ચિલિકા/ચિલિકાકિનારે


ચિલિકાકિનારે – અપારે કાવ્યસંસારે

ઓરિસા આર્થિક રીતે વિપન્ન પણ સંસ્કારથી સંપન્ન. તો જ અહીંની સાહિત્ય અકાદમીને ભારતીય ભાષાઓના કવિઓને ચિલિકાકાંઠે બોલાવવાનું સૂઝે. અહીં જળથળમાં જામેલા અને મનુજ-મૂળમાં ઝમેલા સંસ્કાર બધે દેખાય. સામાન્ય માણસથી માંડીને મિનિસ્ટર સુધી દરેકમાં એ સંસ્કારની, આભિજાત્યની ઝલક દેખાય. અહીં તો અકાદમીના અધ્યક્ષ જ અહીંના મુખ્યમંત્રી જાનકીબલ્લવ પટનાયક – હોદ્દાની રૂએ અને સાહિત્યસેવી તરીકે. અમારી કાવ્યગોષ્ઠીનું ઉદ્ઘાટન તેઓ જ કરવાના હતા. વીસમી માર્ચ સવારે અગિયાર વાગે ઉદ્ઘાટન હતું, ધોમ તડકા નીચે તાણેલા શામિયાણામાં. લોકસભામાં ઓરિસા કૉંગ્રેસના ધબડકા પછી બદલાયેલી રાજકીય પરિસ્થિતિ અનુસાર રાજ્ય સરકારમાં થોડી કટોકટી સર્જાઈ હતી. આવી વ્યસ્ત વ્યગ્ર સ્થિતિમાંય તેઓ ઉદ્ઘાટન કરવા બરકુલ પહોંચ્યા. દૂરથી ટીડડા જેવું હેલિકૉપ્ટર દેખાયું. અવાજ કરતું પાંખો વીંઝતું શામિયાણાની સામે જ ઊતર્યું ને શામિયાણામાં પરસેવે રેબઝેબ કવિઓને છુટકારાની આશા બંધાઈ. મુખ્ય મહેમાન હતા ખુશવંતસિંગ – એંશી વરસના ટીખળી, તોફાની યુવાન. બીજા મહેમાન હતા તાજેતરમાં જ વરાયેલા કેંદ્રીય સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ વિખ્યાત ઓડિયા કવિ રમાકાંત રથ – શાંત, સ્થિર, ગંભીર. અહીં શંખનાદના મંગલધ્વનિથી સ્વાગતની પરંપરા. બે પાઘડિયાળા, ધોતીધારી વાદકો શંખની જોડી બે હાથે મોં પર લગાવી ગળું ફુલાવી શંખ વગાડતા જાય. અને હા, પુષ્પગુચ્છો, સ્વાગતની વિધિ જેમ બધે તેમ અહીં પણ રૂટિન. ક્યારે ટાળી શકીશું આ ઔપચારિકતાને? હા, મહેમાનોને ખેસ-અંગવસ્ત્ર ઓઢાડવાની વિધિ કરતાંય એ સુંદર વણાટની ભાતવાળી કિનારથી ઓપતા રેશમી ખેસમાં શોભતા મહાનુભાવોને જોવાની મજા પડી. સ્વાગત સમિતિના અધ્યક્ષ અહીંના વિધાનસભ્ય દેવેન્દ્રનાથ માનસિંહ ઓરિસા ધારાસભ્યના દંડક. અહીં સ્વાગત પ્રવચનમાં તેમણે કવિતાની જાદુઈ લાકડીથી સમૂહને વશ કરી લીધો. કવિતાનાં કેટકેટલાં અવતરણો કંઠસ્થ અને પઠન પણ કેવું? સમુચિત લય, નાદ, એના સ્વરભાર અને છંદનાં લક્ષણોને સાંગોપાંગ સાચવતું છતાં ભાવવાહી તો ખરું જ! મુખ્યમંત્રી જાનકીબલ્લવ સંસ્કૃત સાહિત્યના જાણકાર અને એક વેળાના પત્રકાર. તેમના ભાષણમાંય સાહિત્યનો પુટ પમાયો. તેમનું વલણ ‘જૂનું એટલું સોનું’ ને રૂઢિવાદી છતાં રુચિ, વાચન