જયદેવ શુક્લની કવિતા/જાવન-આવન
જતી વખતે
આપણે કેટકેટલું છોડીને જઈએ છીએ!
કેટલું બધું આપણા ભેગું
આવી જતું હોય છે,
જાણબહાર!
તે સાંજે આપણે
કંડક કોફી પીધી હતી,
સાથે મેથીનાં ઢેબરાંનો
સ્વાદ પણ ભૂલ્યો નથી.
બસ એટલું જ
તે ક્ષણે
ન જવાની ઇચ્છા થઈ આવી હતી.
જઈને ફોન કર્યો’તો પહોંચ્યાનો.
મેં ડૂસકું સાંભળ્યું હતું.
ફોન મુકાઈ ગયો હતો.
આ દૂર અને સમીપ છે શું?
ક્યારેક સમીપ હોઈએ,
છતાં ન લાગીએ.
દૂર હોઈએ તે વેળા
કેટલીક નાનીમોટી વાતો
ધ્યાનમાં આવે પણ નહીં.
તું સાથે નથી કે હું?
આ માત્ર જનારનો
કે
રહેનારનો પણ અનુભવ હશે?
જવું અને રહેવું કોનું?
આ જાવન-આવન
કશુંક કશેક લઈ જાય છે
ને કશુંક કશેક મૂકી શકે છે.
આવતી વખતે
બધું તો લઈને આવી શકાતું નથી.
પૂર્વે જોયેલાં - માણેલાં
આકાશગામી વૃક્ષો ક્યાં?
તાજગીભરી ભૂરી હવા, છાયા, હૂંફ ક્યાં?
હોવું તેથી શું?
ન હોવું તેથી શું?
ના, ના, ના તેથી ઘણું બધું...