છોળ/અજંપ


અજંપ


કોણ જાણે હાય ક્યહીં સપનાંનાં સોનકમળ કોળે?
વૈશાખી રેણના થીર ઊભાં વ્હેણ, નેણ રહી રહી અંધારાં ડોળે!

                વરણ્યો નાજાય એવો ચહું ઓર તોળાયો
                                ખાલીખમ આભ તણો બોજ,
                ફૂલ ફૂલ બીચ બંધ અકળાતી ગંધ કરે
                                ખોવાયા વાયરાની ખોજ,
પીળા પરાગ સમી પીડ પરે કોણ આજ વ્હાલપનો વીંઝણલો ઢોળે?!
વૈશાખી રેણનાં થીર ઊભાં વ્હેણ, નેણ રહી રહી અંધારાં ડોળે…

                પળે પળે પૂછે અજંપ એક બાવરો
                                જીરવ્યો શેં જાય આવો તાપ?
                વ્હેતો તે થાય ફરી થંભેલો સમો
                                એવી કોક અરે દાબોને ચાંપ!

કેમ નહીં ઉગમણે ફૂટે પરભાત હજી, કેમ ન કો’ મરઘલડો બોલે?!
વૈશાખી રેણની થીર ઊભાં વ્હેણ, નેણ રહી રહી અંધારાં ડોળે…

૧૯૯૮