છંદોલય ૧૯૫૭/મિત્ર મડિયાને (અમેરિકા જતાં)

મિત્ર મડિયાને (અમેરિકા જતાં)

પ્રતીક નવલાં, પ્રદેશ નવલા, પ્રજાયે નવી;
નભોન્નત શું સ્કાયસ્ક્રેઇપર બુદ્ધિની સિદ્ધિ શા,
સપાટ શત પ્રેઇરી હૃદયપ્રેમની રિદ્ધિ શા;
ક્ષણેક્ષણ નિહાળ નિત્ય નવતા, સખે, તું કવિ!
ન્યૂયૉર્ક કવિ વ્હિટમૅન સહ ક્રીડતી સ્વર્ગની
વિલાસપ્રિય અપ્સરા, કવિપ્રિયા જ મૅન્હૅટ્ટન;
પ્રણાલીપ્રિય ધર્મમુક્ત ઋષિ ફૉસ્ટનું બૉસ્ટન;
સજીવ નિજ અટ્ટહાસ્યમહીં મસ્ત, સૅન્ડબર્ગની
વિભીષણ વિશાલસ્કંધ નગરી શિકાગો; અને
નવાં જ નરનાર ને શિશુ નવાં, નવાં માનવી;
વળી નવલ રીતભાત, નવ વેશ, ભાષા નવી;
છતાંય નવતા વિશે અસલ વસ્તુ, – શ્રદ્ધા મને –
નવું હૃદય ના, હશે કરુણતા જ એમાં વસી;
નવું ગગન ના, હશે જ કરુણાય ત્યાં ર્હૈ હસી.

૧૯૫૫