છોળ/કામણ


કામણ


                જોઉં જોઉં ને જાઉં વારી
જેથી અજાણ તું જ અદકેરાં એવાં તારાં કામણની લીલા મનોહારી!

                એમ તો હું કેમ કહું તરણું દીઠું ન કદી
                                તરણે આ સીમ ભરી આખી,
                આવડું રૂપાળું તોય જોયું ન એક જેવું
                                ઊભી તું દાંત વચે રાખી!
અડે તારી આંગળી ને સૂકી સળેખડીયે નવલાં શાં રૂપ રહે ધારી!
                જોઉં જોઉં ને જાઉં વારી…

                પીળાચટ્ટ પડેળાની ઝાંય થકી માંજરા
                                કે માંજરા મૂળેથી તારાં નેણ?!
                એટલું હું જાણું કે ટગ માંડી જુવે એને
                                અદકું ચડાવી દિયે ઘેન!
અણસારે અણસારે હાલ્યું આવે રે પછેં ચાહે ત્યાં વાંહોવાંહ તારી!
                જોઉં જોઉં ને જાઉં વારી…

                આછેરું ટહુકે ને ચારેકોર કુંજ થકી
                                પડતો ઝિલાય એનો બોલ,
                જ્યહીં જ્યહીં ફરે તારી કેસર કાયા રે ત્યહીં
                                રેલતા સુગંધના હિલોળ!
વાયરાની હાર્યોહાર્ય ગુંજરતી ભમે મારા ઉરનીયે ઘેલછાયું સારી!
                જોઉં જોઉં ને જાઉં વારી…

૧૯૬૧