ચારણી સાહિત્ય/18.લોકકવિતાનો પારસમણિ


18.લોકકવિતાનો પારસમણિ

“છત્તીસગઢના મુલકમાં જિંદગી કઠોર છે, ધૂળધૂળ છે. માનવશ્રમને સાંપડતો બદલો ત્યાં અલ્પ છે, અને એનાં છેક કંગાલ કાતરિયાના ઉંબરમાં આનંદ પહોંચાડનારાં ગીતો જો ત્યાં ન હોત તો માનવજીવન પર નરી હતાશા જ ફરી વળી હોત.” ‘છત્તીસગઢનાં લોકગીતો’ એ નામના નવા બહાર પાડેલા અંગ્રેજી ગ્રંથના પ્રવેશકમાં વેરીઅર એલ્વિને વાપરેલા આ શબ્દો, એકલા એ પ્રદેશને જ નહિ, હિન્દની ધરતીના કોઈ પણ એક ટુકડાને શબ્દશઃ લાગુ પડે તેવા છે. વેરીઅર એલ્વિન વધુમાં જર્મન કવિ શિલ્લરને ટાંકે છે : ‘પ્રત્યેક કલા આનંદને અનુલક્ષે છે; અને માનવીને કઈ રીતે સુખી કરવો, એના કરતાં એકેય પ્રશ્ન વધુ મોટો કે વધુ ગંભીર નથી. સાચી કલા એ જ એક છે, કે જે ઉત્કૃષ્ટ રસોલ્લાસ નિપજાવી શકે છે.” કવિતા, એ સાચી કલા છે. કવિતાનાં કાંધ પર તમે ભલેને પછી ફાવે તે પ્રયોજનનું પોટકું લાદતા હો, એનું મુખ્ય લક્ષ્ય, અન્યથા અનેક રીતે નીરસતા વેઠતા, રૂક્ષ માનવજીવનને આનંદ અને ઉલ્લાસથી છલકાવી દેવાનું છે. અને લોકકવિતાને માટે આ આનંદલક્ષિતાનો અમોએ જેમણેજેમણે મોટો દાવો રાખ્યા કર્યો છે, તેમની અંદર એલ્વિનના આ શબ્દો હિંમત પૂરનારા બને છે : “ને પ્રખર કવિઓની કાવ્યકૃતિઓને જે કલાસિદ્ધિ વરી છે, તે જ કલાસિદ્ધિને આ ખેડુગીતોએ પણ પોતાની મર્યાદિત શક્તિના પ્રમાણમાં પુરવાર કરી છે.” એલ્વિનનો આ ગ્રંથ મૂળ લોકગીતોના અંગ્રેજી અનુવાદો આપે છે. પાછલાં પાનાંમાં મૂકેલા ટિપ્પણમાંથી કોઈકોઈ ગીતની કોઈકકોઈક અસલ પંક્તિઓ પકડી શકાય છે. જેમ કે — માયા કઠિન હાવે તોલા, નાહિ વિસરાવે. [પ્રીત કઠણ છે. તમારાથી એ નહિ વીસરાય.] એ આખા ગીતના અસલ શબ્દોને અભાવે એલ્વિનના રમ્ય અનુવાદ પરથી આપીએ : કઠણ ચણા બેવડી વાર પીસવા પડે છે. પ્રીતિ કઠણ છે. વિસાર્યું જાતું નથી. સેજ પર સૂતાં માંકડ ચટકા ભરે છે. ભોંય પર સૂતાં અંગો કળે છે. પ્રીતિ કઠણ છે. હાથપગ એના રૂપાળા છે. પ્રીતિ કઠણ છે. પ્રીતિની દુર્દમ્ય વેદનાને આલેખવામાં હિંદી કવિતા મેદાન સર કરી જાય છે, એમ કહીને અનુવાદક એક પંજાબી ગીતનું ભાષાંતર ટાંકે છે : સોની જેમ એના જતરડામાંથી સોનાનો સોહામણો તાર ખેંચે છે, તેમ તારી માયાએ મને પીસી માર્યો છે. પ્રીતિ તો બરફની વૃષ્ટિ સમી