zoom in zoom out toggle zoom 

< ચારણી સાહિત્ય

ચારણી સાહિત્ય/13.લોકજીભે સચવાયેલો ઇતિહાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


13.લોકજીભે સચવાયેલો ઇતિહાસ

છેલ્લા બે-ત્રણ અંકમાં ડુંગર, નદીઓ વગેરેનાં અપ્રસિદ્ધ નામ અમે મૂક્યાં હતાં. એ વાંચીને ગામેગામથી એવાં નામ અમારી પાસે આવી રહ્યાં છે. આ વખતે પણ નામો આ પાનાં પર રજૂ કરીએ છીએ. આ વખતનાં નામોમાં ઘણી વિવિધતા આવી છે. કૂવા, વાડીઓ, વાડનાં છીંડાં, વાડા, કૂતરાં, નહેરાં અને એક જ નદીના જુદા જુદા ભાગોનાં નામો આ વખતે ઉમેરાયાં છે. આ વિશિષ્ટતા એ મોકલનાર ભાઈઓની પોતાની જ છે.

મહુવા આસપાસનાં નામો સાથે તો એ સ્થાનની ટૂંકી માહિતી પણ આવી છે. એ માહિતીને અમે એકલાં નામ કરતાં વધારે મહત્ત્વની ગણીએ છીએ.

પણ આ બધાં નામો ભેગાં કરી પ્રકટ કરવા પાછળનો ઉદ્દેશ શો છે? માત્ર નવીનતા રજૂ કરવાનો ઉદ્દેશ નથી, એની પાછળની અમારી દૃષ્ટિ લોક-ઇતિહાસની છે, સંશોધનની છે.

પ્રજાનો સાચો ઇતિહાસ પ્રજાની લોકવાણીમાં, લોકસાહિત્યમાં જ પડ્યો છે. અત્યાર સુધી ઇતિહાસોના ગ્રંથોમાં જે ઇતિહાસ નોંધાયો છે એ પ્રજા-ઇતિહાસનું માત્ર ઉપરછલ્લું પ્રતિબિંબ છે. સાચો ઇતિહાસ તો પ્રજા પોતાનાં કથાનકો, કહેવતો, રાસડા, ગીત, ભજનો વગેરેમાં રચતી આવે છે. અમને રાજાઓના સાલવાર ઇતિહાસ કરતાં આ પ્રજા-ઇતિહાસમાં પ્રજાનો સાચો પ્રાણ ધબકતો લાગે છે. એથી તો આ સંસ્થા છેલ્લાં 15 વર્ષથી લોકગીતો, લોકકથાઓ, લોકવ્રતો વગેરેનું સંશોધન કરીને પ્રજા પાસે ધરતી રહી છે.

એ ક્ષેત્રમાં આ સંસ્થાએ સારી પેઠે કામ કર્યું છે, છતાંયે હજી લોકસાહિત્યનાં અને ઇતિહાસનાં ઘણાં ક્ષેત્રો બાકી રહ્યાં છે. ગામેગામના ડુંગર, ગાળા, નદીઓ, ધરા કે વાડીઓ પાછળ કેટલાય શૂરવીરો, સંતો અને દાનવીરોના ઇતિહાસ પડ્યા હશે. ગામ-પાધરના કૂવા, સીમ-વગડાનાં દેવાલયો અને ખંડેરો, તેમજ વાવ કે વડલા પાછળ પણ લોક-ઇતિહાસની વ્યક્તિનાં કથાનકો પડ્યાં હશે. પ્રજાની કહેવતો, નાનાં ઉખાણાં કે ભજનો પાછળ પ્રજામાનસનું સાચું તત્ત્વ પડ્યું હશે.

આ બધાંનો ઇતિહાસ ધીમે ધીમે પ્રજાજીભેથી ભૂંસાતો જાય છે. હજી એના જાણકારો ગામડાં વચ્ચે પડ્યા હશે, પણ જો થોડો સમય વીતી જશે તો એ જાણકારો પણ વિલાઈ જવાના અને સાથે સાથે એમની જીભે સચવાઈ રહેલો ઇતિહાસ પણ હંમેશ માટે અલોપ થવાનો.

હજીયે આ બધો ઇતિહાસ સંગ્રહી લેવાનો સમય છે. એ માટે અમે આ અંકથી ‘ફૂલછાબ’ સંશોધન વિભાગ નામનો નવો જ વિભાગ શરૂ કરીએ છીએ. એ વિભાગનું કામ કાઠિયાવાડનો લુપ્ત થતો લોક-ઇતિહાસ ભેગો કરી કરી, પ્રજા પાસે ધરવાનું રહેશે. ડુંગર વગેરેનાં નામ માગતી વખતે પ્રજાએ અમને કેવો સારો જવાબ આપ્યો છે તે અમે જાણીએ છીએ. સૌરાષ્ટ્રની પ્રજાને લગતા આવા પ્રશ્નો માહિતીઓ જ્યારે જ્યારે અમે માગી છે ત્યારે ત્યારે અમને કાઠિયાવાડનાં દૂરદૂરને ગામડેથી, માંડ લખી શકતા એવા માણસો પાસેથી પણ એવી માહિતીઓ હોંશપૂર્વક લખાઈને મળતી રહી છે. એ વિશ્વાસે અમે આ નવો વિભાગ શરૂ કરીએ છીએ.

આ નવો વિભાગ શહેરે શહેર અને ગામડે ગામડાંનો આકર્ષક વિભાગ બની રહેશે. કારણ કે એ વિભાગ આખા પ્રજામાનસનો પડઘો જ બનવાનો છે. ગામડાંના અભણથી માંડીને શહેરના શિક્ષિત સુધી સૌ એમાં ભાગ લઈ શકશે અને લોક-ઇતિહાસ-સંશોધનના આ કાર્યમાં સૌ પોતાનો ફાળો આપી શકશે.

હિંદના પ્રાંતેપ્રાંતમાં સંશોધનો ચાલે છે. બંગાળ, મારવાડ, ગુજરાત વગેરે પ્રાંતોનાં સાક્ષરો શિલાલેખ, સિક્કા વગેરેનું સંશોધન કરી પુરાતત્ત્વ સંશોધન કરી રહ્યા છે. એ સંશોધન શાસ્ત્રીય હશે. આપણું ક્ષેત્ર પ્રજાના લોક-ઇતિહાસને ભેગું કરવાનું રહેશે. એ પ્રાંતોનાં સંશોધનો વધારે વિદ્વદ્ભોગ્ય અને શાસ્ત્રીય કક્ષાનાં હોઈ અમુક વિદ્વાનો જ એમાં ભાગ લઈ શકે છે. એમણે પોતાનું ક્ષેત્ર લોકસાહિત્ય સુધી વિસ્તાર્યું છે ખરું પણ અખબારોની મદદ વગર સામાન્ય જનસમૂહ એમાં ભાગ અને રસ લઈ શકતો નથી. આપણે તો લોકસાહિત્ય ને સંશોધનના કામમાં લગાડવા ‘ફૂલછાબ’ જેવું માધ્યમ છે. તેનો લાભ કાં ન ઉઠાવીએ?

આ સંશોધનમાં ગામડાંના લોકો પોતાની કહેવતો અને કથાનકો મોકલી શકે, ડુંગર, ગાળા, ધરા, કૂવા, વાવ વગરેનાં નામ પાછળની ટૂંકી માહિતી મોકલી શકે.

દરેક ગામનો ઇતિહાસ એ ગામના શિક્ષક સરસ રીતે મેળવીને લખી મોકલી શકે. અમે માનીએ છીએ કે શિક્ષકો ગામડાંનાં સંસ્કૃતિ-કેન્દ્રો છે. તેઓ ધારે તો ગામ વસ્યું ત્યારથી અત્યારથી સુધીનો ઇતિહાસ મેળવીને સુંદર રીતે લખી શકે.

ગામડામાંથી કેળવણી પામી હાઈસ્કૂલ-કૉલેજ સુધી પહોંચેલા વિદ્યાર્થીઓ પોતાના વતનનો ઇતિહાસ મોકલી શકે. શાસ્ત્રીય ઇતિહાસ ને સંશોધનના રસિયા હોય, પુરાતન અવશેષો અને શિલ્પના જાણકાર હોય તેઓ પણ એવાં શાસ્ત્રીય સંશોધનનાં પોતાનાં અનુમાનો-અનુભવો લખી મોકલી શકે.

સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં અત્યાર સુધીમાં ઘણા વિભાગોનું સંશોધન થઈ ગયું છે; તેમાં ભજનોનું સંશોધન કોઈએ હાથ ધર્યું નથી. ભજનો એટલે તો સાંજ પડ્યે સંસારવ્યવહારના થાકમાંથી આરામ દેતો લોકજનનો અમૃત-કૂંપો. ભજનોમાં પણ કેટલા વિભાગો? આપણે ત્યાં સંતો પણ ક્યાં જેવા તેવા ને ઓછા થયા છે? સૌ ભજનિકો, ભજનના રસિયાઓ પોતાથી શક્ય એટલાં ભજનો એકઠાં કરીને અમને મોકલાવે.

અમારી પોતાની પાસે પણ ભજનોનો સારો એવો સંગ્રહ પડ્યો છે. નવાં ભજનો મળ્યે, બધાં ભજનોનાં પાઠાન્તરો મેળવી, સરખી રીતે આખો સંગ્રહ પ્રગટ કરવાની અમે તૈયારી કરી છે : આ ભજન-સંગ્રહ કદાચ અપૂર્વ જ નીવડવાનો.

અમારા પર જે સાહિત્ય આવશે એમાંથી સંશોધન કરી કરીને દર અંકમાં સ્થાન આપતા જશું. એ વિભાગ આખા કાઠિયાવાડની પ્રજા માટે આકર્ષક, રસદાયક અને જ્ઞાનદાયક નીવડશે.

લોકકથાઓ : પ્રજાની રસવૃત્તિનો ઇતિહાસ

આજના પાના પર ભતવારિયો ડુંગર, પાડાધાર વગેરે નામ કેવી રીતે પડ્યાં એ વાંચવા જેવું છે. પ્રજાની કલ્પના પોતાની આસપાસનાં દૃશ્યોને કેવી રીતે ઘટાવે છે એ જોઈએ તો પ્રજાની રસવૃત્તિનો આપણને સહેજે ખ્યાલ આવી જાય.

લોકોએ વગડામાં લચી પડેલ લાલ ચણોઠડીનાં ઝાડ જોયાં અને ઉખાણું રચ્યું કે ‘વનવગડામાં ડોશી દાંત કાઢે’. શેરડીનો વાડ ફરતો સાંભળ્યો અને ઉખાણું નિપજાવ્યું કે ‘વનવગડામાં ભીલિયો ભાંભરે’. તદ્દન તળપદી કલ્પના છતાં એમાં રસવૃત્તિ ભારોભાર ભરી છે.

આ કલ્પનાવૃત્તિ આજુબાજુનાં સ્થળોને જુએ છે, એનાં રૂપક શોધીને એની પાછળ કથાઓ આલેખે છે. આવી કથાઓનું સામ્ય પણ આપણને ઠેરઠેર દેખાશે.

જીરા પાસે પાડા જેવા એક સરખા પથ્થરો જોઈને લોકોએ ચારણની કલ્પના ઉઠાવી અને કથાનક નીપજાવ્યું. આવી જ એક ધાર લોધીકા અને પીપળિયા ગામ વચ્ચે ઊભી છે. સરદારગઢ પાસે પણ એક ‘પાડાધાર’ ઊભી છે.

લોધીકા પાસેની પાડાધારનું કથાનક આમ બોલે છે :

દુષ્કાળથી ભૂખે ટળવળતાં પોતાનાં બાળકો માટે એક ચારણ ભેંસોનું ખાડું લઈ ભેલા ભરવાડ પાસે દૂધ માગવા ગયો. ભરવાડે તો કહ્યું : ‘મારી પાસે ભેંસો છે જ નહિ, પાડા છે પાડા બધા’ ચારણ ને એનાં છોકરાં ટળવળીને ત્યાં મરી ગયાં. એની આંતરડીના કળકળાટે ભરવાડની ભેંસો પાડા થઈ ગઈ અને એમાંથી થઈ ગયા પાણા. પેલો ભરવાડ પણ આખેઆખો પાણો થઈ ગયો; હજી યે ઊભો છે; લોધીકાને પાદર, લાકડીને ટેકે, જૂઠું બોલ્યાથી જાણે જમીન તરફ જોતો. સૌથી આગળના પાડાના નાકમાં સોનાનું કડું હતું; પાણો એટલામાં પીળો લઈ ગયો છે. લોકો એ પાડાને સીંદોર ચડાવીને પૂજે છે.

જૂઠને પ્રજાકલ્પનાએ પથ્થર સુધી ઢાળી દીધું. જૂઠનું જાણે ભયાનક રૂપ પ્રજાએ કંડારીને પોતાનાં બાળકો સમક્ષ ધરી દીધું.

આવાં દૃશ્યો પરથી રચાયેલાં કથાનકો પ્રજાની કલ્પનાવૃત્તિ કેટલી સભર છે એ બતાવે છે. એ કલ્પનાને લોકો જીવનના આદર્શો કે ભાવોમાં કેવી રીતે ભેળવી દે છે એ જોઈએ.

ચોટીલા પાસે આવી જ એક ધાર ઊભી છે. ધારનું નામ પોઠિયા ધાર છે. ઊંચી લાંબી ધાર માથે જાણે વણઝારાની પોઠ ઊભી હોય તેવો જ દેખાવ છે. પ્રજાએ એની પાછળ આવી કથા રચી છે : આ પ્રદેશની આજુબાજુ કાળો ખાચર નામના કાઠી રાજ કરતા. એક વર્ષ કાળો દુષ્કાળ પડ્યો અને પ્રજાવત્સલ રાજવી ડુંગરની ટોચ પર આવેલ ઠાંગનાથ મહાદેવ પાસે પ્રાર્થના કરતા બેઠા. મહાદેવે પ્રગટ થઈને વચન આપ્યું કે ‘પાછું જોયા વગર આગળ આગળ’ ચાલ્યો જજે, જારની વણઝાર મોકલું છું. પાછું વાળી જોઈશ નહિ’.

કાળો ખાચર અર્ધોએક ગાઉ ગયા. ખાતરી કરવા પાછું વળી જોયું. ત્યાં પાછળ વહી આવતી પોઠિયાની વણઝાર થંભી ગઈ. પોઠિયા બધા પાણા થઈ ગયા; જાર બધી ઢળી ગઈ ને એમાંથી કાંકરી થઈ ગઈ.

ઠાંગનાથથી નીકળીને હજી યે એક સરખા પાણાની એ પોઠિયાની વણજાર લાંબી લાંબી ઊભી છે અને ત્યાંની કાંકરી આબેહૂબ જારના દાણા જેવડી જ ચારે બાજુ પડી છે.

પાછું વાળી જોવું એટલે અવિશ્વાસ, અશ્રદ્ધા. અશ્રદ્ધાથી કોઈ કામ ન ફળે એ સાદો છતાં અદ્ભુત જીવનસિદ્ધાંત લોકોએ આમ હળવેકથી આ પોઠિયાની કલ્પના પાછળ ઊભો કરી દીધો. આવી અશ્રદ્ધાના પ્રમાણરૂપ આપણે ત્યાં ઘણા દાખલા ટંકાયા છે.

કુંડલામાં સુમેસર કોટીલો રાજ કરતો હતો. એના સમયમાં દુષ્કાળ પડ્યો, પ્રજા ‘પાણી પાણી’ પોકારવા લાગી. સુમેસર કોટીલો પાસેના જંગલમાં ખોડિયાર માતા પાસે જઈ ધા નાખતો બોલ્યો : ‘માડી, કાં મારો ભોગ લે, કાં વસતીને પાણી આપ’. ખોડિયારે પ્રગટ થઈ વરદાન દીધું : ‘જા બેટા! તારો ઘોડો આગળ દોરવ્યે જા. ઘોડાને ડાબલે ડાબલે પાણી ખળકતાં આવશે. પાછું વળી જોઈશ મા.’

એકાદ ગાઉ ગયા પછી શંકા થતાં સુમેસર કોટીલે પાછું વળી જોયું. પાણીનાં વહ્યે આવતાં નીર થંભી ગયાં, એક જ ગાઉમાં એનું વહેન અટકી ગયું. હજીયે કુંડલાને પાદર નાવલીનું વહેન એકાદ ગાઉમાં જ વહે છે. પણ બારેય માસ એ સેંજળ વહે છે.

અવિશ્વાસની કલ્પના તો ઠેઠ ઢાંક ગામને (પ્રેહપાટણ નગરીને) પાધર પણ પથ્થર થઈને ઊભી છે. ધૂંધળીનાથ સમાધિમાં બેઠેલ ત્યારે ચેલા સિદ્ધનાથને આખી નગરીમાંથી એક કુંભારણે જ સીધું આપેલ. સમાધિમાંથી ઊઠીને એ વાત જાણતાં ધૂંધળીનાથે ‘દટ્ટણ સો પટ્ટણ’નો શાપ દીધો. સિદ્ધનાથે પોતા પર ઉપકાર કરનાર કુંભારણને ચેતાવીને ગામ બહાર કાઢી. કહ્યું કે : ‘ગામ બહાર નીકળી જા, પાછું વાળી જોઈશ નહિ.’

