ચિન્તયામિ મનસા/સંકેતવિજ્ઞાનની સૈદ્ધાન્તિક ભૂમિકા


સંકેતવિજ્ઞાનની સૈદ્ધાન્તિક ભૂમિકા

સુરેશ જોષી

સંકેતવિજ્ઞાન વિશે જેમણે થોડુંઘણું વાંચ્યું છે તેમને ઉમ્બેર્તો એકોનું નામ અજાણ્યું નહિ લાગે. એઓ બોલોના વિદ્યાપીઠમાં સંકેતવિજ્ઞાનના જ અધ્યાપક છે. એઓ ‘La’strutura assente’ નામના સામયિકનું સમ્પાદન પણ કરે છે. તાજેતરમાં એમણે સંકેતવિજ્ઞાનની સૈદ્ધાન્તિક ભૂમિકાને સમજાવતું પુસ્તક અંગે્રજીમાં લખ્યં છે. એમની માતૃભાષા તો ઇટાલિયન છે. આથી બીજી ભાષામાં લખવાના પોતાના પ્રયત્નને પણ એમણે, સંકેતવિજ્ઞાનની દૃષ્ટિએ, વિચાર્યો છે. એઓ કહે છે કે બીજી ભાષામાં લખવું એટલે એ વિષયની નવેસરથી વિચારણા કરવી. રસપ્રદ પ્રશ્ન આ છે: ઇન્દ્રિયપ્રત્યક્ષોથી જે સામગ્રી લાધે છે તેનો ‘અનુવાદ’ મન અર્થપૂર્ણ સંકેતોના રૂપમાં શી રીતે કરે છે? જે ચાક્ષુષ છે તે અને જે શાબ્દિક છે તે એકબીજા સાથેનો સમ્બન્ધ શી રીતે ગોઠવે છે? ભાષિક અભિવ્યક્તિનો જ્યારે પારકી ભાષામાં અનુવાદ થાય છે ત્યારે કશુંક લુપ્ત થઈ જાય છે ખરું? મન એકનો બીજા જોડે, રૂપક અને અજહલ્લક્ષણા વગેરે દ્વારા, શી રીતે મેળ પાડે છે?

સંકેતમાં સામાજિક રૂઢિને કારણે એક પદાર્થ બીજા પદાર્થની અવેજીમાં લઈ શકાતો હોય છે. એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરતી વેળાએ મનમાં જે વ્યાપાર ચાલે છે તે મનોવિજ્ઞાનનો વિષય છે? આ સામાજિક રૂઢિઓ શી રીતે સ્થપાય છે તે પ્રશ્ન સમાજવિદ્યાનો છે?

એમનું આ પુસ્તક પાંચ ખણ્ડોમાં વહેંચાયેલું છે. જોહ્ન વોકરે ‘લિયોનાર્દો’ (પૃ. 10-4)માં એની મહત્ત્વની ચર્ચા કરેલી છે. સૌ પ્રથમ પ્રસ્તાવનામાં સંકેતવિજ્ઞાનના કાર્યક્ષેત્રની સીમાઓ આંકવાનો એમણે પ્રયત્ન કર્યો છે. એથી ઉપરની સીમા અને નીચેની સીમા તેમ જ જ્ઞાનની અન્ય શાખાઓ સાથેના એના સમ્બન્ધોની ચર્ચા કરી છે. સંકેતિત કરવાની પ્રવૃત્તિ તથા અર્થવિનિમયની પ્રવૃત્તિ વચ્ચેના ભેદને એમણે સ્પષ્ટ કરી બતાવ્યો છે. એનો હેતુ પ્રાકૃતિક સંકેતો (દા.ત. વાદળો વરસાદના સંકેત રૂપ છે) અને માનવી માનવી વચ્ચેના ભાષિક વ્યવહારમાં યોજાતાં સંકેતો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી આપવાનો છે. પ્રાકૃતિક સંકેતો પાછળ કશા સભાન આશયો હોતા નથી. માનવીના ભાષિક વ્યવહારમાં વપરાતા સંકેતો પાછળ તો કશુંક કશાક હેતુથી અભિવ્યક્ત કરીને બીજા સુધી પહોંચાડવાનો આશય રહ્યો જ હોય છે.