છે; અસંખ્ય ઘરો એ ભાંગી નાખે છે. પ્રીત જ્યારે ઊડી જાય છે. અને કડીઓ તૂટી પડે છે, ત્યારે એવું લાગે છે કે જાણે લાલ ધગેલા લોઢાને માથે લુહાર ઘણનો ઘા ચૂકી ગયો, અને ધમણ ધમાતી રહી ગઈ. પણ પંજાબ ને છત્તીસગઢ લગી શીદને લાંબા થવું? સામટી એક દુહા-સેર (અને તે પણ આપણા ભવાઈ-સાહિત્યમાંથી) નીકળી પડે છે : મેં જાણ્યું સજન પ્રીત ગઈ, પ્રીત તો જાશે મુંવાં; સુતારી-ઘેર લાકડાં, વેર્યાં થાશે જુવાં.1 સાજણ! ચિણગી પ્યારકી, રહી કલેજે લાગ; જેસી ધૂણી અતીતકી, જબ ખોલું તબ આગ. સજણ! સુવાણી સ્નેહકી, પરમુખ કહી ન જાય; મૂંગેકું સપનો ભયો, સમજ સમજ પછતાય. પ્યાસે ચાહત નીરકું, થક્કા ચાહત છાંય, હમ ચાહત તુમ મિલનકું, કરકર લંબી બાંય. પિયુ પિયુ કર પ્યાસી ભઈ, જલમેં પેઠી ના’ય; શિર પર પાની ફિર વળ્યો, પિયુ બિન પ્યાસ ન જાય. પ્રીત કરી સુખ લેનકું, ઉલટ ભઈ દુઃખ દેન; પહેલી આગ લગાય કે, દોડ્યો પાની લેન. જો મેં એસા જાનતી, પ્રીત કિયે દુઃખ હોય; નગર ઢંઢેરા ફેરતી, પ્રીત ન કરિયો કોઈ. પિયુ પિયુ કરતાં પીળી હુઈ, લોક જાણે પાંડુ રોગ; છાની લાંઘણ મેં કરું, પિયામિલન સંજોગ. પ્રીતમ, તેરે દરશ બિન, સુકો શામ શરીર; પાપી નેનાં ના સૂકે, ભરભર આવે નીર. ભાવ-પ્રતીકો પર જ આ લોકકવિતાનો મુખ્ય મદાર છે. એની સંવેદનાનાં સંકેત-ચિહ્નો ન્યારાં છે. અતીતની ધૂણી જ્યારે રાખ ફંફોળો ત્યારે અંદર અગ્નિ જલતો ને જલતો — એ ભાવપ્રતીક લોકકવિતાને પ્યારું છે, કારણ કે એ એનું ઘરગથ્થુ, તળપદું, આગવું છે. પણ આપણે છત્તીસગઢની આદિવાસી પ્રજાનાં ઝૂંપડાં તરફ પાછા વળીએ, ને એની કઠોર, ધૂળધૂળ, અને વિફલ મહેનતે રૂંધાતી જિંદગીને હતાશામાંથી ઉગારી લેતા કાવ્યને કાન દઈએ — એહ હે હય ગા સેજરિયા મારે હો ગય અંધિયરિયા સેજરિયા મારે. એ ધ્રુવપદે ધબકતા સારા યે ગીતની પ્રૌઢિ આ અંગ્રેજી અનુવાદના ય અનુવાદ પરથી પકડાઈ જાય છે — સેજલડી મારી હવે કેવી અંધિયારી બની ગઈ! તારું બદન ચાંદા જેવું હતું, તારી આંખો હરણના જેવી હતી; લાંબા કેશ હતા તારા, મારા રતન! બે દા’ડાની માયા લગાડી તારે દેશ ચાલી ગઈ. સેજલડી અંધારી ઘોર બની ગઈ. આંબે કોયલ ટૌકે છે, જંગલમાં મોર બોલે છે, નદીકાંઠે બગલું બોલે છે, ને હું ભરમાઉં છું, જાણે એ તારા ગળાનું ગાન છે. સેજલડી કેવી અંધિયારી બની છે મારી! અંધિયારી