અને ખેવના દેખાય, ચિલિકાના ખોળે અમને બધાને આવકાર્યા અને નૉનવેજ ખાનારા માટે ચિલિકાની ખાસ આઇટમ જીંગા, કરચલો અને બીજી ડેલીસિયસ ડિશનો બંદોબસ્ત કરી તેનો સ્વાદ લેવા ઇજન પણ આપ્યું. દીપપ્રાગટ્યની વિધિ પછી આમંત્રિત મહેમાનો અને આમ જુઓ તો. સાહિત્ય અકાદમીના યજમાન એવા કવિ રમાકાંત રથ બોલવા ઊભા થયા. ‘શ્રી રાધે' ફેઈમ આ કવિની, કેંદ્રીય સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ થયા પછીની પહેલી જ ઓરિસા યાત્રા હતી. પોતાના સાહિત્યકાર દિલ્હીમાં પોંખાયાથી અહીંના બધા કવિઓ ખુશ હતા. ગંભીર વાણીમાં તેમણે કહ્યું, “સર્જન વિશે ઘણુંબધું કહેવાયું છે છતાં કશું જ ન કહેવાયું હોય તેમ ભવિષ્યમાં પણ ઘણું બધું કહેવાશે. એવી અગમ્ય અગોચર શક્તિ છે.” તેમના વ્યાખ્યાનમાં આ રહસ્યમય અગમ્ય પ્રવૃત્તિનો મહિમા હતો. “રચનાકાર સર્જક જ જો રચના કરતો હોય તો તે ધારે ત્યારે, તે વિષયે રચના કરી શકવો જોઈએ પણ તેમ થતું નથી. કોઈ ક્ષણે કોઈ વિષય, કોઈ રચના જ રચનાકાર પાસે આવે છે જાણે તેને ગળે માલ્યાર્પણ કરી તેને વરે છે અને સર્જક રચના કરે છે. સર્જનશક્તિ જ શૈલી અને શૈલીકારને શોધી કાઢે છે. એ શક્તિ મનસ્વિની છે, આપણી છે, છતાં આપણો તેના પર પૂરો અધિકાર નથી. અનુભવોની બહુલતા અને સંકુલતા એટલી છે કે તેનો અંશમાત્ર પણ પૂરેપૂરો આપણે કૃતિમાં ઢાળી શકતા નથી. આપણું કામ તો આનંદથી લખવાનું.” રમાકાંતજીના મૃદુ-આર્દ્ર-ગંભીર અવાજમાં રોમૅન્ટિક સૌંદર્યલુબ્ધ ભાષણમાં બધા લીન. રમાકાંતજી પછી તરત જ સરદાર ખુશવંતસિંગ. આખો મૂડ અને હવા જ બદલાઈ ગયાં. માલકંસના સ્વરોથી જામેલા ગંભીર વાતાવરણ પછી ઊછળતી જયજયવંતીનું ઝાપટું આવે, બકુલ ફૂલોની મંદ મંદ મહેક પછી મોગરાનું મઘમઘતું પૂર આવે એવું જ કશુંક થયું. રમાકાંતજીનું નામ પાડ્યા વગર, તેમણે જે કલ્પના, પ્રેરણાનો ઉલ્લેખ કર્યો, તેની સામે ખુશવંતસિંગે કૌશલ, રિયાઝ અને સતત મહેનત પર ભાર મૂક્યો. 'Talking about ownself is vulgur' – અને કવિઓ તેમાં રચ્યાપચ્યા છે. સાહિત્યના પરિશીલન અને પૅંગ્વિન પ્રકાશનના અનુભવે લાગે છે કે કવિતાની સ્થિતિ સારી નથી. અહીં જ નહીં, વિશ્વમાં ક્યાંય પણ દસમાંથી નવ સંગ્રહો કવિ ગાંઠનું ગોપીચંદન ઘસીને બહાર પાડે છે, છતાં તેમ જ પડ્યા રહે છે. આ ક્ષતિ આપણે ત્યાં કવિસંમેલનો અને મુશાયરાથી સરભર થાય છે. આ પરંપરા પશ્ચિમમાં