આ પછી ‘કોડ’ અને ‘સાઇન’ વચ્ચેના સમ્બન્ધ વિશેની ઉપપત્તિ સ્થાપવાનો એમણે પ્રયત્ન કર્યો છે. આ નિમિત્તે પિયર્સ, સોસ્યૂર, બાર્થ, યાકોબ્સન, મેત્સ વગેરેના સંકેતવિજ્ઞાનના કેટલાક પાયાના ખ્યાલોની એમણે મીમાંસા કરી છે. એમાં અભિવ્યક્તિ અને અભિવ્યક્ત કરવાની સામગ્રી, અભિધા અને સંકેત, વક્તવ્ય અને એને માટેનો પાઠ – આ બધાંની ચર્ચા કરી છે. એઓ એવી દલીલ કરે છે કે વાસ્તવમાં સંકેત જેવું કશું નથી, જે છે તે સંકેતનું કાર્ય(sign function) જ છે. સંકેતકાર્ય અભિવ્યક્તિ અને એને માટેની સામગ્રીનો પારસ્પરિક સમ્બન્ધ રચાતાં સ્ફુટ થઈ આવે છે. આ બે બીજા સમ્બન્ધોથી પણ સમ્પૃક્ત થઈ શકે, આથી સંકેતો તો બે તત્ત્વો વચ્ચે તત્પૂરતો સમ્બન્ધ સ્થાપી આપવા માટેના નિયમોના કામચલાઉ પરિણામરૂપ જ બની રહે છે. સંકેતના અર્થ તે સંકેતિત પદાર્થો છે એવું એઓ સ્વીકારતા નથી. એને સ્થાને સંસ્કૃતિગત એકમોને સ્થાપે છે. આ એકમો દરેક સંસ્કૃતિમાં જુદા હોઈ શકે.

સંકેતયોજનાની પાછળ રહેલા અનેક પ્રકારના ઉદ્યમની એમણે સુવિસ્તૃત ચર્ચા કરી છે. એમાં એમણે સંકેતોનું વર્ગીકરણ, આઇકોનની વિભાવના, ર્હેટોરિક, ચિન્તનાત્મક નિબન્ધ તથા રસકીય અપેક્ષાઓ ઊભી કરતી કૃતિઓ વિશે મીમાંસા કરી છે.

સંકેતવ્યવહાર થતો હોય એવી પ્રવૃત્તિમાં એ પ્રવૃત્તિ ચલાવનારનું શું સ્થાન તે પણ એમણે વિચાર્યર્ર્ં છે, જોકે એ કાંઈ સંકેતવિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં ન આવી શકે.

આપણને તો એમણે રસકીય અપેક્ષાઓ ઊભી કરતી કૃતિઓ પરત્વે જે કહ્યું છે તેમાં રસ છે, આ કૃતિઓ પણ કશાકનું સંક્રમણ તો કરતી જ હોય છે (એટલે કે એની પાછળ સભાન આશય રહ્યો હોય છે, એના સંકેતોને પ્રાકૃતિક સંકેતોના વર્ગમાં નહીં મૂકી શકાય). એ સંકેતોના નિર્માણ પાછળની પ્રવૃત્તિની મીમાંસા મહત્ત્વની છે. કળાકાર યદૃચ્છાથી શૂન્યમાંથી કળાકૃતિનું નિર્માણ કરી શકે છે એવું એઓ સ્વીકારતા નથી. નૂતનના આવિષ્કાર વિશે એમણે કરેલું નિરૂપણ રસપ્રદ છે. નવા સંકેતો શી રીતે અસ્તિત્વમાં આવે છે? આ સંકેતોને ભાવકવર્ગ શી રીતે સમજે છે? એમની આ સમજ સામાજિક રૂઢિ પર આધાર રાખતી હોય તો આવા સંકેતો પરત્વે તો એવી રૂઢિ સ્થપાઈ નથી હોતી. રસકીય અપેક્ષાઓ ધરાવતી કૃતિ એ અમુક ‘સંદેશો’ની વ્યવસ્થા હોય છે. એમાં સંકેતના વાહકોની વિશિષ્ટ રીતે કરવામાં આવતી યોજના મહત્ત્વની બની રહે છે. એઓ આ પરત્વે નીચેની વિગતો પર ભાર મૂકે છે: (1) સન્દિગ્ધતા ‘(કોડ’ના નિયમોનો ભંગ કરવાની એક રીતિ) – આ ભાવકોને અર્થઘટન માટે ઉદ્દીપ્ત કરે છે. (2) પોતાના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું – એ ભાવકોનું ધ્યાન એના પોતાના આકાર તરફ ખેંચે છે. (3) અભિવ્યક્તિ અને એની સામગ્રીનો વધતો શેષ – એથી એવી છાપ પડે છે કે કળાકૃતિ બધું સંકેતિત કરે છે અને તેથી એ કશાનું સંક્રમણ કરતી નથી. એઓ કળાકૃતિને ઊંચી કક્ષાનું સંકેતકાર્ય કહીને ઓળખાવે છે. એના પર deviational matrixનું નિયન્ત્રણ હોય છે. એથી ‘કોડ’ની પુનર્રચના કરવાનું અનિવાર્ય બની રહે છે. આથી નવી સંકેતરચનાની શક્યતાઓ પ્રકટ થાય છે. જો એ સમાજ દ્વારા સ્વીકૃત બને તો દરરોજના વિનિમયમાં નવી સમૃદ્ધિનો ઉમેરો થાય. પણ સમાજની માન્યતા એ મહત્ત્વની વસ્તુ બની રહે છે. એકો કહે છે, ‘પયગમ્બરોને પણ સાચા ઠરવા માટે સમાજની સ્વીકૃતિની જરૂર પડે છે. જો સમાજ એવી સ્વીકૃતિ નથી આપતો તો એઓ ખોટા પડે છે.’ પણ સમાજની સ્વીકૃતિ એટલે કોની સ્વીકૃતિ? એ ક્યારે મળે? અને શા હેતુથી મળે? – આ પ્રશ્નો તો અનુત્તર જ રહી જાય છે.

