ચારણી સાહિત્ય/15.પ્રાંતપ્રાંતના લોક-સૂરો
મહારાષ્ટ્રી ખાયણાં ખાયણાં વિશે લખાયું તે પછી આજ ઘણાં વર્ષે એક નવું પ્રકટ થયેલું નાનું મરાઠી પુસ્તક હાથમાં આવે છે ને તેમાંથી ભાળ લાગે છે કે ખાયણાંને મળતા કલેવરવાળી રચનાઓ મહારાષ્ટ્રના લોકસાહિત્યમાં પણ છે. ખાયણાં જેવી જ મિતાક્ષરી, હળવી, લઘુરૂપિણી મહારાષ્ટ્રી ખાયણાંની રમ્ય એ રચના છે; ભેદ ફક્ત એક જ કે ખાયણાં ફક્ત ઊર્મિવાહક મૌક્તિકો છે, જ્યારે મરાઠી રચના સળંગ મોટાં કાવ્યોની અક્કેક કડી સમાન છે. ‘સાહિત્યાંચે મૂલધન’ નામની એ ચોપડીના સહલેખક શ્રી વામન કૃષ્ણ ચોરઘડેએ મહારાષ્ટ્રના લોકસાહિત્યની પોતે એકઠી કરેલી સામગ્રીમાંથી થોડી પ્રસાદી આપી છે. સ્ત્રીઓની કંઠસ્થ વાણીમાંથી વીણેલાં મોતીની સેર પરોવીને સંગ્રાહકે એક સંસાર-ચિત્ર રજૂ કર્યું છે. એમાંના એક ચિત્રનો નમૂનો આ છે : ગામડાના જીવન પર પડતું પ્રભાત : પ્રભાતના પહોરમાં ગૃહવધૂ યમુના ઊઠીને સંજવારી-વાસીદું કરે છે. ને તે સાથે ગીત ગાતી જાય છે : પહાંટેચ્યા પ્રહરી, સંસારાચા ધંદા નાંવ તુઝં રે ગોવિંદા, વિસરલી [પ્રભાતના પહોરમાં મારાં સંસારકામો આડે, હે પ્રભુ, હું તારું નામ વીસરી ગઈ.] બરાબર ખાયણાંને જ મળતી એ ચાર પંક્તિની રચના : વચલાં બે પાંખિયાંના પ્રાસ મળે, ને બરોબર એ જ વિચારસરણી, એ જ શૈલી. ગુજરાત અને મહારાષ્ટ્ર જે કાળે રાજકીય સંપર્કમાં આવ્યાં હતાં, તે કાળે શું આ અંતરતમ સાંસ્કારિક સંપર્ક દાખવતી રચના એકે બીજા પાસેથી મેળવી હશે? યમુનાબાઈ તુલસીને સંબોધીને બોલે છે : હું એનો મોકળો અનુવાદ જ આપું છું : તુલસી માત મારી વસ્યાં કાં વેગળાં વને, દઉં હું જગ્યા આંગણે,
- વૃંદાવને મારા.
શા માટે? ઈશ્વર પૂજવાની, ત્રેવડ નવ મારી, એથી જ હે મુરારિ!
- ધરાવું તુલસી-દળ.
એવા જીવનક્રમનો પ્રત્યેક દિવસ વિતાવતી યમુનાને સંસારમાં કોઈ જાતની ઊણપ નહોતી. કોઈ એને કડવું વેણ કહેનાર નહોતું, છતાં એક વખત વૃદ્ધ સાસુને કૌતુક થયું કે આ વહુને શું કાંઈ થયું છે! એ બાબતનું રહસ્ય સમજી લેવા યમુનાનો પતિ તૈયાર જ હતો. પરણ્યો જઈ પૂછે મુખ મીઠડું કરમાયું કોણે કટુ વેણ કહ્યું
- પ્રાણસખી મારી!
આવો ભલો સંસાર-સાથી દીધા બદલ યમુના વારંવાર પ્રભુને યાદ કરે છે — ઈશ્વર બાપજી રૂડા, કેટલા પાય હું લાગું! આપ્યું છે તેં મનમાન્યું કંકુડું કપાળનું. પછી થોડા દિવસ જતાં યમુનાને કામ કરવું જરા કપરું લાગવા માંડ્યું. કરનારી પોતે એકલી. કર્યા વગર છૂટકો નહિ. પછી તો અન્ન દીઠું પણ ગમે નહિ. સાસુ તો સમજી ગયાં, અને નદી કાંઠે અન્ય બાઈઓએ યમુનાની હાંસી આ રીતે આદરી — પે’લડે પે’લડે મારો અન્ન કેરી હેળ, ખાધું પીધું થાય ઝેર, યમુનાબાઈ. ‘હેળ’ ગુજરાતી શબ્દ : એની મરાઠી સમશબ્દ ‘હુળુક’. ત્યાં તો બીજી સ્ત્રી ઠઠ્ઠા કરે છે : બીજલે બીજલે માસે, અન્નડિયાં ન ભાવે દૂધપેંડા કંથ લાવે
- યમુનાબાઈને.
