જયદેવ શુક્લની કવિતા/પણ, આમ કેમ બનતું હશે?

પણ, આમ કેમ બનતું હશે?

ક્યારેક નાનકડી વાતમાં
રાજીના રેડ થઈ જવાય,
તો ક્યારેક સાવ નાની વાતમાં, ન જેવી વાતમાં
દુઃખી દુઃખી થઈ જવાય;
ખાવાનુંય ભાવે નહિ.
કોઈ આવવાનું નથી એ જાણવા છતાં
બીજા કપમાં ચા કાઢીને
રાહ જોતા રહીએ..
તો વળી ક્યારેક
માઠું લાગવા છતાં
બે કપ આપણે જ ગટગટાવી જઈએ.
પણ, આમ કેમ બનતું હશે?
ક્યારેક રાજી થવા જેવી વાતમાંથી જ
અન્દર ચચણાટ શરૂ થઈ જાય;
તો કોઈક ક્ષણે
સાવ એકલા એકલા મલકી પણ પડીએ, હા...
ક્યારેક તો...
આજે; બોલબોલ કરું છું તે પળે જ
મૌન થઈ જવાની ઇચ્છા છે;
બસ.