જયદેવ શુક્લની કવિતા/પપ્પા, બોલો ને!

પપ્પા, બોલો ને!

‘કોણ? હલો પપ્પા! કેમ છો?’
‘મઝામાં બેટા.’
‘તમારો પત્ર આજે જ મળ્યો.’
‘હં...’
‘પપ્પા, રાજા, દુર્ગા, અનુપ, ડેભાઈ શું કરે છે?’
‘તને ખૂ...બ યાદ કરે છે.’
‘તમે?’
‘...’
‘પપ્પા! પુરુકાકાની બારીમાં મધ પાછું બેઠું છે?
આ વખતે પરેશકાકાના આંબા પર
કેરી આવી છે?’
‘...’
‘તમે સાંભળો છો ને પપ્પા?’
‘હા...હં..સાં...’
‘પંખીઓ માટે પાણીની ઠીબ ભરો છો ને?’
‘બેટા, રોજ રોજ ભરાય છે.
પણ બેટા, તને ચશ્માં ફાવી ગયાં?’
‘તમે નવા નમ્બર કઢાવવાના હતા તે?
ધ્યાન રાખજો...હં....’
‘...’
‘એક વાત તો પૂછવી જ ભૂલી ગયો.
આપણી વાડમાં બુલબુલે
માળો બનાવી
આ વખતે ઈંડાં મૂક્યાં છે?’
‘આ વખતે તો બેટા!
બચ્ચાંને ક્યારે પાંખો આવી
ને ક્યારે
ઊ...ડી...
....’
‘પપ્પા, પપ્પા!
બોલો ને!...’