જયદેવ શુક્લની કવિતા/કાંટો

કાંટો

અચાનક કાંટો વાગે
ને ચીસ પડાઈ જાય...
લોહી જાગી જાય
ટગર ટગર...
અચાનક ટામેટાનો સૂપ યાદ આવી જાય,
સાથે ચમચી
ને નીચે પડી ગયેલો કાંટો.
‘કાંટો કાંટાથી નીકળે’
એવું મા કહેતી.
આમ કંઈ કાંટો કાઢવો સહેલો નથી.
પતંગિયાનું તરફડવું
લોહીમાં ફરફરવું
કાંટો બાવળનો.
કાંટો ગુલાબનો.
લીલો કાંટો.
લાલ કાંટો તો ફર્યા જ કરે
બસ ફર્યા જ કરે...
લોહી ખળખળતું જાય
ઠોલાતું.
બાકી, કાંટો
વનવગડામાં જ વાગે
એવું કંઈ નથી.
વાગે તો વાગે.
કાંટો નીકળ્યા પછીની
મીઠી ખંજવાળમાં કોયલ ફરફર્યા કરે.
કાંટો તો
સાવ અચાનક જ...
એની ટીસ
અરીસા ખળભળાવી દે.
કાંટો
નમી ન જવો જોઈએ.
બરાબર વચ્ચે જ...
બન્ને પલ્લાં સરખાં થાય
તો જ...
કાંટો વાગે
ને ચીસ પડાઈ જાય અથવા...
એકલા હોઈએ
કાંટો ફરતો રહે
કાંટો કાઢવા કાંટો ન હોય
હોય માત્ર લાલ ચણી બોર.