છોળ/કોણ કહે


છોળ


કોણ કહે

કોણ કહે વ્રજ વિસરાયું, વ્રજ વિલસે રે કણકણમાં!

                ‘અવ કેવું વ્રજ, કેવો કાનો?!’
                કહી કહી છો તમીં કરો સહુ હાંસી,
અનહદ તોયે રોમરાજિ મહીં એ જ સુણાયે બાંસી!
રે ઘેલી ઘેલી ઘૂમી રહું ચિતવનની ગલનગલનમાં!
કોણ કહે વ્રજ વિસરાયું, વ્રજ વિલસે રે કણકણમાં…

નિત નિત જેથી થાય પ્રતીતિ એ વીત્યું ક્યમ માનું!
અલપઝલપ કૈં અલપઝલપ આ મોહન મુખ પરખાણું,
રે હરખ હિલોળે લિયે લ્હેરિયાં યમુના દોઉ નયનમાં!
કોણ કહે વ્રજ વિસરાયું, વ્રજ વિલસે રે કણકણમાં…

ને વ્રજ નવ એક જગ્યા કે દાખું જ્યહીં જાવાના રસ્તા
નહીં બાલાપણ, નહીં જરા, વ્રજ ભરજોવન શી અવસ્થા!
એ જ એ જ ચિર ગોપન-લોપન લીલા ચલત ક્ષણક્ષણમાં!
કોણ કહે વ્રજ વિસરાયું, વ્રજ વિલસે રે કણકણમાં…

૧૯૬૯