છોળ/શેણે


શેણે


હો વા’લાં તમીં આવી વસ્યા રે વ્રજ શેણે?!
આહીરને નેસ છાનાં છપનાં ને શ્રાવણની
                કાળી ડિબાણ એક રેણે!
હો વા’લાં તમીં આવી વસ્યા રે વ્રજ શેણે?!

                વૈકુંઠના નાથને તે પડે કોઈ ભીડ
                ઈ વાત્ય નથ્ય ઊતરતી ગળે,
                અમને છે વ્હેમ કે આવ્યા અજાણી કોક
                વડચડની ચાનકના બળે!
ભણજો હાચું હો રાજ છોડ્યાં શું નંદનવન
                મદઘેલી મેનકાને મ્હેણે?!
હો વા’લાં તમીં આવી વસ્યા રે વ્રજ શેણે?!

                એટલે શું નત્ય હવે વાટે વાટે તે આમ
                દા’ડી ને રેણ કરો ત્રાગાં?
                વાંહે ને વાંહે રહો વળગ્યાં જાદવ ના
                કેમેયે ઘડી ટળો આઘા!
દાઝ અરે ઓરની શું અર પર ઉતારો ભલા
                વેરણ આ વાંસળીને વેણે?!
હો વા’લાં તમીં આવી વસ્યા રે વ્રજ શેણે?!

                જીવના સોગંદ વળો પાછા ગિરધારી
                આ તો વ્હાલપની કીધ જરી સળી,
                તમને પામીને હાંર્યે અમ શા અબુધની
                ભવભવની વાંછનાયું ફળી!
અટકળ જોજો ને લાખ કરશે રે લોક તોય
                યુગે યુગે નત્ય નવે કે’ણે!
હો વા’લા તમીં આવી વસ્યા રે વ્રજ શેણે?!

૧૯૮૭