કંથ દૂધપેંડા લાવ્યો કે નહિ તે તો ખબર નથી, પણ આ હાંસીથી યમુનાના મોંમાં પાણી છૂટ્યું હશે એમ લાગે છે : ત્યાં તો ત્રીજી સખી ગાવા લાગી — ત્રીજલે ત્રીજલે માસે, ઓદર ઊંચું દીસે, એકાંતે લેઈ કંથ પૂછે
- યમુનાબાઈને.
હવે આંહીં ઊભા રહેવામાં શોભા નથી એમ સમજી યમુના શ્વાસભરી ઘેરે ચાલી આવે છે. પછી પ્રસૂતિની વેદના વખતે — ગર્ભિણી નારી કેટલી કરે છે કાકલૂદી, પ્રભુ હાથે તાળાંકૂંચી
- યમુનાબાઈની.
ગુજરાતી ‘કાકલૂદી’ અને મરાઠી ‘કાકૂળતી’, તદ્દન મળતા શબ્દો. ગર્ભિણી નારી! તું કેટલી ભીંસીશ જીવને! ચિંતા તારી બધી દેવને,
- યમુનાબાઈ.
પરમેશ્વરે દયા કરી, યમુનાનો છૂટકો થયો (મરાઠી શબ્દ ‘સુટકા’ જ વપરાયો છે. લોકવાણીનું આંતરપ્રાંતીય સગપણ કેટલું ઘાટું હતું!) સુયાણી બહાર નીકળી. સૌએ પૂછી જોયું, શું આવ્યું? પે’લો જ બેટડો આવ્યો, ધરતી પામી ઉલ્લાસ, માવડી પામ્યાં સંતોશ.
- યમુનાબાઈનાં.
સાકર વેંચી છે સૌને, લ્યો લ્યો રે બાઈ વધારે, હીરા માણેક પધારે
- યમુનાબાઈને.
બાળક મોટો થાય છે, પાડોશીઓને ઘેર રંજાડ કરે છે. માતા પડોશણને ચેતવે છે — પાડોશણ બેની, જોજે, મોગરાની તારી વેલ; મારો હીરો છે ફાટેલ,
- તોફાની સખારામ.
પાડોશણ બેની રાખ્યે, આંગણિયાં તારાં રૂડાં, ખેલશે બેઉ બાળુડાં
- મારો સૂડો તારી મેના.
આપણા લોકસાહિત્યમાં પણ ‘સૂડો’ અને ‘મેના’નું જ જોડું હોય છે. પાડોશણ આવી રાવે : પકડી તેના પાય પૂછે છે, બેની રે બાઈ!
- શું કર્યું બાળરાજાએ!
પાડોશણ આવી રાવે : કેળ કાઢી નાખી મારી! એને આપી એક સાડી,
- મનાવી લીધી માતાએ.
કિશોર બનેલા સખારામે દાદાનો ઘોડો પલાણીને કેવાં પરાક્રમ કર્યાં — પાણીશેરાનો આ ઝરો, કોણે ખૂંદી નાખ્યો! તેજી નચાવવા આવ્યો.
- બાઈ તારો બેટડો.
આ ‘તેજી’ શબ્દ જ મરાઠી લોકવાણીમાં છે. સખારામ મોટો થયો. પછી એને તો નાની બહેન આવી છે, બાજુના નાગપુર શહેરમાં સખારામને નિશાળે બેસારવા લઈ જાય છે ત્યાર વેળાનાં માતાના કલ્પાંતમાંથી — આપુયા આયુષ્યાચી, કરીન પલગડી સખ્યા બૈસે પળઘડી,
- રાજસબાળા માઝ્યા.
[મારા આયખાની હું ઢોળણી કરું : હે મારા રાજબાળ, તેના પર થોડી ઘડી તું બેસતા જા!] તે પછી વચ્ચે વચ્ચે પુત્ર યાદ આવે છે ત્યારે માતાએ એક જ કાતિલ શબ્દમાં નિશાળનો ત્રાસ વર્ણવ્યો છે : કેળવણી પરનો આ પ્રહાર કાતિલ છે : નાગપુર ગાંવચી શાળા, દિસેતે બહુ ખોલ ગજઘાટીં તુઝા બોલ
- સખારામ.
[નાગપુર ગામની નિશાળ તો કોતર જેવી, ગુફા જેવી લાગે છે. એની અંદર તો તારા ગજસરીખા બોલ હું જાણે સાંભળી રહી છું.]