બનેલી સેજ પર એકદા સંગીત બજી ઊઠેલું — સાજ કે ખુરા સરઈ પટિયા, ઘૂંગરાહીન તોર ખટિયા બજાહુ રતિયા. [સાજ, લાકડાના પાયા ને સરઈ લાકડાનાં ઇસ-ઊપળાં છે. હે વાંકડિયાં કેશવાળી! તારા ખાટલા પર રાત્રિએ સંગીત બજાવીશ.] લાઘવમાં, તેમજ ભાવપ્રતીકને હિસાબે, બરાબર સ્પર્ધા કરે તેવો આપણો દુહો જુઓ : થંભા થડકે, ઘર હસે, ખેલણ લગ્ગી ખાટ; સો સજણાં ભલ આવિયાં, જોતાં જેની વાટ, વેરીઅર એ ભાવને અંગ્રેજીમાં મૂકી આપે છે, ત્યારે એ વિદેશી ભાષામાં જાણે સમૃદ્ધિ ઉમેરાય છે — O girl with tinkling bells! I will make music On your bed tonight. આદિવાસી જીવનમાં પ્રેમ, શિકાર અને સંગ્રામનો આવેશ પ્રબલ, પમત્ત ઝંઝારૂપે આવે-જાય છે — લાલી હો કે આ જા, ગુલાલી હો કે આ જા, મોર બૈહા કે પલંગમા; ચિરૈયા હો કે આ જા, મોર બૈહા કે પલંગ મા રે દોસ્ત. અંગ્રેજી બાની એ લોકપ્રતીકોને આસાનીથી ઝીલે છે : Red as a rose Come to your madman’s bed; Come as a bird, Come to your madman’s bed. જોબનના નાશને પણ લોકકાવ્ય એના તળપદા ભાવપ્રતીકમાં વ્યક્ત કરે છે — સોને કટોરાલા ફોર ડારે, તોર મસ્તી જવાનીલા કાહા તોડા રે. [તેં તારો સુવર્ણ-કટોરો ફોડી નાખ્યો છે. તારી મસ્ત જુવાનીને તેં ક્યાં તોડી નાખી?] એથી જુદેરી સોરઠી દુહાની સંકેત-વાણી : જોબનિયા! તુંને જાળવ્યું, ચાર્યું માઝમ રાત; એવો અવગુણ શો થયો, (કે) લકડી દઈ ગયું હાથ! ‘ચાર્યું સારી રાત’ એ ભાવ દૂઝણાં પશુને આખી રાત પહર ચારવાની રસમમાંથી ઉપાડી તેના પ્રતીક વડે, જોબનને જે પ્રેમ-લાડ લડાવ્યા તેને અહીં વ્યંજિત કરાયા છે. આદિવાસીની લોકકવિતાએ તો સ્વપ્નાં પણ ગાવાં છોડ્યાં નથી — સોને સિંધુલિયા, રૂપે કે ઢકૂના, છિન આબે છિન જાબે, દે દેવે સપના. [સોનાની કંકાવટી, ને રૂપાનું ઢાંકણું; ક્ષણેક આવજે ને ક્ષણેક જજે, પણ મારગડે મને એકાદ સ્વપ્નું તો દેતી જાજે.] ગુજરાતના કોઈક નવીને ગાયું — સ્વપ્ન લેશો રે! કોઈ સ્વપ્ન લેશો રે! તે પૂર્વે તો લોકકાવ્યે ગાયું હતું. આદિવાસીની ઊંઘમાંથી એણે આ સ્વપ્ન ઉપાડી લીધું : તને મેં સપનામાં દીઠી ભમરાના જેવા રંગબેરંગી ઝલકતી ચૂંદડી, કાળા કેશમાં કંગનથી સેંથો પાડતી, કાંડે કાળી બંગડીઓ; આંખો ઉઘાડી, આસપાસ જોયું, અરેરે! બિછાનું સૂનું હતું. જાપાની