નથી. આવા સંદર્ભમાં આવાં સંમેલનોનો મહિમા ઘણો છે. લેખનમાં કાંટછાંટ, સુધારાવધારા, રિયાઝનું શું મહત્ત્વનું સ્થાન છે તે તેમણે એલિયટના વેસ્ટલૅન્ડના એઝરા પાઉન્ડે કરેલા સંપાદનનું ઉદાહરણ આપી સમજાવ્યું. કશું નીપજી ન આવે તોપણ લખ્યે, લખે રાખો, લખતાં લખતાં શૈલીને વળાંક મળશે. વાતમાં વળ અને બળ આવશે. પ્રેરણા જેવી ‘માયાવિની' ઉપર આધાર ન રાખતાં સંકલ્પશક્તિ જેવી ‘માનુષી’ પર વિશ્વાસ રાખી લખો. કવિતાલેખનને વધારે રોમેન્ટિસાઇઝ. કરવાની જરૂર નથી. લખો. બસ લખ્યે રાખો. એ પછી હતી કવિતાપઠન અને કવિતાચર્ચાની ત્રણ બેઠકો. ગંભીર વિષયો પર સિમ્પોઝિયમ અને કવિતાપઠનનું કોકટેઇલ બહુ જામ્યું નહીં. પહેલાં સિમ્પોઝિયમનો વિષય હતો 'Where do I stand? – changing frontiers of Indian poetry today' – સહુએ પોતપોતાની ભાષામાં બદલાતા સમયમાં, બદલાતા સીમાડાઓ વચ્ચે કવિનું સ્થાન ક્યાં છે, કયા ધરાતલ પર છે તે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. પોતપોતાની ભાષામાં કવિતા કેવા વાંકવળાંકો લેતી, “ન યયૌ ન તસ્થૌ'ની જેમ ઊભી રહી જતી, ફરી આગળ વધતી, કેવી ચાલી જાય છે તેની વાત કરી. કોઈકે તો એમ કહ્યું કે, કવિતા એટલી અંગત છે કે તેમાં ભારતીયતાને શોધવી વ્યર્થ છે. બહુ બહુ તો કવિતા ગુજરાતી, મરાઠી, કન્નડ કે બંગાળી હોય. સાધારણીકૃત ભારતીય નહીં. કંઈક જુદો જ ઝોક ધરાવતા, તદ્દન મૌલિક અને આખાબોલા પ્રફુલ્લ ત્રિપાઠીએ તો એમ પણ કહ્યું કે, સામાન્ય જનને તેની પીડા કે પ્રશ્નોને વિષય બનાવીને જ આપણે સંતુષ્ટ થઈ બેસી રહ્યા છીએ. એ સામાન્ય જન માટે લખાવા જોઈતા સાહિત્ય માટે આપણે કશું કર્યું નથી. આપણે તો લખીએ છીએ, નામ માટે, ઇનામ-અકરામ માટે, સિમ્પોઝિયા સેમિનાર માટે, કવિતાને બહાને ભારતદર્શન કે વિદેશદર્શનની ટૂરો માટે.” બીજી બેઠક હતી એકવીસમી માર્ચે બીજે દિવસે. સિમ્પોઝિયાનો વિષય હતો – ‘Absence of correspondence: Crisis in Indian poetry in context of Man Nature Divide'. બધે જાણે સંવાદનો, સેતુનો, સંદર્ભનો અભાવ છે; માણસ અને તેના કામ વચ્ચે, માણસ અને તેની જાત વચ્ચે, ઈવન માણસ માણસ વચ્ચે તથા માણસ અને પ્રકૃતિ વચ્ચે. પ્રકૃતિને તો જાણે ધીમે ધીમે સાહિત્યમાંથી દેશવટો મળતો જાય છે. ઘણા વક્તાઓએ પોતાની ભાષામાં, પોતાની કવિતામાં હજીય પ્રકૃતિનો સ્વર સંભળાય છે તેનો સંતોષ વ્યક્ત