કળાકૃતિઓ સંકેતવિજ્ઞાનની સીમાઓને ઉલ્લંઘી જાય છે કારણ કે જો તમે શબ્દાર્થની રૂઢ વ્યવસ્થાને બદલો તો સંસ્કૃતિની જગતને જોવાની રીત પણ બદલવાની રહે. રસકીય અપેક્ષાઓ ધરાવતી કૃતિ જેને કોઈ પણ પ્રકારની સત્યાસત્યની મર્યાદાનું બન્ધન હોતું નથી તે આપણા મનમાં એવો સંશય જગાડે કે જગતની વાસ્તવિક સ્થિતિ અને કૃતિની સામગ્રીનું હાલમાં થતું સંયોજન એ બે વચ્ચેનું સાદૃશ્ય ઉત્તમ પ્રકારનું આત્યન્તિક હશે ખરું? બીજા અર્થ પ્રકટ કરનારાં સાધનો દ્વારા જગતનાં લક્ષણો બાંધી આપી શકાય. સંકેતવિજ્ઞાની સંકેતવ્યવસ્થા શી રીતે કાર્ય કરે છે તે જાણવા માટે એને તપાસે છે, જ્યારે કળાકાર સંકેતોને બદલવા માટે એમાંથી નવો ધ્વનિ નિષ્પન્ન કરવા માટે, એની દ્વારા કાર્ય કરે છે.

ચિત્રકળા તેમ જ બીજી રસકીય રચનાઓ પરત્વે એમણે જે કહ્યું છે તે કંઈક સર્વસામાન્ય સ્વરૂપનું છે. એમનાં વિધાનોનું સમર્થન કરનારાં દૃષ્ટાન્તોની ઊણપ સાલે છે. એમણે એનો આપેલો અહેવાલ પણ અધૂરો છે. કૃતિગત વિગતો આપી દેવાથી જ કળા વિશે સ્પષ્ટતા થઈ ચૂકી ગણાય નહિ. લલિત કળાઓનો સમાજસંસ્થાના અંશ રૂપે પણ વિચાર થવો ઘટે. આ લલિત કળાઓ રાજ્યે ઊભાં કરેલાં કેટલાંક સાધનોને આધારે ટકી રહેતી હોય છે (દા.ત. કળાશિક્ષણ આપતી સંસ્થાઓ, કળા અંગેની વિચારણા કરનારી સમિતિઓ, કળાપ્રદર્શન માટેની સંસ્થાઓ). આ ઉપરાંત એ વિષયના વિશેષજ્ઞોનો પણ એમાં સારો એવો ફાળો હોય છે. અમુક તબક્કે કળા એટલે શું, ઉચ્ચ કળાનાં લક્ષણો કયાં? એ બધું નક્કી કરવામાં એમના શબ્દનું જ ઝાઝું વજન પડતું હોય છે. એઓ સંસ્કૃતિના ઉપલા તેમ જ નીચલા સ્તરનાં પણ લક્ષણો બાંધી આપે છે. લલિત કળા અને સામૂહિક માધ્યમો દ્વારા જે રજૂ થાય છે તેનો ભેદ પણ એઓ કરી આપે છે. પ્રજાનો મોટો વર્ગ જેને કળા તરીકે સ્વીકારવાને ટેવાયો હોય તેનાથી જુદા પ્રકારની રચનાઓને કળા તરીકે સ્થાપી આપવામાં પણ એઓ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે.

