પહેલાં
નજર ફેરવી લઈ આકાશને તાક્યા કરું છું.
માત્ર તાક્યા—!
દૃઢ નિશ્ચયના પ્રતીક રૂપે વાળેલી મુઠ્ઠી ખોલી
આકાશ તો શું
એક તારા સામે પણ આંગળી ચીંધી શકતો નથી.

૧૮-૬–’૭૩