ચારણી સાહિત્ય/12.કહેવતોમાં જનસમાજ અને ઇતિહાસ


12.કહેવતોમાં જનસમાજ અને ઇતિહાસ

ચિતળમાં ન દેવી દીકરી, શેડુભારમાં ન દેવો ઢાંઢો; અમરેલીમાં વરાવવો ન છોકરો, ભલે રિયે વાંઢો! ઉપલો દુહો વાંચીને હસતા નહિ, કે એને સામાન્ય જોડકણું ધારી લઈને આડી નજર ફેરવી જતા નહિ. સામાન્ય લાગતા આ દુહામાં જનસમાજે તે તે સ્થાનની વિશિષ્ટ પરિસ્થિતિ મૂકી દીધી છે. ઉચ્ચ વર્ગની પેઠે એને પોતાની વાત કહેવા માટે આલંકારિક ભાષામાં વાત નથી કહેવી પડતી. એ તો જેવું હૈયે આવે તેવું હોઠે બોલી નાખે છે. સાદી રીતે જ પોતાની વાત કહી દે છે. દુહાનો મર્માર્થ આમ છે : ચિતળમાં ન દેવી દીકરી — ચિતળ ગામની વાડીઓ ગામથી લગભગ ત્રણ-ચાર માઈલ દૂર છે. આથી ત્યાંની વહુવારુને એટલે દૂર ભાત દેવા જવું પડે; વાડીઓથી ચાર અને રજકાના ભારા લાવવા પડે. વજન ઊંચકીને ઘર ભેગું કરવામાં જ એનું જીવન ક્યાંથી ગાળી શકે? ત્યાંની પરિસ્થિતિના વિશિષ્ટ વર્ણન સાથે લોકોએ દીકરીના ભવિષ્ય માટેની ચિંતા અને ચોકસાઈ મૂકી દીધાં.

શેડુભારમાં ન દેવો ઢાંઢો — શેડુભારમાં બારેય માસ વાડીઓ ચાલતી હોય છે; ઉપરાંત ગામનું પાણીતળ ખોટું હોઈ વાડીઓનાં તાણ (પૈયાં) ઘણાં લાંબાં છે. બારેય માસ કોસ ખેંચવાના બોજથી બળદ બે-ત્રણ વરસમાં તો ઊતરી જાય છે. એટલે શેડુભારમાં ઢાંઢો ન દેવાનું લોકો કહે છે. ઢાંઢો : પોતાના પશુ માટે પણ લોકપ્રેમ કેવો હોય છે? જૂની ગુજરાતી બીજી ચોપડીનો ‘આરબ અને તેનો ઘોડો’વાળો પાઠ ઘણાએ વાંચ્યો હશે. ભૂખે મરવાનો સમય આવતાં આરબ ઘોડાને આપી આવ્યો, પણ ખાવું ન ભાવ્યું, રૂપિયા ફગાવી દીધા અને ઘોડો ઘેર પાછો લઈ આવ્યો. ગામડાંમાં ઘરનું ઢોર મરી જતાં સગા દીકરાના મૃત્યુ જેવો શોક પળાય, અને સગાંવહાલાં ખરખરે આવે એ તો જાણીતી વાત છે.

