જનાન્તિકે/બાવીસ


બાવીસ

સુરેશ જોષી

રાતે એકધારો વરસાદ ટપકે છે – પૃથ્વી ટચૂકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો. હમણાં જ પ્રગટેલી આ કૂંપળ – હજુ તો એણે પોતાનું અંગ સુધ્ધાં પૂરું ઉકેલ્યું નથી – એના પરથી હાથ પસારીને એક પછી એક બિંદુ સરી જાય છે, એ સાંભળીને ટચૂકડી કૂંપળ ડોકું હલાવીને હોંકારો પૂરે છે તે હું બેઠો બેઠો સાંભળ્યા કરું છું. એ વખતે મારા મનમાં સહેજ સરખી અદેખાઈ નથી હોતી એમ કહેવાની અપ્રામાણિકતા હું નહીં વહોરી લઉં. તારા પરથી સીધી લીટીએ ટીપાં સરે છે – જાણે હવા મણકા સેરવીને આંક શીખવા બેઠી છે. પણ આમલીઓ આખા ઉનાળાની ધૂળ ખાઈને મેલી થયેલી પોતાની ઘટા ધોવા બેઠી છે. વડ જટામાં ગંગા ઝીલતા હોય એવી અદાથી શિવના પાઠમાં ઊભા છે. પગ નીચે તૃણનાં બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે.