ચાંદરણાં/તાપીનું પૂર
Jump to navigation
Jump to search
23. તાપીનું પૂર
- તાપી તો માડી છે એટલે રેલનાં નુક્સાન ‘માડીજાયા’ છે!
- પદચિહ્નોને બદલે પ્રવાહચિહ્નો જોયા કરો!
- રેલના પાણીને પગ આવે, વરસાદના પાણીને પાંખ!
- તાપીનું પાણી ‘પ્રવેશબંધ’ વાંચવા જેટલું ગુજરાતી પણ નથી જાણતું!
- રેલનાં પાણી માટે કોઈ લક્ષ્મણરેખા નથી હોતી.
- રેલ જોવા કોઈને ટિકિટ ખરીદવી નથી પડતી!
- રેલમાં પેટ લિમિટેડ થાળીને બદલે ફૂડપૅકેટ માંગે છે.
- રખડુ ધૂળ રેલમાં ઘર માંડીને બેસે છે!
- હોડીને શહેરમાં ફરવાનું મન થયું ને તાપીએ ઇચ્છા પૂરી કરી!
- બંબાવાળા પાણી છાંટેય ખરા અને ઉલેચે પણ ખરા!
- આફતને મોઢામોઢ થવાનો ઉમળકો આવ્યો, તાપીએ પૂરો કર્યો.
- પડી રહેલી વસ્તુઓ, તાપીના પૂર પછી ખપી જાય છે.
- તાપીનાં પાણી સરકાર અને કૉર્પોરેશન બેઉનું પાણી માપી ગયાં!
- તાપી જેવું પાણી બતાવો તો માનીએ કે ‘પાણીદાર’ છો!
- જળમાં માછલી નહીં, સૂરતી તરસ્યો.
- નળમાં ટીપું નહીં, પણ શેરીઓમાં રેલમછેલમ્!
- મદમાં મહાલનારાઓ પણ મદદ માગતા હતા.
- પાણી બેઠું તો જમીન કહે હું યે બેસું!
- તાજિયા હોત તો ઘેર બેઠાં જ ટાઢા થઈ ગયા હોત!
- રેલનું પાણી ગણપતિને બેઠા હતા ત્યાં જ ડુબાડવા આવ્યું!
- પાણી કહે છે કે પગ અને પૈડાં વિના પણ ગતિ હોય છે.
- પાણીનું સરનામું આખો પ્રદેશ થઈ ગયો!
- યાત્રા કરતી તાપી જાણે સહેલગાહે નીકળી!
- તાપી પાણીની સાથે રજાઓની મજા પણ લેતી આવે!
- જીવનમરણ વચ્ચે ઝોલાં ખાવાને બદલે પાણીમાં ડોલવાનું આવ્યું!
- બેન, માડી! એટલાં ભરપૂર ન થઈએ કે બીજા બરબાદ થઈ જાય!
- ઓટલા જ ઓવારા થઈ ગયા!
- માણસ, પાણીની જેમ ગમે ત્યાંથી રસ્તો નથી કાઢી શકતો.