છોળ/મૂલ


મૂલ


કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
                હાયે કઈ પેર હું તે મૂલવું?!

આવરી લીધો રે મારા ચિતનો ચંદરવો
                એણે આવરી લીધાં રે મારાં ચેન
દા’ડી ને રેણ હવે દેખે ન કાંઈ બીજું
                તારી રમણામાં રચ્યાં નેણ,
અંજવાળે અરુંપરું રે’તાં બિડાઈ એને
                રેશમ અંધારે ગમે ખૂલવું!
કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
                હાયે કઈ પેર હું તે મૂલવું?!

રાખું રાખું ને બંધ આપસમાં એવી તોય
                ગુસપુસ તે શીય કરી ગોઠ,
વારે વારે ને વળી અમથાં અમથાંયે હવે
                મરકી રિયે છે બેઉ ઓઠ,
રોમ રોમ અણજાણ્યા ઊઠતા હુલાસને
                હાલર-હિંદોલ મારે ઝૂલવું!
કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
                હાયે કઈ પેર હું તે મૂલવું?!…

ઊભરતી એષણાના ઓઘ પરે ઓઘ લઈ
                આવ્ય મારા આષાઢી મેહ,
કૂંળી આ કાયાના કણકણમાં રોપી દે
                લીલો કુંજાર તારો નેહ,
અતલ ઊંડાણ થકી આનંદના આવ્ય
                એક તારું સરૂપ નવું હૂલવું!
કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
                હાયે કઈ પેર હું તે મૂલવું?!…

૧૯૭૮