‘ઇમ્પ્રેશનિઝમ’ને એઓ જગતને જુદી રીતે જોવાની રીતિ તરીકે ઓળખાવે છે. પહેલાં એ રીતિને દુર્બોધ ગણી કાઢીને નકારી કાઢવામાં આવી હતી, પણ પાછળથી એને સ્વીકારવામાં આવી હતી. પણ કળામાં સર્વત્ર આવું જ બને છે એવું નથી. ઘણા નવીન આવિષ્કારો સામાજિક સ્વીકૃતિ પામે એવી શક્યતા પણ રહેલી જ છે. સામૂહિક માધ્યમોનો પ્રતિકાર કરીને જ એ પોતાના અસ્તિત્વને સાભિપ્રાય કરાવે છે. એડોર્નો જેવા ચિન્તકોએ આ હકીકતને એક વિધેયાત્મક મૂલ્ય તરીકે પણ ઓળખાવ્યું છે. ‘એબ્સ્ટ્રેક્ટ એકસ્પ્રેસનિસ્ટ’ની રચનાઓ પહેલેથી આગાહી કરી શકાય એવા કશા નિયમોને વશ વર્તતી હોતી નથી. પણ એમનું એવું કહેવું છે કે સંકેતવ્યવસ્થા જેમાં નથી એવી ઘટનામાં પણ સંકેતનિર્ભર હેતુ રહ્યો હોય જ છે; એ સંકેતવ્યવસ્થાના અભાવને પ્રસ્તુત ઠરાવવાના ખપમાં આવે છે. આ અર્થમાં ‘અનૌપચારિક કળા’ની સરખામણી કશું બોલવાના ઇન્કારને વ્યક્ત કરવામાં આવતા મૌન જોડે થઈ શકે. એને આપણે ‘ર્હેટોરિક ઓવ્ સાયલેન્સ’ની નથી કહેતા?

મોન્દ્રિયાં જેવાની, કોઈ પરિચિત પદાર્થ કે આકૃતિનું આલેખન નહિ કરનારી રચનાઓમાં કશીક કૃતક પ્રકારની સંકેતવ્યવસ્થા ક્રિયાશીલ બનતી હોય છે. એમાંનાં ઘટકો સંયોજનાના અમુક નિયમોને વશ વર્તે છે, પણ એમાં કશા અર્થનું આરોપણ કરવામાં આવ્યું નથી હોતું. આવી સંરચનાઓના અમુક content સાથેનો સમ્બન્ધ જોડી શકાય. પણ આવા સમ્બન્ધોની અનેકવિધ શક્યતાઓ હોય છે આથી ભાવકને આવી પરિસ્થિતિમાં અર્થઘટન કરવાનો પડકાર ઝીલી લેવાનો રહે છે.

આ દૃષ્ટિબિન્દુમાં આવી કૃતિઓની પાછળ રહેલા આશયની અવગણના થયેલી લાગે છે. મોન્દ્રિયાંના ચિત્રને એનો વિશિષ્ટ અર્થ તો હોય જ છે. જેને ‘નિયો-પ્લાસ્ટિસિઝમ’ કહે છે તે સંજ્ઞાથી એ ચિત્રને શા માટે ઓળખાવવામાં આવે છે? એમાંનાં ‘સાંસ્કૃતિક ઘટકો’ વાસ્તવમાં ચિત્રરચનાને એક કળા તરીકે સ્વીકારવાની ભૂમિકા રચી આપે છે. એમાંથી અમુક મૂલ્યો ઉત્ક્રાન્ત થતાં હોય છે.

