ચારણી સાહિત્ય/11.લોકહૈયાનાં ભાવ અને ભાષા


11.લોકહૈયાનાં ભાવ અને ભાષા

લોકસાહિત્ય એટલે લોકનાં હૈયાંની વાત. લોકહૈયાના ભાવો શું અતિસંસ્કૃત પ્રજાઓમાં કે શું જંગલી કોમોમાં — એકસરખા જ હોય છે. એ ભાવ દેશકાલથી પર રહીને પ્રજામાં એકસરખા વર્તતા હોય છે. એવા કોઈ ભાવનું ઉચ્ચારણ એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં જાય છે ત્યારે ઘણી વાર એકસરખું થઈ જાય છે. એની ભાષા આપોઆપ એકસરખી ઊતરી આવે છે. એનું ભાષાસામ્ય એટલું બધું હોય છે કે એ સાહિત્ય મૂળ કઈ ભાષામાં હશે અને પછી કઈ ભાષાએ ઝીલ્યું હશે એ પણ પારખવું મુશ્કેલ પડે. આ રીતે કાઠિયાવાડ અને રજપૂતાનાને ઘણા સમયથી સાહિત્ય-સંબંધ બંધાતો રહ્યો છે. રજપૂતાનાનાં મીરાંબાઈનાં મારવાડી ભાષામાં રચાયેલાં ભજનો ગુજરાતી ભાષામા કેવી સરળતાથી છતાં આબેહૂબ ઊતર્યાં છે! મારવાડના ચારણ-કવિઓ પણ વારંવાર કાઠિયાવાડના પ્રવાસે આવીને રજપૂતાનાની લોકવાણી અહીં મૂકી જતા અને કાઠિયાવાડી લોકવાણી પી જતા. એની સાબિતી રૂપે ‘રાજસ્થાની’ નામના રજપૂતાનાનાં પુરાતત્ત્વવિષયક ત્રૈમાસિકમાં થોડા સંવાદી દોહા અપાયા છે તે વાંચવા જેવા છે. મારવાડના મંડોરાધિપતિ નાગૌરનો વિજય કરી ઓડીટના રાવ મેઘરાજની કુંવરી સાથે પરણ્યા. નવી રાણીના હાથમાં કોઠાર સોંપાયો. કોઠારમાંથી ઘોડાંને મજબૂત બનાવવા ઘી વપરાતું એને નિરર્થક ગણીને રાણીએ ઘી બંધ કરાવ્યું. આથી એક દિવસ રાવે એને પૂછ્યું : કલહ કરે મત કામણી ઘોડાં ઘી દેતાં, આડા કદેક આવસી વાડેલી વહતાં. [હે કામિની, ઘોડાંને ઘી દેવામાં કલહ ન કર. તરવાર ચલાવવાને સમયે એ કામ આવશે.] એના જેવો જ આપણો કાઠિયાવાડી દુહો જુઓ : ઘોડાંને ઘી પાતે કામણ કર ગ્રહીએં નહિ, ચમકી દી ચડ્યે પારકાં પોતાનાં કરે. અહીં બીજી લીટીમાં આપણા કાઠિયાવાડની લૂંટધાડોની વિશિષ્ટતા ઊતરી અને કહેવાયું કે ‘દી ઊગે એ પહેલાં તો પારકી ચોરી લાવેલ મિલકતને પોતાની કરી શકાય’. રાણીએ જવાબ આપ્યો : આક વટૂકૈ પવન ભખ તુરિયાં આગલ જાય, હૂં તન પૂછું સાયબા, હિરણ કિસા ઘી ખાય. [હે પતિ, કહો હરણ કયું ઘી ખાય છે? એ તો આકડો છે અને પવન ભરખે છે. તો પણ એ ઘોડાંથી યે આગળ જાય છે.] કાઠિયાવાડમાં એ દુહો આમ ઊતર્યો : આગ બટુકે વા ભ્રખે ઘોડાં મોર્યે જાય; હું તુજ પૂછું સાયબા, હરણ કસાં ઘી ખાય? મારવાડી દુહાઓનો સંવાદ અહીં અટકે છે. આપણા દુહાઓનો સંવાદ આગળ જાય છે અને પુરુષ પત્નીને જવાબ આપે છે કે — પાખર બગતર, આદમી, ત્રણે લઇને જાય. હું તુજ પૂછું કામણી, હરણાંથી શે થાય? [હે કામિની! હરણાં કાંઈ ઘોડાં પેઠે પલાણ, બખ્તર અને આદમી એમ ત્રણ-ત્રણના ભાર માથે લઈને દોડી શકશે?] એક-બીજા દોહા સરખાવો જોઈએ. એક જ ભાવ, ભાષા જુદી, છતાં નહિ જેવા જ ફેરફારથી કેવો એકસરખો ભાવ વહ્યે જાય છે? આપણને એ મારવાડી દોહા કે કોઈ મારવાડીને આપણા દોહા સમજવામાં શી મુશ્કેલી પડે? એટલે જ લોકસાહિત્ય એ પ્રજાની વધુ નજીક છે, કારણ કે લોકહૈયાના એકસરખા ભાવને દર્શાવવા એ ભાષાને પણ એક કરી નાખે છે. એ જ અંકમાં ‘લોકસાહિત્ય’ વિભાગમાં મુકાએલો એક દુહો બોલે છે : સરવર, હંસ મનાય લૈ, નેડા થકા ચહોડ, ચ્યાં સૂં લાગ્યા ફૂટરા, ત્યાં સૂં ખૈંચ ન તોડ. આપણો દુહો આમ બોલે છે : હંસા સાયર માનવ, ઇ છે આપણી જોડ, જેથી રૂડાં લાગીએં, તેથી તાણ મ તોડ. આવા સમાનાર્થી પરપ્રાંતીય દુહા અથવા બીજાં કોઈ ગીતો મોકલવા જાણકારોને વિનંતિ છે. [‘ફૂલછાબ’, 26-1-1940]