કુંભારણ છોકરાં સહિત બહાર તો નીકળી ગઈ, પણ સીમાડે જતાં પ્રલયની ચીસો સાંભળી; પાછું વાળી જોયું તો કુંભારણ ને એનાં છોકરાં પાણકા થઈ ગયાં.

આ અવિશ્વાસની કલ્પના તો ઠેઠ યુરોપી સાહિત્યમાં પણ આપણી જેમ જ આલેખાઈ છે, જુવાન ઑર્ફીઅસની પત્નીનું મરણ થયું. પત્ની વિના ઝૂરતો ઓર્ફીઅસ અદ્ભુત સિતાર બજાવતો ઠેઠ યમલોકમાં યમરાજ પાસે પહોંચ્યો, સંગીતથી યમરાજને રીઝવ્યા અને પોતાની પત્ની પાછી માગી. યમરાજે કહ્યું : ‘આગળ ચાલ્યો જજે, તારી પત્ની પાછળ ચાલી આવશે. પાછું વાળી જોઈશ નહિ.’

બહાર આવ્યા પછી ઓર્ફીઅસ ન રહી શક્યો, પાછું વળી જોયું તો એની પત્ની ત્યાં જ ફૂલનો ઢગલો થઈ ઢળી પડી.

અવિશ્વાસને આખા માનવસમાજે ધિક્કાર્યો છે. માનવ-હૃદયમાં વહતો એ તો સમાન લાવ. એનું નિરૂપણ પણ સમાનાર્થી રૂપકમાં જ જનસમાજથી અપાઈ ગયું.

આજના પાનામાં રજૂ થયેલ ભતવારિયા ડુંગર ઉપર ઊભેલા એક પથ્થર પરથી પણ લોકોએ એક ભતવારીની કલ્પના કંડારી. ભતવારીને માર્ગમાં છેડનારા ઘણા મળે એ કલ્પનાને સહાયમાં લઈને ભતવારી આઈ માટે પણ એ જ પ્રસંગ મૂકી દીધો. પછી તો હાથમાં લાડુની થાળી મૂકતાં ક્યાં વાર છે?

આવો જ એક પથ્થર રેશમિયા પાસે છે. નામ રેશમિયો ભેડો; એનું કથાનક, બહેન-ભાઈના ભાવ પર વહે છે.

રેશમિયો ભેડો રેશમીનો રહેવાસી. દુષ્કાળ સમયે કચ્છમાં ગયેલો. એક ચારણ બાઈએ એને ભાઈ કરી આશરો આપ્યો. દુષ્કાળ ઊતર્યે એ ચોટીલા પાછો ફર્યો.

નસીબજોગે થોડાં વર્ષ બાદ કચ્છમાં દુષ્કાળ પડ્યો; ચારણ બાઈ છોકરાં. ઢોરાં લઈને રેશમિયાને વિશ્વાસે ચોટીલા રેશમિયાને ત્યાં દુષ્કાળ વર્તવા આવી. વર્ષો વીતી ગયાં છે તેથી એ ભાઈનું નામ જાણે છે, અણસાર તો ભુલાઈ ગયો છે. ચોટીલાથી દૂર બે ગાઉ છેટે રેશમિયો ભેડો જ ઘોડા પર જતો મળ્યો. બાઈએ ભેડા વિશે પૂછ્યું. દુષ્કાળ સમયમાં ભેડાનું દિલ ચોરાયું અને ભેડો તો મરી ગયો છે એમ કહ્યું.

બાઈને તો જાણે સગો ભાઈ મરી ગયો લાગ્યો. બાઈએ કલ્પાંત આદરી મરશિયા ઉપાડ્યા. રેશમિયો ભેડો ન જીરવી શક્યો. મરશિયે મરશિયે પથ્થર થતો ગયો. બાઈ પણ ત્યાં જ માથાં પછાડીને મરી ગઈ. છોકરાં પણ ત્યાં જ ટળવળીને પોઢી ગયાં.

હજીયે રેશમિયા ભેડાને યાદ રાખવા ત્યાં એક પથ્થર ઊભો છે. લોકોએ એનું નામ જ પાડી દીધું છે રેશમિયો ભેડો. એક જ પાણો, પણ પાછળ તો આવો અદ્ભુત ભાવ વહતી લૌકિક કલ્પના.

‘ગોડી’ નદી નામ શાથી પડ્યું?

[આજે અહીં ટિમાણા પાસેની ગોડી નદીની સાદી છતાં રોમાંચક કથા રજૂ થઈ છે. અમે નદી, નાળાં, ટીંબા, વાવ વગેરેનાં નામ માગેલાં તે એની પાછળનો આવો ઇતિહાસ ઉખેળવા માટે જ હવેથી એવાં જે નામો મોકલો એની પાછળની આવી કથાઓ મોકલતા રહેશો?]

તળાજાથી વાયવ્ય ખૂણા તરફ આશરે બે ગાઉ દૂર ને શેત્રુંજીનાં કાંઠાથી ઓતરાદે એક માઈલ દૂર ટિમાણા ગામ છે. ગામની આસપાસ જૂની કથાઓને પાણારૂપે સંઘરી રાખનાર જૂના કિલ્લાના અવશેષો આમતેમ પડ્યા છે અને એ અવશેષોને આશ્વાસન દેતી ગોડી નામની નાની નદી ખળખળ કરતી વહી જાય છે.

ઘણા સમય પહેલાંની વાત છે. જ્યારે ગામને પાદર ભેરવનાં માથાં ભાંગે એવો કિલ્લો ઊભો હતો, ગામમાં દોમદોમ સાયબી હતી, ગામની આસપાસ લકૂંબઝકૂંબ વાડીઓ લેરખિયું લઈ રહી હતી; તે દિવસે ગામને પાદર આ ગોડી નદી ન હતી. શેત્રુંજીની ગળધરાની પાટમાં ગામની ભેંસો શેલારા દેતી, પણ પાટ ગામથી અર્ધો ગાઉ દૂર છેટે છેટે પડી હતી.

ગામને પાદર નદી નહિ એ ગામના ઠાકોરને મન મોટું દુઃખ હતું. સોના જેવા ગામમાં નદીવિહોણું પાદર લોઢાની મેખ જેવું લાગતું હતું. ડાયરામાં ઠાકોર ઊંડો નિસાસો નાખી જ્યારે ત્યારે બોલી ઊઠતા કે નદી વિનાનું ગામ સ્મશાન જેવું લાગે છે. ગામને પાદર નદી હોય, સવારને પો’ર પનિહારીઓ માથે બેડાં મેલીને હાર બાંધી દેતી ચાલી જતી હોય તો ગામની શોભા જોઈને અમરાપરી બે ઘડી થીજી જાય. પણ ઓ...હો! કહેતાને ઠાકોર ફરીથી નિસાસો મૂકતા અને એ નિસાસો ડાયરાના હૈયે હૈયે ફરી વળતો. એક વખત સવારને પહોર જાતજાતની ગોઠડીઓ કરતો ડાયરો વાતોના ઝી કોટા બોલાવી રહ્યો છે, ત્યાં ‘ઢીંગ...ઢીંગ...ઢીંગ’ કરી નાની ઢોલક વગાડતો એક ગોડિયો ચોરા પાસેના ચોકમાં વાંસડા ખોડવા માંડ્યો. પટાકા બોલાવતા એના જંબુરિયા સામસામા મલ્લકુસ્તીના દાવ કરવા માંડ્યા. ઢોલકનો અવાજ સાંભળી ધીમે ધીમે માણસો ભેગા થતાં ચોક ઠાંસોઠાંસ ભરાઈ ગયો. ઠાકોરનો ડાયરો અને ગામ આખાનાં માણસોને ભેળાં થયેલાં જોઈ ગોડિયે જાતજાતના ખેલ આદર્યા.

ઘડીકમાં તાળી મારી ઋતુમાં ફેરફાર કરી નાખ્યો; ઠંડા શિયાળામાં ધોમ ધખતા ઉનાળાના પ્રચંડ તડકાના આભાસ ઊભા કર્યા અને બીજી ઘડીએ એલીભર્યા અષાઢની ગડેડાટી જાણે ગગનમાં ગાજવા માંડી. કંડિયામાં હાથ નાખી ઋતુ વગરનાં ફળ બનાવ્યાં, ગોટલો વાવી આંબો ઊભો કર્યો; ઘડીકમાં તો આંબા સાથે કેરીઓ લળકી રહી. ગામ તો આખું અજાયબીમાં ગરકાવ થઈ રહ્યું છે. ડાયરો પોકારી ઊઠ્યો, ‘વાહ વાહ’.

