છંદોલય ૧૯૫૭/મિત્ર મડિયાને (અમેરિકાથી પાછા ફરતાં)
Jump to navigation
Jump to search
મિત્ર મડિયાને (અમેરિકાથી પાછા ફરતાં)
વિમાનમથકે ન મિત્ર મડિયાતણું સ્વાગત!
પરંતુ અવ વિશ્વમાનવતણું છ સેવ્યું જગે
મહાસ્વપન, આછું આછું મુજ નેત્ર સામે ઝગે;
અધીર ઉર હે! વધાવ અણજાણ અભ્યાગત!
નસેનસ પ્રચંડ ઊર્મિ ઊછળંત ઍટ્લેન્ટિક,
છતાંય નિજ ચિત્ત તો સરલ સ્વસ્થ, બેચેન ના,
ઇફેલ સમ, સેન્ટ પૉલ સમ; ટેમ્સ ને સેનના
પ્રવાહ સમ શાંત, છો રુધિર હોય રોમૅન્ટિક;
સ્વદેશ સ્વજનો બધું નીરખશે નવી દૃષ્ટિથી,
પુરાતનતણું કર્યું અવ નવીનથી સ્પર્શન,
અને નિકટનું કર્યું અવ સુદૂરથી દર્શન;
નવી સમજ, સૂઝ પ્રાપ્ત અવ થૈ નવી સૃષ્ટિથી;
વિમાનમથકે શું માત્ર મડિયા જ મૂર્તિ નવી?
નવી જ નહીં એહને નયન હોય મારી છવિ?
૧૯૫૬