ચારણી સાહિત્ય/14.લાખો ફુલાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
14.લાખો ફુલાણી

લાખા પૂત સમંદકા, ફૂલ ઘરે અવતાર; પારેવાં મોતી ચુગે લાખારે દરબાર. [સમુદ્રનો પુત્ર લાખો, તેના કચ્છના રાજા ફૂલને ઘેરે અવતાર થયો; એ લાખા ફુલાણીની સમૃદ્ધિ એટલી હતી કે એના મહેલને આંગણે પારેવાં અનાજને બદલે મોતી ચણતાં હતાં; મતલબ કે એના ઘરની સંજવારીમાં મોતી વળાતાં હતાં.) સોલંકી મૂળરાજે કંથકોટના (કે આટકોટના?) જુદ્ધમાં હણેલો આ કચ્છનો રા’ લાખો ફુલાણી એક પ્રેમલગ્નનું ફરજંદ હતો એમ પુરાતન પ્રબંધો અને ભાટોનાં કંઠસ્થ કથાનકો ભાખે છે. સાંજનો સમય હતો. પરમાર રાજા કીર્તિદેવનો રાજમહેલ હતો. રાજમહેલના બહારના આંગણામાં રાજકુંવરી કામલતા અને સરખી સાહેલીઓ રમતી હતી. શું રમતી હતી? મહેલના થંભાઓને બાથો ભરતી ભરતી એ દરેક બોલતી હતી કે ‘આ મારો વર’, ‘આ મારો વર’ વર-વરની રમત એ ખોટું ખોટું રમતી હતી. ‘ને આ મારો વર’ એમ બોલીને કુંવરી કામલતાએ પણ એક થંભાને બથમાં લીધો. લીધો તો લીધો, પણ અંધારામાં એને ભુજપાશમાં કાંઈક પોચું પોચું લાગ્યું. કાંઈક સળવળ્યું. બથ મેલીને કુંવરી આઘી ઊભી થઈ રહી ને એણે કૌતુક દીઠું. થંભાની પાછળથી એક જીવતો જણ બેઠો થઈને શરમાતો ચાલ્યો ગયો. કુંવરી કામલતાએ ઓળખી લીધો એને. એ ફૂલડો ગોવાળિયો હતો. પોતાને ખબર નહોતી કે ફૂલડો ગોવાળિયો આ થંભાને ટેકો દઈને વિસામો લેતો બેઠો હશે. ફૂલડા ગોવાળિયાને ય ખબર નહોતી કે પોતે દિવસભરનો વગડામાં થાકેલો આંહીં બેઠો બેઠો ઝોકે ગયો હતો ત્યાં રાજકુંવરી આવી રમત રમતી હશે. હસવામાંથી ખસવું થઈ ગયું. કુંવરી રમત છોડી દઈ ઓરડે ગઈ. મનમાં ને મનમાં નીમ લીધું કે ‘પરણું તો એક ફૂલડા ગોવાળને. બીજા બધા ભાઈબાપ’. નથી જ પરણવું એવી હઠ લઈને કુંવરી બેઠી. રાજાની દીકરી ગોવાળિયાના સ્નેહની વાત શે’ ખોલે? શ્રીફળો આવતાં હતાં, તો જવાબ દેતી કે નથી પરણવું. છેવટે એક દિવસ કુંવરીએ હૈયું ખોલ્યું ને માવતરે હા કહી. ફૂલડો ગોવાળિયો ને પરમારની કુંવરી કામલતા પરણ્યાં. એનો પુત્ર થયો લાખો. પ્રબંધકાર એને કહે છે લાષાક : જૂના પ્રાકૃત દુહામાં કહ્યો છે લકખઉ. (જુઓ ‘રાસમાળા’ અને ‘પ્રબંધચિંતામણિ’.) બીજી વાત કચ્છી જાડેજાના ભાટ કહે છે : ગોવાળિયો સાચો. પણ અસલમાં તો એ કચ્છના ગામ ગેડીના સોલંકી રાજા ધરણની બહેનનો દીકરો. ફૂલના બાપ જામ સાડને ધરણ સોલંકીએ બનેવી જાણી એક ડુંગર રહેવા માટે દીધેલો, પણ સાડ જામે તો ત્યાં કોટ બંધાવી પોતાની સત્તા જમાવી. ધરણે સાડને દગો કરી હણ્યો. પિતાવિહોણા પુત્ર ફૂલને લઈ એક ખવાસણ ભાગી. બાંભણીસરના સોઢા પરમાર રાજા ધલુરાના ગામમાં અજા અને અણગોર નામના વાણિયાને ઘેર રહી. ફૂલ કુંવર ઢોર ચારવા રહ્યો. પણ એણે એક લુહારની ગાય ચારીને તેના બદલામાં એક સાંગ (બરછી) ઘડાવી, સાંગથી એ વગડામાં શિકાર ખેલવા લાગ્યો. ધલુરા પરમારને એણે એક સિંહના હુમલામાંથી બચાવ્યો. પ્રસન્ન થયેલા ધલુરાએ ફૂલને પોતાની ધાન સોઢી નામે કુંવરી પરણાવી. અહીં સોરઠના ચારણો વળી જુદી જ કથા કહે છે. એવી મતલબની, કે કેરા કોટના ગઢને ગોખે એક સાંજે ચાર યુવાન સહિયરો બેઠેલી. ચારેય ઉપર મુગ્ધ બનેલા આથમતા સૂર્યે એક કમળફૂલ ફેંક્યું, તે ફૂલ ચારેય સહિયરોએ સૂંઘ્યું. એથી ચારેયને ગર્ભ રહ્યો. એનો આવો કંઈક દુહો પણ છે :