કર્યો. આ બેઠકમાં ખુશવંતસિંગ તો અમસ્તા જ રસથી આવ્યા હતા અને બેઠકની અધ્યક્ષતા તેમને પહેરાવી દીધી. બધા વક્તાને પૂરાપાધરા જાણે નહીં, છતાં સ્થાનિક કવિ અકાદમીના સેક્રેટરી ડૉ. હરપ્રસાદ પરીચા પટનાયક પાસેથી માહિતી મેળવી બેઠકનું શિસ્તબદ્ધ સંચાલન કરી સમયસર પૂરી કરી. બધાને એક જ વિનંતી કરી કે, જે કહેવું હોય તે વાર્તા માંડીને નહીં, પણ ટૂંકમાં, મુદ્દાસર કહો. તેમની શીખ લગભગ બધાએ પાળી. પોતે પણ પ્રકૃતિપ્રેમીની હેસિયતથી બોલ્યા. કેટલાં ઓછાં પક્ષીઓ, કેટલી ઓછી વનસ્પતિઓ વિશે આપણે જાણીએ છીએ. અનેકરંગી, અનેકગંધી, અનેકરૂપિણી, અનેક સ્વરભાષિણી પૃથ્વી વિશે આપણે કેટલું ઓછું જાણીએ છીએ! ત્રીજી બેઠકમાં સિમ્પોઝિયાનો વિષય અત્યારના નારીવાદી પ્રવાહને અનુરૂપ હતો — ‘Poetry as discovery: confessions of an Artist.' આખું સેશન કવયિત્રીઓને સમર્પિત હતું. કેટલીક કવયિત્રીએ પોતાના અંગત સંદર્ભમાં જ વાત લઈ એક કવિ તરીકેની કેફિયત આપી. કેટલાકે બદલાતી પરિસ્થિતિમાં ‘ઝંડા ઊંચા રહે હમારા’નો તીખો સૂર કાઢ્યો. સહુથી સંયત સમાધાનકારી સમજણભર્યો સૂર કાઢ્યો ઓડિયા કવયિત્રી ઇંદિરા દાસે અને મલયાલમ કવયિત્રી પ્રમીલા દેવીએ. ઇંદિરા ઉડિયામાં જ બોલ્યાં, અંગ્રેજીની ભરમાર વચ્ચે જરાય લઘુતાગ્રંથિ વગર સ્વસ્થતાથી અને અંદરુની નિસ્બતથી. કોઈક કવયિત્રીએ તો confessionને ગુનાની કબૂલાતના અર્થમાં ઘટાવીને-સમજીને, કવિ હોવાની કોઈ ગિલ્ટ હોવાનો ઇન્કાર કર્યો. આ તો થઈ સિમ્પોઝિયાની બેઠકોની વાત. આ જ સેશનોની આગળપાછળ કવિતાપઠનની બેઠકો. વીસ વિધવિધભાષી કવિઓ સાથે ચાલીસ ઓડિયા કવિઓ. આ સિવાય દરેક સિમ્પોઝિયામાં ઓબ્ઝર્વર, રિસોર્સ પર્સન, પ્રમુખ અને સંચાલક રૂપે આવેલા કવિઓ જુદા. કુલ સાંઠથી સિત્તેર કવિઓ અને કવિતાપઠનની બેઠકો ત્રણ જ. એક બેઠકમાં વીસ-પચીસ કવિઓ થોડી વાત કરે, અનુવાદ વાંચે કે મૂળ ભાષા અને કવિતાની ઝાંખી કરાવવા મૂળ કવિતા વાંચે. એ જે કરે તે બધું પાંચ જ મિનિટમાં કરવાનું. મંત્રકવિતા હોય તો જ તે સિદ્ધ થાય. એવી કવિતા ક્યાંથી કાઢવી? બધું ઝટપટ, લુસલુસ ને ઉતાવળે આટોપાયું. સંચાલકે લાંબા લિસ્ટમાંથી વારો આવતાં એક પછી એક નામ ટિક કરી કમી કરતા જાય ને કવિઓ પોતાનો વારો આવવાની રાહ જોતા હોય. જે કવિતાપદાર્થ માટે આટલાં માથાં ભેગાં થયાં તેને જ પૂરો ન્યાય ન મળે. દરેક કવિને પંદર પંદર