ગોડિયાના ખેલોથી હેરત પામી ગયેલા ઠાકોરના મનમાં અચાનક વિચાર આવ્યો અને એ બોલી ઊઠ્યા : “ગોડિયા, આ બધા ખેલ તો જોયા, પણ ગામને પાદર નદી કરી દે એવી તો તારા જાદુમાં કરામત નહિ ને?”

ગોડિયે માથું નીચે નમાવી, આકાશને સલામ કરતાં કહ્યું, “અન્નદાતા, જાદુ ઈ તો દેવતાઈ મંતર છે. કરી તો બધુંયે શકે પણ ‘દો ઘડીકા દેખના રહે, ફીર ધૂળ કી ધૂળ’

દો ઘડી તો દો ઘડી, એટલો વખતે ય મારા ગામને પાદર નદી હોય અને ત્યાંથી પનિહારીઓ પાણી ભરી જતી હોય એ જોવાનું મળે તો તો આંખ્યું ઠરીને હિમ થાય ને?

ગોડિયાએ ફરી માથું નમાવ્યું, ઢીંગ... ઢીંગ... ઢોલક બજાવતાં! આકાશ સામે હાથ જોડી વિચિત્ર ભાષામાં મંત્ર જપી ડાયરાને તથા ગામનાં માણસોને ગામ-ઝાંપે આવવા જણાવ્યું. પનિહારીઓને બેડાં લઈને પાણી ભરવા નીકળવા કહ્યું.

ઠાકોરે પસાયતો મોકલી ગામ આખાની સ્ત્રીઓને બેડાં લઈ ગામઝાંપે પાણી ભરવા વાનો સાદ પડાવ્યો.

આખું ગામ હલકીને ઝાંપે આવી ઊભું. એક બાજુ આખું ગામ અને ગોડિયો ઊભો છે. બીજી બાજુ સૂરજના તેજમાં વળળક વળળક ઝબકારા મારતાં બેડાં લઈને ગામની પનિહારીઓ ઊભી છે. સામે નજર કરે ત્યાં તો રૂપાની ધારા જેવી સેંજળ નદી ચાલી જાય છે. નદીમાં ધરા ને પાટો ભરી છે. કાંઠે ચિયાનાં જૂથ ને ઝાડનાં ઝુંડ ઝૂલી રહ્યાં છે. પાણીભીના ઠંડા પવનની લેરખીઓ ગામલોકોનાં મોઢાં પર ગેલ કરવા લાગી. ‘વાહ... વાહ...’ કરતા આખા ગામ ને ઠાકોરનાં મોઢાંમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા.

પણ ઠાકોરના મનમાં આનંદ સાથે ગડમથલના ઘોડા ઘમસાણ મચાવી રહ્યા છે. મન ઘૂમરીઓ ખાઈ વિચારી રહ્યું છે કે કોઈ રીતે નદી ગામને પાદર કાયમ રહે!

ગોડિયાએ ધીમેધીમે પોતાની રમત સંકેલવા માટે મંત્રો ઉચ્ચારવા તૈયારી માંડી. રાજાએ ગોડિયાને કહ્યું : “તને જોઈએ તે માગી લે, કહે એટલો ગરાસ કાઢી આપું પણ નદી કાયમ રાખ.”

“અન્નદાતા, આ તો બાજીગરની બાજી. અમે યે નિયમના બાંધ્યા ખેલ કરતા હોઈએ છીએ. સંકેલ્યા વગર છૂટકો નહિ” કહી ગોડિયો મંત્ર જપવા માંડ્યો અચાનક રાજાના મનમાં એક વિચાર ચમકી ગયો. ઝબ... દેતાં એણે કેડે ઝૂલતી તરવાર ખેંચી અને એક જ ઝટકે ગોડિયાનું મસ્તક દડી પડ્યું. ગોડિયો મરી ગયો, મંત્ર ભણાતા અધૂરી રહીને અટકી ગયા અને તે નદી કાયમ રહી ગઈ. ગોડિયા પરથી નદીનું નામ ગોડી પડી ગયું.

દૂરનાં ગામડાંમાં પડેલા ગોડિયાના પડાવમાં આ ગોડિયાની ઓરતને ધણીના મરણના સમાચાર મળ્યા. વખત છે ને ઠાકોર પોતાના એકના એક દીકરાને પણ મરાવી નાખે એ દહેશતથી બાઈ પડાવ ઉપાડી પોતાના વતન બંગાળ તરફ નાસી છૂટી.

વતનમાં જઈ બાઇએ દીકરાને સારા મુર્શદ પાસે મૂકી ગોડિયાની બધી કળા શીખડાવતાં કાનમાં હંમેશાં મંત્ર ફૂંકવા માંડ્યા કે “બેટા, તારા બાપને એક ઠાકોરે મારી નાખ્યો છે હો! આપણી વદ્યા દેખાડવા જતાં એ લોભી રાજાએ તારા બાપને ઉડાડી દીધો છે. કોઈ ગરીબની કદુવા ન લઈશ, બેટા, પણ યાદ રાખજે કે તારા બાપને ઠાકોરે મારી નાખ્યો છે.”

ઉપલા બનાવ પર પચીસ વર્ષનો સમય પસાર થઈ ગયો છે.

નદી કાંઠેથી પાણી ભરી ચાલી જતી પનિહારીઓનાં કલ્લોલ કરતાં વૃંદ ચાલ્યાં જાય છે. એ રૂડાં દૃશ્ય નીરખીને ચોરામાં બેઠેલ વૃદ્ધ ઠાકોરની આંખોમાંથી અમી નીતરી રહ્યાં છે.

આ વખતે એક જુવાન ગોડિયે ચોરા સામે આવીને મુકામ નાખ્યો; ઢોલક બજાવવા માંડી અને ઘરા બાંધી થેઇકાર નાચ આરંભી દીધો. ઘુઘરાના ઘમકારા સાંભળી ગામેડું ભેગું થયું. ઠાકોર પણ ચોરા વચ્ચે બેઠા બેઠા ગોડિયાની રમત જોઈ રહ્યા છે.

જુવાન ગોડિયો જાતજાતની રમત રમતો જાય છે, ગામલોકોને હેરત પમાડતો જાય છે અને ફરી ફરીને ઠાકોર માથે નજર ઠેરવતો જાય છે. ઠાકોરના માથે નજર ફેરવતાં એની આંખમાં જાણે ભયાનકતાના રંગ ફરકી જાય છે.

એણે ગોટલો વાવ્યો, આંબો ઊભો કર્યો અને આંબા ઉપર પાકેલ કેરીઓ ઝૂકી રહી. રત વગરની કેરીઓ જોઈ સૌ અચંબો પામી ગયા અને એની સુગંધીથી મોંમાં પાણી છૂટવા માંડ્યા.

ગોડિયે આંબેથી કેરી ઉતારી, ડાયરામાં બેઠેલ વૃદ્ધ ઠાકોરના હાથ આપી. પોતે કહે ત્યારે જ કેરી ચીરવા જણાવ્યું. બીજી બાજુ એણે પોતાના લબાચા સંકેલવા માંડ્યા. લબાચો સંકેલી એણે ઠાકોરને કેરી કાપવા જણાવ્યું. ઠાકોરે જેવી છરીથી કેરીની ચીર પાડી કે તરત જ એનું માથું દડી પડ્યું. ચોરામાં હાહાકાર વર્તી ગયો. લોકો નજર ફેરવે ત્યાં તો જુવાન ગોડિયે મૂઠીઓ વાળી ગડગડતી દોટ મૂકી.

‘જાય...જાય...પકડો...પકડો’ના હાકલા થયા. ગોડિયા પાછળ ગામેડું દોડ્યું ત્યાં તો ગોડિયો નદી-કાંઠે ચડી ગયો અને નદીને નમસ્કાર કરતાં બોલ્યો ‘હે બેન ગોડી નદી! જો તું ખરેખર મારા બાપની બનાવેલી હો તો તારે કાંઠે ને આશરે આવી ઊભેલા તારા ભાઈની વાર કરજે’.

અને વગર ચોમાસે નદી બે કાંઠામાં ભરપૂર છલી રહી : દરિયાનાં મોજાં જેવડા પાણીના લોઢ ઊછળી ગડેડી રહ્યા. ગામેડું આ કાંઠે થંભી રહ્યું. ગોડિયો પોતાને દેશ નાસી છૂટ્યો.