અમરેલીમાં વરાવવો ન છોકરો ભલે રિયે વાંઢો! અમરેલી વડોદરા રાજ્યનું ગામ. વડોદરા રાજ્યમાં ફરજિયાત શિક્ષણ હોઈ છોકરી પણ ભણેલી હોય; જ્યારે આજુબાજુના પ્રદેશમાં તો એવો કશો પ્રબંધ ન હોઈ સૌ અભણ હોય. અમરેલીમાં છોકરો પરણાવે તો ઘરમાં ભણેલ વહુ આવે, સાસુ-સસરાના પણ હિસાબ લે, કાંઈ થતાં પિયર કાગળ લખવાની ધમકી આપે અને અભણ પતિને અબૂધ જેવો ગણીને મનમાં યે ન લે. પરિણામે ઘરમાં અનેક બખેડા થાય. ભણેલી કન્યા અને અભણ છોકરો : બન્નેના લગ્નથી થતી પરિસ્થિતિનો આપણે કદી ખ્યાલ આવ્યો છે? હા, ઉચ્ચ સમાજમાં એથી ઊલટું બને છે. છોકરો ભણેલો હોય, કન્યા અભણ હોય; પરિણામે પતિ-પત્નીને કદી મેળ નથી ખાતો. અત્યારના નવજુવાનોના પોણોસો ટકા આવાં અક્ષર-કજોડાંને કારણે હેરાન થાય છે. એ કારણે તો જ્યોતિસંઘ જેવી સંસ્થાને આવા ભણેલ જુવાનોની અભણ પત્નીઓને ભણાવવાને — નવસંસ્કાર આપવા માટે — એક નવો વિભાગ જ શરૂ કરવો પડ્યો છે! આ દુહામાં ગાયકવાડ સરકારની ફરજિયાત કેળવણીનો ઉલ્લેખ હોઈ દુહો હમણાં બન્યો હોય એ સ્પષ્ટ બતાવે છે. આવાં જોડકણાં તો કદાચ આપણે ગામેગામ હશે આણંદપર પાસે આવેલું ભાડલા ગામ ઘણું ભૂતાવળું ગણાય છે; એના ગામને પાદર નીકળેલી રૂપાળી સ્ત્રીને ડાકણ વળગે, કાંઈક ભૂલચૂક થતાં મેલડી વળગે, રૂપાળા જુવાનને જિન વળગે, એવા કેટલાયે દાખલા બને છે. આથી એના વિશે કહેવાય છે કે — ભૂત ગામ ભાંડલા કે જ્યાં જુઓ ત્યાં કૂવા, બાયડી એટલી ડાકણ્યું ને ભાયડા એટલા ભૂવા!

આ જાતનાં જોડકણાં સિવાય નાની નાની કહેવતોમાં ઇતિહાસ સહિત કાઠિયાવાડનાં કેટલાંયે ગામ સંકળાઈ ગયાં છે. મોટા મેદાનનું રૂપક આપવા કે મોટો વિનાશ બતાવવા આપણે ત્યાં કહેવાય છે કે — પડ્યું છે ચિતળના પાધર જેવું અથવા કરી નાખ્યું ચિતળના પાધર જેવું. આ કહેવત શેના પરથી કહેવાય છે? અત્યારે પણ જોઈએ તો ચિતળનું પાધર તો ભારે જબરું છે; મોટા રણક્ષેત્ર જેવું અને જેવડું છે; જેમ પાણીપતના રણક્ષેત્ર પર મોટાં યુદ્ધ ખેલાયાં છે, તેમ ચિતળના પાદર પર ભાવનગર-ઠાકોર આતાભાઈ અને કાઠીઓ વચ્ચે મહાસંગ્રામ ખેલાયેલો; ભાવનગર-ઠાકોર સામે આખી કાઠ્ય લડવા આવેલી અને ભીષણ સંગ્રામ જામેલો, હજારોનો ઘાણ નીકળી ગયેલો, જેને કારણે ‘ચિતળના પાધર જેવું’ એવી આપણે ત્યાં કહેવત પડી ગઈ છે. તને લાઠીની શૂળીએ ચડાવે. — એવી ગાળ આપણે ત્યાં પ્રચલિત છે. લાઠીમાં અગાઉ સારી