[2. સોરઠી]

જસીએ માવલ જલમિયો, લાખણસી સોનલ;
નેત્રમ માગેણો હુવો, ડાહી જાય કમલ.

[3. સોરઠી]

જે દિ’ લાખો જનમિયો, ધરપત કાછ ધરા;
તે દિ’ પીરાણા પાટણજા, કોટા લોટ કરા.

— એવો એક દુહો છે, જે લાખાના જન્મદિનનો મહિમા દાખવે છે. અર્થ એ છે કે લાખાનો જે દિવસ જન્મ થયો તે દિવસે જ એના બાપ ફૂલજીએ ગુજરાતના પાટનગર પાટણ પર ચડાઈ કરીને ત્યાંનો કોટ તોડી પાડ્યો હતો. (લોટ કરી નાખ્યો.) એ પ્રમાણે પ્રેમલગ્નમાંથી પેદા થયેલા અને પિતાના વાતાવરણ પીને ઊછરેલા લાખા ફુલાણીના નામે કંઠસ્થ સાહિત્યમાં પ્રચલિત આ દુહાઓ એ વીરની રસિકતાને તેમ જ તત્ત્વચિંતકતાને ગાતા રહ્યા છે. દુહાઓ લાખાએ પોતે જ રચ્યા હોય તે અસંભવિત પણ નથી, તેમ બીજે પક્ષે એવું જ માનવાની યે જરૂર નથી. કારણ કે શૂરવીરોના બિરદાઈ ચારણો કે બારોટો પોતાના વીરનું નામ વાપરીને આવી કવિતા રચે એવી પણ રસમ હતી. રચ્યા હોય ચાહે તેણે, મહિમાવંતાં મૂલ તો એ કૃતિનાં જ છે. એમાં કલ્પનાની સુકુમારતા છે, ને રચનાની કળા છે. આ રહ્યા એમાંના થોડાક દુહાઓ :

[4. સોરઠી]

કટ કટ ભાંજે ચૂડિયું, રોવે ઝાંપા બા’ર;
લાખો કે’ એને ન મારજો, જે ઘર નાની નાર.

[આ ગામના દરવાજાની બહાર જુવાન વિધવાઓ ચૂડીકર્મ કરી રહેલ છે. એ ચૂડીઓના ભાંગવાના અવાજ અને રુદનસ્વરો સાંભળ્યા જતા નથી. ઓ ભાઈઓ, લાખો કહે છે કે, યુદ્ધમાં એવા જુવાનોને ન મારજો, જેના ઘરમાં નાની વયની નારી હોય.]

[5. કચ્છી]

એક દિયે, બીજી લિયે, આંઉ કફરા ઊંડી કઢાં;
અલા! ઓ ઊંડી દે! જડે લાખો બારક થિયાં.

[આ એક ઘરના આંગણામાં બે સ્ત્રીઓ ઊભી છે. બેઉ વચ્ચે એક નાનું બાળક છે. બાળકને એક જણી ઉછાળીને ફગાવે છે, તો બીજી સામેથી ઝીલી લ્યે છે. બે સ્ત્રીઓના હાથમાં ફેંકાતું ને ઝિલાતું આ બાળક કેવું ભાગ્યવંત! ને હું કેવા કપરા દિવસો વિતાવું છું! ઓ પ્રભુ! ફરીથી એવો દિવસ આપ, કે જ્યારે લાખો બાળક બનીને આ મજા માણે.]

