જયદેવ શુક્લની કવિતા/તાળું
તાળું.
ઉપર તાળું.
વળી તાળા ઉપર તાળું.
આમ તાળાં મારવાથી શું વળે?
શું મળે?
છતાંય ફેલાતું જાય છે
તાળું.
ઘરને તાળં.
કબાટને તાળું.
કબાટમાંના લૉકરને તાળું.
વળી લૉકરમાંના ચોરખાનાને પણ તાળું.
દેશને તાળું કે પ્રદેશને તાળું.
વેશને તાળું કે પ્રવેશને તાળું,
ચાલો, વહેતી નદીને તાળું મારો.
ચાલો, ખીલતી ઋતુને તાળું મારો.
આઠ આનાનું
કે
છસો સાડત્રીસ રૂપિયાનું,
સાદું તાળું
કે
ખંભાતી તાળું
તાજું, ચમકતું, નવું નક્કોર તાળું
આખરે કાટ તો ખાવાનું જ.
કાટ ખાય
વર્ષો પછી ખૂલે યા ન પણ ખૂલે.
પણ, આમ તાળાં મારવાથી શું વળે?
હા, લગરીક કળ વળે.
કળ બળથી ન ખૂલે.
કળ કળથી જ ખૂલે.
હૃદયનું તળ
કળથી, પળથી, ખળખળથી
ખૂલે તો ખૂલે.
ખૂલે તો...
ખ્યાલ ન કળનો કે તળનો.
પળને તાળું
કળતે તાળું.
ખળખળને તાળું.
થાય કે આ બધાને ખાળું ... પણ...
આ એક તાળું.
કાઈ પુરાતત્ત્વવિદ્, પધારો
જુઓ : કઈ ઘડીનું
પળનું
તિથિનું
વારનું
વર્ષનું
યુગનું
મન્વન્તરનું
કાણે માર્યું છે તાળું?
કોને માર્યું છે?
તાળું છે મજાનું.
તાળાના કાણામાં અન્ધારું.
કયા વર્ષનું?
જુઓ જોષ.
ન ખપે રોષ.
તાળું છે મજાનું.
ઉપર હાથી ને સિંહનું કોતરકામ
સિંહની કાટખાધી યાળ
હાથીના લોખણ્ડના દાંત.
તાળા પર ‘સત્યમેવ જયતે’.
આવું તો હરિશ્ચન્દ્ર ને ગાંધીજી બોલતા.
તે ચાવી લો.
ક્યાં છે ચાવી?
આ છત્રીસ ચાવીઓનો ઝુડો.
તાળું એક આંખે હસે અવાવરુ.
અવાવરુ આંખમાં ચાવીએ ફરે.
કટડ્ કટ્
ન ફરે.
ચન્દ્રનું કાટવાળું તાળું ખૂલે તો ખૂલે,
ચાવી પછી ચાવી... ચાવી
કળ જરીકે ના ખસે.
કટ્ કટ્
કેરોસીન મૂકો
તપાવો
હથોડા મારો
સારો રસ્તો લો
મારો મારો ગમારો
‘તાળું છે જ ક્યાં?’ એવું પૂછો છો?
આ અડીખમ તાળું.
ન હાલે ન ચાલે.
બસ ફાલે.
જુઓ : તાળું.
તાળામાં તાળું.
ને વળી તેમાં તાળું.
તાળું તાળાને તાકે.
અસલી તાળું.
ક્યાં છે?
ક્યાં છે તાળું?
અચાનક તાળાએ જોયું
તાળામાં વસતી દુનિયા પર તાળું.
ઘરવરશરકરપર
તાળું.
બહાર તાળું.
‘ભીતર તાળું.
સાડત્રીસમી ચાવી તો...