છોળ/ટાઢીબોળ રેણ


ટાઢીબોળ રેણ


                પડી કામળીમાં કોકડું વાળી!

ઊતરતા પોષની આ ટાઢીબોળ રેણ જેવી
                સાંભરતી નહીં મુને બીજી.
તાપણાની સાવ રે નજીક જઈ સૂતી તોય
                અંગ અંગ જાણે જતાં થીજી!
વાર વાર ચેતાવું ઓલવાતી આગને
                સૂકાં સાંઠીકડાંને બાળી
                પડી કામળીમાં કોકડું વાળી!…

તમરુંયે એક નહીં બોલે એવો શો આજ
                પડિયો બીકામણો સોપો,
જાપતો ના રાખ્યો તો ભૂંડ ને શિયાળવાં
                ઊભો રે’વા ન દિયે રોપો,
થોરિયાની ઊંચેરી વાડ્ય ત્રણે મેર
                એક ઉઘાડી ઓતરાદી ગાળી!
                પડી કામળીમાં કોકડું વાળી!…

ભાળે ના કાંઈ તોય આંખલડી ક્યારની
                ઘેરા અંઘાર મહીં તાકે,
હૂંફાળી સોડ્યનો પરણ્યો તે મારો જ્યહીં
                વાઢ મહીં હાકોટા નાખે
ફગફગતી લાલ પીળી જ્વાળ આડે ઝૂકેલી
                રેણ લાગે અદકેરી કાળી!
                પડી કામળીમાં કોકડું વાળી!

૧૯૬૪