[6. કચ્છી]

એક તાણે, બીજું તાકવે, ઝડ લાગી નેણાં;
(લાખો કે’,) જેડી પ્રીત સરાણિયાં એડી નહી રાણાં.

[આ સરાણ ઉપર સ્ત્રી-પુરુષ સજોડે કામ કરી રહ્યાં છે. એક (સ્ત્રી) સરાણના પટા તાણે છે, ને બીજું (પુરુષ) હથિયારની ધાર સજે છે. બન્નેની વચ્ચે નેણાંની જડ લાગી ગઈ છે, નજરો જડાઈ ગઈ છે. ઓહો, લાખો કહે છે કે, આ સરાણિયાં નરનારીની વચ્ચે જે પ્રીતિ છે, તેવી રાજા-રાણીની વચ્ચે પણ નથી હોતી.]

[7. કચ્છી]

આંઉ વીનો જીરાણમે, કોરો ઘડો મસાણ;
જેડી હુંધી ઉનજી, એડી થીંદી પાણ.

[હું સ્મશાને ગયો હતો. ત્યાં મેં કોરો ઘડો પડેલો દીઠો ને હું સમજ્યો કે જેવી ગતિ એની બની તેવી જ આપણી બનવાની છે.]

[8. કચ્છી]

લાખો કે, મું બારજો, લીસી છીપરિયાં;
(જ્યાં) હાથ હીલોળે પગ ઘસે, (અને) ગેહેકે ગોરલિયાં.

[લાખો કહે છે કે ભાઈઓ, મારા શબને પેલી નદીને કિનારે, પેલી કપડાં ધોવાની છીપરો (શિલાઓ) ઉપર બાળજો — જે છીપરો ઉપર સુંદરીઓએ કપડાં ચોળતાં ચોળતાં હાથ ઝુલાવ્યા છે, નાહી ધોઈને પગ ઘસ્યા છે ને આનંદના કિલ્લોલ કર્યા છે.]

[9. કચ્છી]

આવળ બાવળ બોરડી, ખેરડ ખીજડિયાં,
લાખે વન ઓઢાડિયાં, પીરી પાંભરિયાં.

[એક નદીને કિનારે પડાવ કરીને નહાઈ ધોઈ લાખાએ તથા તેના સાથીઓએ કિનારા પરના આવળ, બાવળ, બોરડી ને આંબાઆંબલીનાં વૃક્ષો ઉપર પોતાની ભીની પામરીઓ સૂકવેલી. જંગલ શોભી ઊઠ્યું. લાખાએ કહ્યું કે જુવાનો, આવી સુંદરતાને ટાળશો નહિ. પામરીઓ છો બિછાવેલી રહી. ચાલો આપણે.]

[10. મારવાડી]

તું હરિયાળી અંબલી, મોતિયાં લુંબ રહી;
ઇથિયે લખપત ઊતર્યો, કિતિએક વાર હુઈ?

[ઓ લીલી આંબલી! તારા ઉપર મોતીડાં લૂમી રહેલ છે. તો કહે, કહે, આંહીંથી લાખાને ચાલ્યા ગયાંને કેટલીક વેળા થઈ? અર્થાત્, તને મોતીની આવી શોભા સજાવનાર રસિક લાખા સિવાય બીજો કોણ હોય?]

[11. મારવાડી]

તું હરિયાળી અંબલી, તેંમેં વાસ કઠા :
લખપત ઘોડા ધોડિયા, મેંહકી પાઘ મથાહ.

[ઓ લીલી આંબલી! તારામાં ખુશબો ક્યાંથી? આંબલી કહે છે કે અહીં મારી નીચેથી લાખાના ઘોડા દોડ્યા ને એ સૌ શૂરવીરોના માથાની પાઘડીઓ આંહીં મહેકતી ગઈ છે.]

[12. મારવાડી]

જૂની હૂઈ જોરાણ જુગ છત્તીશે બોળવ્યા;
પેંખ્યો કોઈ પુરાણ, લખપત જેહડો પહીવડો.

[ઓ જોરાણ નદી! તું જૂની થઈ ગઈ. તેં છત્રીસ યુગો દીઠા. તો કહે, લાખા જેવો બીજો કોઈ પુરાતન રસિક પુરુષ તેં જોયો છે?]

[13. મારવાડી]

લાખે જેવા લખ હુવા, અનડ સરીખા આઠ;
હેમહેડાઉ હલ ગયો, બર્યો ન ઊબર્યો બાટ.

