છિન્નપત્ર/૨૬


૨૬

સુરેશ જોષી

ખીલેલાં ફૂલ, ભૂરું આકાશ, સોનેરી તડકો, બદામી ધૂળ ને પણે રંગબેરંગી વસ્ત્રો પહેરીને કામ કરતી મજૂરણો – લાગે છે કે જાણે કેટલા બધા દેવ અહીં ફરવા નીકળ્યા છે. દેવ એકદમ ઓળખાતા નથી. હજાર વર્ષનાં તપ પછી એમને જોવાની દૃષ્ટિ ઊઘડે છે. આથી એમના નિશ્ચિત આકારોની આછી રંગમય રેખાઓ જ અહીંતહીં કદિક દેખાઈ જાય છે, આ રંગની માયાની પડછે જ કશુંક અશ્રુત સંગીત રણકી રહે છે. આ જ તો છે માયા. હું એ જોતો જોતો ક્યારે અન્યમનસ્ક થઈ ગયો, ક્યારે લીલા આવી, ક્યારે એણે પાછળથી મારી આંખ દાબી દીધી – હું કશું જ જાણતો નથી. લીલા ઉચિત-અનુચિતની સીમારેખા વચ્ચે ચાલતી નથી. જે અર્ધપારદર્શી છે તેને રેખાથી બાંધીને આપણા પૂરતું સ્પષ્ટ કરી લેવું પડે. પણ લીલાને એની જરૂર નથી. એણે બે હાથે મારા વાળ વિખેરી નાખ્યા, મારું નાક ચપટીમાં દબાવી દીધું, ને એના બે હાથે મારું મોઢું એની તરફ ફેરવ્યું, કાન આગળ હોઠ લાવીને જાણે કશોક મન્ત્ર ભણતી હોય તેમ કશુંક બોલી – કદાચ એ કશું બોલી નહોતી. પણ એ મન્ત્રથી મારી સામેની માયા અદૃશ્ય થઈ ગઈ, દેવ જતા રહ્યા; પણ એક બીજી જ માયા મારી સામે સાક્ષાત્ ઊભી રહી ગઈ. લીલા વિશે કશું વિચારતો નથી, એ સ્મૃતિનો ભાર બનીને પણ મારા ચિત્તમાં રહેતી નથી. દરેક વ્યક્તિ એના પોતાના અસ્તિ–નાસ્તિ ના સન્તુલનમાંથી પ્રકટે છે. કોઈકમાં નાસ્તિનો ભાર વધારે વરતાય છે. એના વજનની સામે આપણી વેદનાનું, આપણાં આંસુનું ને એ કશું જ ન જડે તો આપણા મરણના થોડા ખણ્ડનું વજન ઉમેરીને આપણે સમતુલા જાળવવી પડે છે. પણ લીલા! જાણે એના અસ્તિ વડે જ એના નાસ્તિનો સમૂળો છેદ ઊડી ગયો છે. એને તુલા જાળવવાની જ નથી. આથી એ છે એમ કહેવું તે પણ નાહકનો ભાર લાગે. એક ક્ષણથી વધારે મોટું સમયનું પરિમાણ એ માગતી નથી, આથી જ તો હું એને માયા કહું છું. થોડી વેદના, થોડું શૂન્ય આપણને આ સંસારમાં સાચાં બનાવવાને જરૂરી છે. એમ તો એની આંખમાંય આંસુ ઝમે છે. પણ એ જાણે ક્યાંકથી આવીને પડેલું ફોરું – એ આનન્દનું પણ હોય. આંસુ જોડે સમ્બન્ધ સાંધવા જેટલી વેદના એની પાસે નથી.

ને તું? તારી માયાને તું વિસ્તારતી નથી. અરે, તને ઢાંકવા પૂરતી પણ તારી માયાને તું બહાર કાઢતી નથી. પણ માયાનો સ્વભાવ જ પ્રકટ થઈને ભ્રાન્તિ ઊભી કરવાનો છે. સત્યની મોહકતા એના પર પડતી ભ્રાન્તિની છાયાને લીધે હોય છે. આથી જ તો હું તારું સત્ય અને તારી ભ્રાન્તિ – બંનેને જોડાજોડ મૂકીને જોવા ઇચ્છું છું. તને મોહકરૂપે જોવા ઇચ્છું છું.