લોકકાવ્યનું સ્વપ્ન, એક અંગ્રેજી અનુવાદનું અવતરણ કરીને એલ્વિન એની જોડમાં મૂકે છે — સપનાનાં આ મિલનો કેવાં દુઃખદાયી છે! ઝબકીને જાગતાં ચોપાસ, આવલાં મારીએ, કોઈનો સ્પર્શ મળતો નથી. અને અહીં તો શબ્દશઃ એક કુટુંબી સમું આપણું સોરઠી લોકકાવ્ય-સ્વપ્ન સ્મરણે ચડે છે : સાજન સપને આવિયાં, ઉરે ભરાવી બાથ; જાગીને જોઉં ત્યાં જાતાં રિયાં, પલંગે પછાડું હાથ. પલંગે પછાડું હાથ તે કાંઈ નો ભાળું, વા’લાં સાજણ સાટું ખોબલે આંસુ ઢાળું. આદયાઁ કામ તે અધવચ રિયાં, જાગીને જોઉં તો સજણ જાતાં રિયાં. જાપાની કાવ્યના અસલ શબ્દો તો હરિ જાણે; પણ અનુવાદમાં છે — When waking up, startled One gropes about, And there is no contact to the hand. સોરઠી સ્વપ્ન-કાવ્યમાં પણ એ જ કવિતા ટપકી ગઈ : જાગીને જોઉં ત્યાં જાતાં રિયાં, પલંગે પછાડું હાથ. સોરઠી પ્રતીક-જુક્તિ, સોરઠી ‘સિમ્બોલીઝમ’, એ સ્વયંપૂર્ણ છે, કાવ્યનું એ સંપૂર્ણ ઉપાદાન છે. છત્તીસગઢનાં લોકગીતોનો પરદેશી સંપાદક આ ગીતોના કાવ્યરસને કવિ શૅલીની આંકણીએ માપે છે. શૅલીને કવિતામાં શાનું દર્શન થયું? “કવિતા હરેક વસ્તુને રમ્યરૂપે પરિવર્તિત કરે છે : જે સુંદરતમ છે તેને ય કવિતા ઑર સુંદર કરી આપે છે, અને જે કદરૂપ છે તેનામાં રમણીયતા મૂકે છે; ઉલ્લાસ અને બીભત્સતાની વચ્ચે, શોક અને હર્ષની વચ્ચે તેમજ ચિરંતન અને ક્ષણિકની વચ્ચે, કવિતા લગ્ન કરી આપે છે; પોતાની હળવી ધૂંસરી હેઠળ એ વિષમ વિગ્રહશીલ વસ્તુઓને પણ જોતરી આપે છે. જેને એ સ્પર્શે છે, તેને એ કાંચનનું કરે છે, અને એના પ્રભા-વર્તુલની અંદર આવનાર પ્રત્યેક સ્વરૂપ એની અજબ કરુણા થકી નવો અવતાર ધરી રહે છે. જીવનમાં ટપકતાં મૃત્યુનાં વિષભર્યાં નીરને કવિતાની કીમિયાગીરી કનકનાં કરે છે : દુનિયાના દેહ પરથી પરિચિતતાનો પરદો સેરવી લઈને કવિતા એના નિદ્રાવશ નગ્ન સૌંદર્યને પ્રત્યક્ષ કરી આપે છે.” શૅલીને આટલું કહેવા દઈને એલ્વિન ઉમેરો કરે છે કે “આ બાબતમાં તો શૅલીએ શક્ય ગણ્યું તેના કરતાં યે હિન્દી કવિતા આગળ જાય છે. હિંદી કવિતાના પ્રદેશ-વિસ્તારમાં તો ગર્ભાધાન, ગર્ભ માટેના વલવલાટ, રજસ્વલાપણું, બજારમાં વેચાતી વસ્તુઓનાં મૂલ્ય અને મચ્છીની જૂજવી જાતો પણ સમાવેશ પામે છે.” સગર્ભાવસ્થાનું કાવ્ય એ તો દેખીતી રીતે જ રમ્ય અને