[નદી કહે છે કે ભાઈ, લાખા જેવા લાખ જણ થઈ ગયા. લાખાના પૂર્વજ ઉન્નડ સરીખા પણ આઠ મહાપુરુષો થઈ ગયા. ને હેમહેડાઉ નામનો વણઝારો, કે જેણે પોતાની વણઝારને આ મારા વહેનમાં ચલાવી, ત્યારે એક પોઠિયાની પોઠ તૂટી પડી, એમાંથી હીરામોતી ઢોળાયાં, માછલીઓ હીરામોતી જોડે રમવા લાગી, એ દૃશ્યનું સૌંદર્ય દેખી એ હેમહેડાઉ વણઝારાએ પોતાની તમામ પોઠો મારા વહેનમાં ઠાલવી દીધી, તેનો ય આજે પતો નથી, તો લાખાની શી બિસાત!] પ્રવાસ કરતાં લાખા ફુલાણીએ એક દિવસ પ્રભાતે એક નેસડામાં સ્ત્રીને ને પુરુષને સામસામાં ઊભીને છાશ ઘુમાવતાં જોયાં. નેતરાં તાણતી જુવાન જોડલી મહી-માટ માથે ડોલી રહી છે. લલાટ ઉપર કંકુ-શા પરસેવાના ટશિયા બાઝી રહ્યા છે. લાખાએ પૂછ્યું, “કોણ છો?” “ચારણ.” “શું સગાં થાઓ છો?” “મામા-ફૂઈનાં.” (એટલે કે વરવહુ.) “આમ સજોડે શું રોજ મહી ઘુમાવો છો?” “રોજે રોજ.” રાજા લાખાએ એ સુભાગ્ય દુહામાં ગુંથાવ્યું :

[14. કચ્છી]

ખેર-ડિયાં ને ખીર-પિયાં, આધા-વીધી જોક;
સો માડુ સભાગિયાં, નત્યનાં વલોવણ લોક.

[રોજેરોજ ખેર નામના જંગલ ઝાડનું દાતણ કરનારાં (ખેરડિયાં), ને રોજે-રોજ દૂધ પીનારાં (ખીરપિયાં. ખીર=ક્ષીર), ઉપરાંત પાછાં મામા-ફૂઈનાં ફરજંદો (આધાવીધી=બેઉ પક્ષે અરધોઅરધ ભાગ ધરાવનારાં) : સુભાગી છે આવાં માનવીઓ, જે પાછાં નિત્ય પ્રભાતે સંગાથે ઊભીને સામસામાં છાશ વલોવતાં હોય છે.] એક ગામના પાદરમાં વડલો ઊભો હતો. વડલા હેઠ ખાંભીઓ (પાળિયા) ખોડાયેલી હતી; કોઈ પર્વનો દિવસ હોવાથી ત્યાં ટોળે વળેલી ગામની સોહામણી સ્ત્રીઓ, નવા શણગારે ને મુક્ત મસ્તીમાં, એ ખાંભીઓ ઉપર ચડી ચડીને વડલાની વડવાઈઓ ઝાલી હિંચોળા ખાતી હતી. આ દેખાવે લાખાના રસિક હૃદયમાં એક દુહો ટપકાવ્યો :

[15. કચ્છી]

જતે નમી વડ-છાંય, ઊતે ખોડી ખંભ થિયાં;
કર કર લંભી બાંય, ચડે ચૂડાવારિયું.

[કોઈક વડલાની ઘટા જ્યાં ઢળેલી હોય, ત્યાં જાણે હું ખંભ (પથ્થરનો ખંભ : પાળિયો) બનીને ખોડાઉં! કેમ કે તો આવી ચૂડાવાળી, સુહાગણ સુંદરીઓ પોતાના હાથ (બાંય) લાંબા કરી કરીને મારા માથે ચડે, વડવાઇએ હીંચોળા ખાય, એટલે હું ધન્યભાગી બનું.] એક સ્મશાનમાં લોકોને ટાઢી ઠારતા દેખીને લાખાએ એવી મતલબનો દુહો કહ્યો છે કે મારી ટાઢ તો મદિરા વડે જ ઠારજો, પાણીથી નહિ! એક દિવસ રા’ લાખો ગમગીન બેઠો છે. એના અંતરમાં ઊંડો વિચાર ઘોળાય છે. રાણી ઉમાદે આવીને કારણ પૂછે છે. લાખો જવાબ વાળે છે :

[16]

મેળે પણ માને નહિ, સો જીવનને ફટ?
જાવું થોડે દાહડે, દનડા દસ કે અઠ!

[ફિટકાર છે એ જીવનને, કે જે સમજે છે છતાં ચેતતું નથી. આઠ-દસ દિવસમાં તો આ જીવને ચાલી નીકળવું પડશે.]

