જનપદ/માગ્યું અને મળ્યું

માગ્યું અને મળ્યું

દરપણ પાણી વેલ નાડીમાં લપકારો
પીળાં કાળાં ઝાડ
શંખ ગરજતા.
ફફડે ઝાડઝાંખરે ફસાયાં સાબર
શિગાળાં રૂપાળાં
વસતિવગડા એક મેકમાં માથાં મારે
ડુંગર કાઢે અણી
ટોચ પર આવ્યાં વિમાન
વિમાનોમાં વાયરો ઝરૂખા ઘડે
તળેટીમાં ગઢની રાંગ પર જનાવર
ગઢના દરવાજે શિખા સળગે.
હણ્યો તેં જ બાપને
ચાખવા લવતી નસની જણનારીને
ઘી રેડ્યા કાઠિયા જેવું
ભડભડે માથું
ચેહ બાઝી ધરમૂળને
અવળસવળ સાંધા
ચેહ ટાઢવવાની રીત આટલા કેટલામાં
ક્યાંય ઊછરતી નથી
જળ અંધારા અને આકાશને
બાંધતી વાચા નાભિમાં ગરુંણે
પેટાળમાં ઘોડાખરીઓ પછડાય.

દેવ,
તમારા પાણીનો અંતરપટ ઉડાડી દો
નાભિ અને વાણીના મેળ કરી આલો
પવનને ઝાઝેરો પવન કરજો
રચો અજવાળું ઘોર અંધારા જેવું
ને અંધારું લાખ વાર કાળું.

તમે થાઓ.

જેવું માગ્યું
તેવું મળ્યું.

ઘોર જળના અંધારામાં
દેખાય દીવાદાંડી
ઘી પીધાં મસ્તક ભડભડે
નાડીઓમાં દરપણ લપકારા લે.

એ તો એવું જ.

માગ્યું અને મળ્યું.