ભયાનક વચ્ચેનું લગ્ન કહેવાય. આદિવાસીની કવિતાએ આ બે પરસ્પર વિદ્રોહી ભાવોનું મિલન આ રીતે સાધી આપ્યું — પૂનમ ઊગે છે, છતાં મારું માથું કોરું છે, કૂવા-કાંઠે જાઉં છું. પૂનમનો ચાંદો ઊગે છે, ઊંડા ધરામાં માછલી મહાલે છે, આંબાની ડાળીઓ ધરતીએ ઝળૂંબે છે. બીજા માસનો ચાંદો ઢળે છે, વાડીમાં નવી કળીઓ ફૂટી છે. પિયુ મારા ફૂલની સુવાસ ચાહે છે. ત્રીજા મહિનાનો ચાંદો ઢળે છે, મારું માયલું જીવન વિચિત્ર ખાદ્યોની ઇચ્છા કરે છે, કાદવ અને ભૂતડો ખાવાનું મન થાય છે. ચોથે મહિને સિદૌરીને અવસરે મા આવે છે, એને ખોળે ચડીને સાત જાતનાં અન્ન આરોગું છું. પાંચમા માસની પૂનમ અંગોમાં છૂપું જીવન સળવળે છે. ઓ મારા વહાલુડા! તારા પ્રાણ-ધબકાર સંભળાય છે, ઊંડા નીરે કઈ મચ્છી છે, એ કોણ કહી શકે? ઝલાશે ત્યારે જાણશું, ખારી છે કે મીઠી. છઠ્ઠા માસનો ચાંદો ઢળે છે. સાતમા માસનો ચાંદો ઢળે છે. સ્તન-ડીંટડીઓ કાળી પડે છે —  મારા બાપુ હશે. પેટ લાંબું પડ્યું છે —  મારી મા હશે. આઠમા મહિનાનો ચાંદો ઢળે છે, સમો આવી પહોંચ્યો —  પરણ્યો હવે પાસે ઢૂકતો નથી. વાટે મેં સાપ ભાળ્યો —  આંધળો થઈને ચાલ્યો ગયો. નવમા મહિનાનો ચાંદ ઢળે છે, માયલું જીવન કેવું થાક્યું છે! અંધિયારી કેદ-કોટડીને દેખી, એ છૂટવા મથે છે, ધરતી પર મુકામ નાખવા મથે છે. ગર્ભાધાનને મહિનેમહિને ઉત્તરોત્તર પ્રકટ થતી ઇચ્છાઓ, શંકાઓ, મનોનુભવો અને વહેમોની આ વિલક્ષણ કાવ્યરસિક શબ્દચિત્રાવલિ નિહાળીને આપણને કવિતાના ઉદાત્ત પ્રયોજનનું નિર્વિવાદ દર્શન લાધે છે. મને ય આપણાં ગુજરાતી ગર્ભાધાન-ગીતો યાદ ચડે છે — પે’લે માસે તે જાણ્યું અજાણ્યું રે હરનું હાલરડું, બીજે માસે તે હૈયડામાં જાણ્યું રે ગોવિંદજીનું હાલરડું, ત્રીજે માસે સૈયરને સંભળાવિયું રે હરનું હાલરડું, ચોથે માસે તે ચૂરમાના ભાવા રે ગોવિંદજીનું હાલરડું. વગેરે વગેરે. ઉપરાંત જનેતાપદની નવી આંતરસમૃદ્ધિનાં ભાવપ્રતીકરૂપે આદિવાસીઓએ જળની મચ્છી, આંબાને નમતી ડાળ, નવી ફૂલકળી વગેરે જે યોજ્યાં, તે જ આપણે પણ આપણાં લોકગીતોમાં વાપરેલાં જોઈએ છીએ. વાંઝણી મહાદેવથી વર મેળવી પાછી વળે છે ત્યારે — સૂકાં રે સરોવર ભરાઈ ગિયાં ધન્ય રમતાં રે, માછલડી કરે રે કિલોલ કે મા’દેવ ગ્યાં’તાં રે, આંબા આંબલિયું લીલી થઈ ધન્ય રમતાં