મિનિટ મળી હોત તો સારું થાત, પણ આ બધું આગોતરું તો કેમ સમજાય? આવી ભૂલ પછી જ સમજાય ને? મધુરપની અધૂરપ રહી ગઈ. કવિતાપઠનની બેઠકો રાખી હોત અને સિમ્પોઝિયા ન રાખ્યાં હોત તો? તો કદાચ ભરપેટે બધું માણી શકાત. જોકે આવી ઔપચારિક બેઠકોમાં જે ન પમાયું તે તો પમાયું એમ જ સ્વરવાતોમાં, ટોળટપ્પામાં, નાની ટોળીમાં ઊપડેલી ચર્ચામાં, બે જ જણ વચ્ચેના સંવાદમાં, ચિલિકાકિનારે સવારની લટારમાં કે રાતની ઊછળતી મહેફિલોમાં, બેઠકોમાં. આવા સુંદર એકાંતિક સ્થળે બધાંને ભેગાં કરવાનો આ પણ એક આશય હશે? ગુજરાતમાંથી કવિઓ હતા હું અને ભરત નાયક. ગુજરાતી કવિતા વિશે બોલવાનું આવે ને હું ભરત તરફ જ આંગળી ચીંધું. અધ્યાપક તરીકેય બોલવાનો તેનો અધિકાર. તેણે કવિતા વાંચીનેય બધાંને ખુશ કરી દીધેલા. મારે વાંચવાનો વારો આવે ત્યારે શું વાંચવું તેની ખાસી અવઢવ – હાથમાં માત્ર રોકડી પાંચ મિનિટ. મારી પાસે કવિતાના હિંદી, અંગ્રેજી અને ઉર્દૂ-ઉડિયા અનુવાદો હતા તેમાંથી શું વાંચવું તેની મીઠી મૂંઝવણ. ખાસ્સા વ્યસ્ત હોવા છતાં અમદાવાદનાં ડૉ. રેણુકા સોનીએ બે કાવ્યના ઉડિયા અનુવાદો કરી આપેલા, તેમના ઘરે તે ગુજરાતી લિપિમાં લખી-વાંચીય જોયેલાં. બંગાળી ઉચ્ચારોનો થોડો પરિચય હોવાથી ઉચ્ચારો પકડતાં વાર ન લાગી. અહીં આવ્યા પછી ઉડિયા કવિમિત્રો પાસેય ગુજરાતી લિપિમાંની મારી કવિતાને ઉડિયામાં વાંચીને ઉચ્ચારોને માંજેલા. વારો આવ્યો ત્યારે સામે ચાલીસ ઉડિયા કવિઓને જોઈ મારી કાવ્યરચના ‘મોતીસરીનું વન' ઉડિયામાં જ વાંચવાનો નિર્ણય કર્યો. મારી જાહેરાતથી જ ઉડિયા કવિઓ ખુશ. મેં શરૂ કર્યું

મોતીસરીર બન

બહુ દુરરૂ ભાસી આસુ થિબા ક્લાંત પબન પ્રસારિ દિયે તા પર રાયણી વૃખ્ખ ઉપર એબં તા પરરૂ ઝડે, પબનરે ભાસે ભાસે તા ભ્રમણદેશર ગંધ. અમુક ઉચ્ચારો સહેજ પહોળા, અમુક તો ટિપિકલ ઉડિયા. ત્રણચાર રિહર્સલ કર્યા હતાં અને પરફોર્મન્સનો મૂડ હતો. શ્રોતાઓની આંખમાં, વહેતું હતું તે સઘળું ઝિલાયાની ચમક હતી એટલે પઠન સારું થયું. સાંસ્કૃતિક મંત્રી ભૂપેન્દ્રસિંગ, ડૉ. દેવેન્દ્ર માનસિંગ, અકાદેમી સેક્રેટરી હરપ્રસાદ પટનાયક સહિત બધાએ મારી કવિતા થકી પોતાની લાડકી ભાષાને તાળીઓથી વધાવી. પઠન પૂરું થયે ય અભિનંદનો મળ્યાં અને મને ઉડિયા આવડે છે તે ભ્રમમાં બે કવિઓએ તો તેમના ઉડિયા કવિતાના સંગ્રહોય આપ્યા. રેણુકાબહેનના અનુવાદે રંગ રાખ્યો!