શૂળી થતી એને કારણે લાઠીમાં જતાં માણસ ત્યાંના હનુમાન ચોકમાં રોપેલ એ શૂળીનો લાકડાનો થાંભલો જોવા ન ચૂકતા. હવે તો ઘણું કરીને એ થાંભલો કાઢી નાખ્યો છે. એ રીતે મચ્છુકાંઠા તરફ કોઈના પર ખિજાતાં લોકો બોલી ઊઠે છે કે — મારી મારીને મિતાણે મૂકી આવીશ! એની પાછળનું હાર્દ આ છે : મોરબીના સ્વ. વાઘજી ઠાકોર કરડા રાજા ગણાતા. ચોર અને ગુનેગારો પર છાકો બેસારવા એવા માણસોને પકડી, ખૂબ મારી, મિતાણાના ગઢમાં દિવસોના દિવસો સુધી પૂરી રાખ્યા બાદ ફાંસીએ દેતા. આથી વાઘજી ઠાકોરના નામની ફૅ ફાટી ગઈ અને એ કહેવત ચાલુ થઈ ગઈ. એ રીતે વાંકાનેર આસપાસ કહેવાય છે કે — ‘બધે ગયો હોઈશ, પણ ખેરવા-કણ-કોટ નહિ ગયો હો.’ આ કહેવત પડવાનું કારણ જાણમાં નથી. ‘અઠેહી દ્વારકા’ — એ કહેવત પાછળ તો શૂરવીરાઈ અને મેમાનગીરીનો ઇતિહાસ પડ્યો છે. દ્વારકાની જાત્રાએ જતા મારવાડીઓ ચોટીલા પાસે ભીમોરામાં રાતવાસો રહેલા. ગામ દરબાર નાજા ખાચરે એમની મેમાનગતિ કર્યા બાદ પોતા પર દળકટક આવતું હોઈ ચાલ્યા જવા કહ્યું. પણ દાંતમાં એક ટંકનો કણ પડેલ પછી એટલો દાણો યે હલાલ કરવાનો ધર્મ સમજી મારવાડીઓ ન ગયા, ‘અઠેહી દ્વારકા’ કહી જંગમાં ઝુકાવ્યું, મરાયા ને એક ટંકના અન્નદાતાને વિજય અપાવ્યો અને શૂરવીરતાનું બિરદ ગાતી કહેવત કાઠિયાવાડને એક છેડેથી બીજે છેડે નીકળી ગઈ કે ‘અઠેહી દ્વારકા’. એવી જ ઇતિહાસકથા કહેતી કહેવત છે — સમે માથે સુદામડા. શત્રુનું દળ આવતું હતું, ગામ-દરબારે શત્રુ સામે એકસામટો હલ્લો કરવા આખા ગામને નોતર્યું અને જીત થાય તો ગામ દરબારનું નહિ પણ સૌ વચ્ચે સરખે ભાગે વહેંચી લેવું એવું વચન દીધું. લોકો જીત્યા, ગામ સૌ વચ્ચે એકસરખું વહેંચાયું અને તે પણ જમીનના કટકા માટે રોજ ખેલાતા જંગના એ જમાનામાં કોઈ કલ્પી પણ ન શકે એ રીતે. આથી આધુનિકોને મન સોવિયેત રશિયાની યાદ આપે તેવી કહેવત અંકિત થઈ ગઈ કે ‘સમે માથે સુદામડા’

શૂરવીરતાની આ અનેરી કથાઓ સાથે લોકોની બે રૂઢ માન્યતાઓ યાદ આવે છે. સવારના પહોરમાં જમ્યા પહેલાં આપણા લોકો ધ્રોળ અને સાયલાનું નામ નથી લેતા. જો ભૂલેચૂકે નામ લે તો તે દિવસે સુખે રોટલો ખાવા ન મળે એવી માન્યતા છે. એ ગામોનાં નામ લેવાની જરૂર પડે તો ધ્રોળને કહે છે ‘સામું ગામ’ અને સાયલાને કહે છે ‘ભગતનું ગામ’. આ નામ પાછળ આટલો બધો તિરસ્કાર અને આવી સજ્જડ માન્યતા શા કારણે? કહેવાય છે