ચાંદરણાં/સાંપ્રત


24. સાંપ્રત


  • દેવાલયમાં દેવનો લય અને પૂજારીનો ઉદય થાય એવુંય બને.
  • ક્રાંતિની મશાલ હવે ભવાઈની મશાલ થઈ ગઈ.
  • દિલ્હી હવે વાંઝિયણના ગર્ભાશય જેવું થઈ ગયું છે.
  • ડામરની સડકો આવી અને ગોરજટાણું ગયું.
  • આંગળાં રહ્યાં ને ઓકળી ગઈ.
  • પત્રકાર માટે કોઈ જ મેટર સિરિયસ નથી હોતી.
  • રામ-રહીમની રાશિ એક હોવાથી અત્યારે બંને સમદુખિયા છે.
  • દરેક સંપ્રદાય પાસે ઈશ્વરનું જૂદું સરનામું છે!
  • ઈશ્વર અનુયાયી નથી એટલે ધર્માન્તર કરનારો ઈશ્વર બદલે છે!
  • આંદોલન ગુલબંકીમાં શરૂ થાય છે અને ઝૂલણામાં શમે છે.
  • ‘અવતરણ’ વગર હવે વિદ્વત્તાનું અવતરણ થતું નથી.
  • નશાબંધી હોય તો પોલીસ ભૂખે ન મરે!
  • પડોશીઓ હવે લડતાય નથી ને વાત પણ નથી કરતા.
  • ખખડતો રૂપિયો હવે ગગડતો થઈ ગયો છે.
  • ધરમનાં ધીંગાણાં કરે તે બહારવટિયા ન કહેવાય!
  • હિસાબ કરવાનો કંટાળો આવ્યો એટલે ક્રિકેટરો બેહિસાબ કમાવા માંડ્યા.
  • ધાર્મિક સિવાયની લાગણીઓ હવે દુભાતી નથી.
  • અયોધ્યામાં હવે રામાયણ નહીં પણ મહાભારત ચાલે છે!
  • રામનું ઘર કેટલે? પોલીસ દેખાય એટલે...
  • સંપ્રદાયો કૂંડાની માટી છે, ધરતી નથી.
  • કારુણ્ય એ છે કે વિદૂષકો લોકનાયક બની બેઠા છે.
  • ઈસુની દસ આજ્ઞા કરતાં અમેરિકાની એક આજ્ઞાની કિંમત વધારે છે.
  • લોકશાહીમાં કીડી પણ વાઘનું મોઢું સૂંઘી શકે છે!
  • આપણે વિચારવાની નહીં, બોલવાની સ્વતંત્રતા ભોગવીએ છીએ.
  • શરણે નથી જતો તે દુશ્મન કહેવાય છે!
  • એવું લાગે છે કે ફરિશ્તાનું મોઢું જોવા મારે મરવું પડશે!
  • નાખી દેવાની કિંમતે નૈતિક મૂલ્યો કાઢી નાખવાનાં છે, અરજી કરો.
  • માણસ માંદગીમાંથી ઊઠે ને ગજવું માંદગીમાં સપડાય!
  • બકરીને બહુમતી મળે તો એ પણ સિંહાસને બેસે!
  • પથરાનો પ્રવાસ અને દિશા માણસ જ નક્કી કરે છે!
  • પોલીસ ઇન્સ્પેક્ટર થઈએ તો આપણું પેટ પણ વધે!
  • અંગારા ચાંપવાનું મન થાય એવાને પૈસા ચાંપવા પડે છે!
  • સૌથી વધારે ગીચ વસ્તી રાહતકેન્દ્રોમાં હોય છે.
  • અંગ્રેજી એ ધમકી આપવાની ભાષા છે.
  • પ્રતિભાને પણ હવે લોકપ્રિયતાના બજારમાં બેસવું પડે છે!
  • ભગવો રંગ ત્યાગનો હતો, પણ હવે રાગનો થઈ ગયો!
  • રોટી ખાય તે બાવો, માલપૂડા ખાય તે મહંત!
  • લાંચ ખાવામાં કોઈ ડાયેટિંગ કરતું નથી.
  • સેક્યૂલર – યાત્રા પણ મંદિરેથી નીકળે!
  • બધા સરકારી ખાતાં ખાતા હોય છે.
  • પૈડાના રવે પગરવને ચગદી નાખ્યો છે.