[17]

એ સાંભળીને રાણી ઉમા કહે છે : ફુલાણી, ભૂલ્યો ફેર તું, દસ અઠ દહાડા દૂર; સાંજે દીઠા મહાલતા, (તે) ગિયા ઊગમતે સૂર. [હે લાખા ફુલાણી, તું ભૂલ કરે છે. આઠ-દસ દિવસની વાત તો દૂર રહી, પણ ગઈ કાલ સાંજે જેઓ મહાલતા હતા, તે વળતે દિવસે સૂર્ય ઊગતાં સુધીમાં તો ચાલી નીકળ્યા છે.] પિતા-માતાની આ વાત સાંભળી ગયેલી દીકરીએ આ દેહની ક્ષણભંગુરતાનો વધુ વસમો ખ્યાલ દેતો દુહો કહ્યો :

[18]

લાખો ભૂલ્યો લખપતિ, ઉમા ભૂલી એમ; આંખાં કેરે ફરૂકલે, કો’ જાણે હો કેમ! [લખપતિ લાખો ને રાણી ઉમા, બેઉએ ભૂલ ખાધી. અરે, દિવસ આથમતા ને ઊગતાં સુધીની વાત શું કરો છો! આંખને એક મિચકારે, પાંપણને એક પલકારે શું થઈ જશે એ કોને ખબર છે!] આ ત્રણેય જણાંની વાત સાંભળતી મહેલની દાસી આવી અને બોલી :

[19]

લાખો, ઉમા ને સત ધેહડી, ઘર ભૂલ્યાં સહ કોય, સાસ વળુંભ્યો પ્રોણલો, નાંભે આવ્યો કે નો’ય. [લાખો, ઉમા ને દીકરી (ધેહડી-દીકરી) ત્રણેય સામટાં ભૂલ્યાં. આંખના પલકારા જેટલા સમયની તે શી વાત કરો છો? આ આત્મરૂપી પરોણો (પ્રોણલો) ઊંચા ચડેલા શ્વાસમાંથી પાછો નાભિ સુધી પહોંચશે કે કેમ તેની શી ખાતરી!] આ દુહા અસલ પ્રાકૃત દેશ્ય બોલીમાં રચાયા હોવાનું એ કાળક્રમે નવી દેશી વાણીમાં રૂપાન્તર ધરીને આવ્યાનું કલ્પવાનો એક આધાર ‘પ્રબંધચિંતામણિ’માંથી જડે છે. તપાસો દુહો 16મો : જાવું થોડે દાહડે, દનડા દસ કે અઠ! હવે સરખાવો મેરુતુંગે ટાંકેલો દુહો : ઉગ્યા તાવિઊ જહિં ન કિઉ, લકખઉ ભણઈ નિઘટ્ટ ગણિયા લબ્ભદ દીહડા દહક અહવા અઠ્ઠ. લાખા ફુલાણીના આ દુહાઓમાં કેટલાક કચ્છી પ્રયોગો લાગશે, કેટલાક શુદ્ધ સોરઠી ને કેટલાક મારવાડી. જેમાં મારવાડી મરોડો છે તે દુહા મને ઝાંસી તાબે ચિરગાંવના સ્વ. મુન્શી અજમેરી નામે ઢાઢી જ્ઞાતિના વિદ્વાન કવિએ મુંબઈમાં સને 1933-34ના અરસામાં પૂરા પાડેલા. કચ્છી ઘાટ તો સ્વાભાવિક, કારણ કે લાખો કચ્છનો હતો. પરંતુ અસલ રચના અપભ્રંશ બોલીમાં હોવી જોઈએ, કેમ કે આ તો વિક્રમના દસમા સૈકાનું ઐતિહાસિક પાત્ર છે. જો આટલું સ્વીકારીએ તો પ્રતીતિ થાય છે કે કંઠસ્થ સાહિત્ય હિન્દના કેટકેટલા પ્રાંતોમાં રમતું-ભમતું ગાનારનાં મનભાવતાં ભાષાસ્વાંગો સજીને વિચરતું હતું! ભાષાભેદની દીવાલો તેને રૂંધી શકતી નહિ. ખરું જોતાં દીવાલો જ નહોતી. વાણી સમગ્ર ભારતવર્ષની, જૂજવા રંગનાં સાગરનીર સમી, આખા ખંડને તીરે તીરે એકની એક જ વહેતી રેલતી ને જનહૈયાં ભીંજવતી. [‘ફૂલછાબ’, 11-4-1941, 18-4-41]