કે એ બન્ને ગામને પાદર જુદે જુદે સમયે ગામ-દરબારોના આંતરિક ઝઘડાઓને કારણે ખાખી બાવાઓ ને નાગડાઓની જમાતની કતલ થઈ ગઈ છે. ધ્રોળને પાદર તો ત્રણ-ત્રણ વખત થઈ કહેવાય છે. જામ સતો, કાઠીઓ અને બાદશાહ વચ્ચે ધ્રોળથી થોડે દૂર આવેલ મેદાન ‘ભૂચર-મોરી’માં જબરો રણજંગ ખેલાયેલો, જેમાં ધ્રોળને પાદર ઊતરેલા નાગડાની જમાત પણ કામ આવી ગયેલ એ તો ઇતિહાસપ્રસિદ્ધ વાત છે. ‘સમરાંગણ’ નવલકથામાં પણ એ વાતને ઉતારી છે. નાગડા બાવાઓનો નિર્દોષ સંહાર આપણો જનસમાજ ન સાંખી શક્યો, એને મહાપાતક ગણ્યું અને સવારના પહોરમાં એ ગામોનાં નામોને જ અપવિત્ર ગણી ન બોલવાનો પ્રતિબંધ આપોઆપ સૌના મોઢા પર મૂકી, પેઢીઓની પાસે એ મહાપાતકનો તિરસ્કાર અને પ્રાયશ્ચિત કરાવ્યાં. ઇતિહાસની રીતે જોતાં બહુ જૂના ઇતિહાસને યાદ રાખતી એક કહેવત રહી જાય છે : લંકાની લાડી ને ઘોઘાનો વર. પૂર્વ સમયમાં ઘોઘા એ કાઠિયાવાડનું ધીકતું બંદર હતું. બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા આવેલ અશોકના પૌત્ર ઘોઘા બંદરથી વહાણમાં ચડી લંકા ગયા. ત્યાંની કુંવરીને પરણ્યા, લોહીનો સંબંધ બાંધી એ વાટે ધર્મપ્રચાર આગળ ધપાવ્યો. એના પરથી એ કહેવત પડી ગઈ. એ રીતે આપણાં કંઠસ્થ લોકગીતોમાં પણ કાઠિયાવાડનાં અમુક સ્થળો અને વિભાગો સ્થાન પામી ગયાં છે : ઝીણા મોર બોલે રે લીલી નાઘેરમાં, લીલી નાઘેરમાં હરી વનરાઈમાં... આ ગીતમાં લીલાછમ નાઘેરનું સૌંદર્યવર્ણન છે, વનરાઇમાં વિશેષ વસતો મોર પણ એમાં ભુલાતો નથી. અને સાથે સાથે ‘હરી વનરાઇમાં’ આવતો ‘હરી’ શબ્દ વિચારણીય છે. ઘણા લોકો ‘હરી’ એટલે ‘પ્રભુ’ સમજે છે. ખરી રીતે હિંદીમાંથી આપણે ત્યાં ઊતરી આવેલો એ શબ્દ છે. ‘હરી’ એટલે લીલું. ‘હરાભરા’ : લીલું તાજું, ‘હરા’ એટલે પણ લીલું, તાજું. એના ઉપરથી આપણે ત્યાં એ શબ્દ લંબાઈને ‘હરિયાળી’ થઈ ગયો છે. હરિયાળી ધરતી એટલે લીલીછમ ધરતી. એક લગ્ન-ગીતમાં ગવાય છે કે જૂનેગઢથી તંબોળીડો ઊતર્યો રે. કાઠિયાવાડમાં આખામાં માત્ર જૂનાગઢ તાબાના ચોરવાડ ગામે જ નાગરવેલનાં પાન થાય છે એટલે જ કદાચ જૂનાગઢનો તંબોળીડો કહેવાયો હશે. બાકી ઘણીવાર અક્ષરપ્રાસ મેળવવા ખોટા પ્રયોગ પણ થઈ જાય છે. નવરાત્રીના ગરબા લઈ ઘેરઘેર ઘૂમતી છોકરીઓ ગાય છે કે વાંકાનેરના વાણિયા, કાંઈ શેર કંકુ તોળ જો. જામનગરનું કંકુ વખણાય છે, વાંકાનેરનું કંકુ વખણાતું નથી, જાણમાં પણ નથી. છતાં બે ‘વ’ મેળવી અક્ષરપ્રાસ મેળવવા ઉપયોગ થયો લાગે છે. વાંકાનેર નામ આવતાં પેલો દુહો તરત જ યાદ આવે : મચ્છુ કાંઠો ને મોરબી, વચમાં વાંકાનેર, પાણીહુંદા નર નીપજે, પાણીએં પાણીએં ફેર. માંડવધારના ગાળાઓમાંથી ગળતું મચ્છુ નદીનું પાણી ભારે ગણાય છે. એના પાણી પચાવનાર માણસો બહાદુર જ નીપજે એવું પાણીનું માહાત્મ્ય આમાં આલેખાયું છે. અમુક મુલકનાં માનવીનો સ્વભાવ આજુબાજુની પરિસ્થિતિને કારણે અમુક જ જાતનો ઘડાય એ દર્શાવતી લોકગીતમાં એક કડી ગવાય છે કે : દાદા તે દીકરી વઢિયારે ન દેજો જો, વઢિયારી સાસુ તે દાદા વઢકણી. વઢિયાર દેશની પરિસ્થિતિને કારણે બધી સાસુઓ વઢકણી હશે કે કોઈ એકાદ સાસુના અતિ જુલમથી અંકાઈ ગયેલી આ કડી હશે? પણ સૌને અંતે આપણા પ્રાંતેપ્રાંતની વિશિષ્ટતાઓ નોંધતો એક દુહો મૂકી લેખ પૂરો કરીએ : શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ. સોરઠમાં શિયાળે ફળફળાદી નીપજે, સમુદ્રકાંઠો હૂંફ આપે અને શરીર તંદુરસ્ત થાય. ધોમધખતા ઉનાળામાં ગુજરાતની વાડીઓ ઠંડક આપી તાપ ઉતારે; વાગડમાં ચોમાસું સમધારણ હોય જેથી ચોમાસાની ઋતુની માદકતા મળવા છતાં કાદવકીચડ બહુ ન થાય, ઘરમાં જ ભરાઈ બેસવું ન પડે. કચ્છમાં ઓછો વરસાદ, પડખે ડુંગરા, પાસે જ દરિયો; એક બીજી પરિસ્થિતિને અન્યોન્ય અસર કરતાં બધી ઋતુઓ સમધારણ વહી જાય, એટલે બારેય માસનું સ્થાન કચ્છને અપાયું લાગે છે. અંજાર આસપાસનો મુલક સોહામણો છે. એને કારણે પણ કચ્છને બારે માસનું સ્થાન અપાયું હોય તો ના નહિ. પણ ધીમે ધીમે વેરાન થતો જતો કચ્છ હવે તો રહેવો ગમે તેવો નથી. કદાચ આ દુહો કચ્છી ધરાના કોઈ પ્રેમીએ લખ્યો હોય તો યે ના નહિ. આ જ દુહો મારવાડ બાજુ આ રીતે બોલાય છે : સ્યાલે ભલો જ માલવો, ઉનાળે ગુજરાત, ચોમાસે સોરઠ ભલો, બડવો બારે માસ. જેમ આપણો દુહો આપણા પ્રાંતના પેટા વિભાગોની વિશિષ્ટતામાં વર્ણવે છે તેમ મારવાડનો એક દુહો બોલે છે કે — સીયાલે ખાટુ ભલો, ઉનાલે અજમેર, નાગાણી નિત નિત ભલો, સાવણ બીકાનેર. આ રીતે શું આપણે ત્યાં, કે શું પર પ્રાંતોમાં, દુહા, ગીત, જોડકણાં, કહેવતો કે કથનોમાં ગામ, શહેર, પ્રાંત કે દેશની વિશિષ્ટતાઓ, ઐતિહાસિક વાતો, દંતકથાઓ ઊતરી આવે છે, પ્રજા એને કંઠસ્થ કરી રાખે છે અને ચાલુ વ્યવહારમાં ઉપયોગ કરી ભાષાનું જ જાણે એક અંગ એને બનાવી દે છે. [‘ફૂલછાબ’, 23-2-1940]