ટિમાણાને પાદર હજી યે ગોડી નદી વહી રહી છે અને જીર્ણ થઈ ગયેલા કોટને પોતાના પિતા અને ભાઈ ગોડિયાની તથા ઠાકોરની નદી-ઝંખનાની કથા ખળ ખળ અવાજમાં કહેતી જાય છે.

ચાંપો વણજારો અને નિમકહલાલ કૂતરો

ચાંપા નામનો એક વણજારો અગાઉના સમયમાં કાઠિયાવાડમાં પોઠ્યું હાંકતો. ભગવાનને કરવું છે ને એક દિ’ એની પાસે નાણાં ખૂટ્યાં. પાસે રહ્યો એક સગા દીકરાની જેમ ઉછરેલ કૂતરો.

ચાંપાનું નામ તો ચોખળામાં જાણીતું, પણ પૈસા કોણ ધીરે? હાલતો હાલતો એ તળાજા પહોંચ્યો. એક શેઠ પાસે અંગઉધાર રૂપિયા માગ્યા. શેઠે એની પાસેથી કૂતરાને ઘરેણે રાખીને પૈસા ધીર્યા. ચાંપો પોઠ્યું વહોરવા હાલી નીકળ્યો. પાછળથી તળાજામાં શેઠને ત્યાં ચોરોએ ખાતર પાડ્યું. વણજારાનો ચાલાક કૂતરો જાગતો બેઠો હતો. ચોર ઘરેણાં લઈ ગામપાદરે દાટવા ગયા તેની પાછળ પાછળ છાનોમાનો એ ગયો અને ચોરે ઘરેણાં દાટી દીધાં એ પર નિશાન કરી વળી નીકળ્યો.

સવારે સૌ જાગ્યા, ખાતર પડ્યાની ખબર પડી, પગેરું કાઢવા માંડ્યા, પણ વણજારો કૂતરો આમથી તેમ દોડ્યા કરે, પૂંછડી પટપટાવ્યા કરે અને શેઠનું ધોતિયું ખેંચ્યા કરે. શેઠના ડોસાનું એ તરફ ધ્યાન જતાં એણે એ કૂતરાની પાછળ જવા કહ્યું. સૌ કૂતરા પાછળ ચાલ્યા. કૂતરો પાદરે જઈને નિશાન કરેલે ઠેકાણે ખોતરવા લાગ્યો. શેઠે ત્યાં ખોદતાં બધાં ઘરેણાં હાથ લાગ્યાં.

શેઠ પણ દિલાવર હતા. એમને તો ચાંપાને ધીરેલ પૈસા કરતાં વધારે કિંમતનાં ગયેલાં ઘરેણાં કૂતરે મેળવી દીધાં એટલે નેકશાખથી ચાંપા વણજારાને ખાતે પૈસા જમા કર્યા, કૂતરાને ઘરેણેથી છૂટો કર્યો અને કૂતરાને ગળે ‘વ્યાજ સહિત પૈસા ચૂકતે થયા છે’ એવી ચિઠ્ઠી લખી રજા આપી.

ઘણા સમયથી પોતાના માલિક પાસેથી છૂટો પડેલો કૂતરો એકદમ પોઠ્યને માર્ગે દોડ્યો, નોળીધાર પાસે આવે ત્યાં ચાંપો વણજારો પોઠ્ય લઈને સામે ચાલ્યો આવે. શેઠને જોઈ કૂતરો પૂછડી પટપટાવવા માંડ્યો.

ચાંપો વણજારો પણ પૈસા કમાઈ કૂતરો છોડાવવા ચાલ્યો આવતો હતો. પણ પૈસા ચૂકવ્યા પહેલાં કૂતરાને આવતો રહેલો જોઈ એની છાતીએ ક્રોધ ચડ્યો. દૂરથી ફિટકાર દેતો બોલ્યો : ‘ધિક્કાર, કૂતરા! તેં મારું ધાન લજાવ્યું. હું તને છોડાવવા જ આવતો હતો, પણ એટલો વખતે ય તારાથી ન ખમી શકાયું? તેં મારું નાક કપાવ્યું.’

આવાં આકરાં વેણ નિર્દોષ કૂતરો ન સાંભળી શક્યો. એ માથું પછાડીને ત્યાં ને ત્યાં જ મરી ગયો.

પોતાના વહાલા કૂતરાને દાટતાં એને ગળે બાંધેલી ચિઠ્ઠી વણજારાને હાથ ચડી; વાંચી જોઈ તો પોતાની ભૂલ સમજાણી. પોતાના વહાલા કૂતરાની યાદમાં તેણે ત્યાં એક તળાવ કરાવ્યું.

આજે યે એ મોટું તળાવ ચાંપાસર નામથી ઓળખાય છે. હવે તો એ ભાંગી ગયું છે. પણ સાજું હશે ત્યારે અડખેપડખેનાં બાર ગામનાં લોકો પાણી પી શકે તેવડો મોટો એનો વિસ્તાર છે.

ચાંપાધાર માથે ચાંપો વણજારો પાછળથી બંગલો બાંધીને એકલો રહેલો. હજી યે એ બંગલાનાં ખંડેર પડ્યાં છે.

ચાંપાધાર માથે બે-ત્રણ હજાર મણનો પથ્થર માત્ર બે-ત્રણ ઇંચ ચોરસ પથ્થરની અણી ઉપર છે. ઘણા લોકોએ પાડવા મહેનત કરી પણ પડતો નથી.

નોળિયા ધાર : આ ધાર માથે ચાંપાનો કૂતરો માથું પછાડી મરી ગયેલો.

સતીવાળી ધાર : અહીં બે સતીઓની ખાંભી માથે જૂના લેખ છે.

ટાયાટીંબી : અહીં ટાયો નામનો અછૂત ચાડિકા તરીકે બેસતો દુશ્મનની વાર સામેથી આવતાં ભાળે કે તરત પોતા પાસે રહેતો ધજાગરો ઊંચો કરી કોઠાવાળી ધારે ખબર આપતો.

કડિયાળી ધાર : આ ધાર પર એ નામનું ગામ હતું. હવે તો અવશેષ પડ્યા છે. ધાર માથે એક ભોંયરું તથા ચૂનાબંધ ઓટા ગોરા લોકોએ બંધાવેલ છે. એવો બીજો ઓટો ચાંપાધાર માથે છે.

કોઠાવાળી ધાર : આ ધાર માથે કોઠો હતો, જેમાં દારૂગોળો રાખવામાં આવતો.

[સેંદરડા (ભાવનગર) આસપાસનાં સ્થળ-નામ]

પ્રવાસ ક્યાં કરશો? ફોટા શેના ઝડપશો?

ચાંપા વણજારા અને કૂતરાની વાર્તા સ્વ. ગિજુભાઈએ પણ એમની ‘કિશોર કથાઓ’માં મૂકી છે. છતાં અહીં રજૂ કરી છે, એની પાછળ બે કારણ છે.

એક : એ વાર્તાની તથા એની અંદરના ભાવની સર્વવ્યાપકતા. જેમ આ વાત તળાજા આસપાસ થઈ કહેવાય છે તેમ વઢવાણ (અગાઉની વર્ધમાનપુરી)માં અમદાવાદના કોઈ વણજારે પોતાનો કૂતરો મૂકેલો અને આ રીતે જ કૂતરો પાછો ફરતાં અંકેવાળિયા પાસે મળતાં વણજારે ફિટકાર દીધો અને કૂતરો મરી ગયો. આથી વણજારે કૂતરાના સ્મારકમાં એક તળાવ ગળાવ્યું, જેનું નામ હજીયે ‘કૂતરિયું તળાવ’ કહેવાય છે.

આ જ રીતે આ વાર્તા બીજા કોઈ સ્થળ સાથે જોડી દેવાતી હોય તો યે ના નહિ. એની અંદરથી એક જ ધ્વનિ ઊઠે છે : વણજારા અને કૂતરાનો અન્યોન્ય પ્રેમ : છતાં યે પોતાની ટેક અને સ્વમાનનું સતત ભાન.

બીજું : આપણે ત્યાંનો પશુપ્રેમ જાણીતો છે. પણ પોતાના પ્રિય પશુ પાછળ કોઈએ સ્મારક રચ્યાં હોય એવા દાખલા આપણી જાણમાં નથી. પ્રતાપનો ચેતક ઘોડો મરી જતાં એની પાછળ સ્તૂપ ચણવામાં આવેલો છે. આપણો આવો પ્રાણીપ્રેમ છતાં આપણે ત્યાં સ્મારક નહિ રચાયાં તેનું શું કારણ હશે?