રાજકારણને જ પોતાની રચનાઓ સમપિર્ત કરનાર જોહ્ન હાર્ટફિલ્ડ જેવા કળાકાર વિશે આપણે શું કહીશું? એ તો કહે છે, ‘વધારે વિશાળ સમૂહ સુધી પહોંચવા માટે જેને મોટો સમૂહ સમજી શકે એવા સંકેતોનો મારે ચિત્રમાં વિનિયોગ કરવાનો રહેશે, પણ મારી સંસ્કૃતિના પાયાના સંકેતો તો શાસકવર્ગના સૂત્રસંચાલનથી રચાતા આવ્યા છે. આથી જે સમાજની પુન:રચના થાય એમ હું ઇચ્છું છું તેની સાથેના વિનિયોગ માટે આવશ્યક એવા સંકેતોનું પણ હું પુનવિર્ધાન કરવા ઇચ્છું છું. મારું સંકેતોનું પુનવિર્ધાન જો આત્યન્તિક સ્વરૂપનું હોય તો મારી રચનાને લોકસમૂહ સમજી નહિ શકે.’ અહીં એક પાયાનો વિરોધાભાસ દેખાય છે. જે કળાકારને સમાજમાં સમૂળી ક્રાન્તિ લાવવી હોય છે તેણે સંકેતો પરત્વે મધ્યમ કક્ષાના આવિષ્કારોથી ચલાવી લેવાનું રહે.

કળાગત આવિષ્કારોની ઇકોએ આપેલી સમજૂતી અપ્રતીતિકારક લાગે છે. એમનાં વિધાનોમાં વિરોધાભાસો પણ ઘણા દેખાય છે. સંકેતની રચનાનું ઉત્તરદાયિત્ય કોનું? – કળાકારનું કે એના ભાવકોનું? કળાકારો સંકેતના કાર્ય વિશે નિર્ણાયક હોવા ઘટે, સંકેતકાર્ય કળાકારોના પર નિયન્ત્રણ કરે એવું નહીં હોવું જોઈએ એઓ કહે છે ખરા, પણ અભિવ્યક્તિ અને સામગ્રી વચ્ચેના નવા આવિષ્કૃત સમ્બન્ધોનો સ્વીકાર નહીં થાય, એ ભાવકોને સુબોધ નહીં બને ત્યાં સુધી આવા સંકેતો ‘અંગત ભાષા’ જ બની રહે. આથી સંકેતરચના એ કળાકાર અને ભાવક બંનેની સહકારી પ્રવૃત્તિ છે એવું માનવું પડે. કોઈ નવી સંસ્કૃતિ જૂની સંસ્કૃતિની પશ્ચાદ્ભૂની પડછે જ ઊપસી આવતી હોય છે. જૂની સંસ્કૃતિથી સાવ નિરપેક્ષપણે એ અસ્તિત્વમાં આવતી નથી. જે આત્યન્તિક અર્થમાં નવા સંકેતોને અભિનિવેશપૂર્વક સ્થાપવા ઇચ્છે તે સ્વેચ્છાએ જોખમ ખેડતો હોય છે. એ સંકેતો પહેલાં બિલકુલ હોતા જ નથી; આથી કેટલીક વાર આ નર્યા નવા સંકેતોને સ્થાપી આપવાની પ્રવૃત્તિ નિષ્ફળ પણ જતી હોય છે.

કળાકૃતિ વિશેનું સંકેતવિજ્ઞાનીઓનું પૃથક્કરણ કળાનિર્માણમાં પ્રવૃત્ત એવા કળાકારોને ઉપયોગી થઈ પડે તે ક્યારે? જ્યારે એઓ અસ્તિત્વમાં છે એવા નમૂનાઓનું અનુકરણ કરીને કે એના સંમિશ્રણમાંથી કશુંક નિપજાવીને સન્તુષ્ટ થવા માગતા હોય ત્યારે જ! પહેલાં જેમની વચ્ચે સમ્બન્ધ બંધાયો નથી હોતો તેવાં ઘટકો વચ્ચે સમ્બન્ધ નવેસરથી આવિષ્કૃત કરનાર કળાકારને આ પૃથક્કરણનો ઝાઝો ખપ નથી. સંકેતવિજ્ઞાની તો સંકેત વ્યવસ્થા સ્થપાઈ ચૂક્યા પછી જ એનું વિશ્લેષણ કરતો હોય છે.

સંકેતવિજ્ઞાન વિશેની સામાન્ય સ્વરૂપની આ ઉપપત્તિની માગણી એવી રીતે કરવામાં આવી છે કે જાણે એ કોઈ ઇતિહાસબાહ્ય વસ્તુ નહીં હોય! કેમ જાણે એ સાવ મૂલ્યયુક્ત નહીં હોય! વિજ્ઞાન અમુક વિશિષ્ટ સંસ્કૃતિ કે વૈચારિક પરિસ્થિતિથી નિરપેક્ષ રહીને વિકસે છે, ને જો સંકેતવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે ઓળખાવવાનું હોય તો એણે પણ એમ જ કરવું રહ્યું!

મે, 1978