જયદેવ શુક્લની કવિતા/પિલ્લું

પિલ્લું

ગૂંચવાતું
ઊકલતું
ગૂંચવાતું
ખૂલતું
ગૂંચવાઈ ગયું છે
આ પિલ્લું.
ક્યારેક બે આંટા ઊકલે
ને થાય : હા... આ ... શ... હવે તો...
પણ રસ્તો રોકતો
બીજો વળાંક ને ત્રીજો, ચોથો...
ટેરવાં વાંકા વળી
નીચું જોઈ
ગલીકૂંચીઓમાં પહોંચી
કરામતથી આગળ વધવા
આતુર.
મધમાખીની જેમ આંખો ને ટેરવાં
દોરા પર, ગૂંચ પર, વળાંકો પર
સરે, અટકે, લપસે, ચઢે, પડે,
ઊડે, અથડાય.
‘છોડો ને, શું કામ પાછળ પડ્યા છો?’
મને થાય કે છોડું.
પણ પિલ્લું
છૂટતું નથી.
ફક્ત બે-અઢી વેંત છૂટે.
ટોચ પર પહોંચ્યાનો આનન્દ.
ત્યાં જ અટકાવે ગાંઠ.
જબરી છે આ ગૂંચ સાથેની સાંઠગાંઠ.
ગાંઠ.
ઉબડખાબડ ટેકરા જેવી.
રસ્તા વચ્ચોવચ્ચ
‘Stop’ ‘રસ્તો બન્ધ’ લખ્યા વિનાની.
લાલ સિગ્નલ વિનાની.
તોય અટકવું જ પડે.
ગુસ્સા સાથે, અકળામણ સાથે.
આ ગાંઠ છૂટે
અથવા એને કૂદવી કઈ રીતે?
ફરી ચાર વેંત ઊકલે.
ઊકલેલી દોરીનું
નાનું પિલ્લું વાળવું કે લચ્છી?
ટેરવાં
ઉત્સાહમાં
બીજા ટેકરા પરથી
દોડી, ઊતરી
નાના-મોટા રસ્તા ખોળે,
એકની નીચે બીજો, ઉપર ત્રીજો ને પાંચમો
જાણે ફ્લાયઓવરોની લીલા!

અચાનક
દોરી પર લપેટાયેલો
ઉતરાણના દિવસનો
હવે થોડો ધૂળિયો થયેલો,
લાલ તડકો
ટેરવે ટેરવે, હથેળીમાં ને લોહીમાં

‘એ...ઈ...કાઈ.. પો...ચ...’
એક પતંગ સાથે ચાર ચાર પેચ,
વળી ધૂંધવાટ.
કોનો પેચ કોની સાથે?
કોણ ખેંચે? ઢીલ મૂકે? કોને કાપે?
‘બરાબર ખેંચ લે.’
જેમતેમ ખેંચાખેંચ ન કર.
આ તો ધીરજનું કામ છે.’ બાપુજી કહેતા.
‘ધોઈને ગોદડી બનાવવા ચાલશે’ મા કહેતી.

ગૂંચમાં રસ્તો
ને રસ્તામાં જ ગૂંચ.

ભર-દોરે કપાયેલા
પતંગ પાછળ
ઊંચકાયેલું, ખેંચાયેલું ખળખળતું શરીર,
વિલાયેલો ચહેરો
ને કિશોરનો લંબાયેલો હાથ...

પિલ્લામાં બેઠેલું આકાશ
દોરીના લસરકા સાથે
છૂટતું જાય.

આકાશમાં ઊડતાં કબૂતરોનો ફફડાટ.

કબૂતરની કપાયેલી પાંખ જેવી
હથેળી
ગૂંચાળા પિલ્લા પર ચત્તીપાટ.

પિલ્લું માંડ માંડ થોડું ઊકલ્યું ત્યાં...

‘કા...ઈ...પો...ચ’