પરદેશોમાં તો આવાં સ્મારકો ઠેર ઠેર જોવા મળે. ઇંગ્લંડમાં એક કૂતરો પોતાના સ્વામીનું મૃત્યુ દરિયામાં થયા બાદ આઠ વરસ સુધી દરિયાકિનારે જતો રહ્યો. આઠ વરસે એનું મૃત્યુ થતાં પ્રજાએ એના સ્વામીપ્રેમના સંભારણામાં ત્યાં કબર ચણાવી અને એના પ્રેમની ગાથા ગાતી એક કડી પણ ટાંકી દીધી.

આપણે ત્યાં ભૂતકાળમાં આવા ઘણા દાખલા બની ગયા હશે, પણ એવી સ્મૃતિઓ ક્યાંયે રચાઈ છે?

કૂતરાના મૃત્યુ પછી ત્યાં તળાવ ગળાવવાની પાછળ પણ આપણા હિંદી માનસમાં રહેલી પરોપકારિતા જ દેખાય છે. નહિ સ્તૂપ રચ્યો, નહિ કબર ચણાવી પણ સૌ પાણી પીતું જાય અને કૂતરાને યાદ કરતું જાય એવું તળાવ જ ગળાવ્યું. ઉપરાંત, વણજારાને નિત્ય જરૂરની વસ્તુ પણ તળાવ કે પાણી. એટલે તળાવ ગળાવવા પાછળ પણ વણજારા કોમના માનસનો પડઘો પડે છે.

આપણે ત્યાં રેલ્વે થઈ એ પહેલાં આંતરપ્રાંતીય વ્યવહાર વણજારા મારફત જ ચાલતો. વણજારો એ આપણા જૂના ઇતિહાસનું એક અગત્યનું પાત્ર છે. એના પ્રવાસો, એની નેકટેક, એની બહાદુરી વિષયક અનેક લોકવાર્તાઓ આપણે ત્યાં પ્રચલિત થઈ છે. એને સળંગસૂત્ર ભેગી કરવામાં આવે તો એમાંથી વણજારો અને તેના વણજવેપારની એક સળંગ કથા હાથ લાધે.

ચાંપાધાર માથે પડેલા બે-ચાર હજાર મણના પથ્થર પ્રત્યે આપણા પ્રવાસી વિદ્યાર્થીઓ અને ફોટોગ્રાફરોનું લક્ષ્ય ખેંચવા જેવું છે. બ્રહ્મદેશમાં એક ખડક પર એક બૌદ્ધ મંદિર ચણાયેલું છે. એ મંદિર નીચેના પથ્થર સાથે જરાક જ અડી રહ્યું છે. આપણાં સામયિકોમાં એના અનેક વાર ફોટા આવી ગયા, પણ ચાંપાધાર પર ટેકાઈ રહેલા આ પથ્થર તરફ આપણું ધ્યાન કાં ન જાય? આવા અંધારખૂણા, ગાળા ને જંગલોના પ્રવાસ વિદ્યાર્થીઓ કૅમેરા લઈને ખેડતા હોય તો સાહસિકતા સાથે એમના જ્ઞાન અને કૅમેરાને નૂતન વસ્તુઓ હાથ પડે.

એમ જ સતીવાળી ધાર પર આવેલા જૂના લેખોનું. સા માટે પ્રવાસ સાથે આવા જૂના લેખોને ઉકેલતા ઉકેલતા વિદ્યાર્થીઓ પોતાના પ્રદેશના ઠેરઠેર પડેલા ઇતિહાસમાંથી પુરાતત્ત્વના રસિક વિષયમાં આગળ ન વધે?

કેવાં મજાનાં નામ છે!

મહાપુરુષોની જેમ મોટા ડુંગર-પર્વતોનાં નામ મશહૂર હોય છે, પણ બહાર ન આવેલા નાના ડુંગરનાં નામ પણ રળિયામણાં હોય છે; ઘણીવાર એ ડુંગરનો આકાર, ઘાટ કે દેખાવને ભારે બંધબેસતાં પણ હોય છે. આસપાસના પ્રદેશમાં એ જાણીતાં હોય છે, પણ એ પ્રસિદ્ધિમાં બહુ નથી આવતાં. એ ડુંગરનાં નામ પાડનાર કોણ હશે એ તો લોકગીતના મૂળ રચનારની પેઠે કદી બહાર નથી આવ્યું કે આવવાનું, પણ દરેક મોટો ડુંગર પાસે આવેલ નાની નાની ટેકરીઓનાં એ નામ ભારી મજાનાં ને રૂપકડાં હોય છે. નીચે થોડાક નમૂના આપ્યા છે.

ચોટીલા આસપાસ : સરકારિયો, સપતિયો, વીડિયો, ટાંકાવાળો, સતીયુંના ગાળાવાળો, બાવળવાળો ઢોરો.

સિહોર આસપાસ : રાણિયો, ગરિયો, મોદળ, લાંબધાર, તરપંખડો, સાત શેરીનો ડુંગર.

વાંકાનેર પાસે : ગઢિયો, ફોશીડો, સાતડિયો.

આવી રીતે ગિરનાર, બરડો, ચોટીલાનો ડુંગર, શત્રુંજય વગેરેની આસપાસના નાના ડુંગરાનાં નામ હોય છે. તે અમને કોઈ ભેગા કરીને મોકલશે તો વખતોવખત આપતા રહેશું. સાથે એ નામ શા માટે પડ્યું એનો નાનો એવો ઇતિહાસ મળી શકે તો વળી વધારે દીપશે.

આવી જ રીતે ડુંગરાની ગાળીઓ, સિંહ-દીપડાની બોડો, ઘૂના અને ધરાઓ, તળાવ અને તળાવડીઓ, નાની નદીઓ અને વોંકળાનાં નામ પણ જાણવા જેવાં હોય છે. બકરા, પાડા, સિંહ કે દીપડાનાં હુલામણાં નામ પણ બહુ આકર્ષક હોય છે. પણ એ તો ક્યારેક વાત.

થોડા સમય પહેલાં અમે નાના ડુંગર, ધરા, વાવ, વોંકળા, તળાવ, નાની નદીઓ વગેરેનાં નામ માગ્યાં હતાં. અમારી પાસે નામ આવતાં જાય છે એમાંથી થોડાંક અહીં રજૂ કર્યાં છે.

કુતિયાણા આસપાસ

નાની નદીઓ : સુકભાદર, ધુધવી, મીણસાર, કાળુદ્રી, સારણ, કમંઢ.

વોંકળા : અકારિયો, મઘરિયો, નળિયો, માંઝો, ખરેડો, રત્નાગર, માણેકિયો, સુમાર વોંકળો.

ધરા : ખારિયો, નયડ, મોરો, લડો, કોબલી, કરાર, વાંકિયો, મંગરિયો, ગમાણિયો, ગોદડિયો, કાંઠાર, ઘેડિયો, ડેડકિયો.

નાના ડુંગર : દૂધિયો, મરઘો, માધવો, મોદળિયો, આરચ, માખણિયો, ઘોઘરડો, હાંફિયો, ચેક-ચેકડી, ધૂંધળીમલનો ડુંગર, આભપરો. ધોળિયો.

ધાર : ધનકધાર, ઊભીધાર, સિંહકાદો, સાતકાદી, ચકમકધાર, બગાધાર, ગડાધાર, શંખિયો કાદો,

વાવ : રીણાવાવ, ઢોલાવાવ, કાનોકૂવો, ડોકામરડી, બોડી, છીંડી.

ટીંબા : ઊજડ ટીંબો, વાઘેલાણાનો ટીંબો.

મહુવા આસપાસ સમુદ્ર કિનારાનાં સ્થાનકો

નિકોલનું બારું : નિકોલ્સન નામના કોઈ પરદેશીના નામથી પહેલાં અહીં ફિરંગીઓની કોઠી વખતનું બંદર ચાલતું. પાસે નિકોલ નામનું ગામ પણ છે.

શિયાળનો ચોરો : દરિયાકાંઠે લાંબું અને ઊંડું એક કોતર છે. કહેવાય છે કે શિયાળ નામના ચાંચિયા સમુદ્રમાં ચોરી કરી અહીં ભાગ પાડવા બેસતા.

ધરાનાં નામ

આતાનો ધરો (ઠાકોર વખતસિંહજીના વખતનો : એમનું લોકનામ આતાભાઈ ખરું ને!)

ધોળા મામાના ધક્કાનો ધરો (અહીં જિન થતું કહેવાય છે.)

ગઢડા આસપાસ

ધરા : કાળિયો, ઢેઢિયો, ધોબીધરો, ગાંગડિયો.

