જનપદ/બધુ ભાન ગૂમ

બધુ ભાન ગૂમ


કલ્પ્યું નહોતું તેવું છે આ.
એનો પડછાયો અડધો અંદર, પડધો બહાર.
ગાંસડી અંધારું
નીચે દબાઈ તરફડે દીવો
ફાંટમાં કળશી પ્હાણા, ગોખમાં હોકલી.
એક વાંસ ચઢી માથાનો મણિ દેખાડે.
કોરે મોરે કરચલું ને માંય મંજરી આંબાની.
એકાદ છમકલું થશે એમ હતું.
આ બન્યું દરમ્યાનમાં જ
જોયું કે
એ ઊછળ્યું, નાઠું.
પૂંઠે ફર્યો ચીપિયો લઈ,
હોલવાયું તો સોપો.
સળગ્યું તો રોટલી શેકાય.
આઘેથી ગોફણમાં પથરો મૂકી રમરમાવે.
ગરુંણ કરતો આવી વાગે ટાલકામાં
ખારી રાતી ધારને જીબ લંબાવી ચાખી
ચાખ્યા જ કરી.
બધું ભાન ગૂમ.