ચાંદનીના હંસ/૯ મધરાતે
મધરાતે
મધરાતના ઝાકળઝર્યા ઠંડા પ્રહર.
ચૂપકીદી.
કંસારી તમરાં થઈ ગૂંજતી ક્ષણો પણ ચૂપ;—
કશું બોલે નહીં.
ને જગત જાણે
સગર્ભાના ઉદરે સળવળતું
ઘેરુ, મખમલી, ભીનું.
ધબક્યા કરે
ભીની ઝાડીઓમાં નીતરતો
નસે નસનો લય.
ચળકતા રસ્તામાં તગતગે વણછેદી નાળ.
ને નાકે ઊભા વાહનના ટમટમીએ
ઝીણી ભીની નિષ્પલક આંખો
બધું જોયા કરે :
કાળું ઘાસ,
ઘાસલ આભ,
ત્વચાની ચાળણીમાં થઈ ચળાઈ આવતો ઝરે ઝાંખો ઉજાસ.
હથેળીકોમળ હું
ડિમ્ભની બંધ મુઠ્ઠી સમો
ટૂંટિયું વાળી
જકડાતો, સ્પર્શાતો, વીંટળાઉં મારા અંગે અંગને.
૧૪-૬-૭૭