કૂવા : વડિયો, ફટિયો.

જાનબાઈની દેરડી આસપાસ

ડુંગરા : ડેરડો, સાલેમાળ, ઠોઠ, પાંચટોપરો.

ધાર : મામાની ધાર, ખોડિયારની ધાર, શીતળાની ધાર, રસનાળની ધાર, વધાવી.

ધરા : વાશિયો, પાણાખાણિયો, મામાની પાટ.

નદી : ઉતાવળી, કાળુભાર.

વોંકળા : પાનિયો, સુકવો, રસનાળિયો.

વાડી-કૂવા : ફૂલવાડી, હીંફલી, ભાડિયો, ફૂલજરી, ખારૂડી, દુબકિયો, પીપળિયો, બાવાની વાડી, પાતિયાની કુઈ, સૂકવાની કૂઈ, મઢીની કૂઈ, ત્રણકોશી, બાવળિયા વાડી.

થોરની વાડનાં નામ : કંકુનું છીંડું, ભંગિયાનું છીડું, કાવાનું છીંડું.

વાડા : બોરડી વાડો, કાવાનો વાડો, આમલી વાડો, તકિયો, મઢીવાળો.

દેવગાણા આસપાસ

ડુંગર : માતાનો ડુંગર : આ ડુંગર પર ખોડિયારનું સ્થાનક છે. ભાવનગર રાજ્યનાં પૂજનીય સિહોર પાસેનાં ખોડિયાર અને આ ખોડિયાર બન્ને બહેનો મનાતાં. રાજ્યની હજી સુધી માનતા ચાલતી. હવે બંધ થઈ છે. ઉપર ઓટો બંધાવેલ છે. ડુંગરમાં સિંહનું એક કોતર પણ છે.

ધાર : આડીધાર, પડથારો, ભીલધાર, ગાંગવો, સાલરડો, કળથો.

સિહોર આસપાસ

કૂતરાનાં નામ : ઢેબર, ઝાફરિયો, ગલાશિયો, ગવળો, રોટલિયો, મડદલિયો, ગલિયો, રંગલો, ટાબરિયો.

ડુંગર : તરંશંગડો, ભૂતિયો, હડમાન ધાર, દાતારની ટેકરી, સિહોરી માતાનો ડુંગર, ચબૂતરાવાળો ઢોરો, રાફડાવાળો ઢોરો, કાળીધાર.

ખીણ : ગૌતમની ગાળી, રામનાથનો ગરબો.

નહેરાં : ધારનાથનું નહેરું, ભૂતિયું, જેરાવિયું, વાંકિયું, ભીકડાનું, બ્રહ્મકુંડનું, નાગજીભાઈનું, પીપળિયાની નાળ્ય.

એક જ નદીના જુદા જુદા ભાગોનાં નામ

ત્રણ આંબા, ઘોડાપાટ, કુંભારિયા, સરવાણી, ગંગાજળિયો, વાંકિયું, આંબાવાળું ખડકું, ધોબીઘાટ, હાથિયાપાણાનો વાંક.

રાણાવાવ આસપાસ

નદીઓ : બીલગંગા : આ નદી બીલેશ્વર ગામને પાદર છે, જ્યાં મહાદેવનું મોટું જ્યોતિર્લિંગ છે, જેને ‘બરડાના બીલનાથ’ કહે છે. આ મૂર્તિનો સ્થાપક કોઈ ભીલ હોવાનું ઇતિહાસે લખાયેલું છે. આ મંદિર પર મોગલ સૈન્ય ચડી આવ્યું ત્યારે મહાદેવના પોઠિયે મંદિરમાંથી બહાર આવી ત્રાડ મારી પોતાના મોઢામાંથી ભમરા ઉત્પન્ન કીધા, જે આખા સૈન્યને ડંખી વળ્યા અને સૈન્યનાં હથિયાર થંભી રહ્યાં. અત્યારે પણ એ પુરાણી મઢી અને એનું બારણું હેરત પમાડે તેવાં છે. સોમનાથનું મંદિર જેમ સાગરપટ્ટી શોભવે છે એમ આ બંકો બીલનાથ બરડા પર્વતમાં પડછંદા પાડી રહેલ છે.

વોંકળા : રાજપરો : કહેવાય છે કે આ વોંકળા પર રાજપર નામનું એક મોટું ગામ હતું. એ ગામને ટીંબે કેટલાયે પાળિયા અને એક પુરાણો પથ્થરનો કોઠો હજી પણ ઊભો છે. ગામ કઈ રીતે ઉજ્જડ થયું તે ખબર નથી.

વાવ : ભાણવાવ : ભતવારિયા પર્વતની ખીણમાં આવેલી છે અને રાજા ભાણ જેઠવાની ગળાવેલી છે એમ જેઠવાઓના ઇતિહાસમાં છે. (‘મારુતિવંશ મહિપમાળા’.)

વિક્યાવાવ : એ બરડામાં આવેલ પાસતર (જામનગર તાબે) ગામની બાજુમાં વિક્રમાદિત્ય નામના કોઈ રાજાએ બંધાવેલી પ્રસિદ્ધ વાવ છે.

ડુંગર : ભતવારિયો : આ ડુંગરના શિખર ઉપર વીસ ફૂટ જેવડો પથ્થરનો ખાંભો છે, જેની ટોચ પર પથ્થરની કુદરતી રીતે કંડારાયેલી છાબ અને તેમાં પથ્થરના ચાર દડા છે. લોકો એને ભતવારી આઇ કહે છે. ઓ ઘણાં માનતાએ પણ જાય છે.

એની પાછળ આવી લોકકથા છે : આ આઇ ભાણ જેઠવાની ભતવારી હતાં. એક દિવસ ભાત લઈને જતાં હતાં ત્યાં રસ્તામાં કોઈએ તેમની છેડતી કરી. ભતવારીએ પોતાનું સતીત્વ અખંડ જાળવવા પાખંડરૂપ (પાષાણરૂપ) ધારણ કરી લીધું : ત્યારથી એ ભતવારી આઇ તરીકે સ્થપાયાં અને ડુંગર ભતવારિયો કહેવાયો.

પલાણિયો, વીઢવારો, હડિયો, બાબિયો.

ધાર : નળિયાધાર, લાસીધાર, સામધાર.

ગુફા : જાંબુવંતીની ગુફા : આ સ્થળ તો ઠેઠ ભાગવતના સમયથી પ્રસિદ્ધ છે. શ્રીકૃષ્ણ (દ્વારકાના રાજા) પર સત્રાજીતનો મણિ ચોરવાનો આરોપ આવ્યો. એમણે દૈવી શક્તિથી તપાસતાં બરડાની ખીણમાં આવેલી આ ગુફામાં કોઈ બળવાન રીંછ પાસે એ મણિ હોવાની એમને ખબર પડી. આથી અહીં આવી, જાંબુવાન નામના રીંછને હરાવી, મણિ લઈને દ્વારકા ગયા અને પોતાનું કલંક ઉતાર્યું. સાથે જાંબુવંતીને પરણી આવ્યા તે વધારામાં. અત્યારે જાંબુવંતીના નામે આ ગુફા ઘણી પ્રસિદ્ધ છે, ઘણાં માણસો જોવા આવે છે, ત્યાગી સાધુઓ માટે સગવડતા ભરી છે.

જીરા (ભાવનગર) આસપાસ

[ડુંગરાનાં નામ મોકલનારા ગામડાંના લોકો પણ વર્ણન કરવામાં પાછા પડે તેમ નથી હોતા. જીરા બાજુથી મોકલેલ ડુંગર વિશેની માહિતી મોકલનારના જ શબ્દોમાં મૂકીએ છીએ.]

ડુંગર : પલાણિયો, પાનાળો, કરલિયો, ગરજ્ય ગાળો, પાડાધાર.

પલાણિયો : આ ડુંગર કુંડલાથી પૂર્વમાં છે. છેટેથી જોનારને એમ જ લાગે કે કોઈ સાંઢિયાનું જ પલાણ હશે.

પાનાળો : ખાંભા તાબાના ઇંગોરાળા ગામની પશ્ચિમ દિશામાં એ આવેલો છે. ચોમાસામાં ઘોર વાદળાં જામ્યાં હોય, વરસાદ વરસતો ન હોય, એવે ટાણે વાદળાંને ચીરવાં હોય એટલા માટે ભગવાને જાણે ભાલું કેમ ઊભું રાખ્યું હોય એમ આ ડુંગર ભાલાના પાના જેવો છે.