કાનડી લોકગીતો ‘ગરતિયા હાડુ’ નામનો કાનડી લોકગીતોનો એક સંગ્રહ મારી સામે પડ્યો છે. એનો ભાંગ્યોતૂટ્યો ગુજરાતી ભાવાનુવાદ વેપારી જીવનમાં પડેલા એક મેંગલોરી બંધુએ કરી આપ્યો છે. અનુવાદનું વાચન ફરી એક વાર પ્રતીતિ કરાવે છે કે લોકગીતોમાં વહેલી સરવાણીઓ એક અને ઓતપ્રોત એવા પ્રજાપ્રાણમાંથી નીકળે છે, ને લોકપ્રાણના જ મહાસિંધુ ભણી વહી રહેલ છે. ‘ગરતિયા હાડુ’ એટલે સ્ત્રીઓનાં ગીતો અને સ્ત્રી-હૃદયમાંથી વહેતી લાગણીઓ પણ એ-ની એ જ : માને માટે, ભાઈને માટે, બાપને માટે, બાળકને માટે, સ્વજનો માટે એક જ સરખું ઝૂરતું હૃદય. ઝૂરે છે ખરું, પણ કવિતાના સૌંદર્યમય ઉદ્ગારો દ્વારા. જુઓને એનાં નાનાં ઊર્મિગીતો : [ગીત] માતા વિનાનું પિયર શૂન્ય છે; જેમ મુખશુદ્ધિ માટે દાતણ વિના ન ચાલે, માથાને માટે મોગરો જોઈએ, તેમ પિયરમાં માવિહોણી શી મીઠાશ છે? લોકકવિતાઓ ઉપમાઓ શોધવા માટે પોતાના જીવનપ્રદેશની બહાર જતી નથી, એટલે વલ્કલધારિણી તાપસ-કન્યા સમી એ વાણી અધિક શોભે છે : આ રહી એની ઉપમા — [ગીત] બાપને યાદ કરવાથી વાસી ભાત પણ તાજો બની જાય છે, ગંગા સમી માને યાદ કરતાં મારું મેલું ઘેલું માથું પણ સ્વચ્છ બની જાય છે. માતાનું મુખ જોઉં ત્યારે દૂધ પીધા બરાબર લાગે છે. મારું પિયર જો મારી ગરીબીમાં પણ અભિમાન રાખે, તો હું પતિને ઘેર રાબ પીને જીવવાનું પણ શ્રેષ્ઠ માનીશ. પરંતુ હું તમને સાહિત્યમાં બીજે ક્યાંય ન બતાવી શકું એવી માતૃસ્નેહની કલ્પના તો આ રહી એ કાનડી લોકવાણીમાં — [ગીત] અમે બધી બહેનપણીઓ પાણી ભરવા કૂવે જઈએ છીએ; માતાની વાતો થાય છે અને કૂવાનું જળ ઊંચે ચડતું હોય તેવો ભાસ થાય છે. જીવનના કોઈ પ્રદેશને લોકકવિતા ગંદી નજરે નિહાળીને સુગાતી નહોતી. કાનડી કન્યા સાસરવાસે બેઠી ગાય છે કે — [ગીત] હું જ્યારે ગર્ભવતી થઈશ ત્યારે લીલા રંગની સાડી પહેરીશ. તેવા જ રંગની ચોળી પહેરીશ. લીલા પાંદડા પર જમીશ. ત્યાર પછી મારા ભાઈ મહેમાન બનીને આવશે. આપણા વ્રત-સાહિત્યમાં ‘વીર-પહલી’ની લોકવાર્તા છે. ભાઈનું દીર્ધાયુ ઇચ્છતી બહેન એ પવિત્ર દિવસે પોતાના હૃદયની પ્રાર્થનાને ક્રિયામાં ઉતારે છે : એટલે કે રેંટિયો કાંતતી કાંતતી એ કંતાતા સળંગ તાર દ્વારા ભાઈની લાંબી આવરદા વાંછે છે, એને પણ ભાઈના આવવાની સાથે ત્રાગ તૂટ્યો જોઈ ભાઈની આયુષ્યદોરી તૂટવાનું અપશુકન લાગે છે. અને કાનડી ભાઈની બહેન! તારેય શું સોરઠી ભાઈની જોડે આટલું બધું ગાઢ કાવ્યસગપણ! તું ગાય છે કે — સોએક કાંતનારીઓ કાંતવા બેસે છે, મને થાય છે કે મારા ભાઈનો ધાગો કેમ અટકે છે? ને આ વળી બીજી નવીન જ કલ્પના — મને મારા પતિ ગાળ દેતાં તેથી આંસુ ન આવતાં, પણ દેર ગાળો દે, ત્યારે તો છાપરા વગરના મકાનમાં જેમ વરસાદનું પાણી આવે તેમ આંસુ પડે છે. એક જ વધુ ગીત આપીને કાનડી લોકકવિતાને મીઠા જુહાર કરીએ : પતિ-પત્નીના ઝઘડા તો જેમ પથ્થર પર સુખડ ઘસીએ તેવા છે : શિવલિંગ પર પાણી રેડીએ તેના જેવા છે : ગંગામાં પૂર આવ્યા હોય તેના જેવા છે. વાચક! તારી પત્નીને એ ન વંચાવતો, નહિ તો એ રોજેરોજ પથ્થર પર સુખડ ઘસશે!
