જયદેવ શુક્લની કવિતા/કેવેફી વાંચતાં જાગેલું સ્મરણ

કેવેફી વાંચતાં જાગેલું સ્મરણ


દોડતી ટ્રેનમાં હું રાહ જોતો હતો.
એ સ્ટેશન પર.
થોડીક બીક સાથે
હાથ મળતાં
બધું ઝળાંહળાં...

આપણી વ્યક્તિ સાથે
રેસ્તૂરાંમાં જવું
આમ તો સહેલું, પણ...
અઘરું હોય છે
શ્વાસમાં શ્વાસ ઊછળે
આંખમાં આંખ ઓગળે
એટલું નિકટ બેસવું.
ઘણી બધી બેઠેલી આંખો,
હરતી-ફરતી આંખો
સીધું યા ત્રાંસું
કોતરતી હોય છે આપણને.
રૅપ સંગીતના હણહણાટથી
ધ્રૂજી ઊઠે છે દીવાલો.
સ્ટ્રોબેરી આઇસક્રીમનો
મરુન-લાલ ટુકડો
મોંમાં ૨ચે મેઘધનુષ.
મન્દ મલકાટ ચૂમી લેવા
પાસે સરું.
ચમચીમાંથી આઇસક્રીમ
પેન્ટ પર,
બધેબધ રેલાઈ ગયું,
આજની જેમ જ.


મેં કહ્યું : ‘ના...ના...નાઆ...’
તેં કહ્યું : ‘આવડી જશે. પછી તો સરર સર્ કરતી સાઈકલ...’
હાથમાં, આંખમાં પરસેવો.
ધ્રૂજતા હાથે
કાળા હાથા વિનાનુંં
લીસ્સું હેન્ડલ માંડ પકડ્યું...
ને પાછળથી ધક્કો.
તેં ‘બક્ અપ...બક્ અપ’-ના નારા ગજવ્યા.
થોડી હિમ્મત
થોડો સંકોચ ફાટફાટ...
હૃદય આખ્ખું
ઊછળીને
નસોમાં, મસ્તકમાં...
પસાર થતાં વાહનોનો ફટ્ફટાટ્...
લોહીમાં પલીતો ચંપાયો.
સન્તુલન જાળવવા
જોરથી હેન્ડલ ભીંસ્યું...
સાથે અંગૂઠો
ઘંટડી પર પડતાં
ટણણણન્... ટણનન્...
નજર સામે
ફુવારો
આકાશ આંબતો હતો