છંદોલય ૧૯૫૭/નિવેદન, ઑગસ્ટ ૧૯૫૬(૨)

નિવેદન, ઑગસ્ટ ૧૯૫૬(૨)

આથી હશે અન્ય ન કોઈ રસ્તો?
જે મૃત્યુ શો હોય ન સાવ સસ્તો
ને પથ્થરોથી વધુ હોય પોચો
(પોલીસનો થાય પછી ન લોચો),
ટોપી સમું હોય સ્વમાન જેમાં
ને વ્યક્તિનું ના અપમાન જેમાં,
નેતા સમો સાવ ન હોય નવ્ય
ને ભાષણો શો નવ હોય ભવ્ય,
જે બુદ્ધિજીવી સમ ન્હોય બુઠ્ઠો,
અશ્લીલ છાપાં સમ ન્હોય જુઠ્ઠો;
ભાટાઈ જેમાં નહીં ક્યાંય ગાવી,
ભોળી પ્રજાને નહીં ભાંગ પાવી,
વિચારની જ્યાં નવ હોય શૂન્યતા
ને ન્યાયની ન્હોય જરીય ન્યૂનતા,
વિરોધ જ્યાં હોય વિવેકશુદ્ધ,
જ્યાં યુદ્ધ હો શાંત જ, ધર્મયુદ્ધ;
જ્યાં રોષ તો હોય, પરંતુ રમ્ય,
જે નાટકી ના, પણ બુદ્ધિગમ્ય;
જ્યાં ના તિજોરી તપતી, ન તાપ
(એ દૂધ પીને ઊછર્યો જ સાપ);
સત્તા સમો જે નવ હોય અંધ,
ગોળી સદાની જહીં હોય બંધ,
ને ના કદી હો વટનો સવાલ,
જેમાં ન તેજોવધનોય ખ્યાલ,
જેમાં પ્રજાને નવ હોય લાત,
બેચાર જ્યાં સાંત્વનની જ વાત
(જે કેમ કે આ ખુરશી મળી છે
તે આ પ્રજાના જ પુણ્યે ફળી છે!),
જેમાં જરીયે નવ જાય વ્હેમ
અન્યોન્ય એવો પ્રગટે જ પ્રેમ,
હો સ્વર્ગ તો યે જૂઠથી ન લેવું,
પૃથ્વી પરે ક્યાંય ભલે જ ર્હેવું.
બિરાદરી ખેલદિલી સમાજે
ખિલાવવી હોય સદાય કાજે,
મનુષ્યમાં જે ઘર ઘાલી બેઠાં
અનિષ્ટ કૈં, કૈંક યુગોથી પેઠાં,
દેવા સદાની સહુને શિકસ્તો
હોવો ઘટે અન્ય જ કોઈ રસ્તો!

૧૯૫૬