થોડાં ગીત-મોતી બિહારી આહિર-ગીત આ આપણું બિરહ ગીત, ઓ ભૈયા, ખેતરોમાં નથી ઊગતું, ઝાડવે નથી પાકતું; એના વાસ તો હર કલેજામાં છે. કલેજાં કામ કરે છે ત્યારે જ આપણે ગીત ગાઈએ છીએ નેપાલી ખેડૂત-ગીત ધરતી જ મારી મા ને ધરતી જ મારો બાપ છે, એ જ ધરતી મને ધાવણ પિવાડે છે, ધાન ખવાડે છે. એવી પ્યારી ધરતી માતને હું લળું છું. ચાહું છું. કાશ્મીરી લોકગીત પ્યારા ગોવાળિયા, તું મારી જેલમને કાંઠે આવજે ને અહીં તારાં તરસ્યાં ધણને પાવા લાવજે. તારાં વધામણાંને કાજે હું નાવડીને નાવડીએ દીવા મેલીશ, ઓ પ્યારા! જેલમને કાંઠડે તારા ધણ પાવા આવજે. તારા માટે તો મેં આલાં લીલાં ઘાસ રાખ્યાં છે, તારા ગાડર ને છાળાંને ચારવા તું જેલમની દશ્યે આવજે, ઓ ગોવાળિયા! આસામના ખાસી ડુંગરાનું લોકગીત ખાસી ડુંગરડાના દેશ! ઓ રે રૂડા ડુંગરડાદેશ! તારા માથે ઘોળ્યા જવાનું મન થાય છે. તેં અમારા વડવાને પારણે હીંચોળ્યા. એ તો ચાલ્યા ગયા. પણ એની સાંભરણો સદા તાજી જ હોય છે અમારા હૈયે. મોતના તાતા તીર પણ ન વીંધી શકે એવી એ યાદ! ઓ ખાસી ડુંગરડાના દેશ! બરમી નાવિક-ગીત હીરે મઢેલી મારી હોડલી! ઈરાવદીના નીરમાં તું તો કોઈ નાચવાલી જેવી સરતી જાય છે. ઈરાવદીનાં મોજાં તારી પાછળ ભમે છે. પઠાણ માતાનું હાલરડું બચ્ચો મારો અલ્લાહની બાગમાંથી મને બક્ષિસ મળેલી અંગૂર છે જાણે. મારે ખોળે અલ્લાએ આસમાનથી નાખેલો તારો છે જાણે. બિહારી લગ્ન-ગીત બાપુ, ઓ બાપુ. હું દમદમ પોકારું છું, પણ બાપુ સાંભળતા નથી. ઓ વહાલા બાપુ, આ તમારો જમાઈ તો જુઓ; બળજબરીથી એ મારો સેંથામાં સિંદૂર પૂરી રહેલ છે. મોંઘામૂલો એ સિંદૂર : ને એથીયે મૌંઘેરી મારી ઘૂંઘટ-ચૂંદડી છે. પણ ઓ બાપુ, એ સેંથો ભરતો સિંદૂર આપણાં બેઉની વચ્ચેની જુદાઈના બોલ બોલે છે. તમારી ડેલીની, ઓ પ્યારા દાદા, હું રજા લઉં છું. બંગાળી પ્રેમગીત તારા પાનબીડાં નઈ લઉં નઈ લઉં, તારી સોપારી નઈ લઉં, નઈ લઉં! તારા, વાટમાર્ગુના શા વિશ્વાસ? તું તો સદાનો વાટમાર્ગુ, ઓ વહાલા! જેવો કાચો ઘડો, તેવો વટેમાર્ગુનો પ્રેમ. એકવાર ભાંગ્યો ફેર સંધાય નહિ. તારા પાનનાં બીડાં નઈ લઉં, નઈ લઉં! રજપૂતાનાનું યુદ્ધગીત તરવારોને ઝાટકે વેતરાયેલો પડ્યો છે. એના જખ્મોને પારંપાર ટાંકા લીધેલ છે. થંભી જા, થંભી જા, ઓ ભાઈ ચારણ! મને ફાળ પડે છે : તું વધુ બિરદાવીશ તો એ પાછો ઊઠીને દોટ દેશે.