આ ડુંગરનો પથ્થર ચીરોડી છે. ત્યાંનાં ગામડાંના લોકો તો કહે છે કે આ ડુંગરમાંથી હીરાનો પથ્થર નીકળે છે. પહેલાં કોઈ માણસે આ ડુંગરમાં ખોદકામ કરેલું અને કિંમતી પથ્થર પણ નીકળેલા. સરકારને જાણ થતાં ખોદકામ બંધ કરાવેલ.

કરલિયો : પાનાળાથી પશ્ચિમ દિશામાં આવેલો છે. જોનારને પ્રભુનો સાંઢિયો ઊભો હોય એવો લાગે છે. આથમણી દિશા તરફ જાણે ડોક લાંબી કરેલી છે. પીઠ ઉપર કોટ મોજૂદ છે એટલે લોકો એને કરલિયો કહે છે.

ગરજ્ય ગાળો : આ ડુંગર નાની ધારીથી આથમણી દિશામાં છે. અડોઅડ બે ધારોની ટેકરીઓ છે. એક ધારને અર્ધે ભાગે મોટું બાકોરું છે. તેમાં ગરજ્ય (ગરૂડ?) પક્ષી ઇંડાં મૂકે છે તેથી એ જગ્યાને લોકો ગરજ્ય ગાળો કહે છે. વાહ! કુદરતે પક્ષીને માટે પણ સુરક્ષિત રહેઠાણ બનાવ્યાં છે ને!

પાડાધાર : અમરેલી તાબે જાળિયાથી આથમણી દિશામાં છે. ધાર ઘણી લાંબી છે. ઉંચાઈ ફક્ત ત્રીસ ફૂટની હશે. આખી ધાર પર ભેંસો તથા પાડા જેવડા કાળમીંઢ પથ્થરના પાણા છે. લોકો કહે છે કે કોઈ ચારણની ભેંસોનું ખાડું ચોર ચોરી જતા હતા. પાછળથી ચારણ આંબી ગયો, ભેંસો માગી પણ ન આપી તેથી શાપ દીધો કે ‘ભેંસો પથ્થર થઈ જાઓ’ એટલે પથ્થર થઈ ગયાં. આથી ત્યાંના લોકો એ ધારને પાડાધાર કહે છે. ત્યાં એક મોટો પથ્થર છે એને પાડાના નામથી ઓળખે છે અને તેને લોકો સિંદોર પણ ચડાવે છે.

ભાવનગર આસપાસ

માલણ નદીના ધરા : ડાકણિયો, કડલિયો, ઢેઢિયો, ખોડિયારવાળો, મગરિયો, સૂયઘૂનો.

નાના ડુંગર : ભરૂચો, માવાનો, સુરનાળો, ચોટીલી.

ડુંગરના ગાળા : મુંજાગાળો, રાણીગાળો.

ધાર : આંબલિયાવાળી, ભાટિયાવાળી, પીરવાળી, મગધાર, ચિત્રાધાર, મોટધાર,

નદીઓ : માલણ, કોબલી.

ડુંગરની ભેખ : ખડખડિયાની ભેખ.

બીડ : વગડિયાનું, ખડખડિયાનું, અંધેરીનું, શીખેટીનું.

નેરડાં : સુકવો, ધોળિયો, ઉગલવાણિયો.

શા માટે નામ પડ્યાં?

સ્વામીની ધાર, ભરવાડકી તલાવડી, હડોવડો ઢોરો, સાસુવહુની ટેકરી, કંદોયણ કૂવો.

ધારો : પાણી ધાર, ગુંદસરની, ભરવાડકી, સગાવાળી, સ્વામીની, લાંબીધાર, પાડાસરાની, મરકીની, ઢેઢવાળી.

તલાવડીઓ : ગુંદાસરની, કૂંડીવાળી, છટ્ઠિયાવાળી, મોરીવાળી, મેરકી, ભરવાડકી, ડોળી, લુવારકી, પાડાસર, કાનેટીની, ટાઢી વજલી, ઘાંયજાવાળી, ફાટસરની.

ઢોરા : લોંકડિયો ઢોરો, હડોખડો ઢોરો, ભદાવો ઢોરો.

ટેકરી : સાસુવહુની ટેકરી.

વાવો : પાડાસર, કાનેટી, ભરવાડકી, લધુવાવ, આંબાવાવ, માલવાવાવ. ભાદાનાવાવ, મોખડાવાવ, કાંકરવાવ.

ખાતરાં : ઉમિયાનું ખાતરું, ભમાસરી ખાતરું, ફત્તીનું ખાતરું.

વાડીઓ : ગઢાવાડી. જોધાણી વાડી.

કૂવા : ભાંઠાળો કૂવો, ખારો કૂવો, ખરાબાનો કૂવો, કણકૂઈ, બોડાનો કૂવો, ગોલીમદાર કૂવો, સુડવેલનો કૂવો, ભમરિયો, કંદોયણ કૂવો.

ધારી આસપાસ નદીઓ

હેમરાજિયો : કિનારા ઉપર હેમરાજ નામનો વણિક બહાદુરીથી મરાણો હતો એ પરથી નામ પડ્યું છે. સગો (પાળિયો) હજુ છે.

ફૂટલ વોંકળો : વોંકળામાં કદી પાણી રહેતું નથી તેથી આવું નામ આપેલું છે.

નતાણિયો : આ વોંકળામાં પૂર હોવા છતાં તાણ રહેતું નથી તેથી આ નામ પડ્યું છે.

ઢેઢિયો : આ વોંકળો ઢેઢવાડા પાસે થઈને વહેતો હોવાથી નામ પડ્યું છે.

વેકરાળો : વોંકળાના વહેણમાં વેકરો (રેતી) વિશેષ હોવાથી.

ઘીની : આ નદીને કાંઠે અગાઉ ચારણ લોકોનાં નેસડાં હતાં અને ત્યાં ઘી ઘણું થતું. આ નદીનો પ્રવાહ અખંડિત વહ્યા કરે તેટલું ઘી નેસડામાં થતું, જેથી તેવું નામ અપાયું છે એમ કહેવાય છે. બીજી વાત : નદીનું પાણી ઘી જેવું છે માટે તેવું નામ પડ્યું છે.

શેત્રુંજી : મશહૂર છે.

ત્રિવેણી : ગામ નીચેથી અખંડિત રીતે પ્રવાહ આવે છે અને ધારી ગામ આખાને ત્યાંથી પાણી મળે છે. નતાણિયો, શેત્રુંજી અને ઢેઢિયોનું સંગમસ્થાન હોવાથી આ નામ પડ્યું છે.

વાડીઓ

ઘુમરાવાડી : દસ વાડીઓનું જૂથ છે. અગાઉ એક જ કૂવામાંથી દરેક વાડીમાં પાણી જતું.

દસકોશી : પાકો દસ કોસનો કૂવો બાંધેલો છે. પાણી દુષ્કાળના વખતમાં પણ ખૂટતું નથી.

ટોડાવાળી : ધારનો એવો ઓથ છે કે ખુદ વાડીમાં પહોંચતાં સુધી વાડી જોઈ શકાતી નથી.

માહિતી મોકલનારાઓને

આ અમારી પાસે અંધારામાં પડેલાં નામો ઉપરાંત એ નામો પાછળ રહેલ નાની નાની કથાઓ, ઉખાણાં, ભજન, કહેવતો વગેરે થોકબંધ આવી પડ્યાં છે. મોકલનાર સૌ ભાઈઓનો અમે આભાર માનીએ છીએ. એ દરેકમાંથી ચૂંટી ચૂંટીને દર હપ્તે થોડાં થોડાં મૂકતા જઈશું. સૌને એક પછી એક ક્રમશઃ થાન મળતું જશે.

આ કથાઓ કે નામો મોકલનારા ભાઈઓનાં નામ અમે પ્રગટ કરતા નથી, કારણ કે અમને દહેશત છે કે ‘ફૂલછાબ’ સાથેનો એમનો સંબંધ પ્રગટ થાય તો કદાચ એમને સ્થાનિક કશી હેરાનગતી ઊભી થાય. તે છતાં જે ભાઈઓને વાંધો ન હોય તેઓ જણાવશે તો એમની હકીકત સાથે એમનાં નામ પ્રગટ કરવામાં આવશે.

હવે એકલાં નામો મોકલવા કરતાં ગોડી નદીની કથા છે એવી કથાઓ પર વિશેષ ભાર મૂકીને મોકલવા સૌને વિનંતિ છે.

[‘ફૂલછાબ’, 1-12-1939, 22-12-1939, 12-1-1940, 19-1-1940, 26-1-1940, 9-2-1940, 6-3-1940, 22-3-1940ના અંકોમાંથી સંકલિત]