રે, કોયલડી કરે રે કિલોલ કે મા’દેવ ગ્યાં’તાં રે, શૅલીએ સાચું ભાખ્યું : કવિતા તો કુત્સિતને પણ રમ્યતા અર્પે છે; નહિ તો કસુવાવડના ભયે એ કમ્પતી છત્તીસગઢની આદિવાસી સગર્ભાને સુરક્ષિત રાખવાની સામૂહિક મનવાંછનાને આ શબ્દદેહ ક્યાંથી મળત? ઢોલિયાની પાટીને દશશેરી ગંઠીને ગર્ભિણીની કમ્મર ફરતી બંધાય છે, ત્યારે લોકો જે ગાય છે તેનું ધ્રુવપદ જ આટલું મંત્રાત્મક છે — સત કે નહિ, સબદ કિરવરિયા સુરતા કે બાંસ. [સતનું નાવ છે, શબ્દનું હલેસું છે, ને સુરતા (એકાગ્રતા)નો વાંસ છે.] મર્મ પકડાય છે : સગર્ભાનું ગર્ભાધાન સાચું, સ્વામી વડે જ નીપજેલું છે. એમાં કોઈ ઘાલમેલ નથી. હવે સમગ્ર ગીતનો અંગ્રેજી અર્થ ઉતારીએ : દિવસરાત ચંદ્રમાની નીચે પ્રવાહ ચાલ્યા કરે છે, સત્ગુરુ આવ્યા છે, ને જળમાં એણે દેરી બાંધી છે. નદી ઊંડી છે; અંધિયારો ધરો અતાગ છે, નદીના વહેનની વચ્ચે એ દેરી શે બાંધી શક્યાં? નાવ ક્યાંથી આવી? ને હલેસાં ક્યાંથી? નાવ સતની છે, હલેસાં શબદનાં છે, વાંસ સુરતાના છે, પૂનેમનો દિન હતો ને સુતારે દેરી બાંધી. ચૂનો ક્યાંથી આણ્યો? ને કાપડ ક્યાંથી? બેઉ ચોંટ્યાં કઈ રીતે? ઇંટો બાપની, પથરા બાપના; ચોંટાડ્યાં માએ. પૂનમને દા’ડે દેરી બાંધી, ચૂનો શાનો? કાપડ શાનું? દીવાલોને રંગ શાથી? ચૂનો રૂપાનો, કાપડ રામનું, દીવાલોને સતથી રંગી. ભીંતોમાં હાડકાં માંડ્યાં, ને અંદરથી બાંધી લીધાં; દેરીના છત્રીશ લાખ ખંડ પાડ્યા, ને એની વચ્ચે વા-બારી રાખી. વેરીઅર એલ્વિન એક વફાદાર અનુવાદક છે. એણે ઉદ્ધરેલા અર્થમાં અત્યુક્તિને સ્થાન નથી. એટલે કે જે ભાવપ્રતીકોની રજૂઆત અહીં થઈ છે, તેનું અસલ શબ્દપિંજર કેટલું રમ્ય હશે! ગર્ભાધાનની જુગુપ્સાજનક ગણાયેલી નારીઅવસ્થાને જે લોકકવિતા આમ કંચનમય કરી આપે છે, તે રુધિરમાંસની ખદબદ સૃષ્ટિ પર ભજન-વાણીનું બાજઠ ઢાળી આપે છે. સાચી સંસ્કૃતિનું અહીં મહાદર્શન થાય છે. જેનાં પાણી તો નવખંડ ધરતી પર વરસે, વરસીને પાછાં પૃથ્વીને પોપડેપોપડે નીતરે, અને નીતરી કરીને ઊપરતળે સર્વત્ર રમણીયતા પ્રકટાવી આપે તે જ સાચી સંસ્કૃતિ; ને તે જ સાચી કવિતાસમૃદ્ધિ. તળેતળ ઊતર્યા વગર એ રહે જ નહિ. સપાટી પર જ જો રહે તો એનાં ખાબોચિયાં બને, ને એ ગંધાઈ ઊઠે. કવિતા અને સંસ્કૃતિ, બેઉને માટે આ ચકાસણી જ બસ થશે.