ડોશીમાની વાતો/2. ફૂલરાણી

2. ફૂલરાણી


એક હતી ડોશી.

એને દીકરો–દીકરી કાંઈ નહીં. એના મનમાં થાય કે અરેરે! મારે એક દીકરો હોત તો કેવું સારું થાત! મંદિરમાં જઈને ડોશી રોજ પ્રાર્થના કરે કે, ‘હે ભગવાન! એકાદ સંતાન આપો ને!’ એક દિવસ ભગવાન પ્રસન્ન થઈને ડોશીના સ્વપ્નામાં આવ્યા. આવીને કહે કે ‘ડોશી! મંદિરનાં પગથિયાં પાસે એક બી પડ્યું છે તે લઈને તારી વાડીમાં વાવજે. એમાંથી કંઈક નીકળશે’. ડોશીએ તો જઈને જોયું, ત્યાં સાચોસાચ મંદિરનાં પગથિયાં આગળ બી પડેલું. એણે એ બીને પોતાની વાડીમાં વાવ્યું. રોજ ઊઠીને જાય ને પાણી પાય. એક દિવસ ત્યાં કૉંટો ફૂટ્યો. બીજે દિવસે પાંદડાં નીકળ્યાં. એમ રોજ ડોશી સવારે ઊઠીને ત્યાં જાય, ને રોજ ઝાડ મોટું થાય. એક દિવસ ડોશી જઈને જુએ તો એક ધોળી ધોળી કળી ફૂટેલી. ડોશીની નજર આગળ જ એ કળી ઊઘડી, ને અંદર જુએ તો કળીના કેશર ઉપર ફૂલ સરખી એક સુંદર છોકરી ઊભેલી. એક આંગળી જેટલી જ લાંબી છોકરી. ડોશી તો રાજી થઈ ગઈ, ને એને ઘેર લઈ ગઈ. એનું નામ પાડ્યું ફૂલરાણી. એક છીપલીમાં ડોશી ગુલાબના ફૂલની પાંખડીઓ પાથરે, ને રોજ એમાં ફૂલરાણીને સુવાડે. એક દિવસ રાતે ડોશી ફૂલરાણીને ફૂલના બિછાનામાં પોઢાડીને સૂઈ ગયેલી. ઘરનાં બારણાં બંધ હતાં, પણ ઘરની ખાળમાં થઈને એક મોટો દેડકો અંદર આવ્યો. ફૂલરાણીને જોઈને દેડકાના મનમાં થયું કે ‘વાહ કેવી રૂપાળી કન્યા! આને મારે ઘરે લઈ જાઉં તો છોકરાં બહુ રાજી થશે’. એમ ધારીને તેણે તો આખી છીપલી મોઢામાં ઉપાડી, અને લઈ ગયો પોતાને ઘેર. તળાવની પાળે એક ઊંડું ભોંણ હતું એમાં દેડકો રહેતો. ઘેર આવ્યો ત્યાં તો કચ્ચાંબચ્ચાં ‘ડ્રાઉં ડ્રાઉં!’ કરતાં દોડ્યાં આવ્યાં. બાપા કહે કે “ખબરદાર! કોઈ બોલશો નહીં. આ છોકરી જાગી ઊઠશે. સવારે બધાંય એની સાથે રમજો”. સવાર પડ્યું. ફૂલરાણી જાગી. જુએ ત્યાં તો ઘોર અંધારું ટાઢું બરફ જેવું, અને ચારેય બાજુ ‘ડ્રાઉં ડ્રાઉં!’ લફ લફ કરતાં રાક્ષસ જેવાં પ્રાણી દોડાદોડ કરે છે, અને એની સામે મોટા મોટા ડોળા ફાડીને જોઈ રહ્યાં છે. છોકરી બિચારી બહુ જ હેબતાઈ ગઈ, ને રોવા લાગી. એને રડતી ભાળીને દેડકાને દયા આવી. તળાવની પાળ પાસે કમળનું ઝાડ હતું. એ કમળનાં પાંદડાં ઉપર લાવીને ફૂલરાણીને બેસાડી. ચારેય તરફ આસમાની સરોવર : રાતાં રાતાં કમળ ખીલેલાં હતાં અને લીલાં પાંદડાંનું આસન હતું. તોયે ફૂલરાણી રડતી રહે નહીં. એને રડતી સાંભળીને સરોવરનાં માછલાં ભેળાં થયાં, અને પૂછ્યું કે “શું કામ રડે છે, નાની બહેન!” ફૂલરાણી કહે કે “મને અહીંથી જવા દો”. માછલાંએ ભેળાં થઈને એ પાંદડાંની ડાંડલી કાપી નાખી એટલે પાંદડું તો તરતું ચાલી નીકળ્યું. ફૂલરાણી પણ ઉપર જ બેઠેલી. ચાલતાં ચાલતાં તળાવની સામે પાળે પહોંચી. ત્યાં કેટલુંયે ઘાસ ઊગેલું. એને ઝાલીને ધીરે ધીરે ફૂલરાણી કાંઠે ઊતરી. કાંઠે ઊતરવા જાય છે ત્યાં એક નોળિયો દોડતો આવ્યો અને ફૂલરાણીને ઉપાડીને ઝાડની બખોલમાં લઈ ગયો. નોળિયો જઈને માને કહે, “મા! મા! જો તો હું કેવું મજાનું પ્રાણી લાવ્યો છું! મારે તો એની સાથે પરણવું છે.” મા કહે, “અરરર! એની સાથે પરણાય? એને તો બે જ પગ. એને પૂંછડીયે નહીં. એને શરીરે રૂવાં નહીં. છોડી દે, છોડી દે. એવી કદરૂપીને કોણ પરણે?” માએ કહ્યું એટલે એ બિચારો શું કરે? ફૂલરાણીને પાછો એ નીચે મૂકી આવ્યો. ફૂલરાણી આખા દિવસની ભૂખી હતી. એની ફૂલ જેવી કાયા કરમાઈ ગયેલી. ત્યાં તો પડખે જ એણે એક ઉંદરનું દર જોયું. ડોશીને ઘેર ઉંદર જોયેલા, એટલે તે બહુ ડરી નહીં. એણે દર પાસે જઈને પૂછ્યું, “અંદર કોણ છે? મને કંઈ ખાવાનું દેશો?” એ સાંભળીને એક બુઢ્ઢી ઉંદરડી બહાર આવી. છોકરીને જોઈને એ ડોશીને તો બહુ હેત આવ્યું. તરત જ એને અંદર લઈ ગઈ. ત્યાર પછી ફૂલરાણી તો ત્યાં જ રહેતી. ઉંદરડી જ્યારે બહાર ચારો લેવા જાય ત્યારે ફૂલરાણી ઘરને સાવરણીથી વાળી નાખે, પડખે ઘાસ ઊગેલું એમાંથી તરણાં લાવીને પથારી પાથરી રાખે, અને ઉંદરડી જે ખાવાનું લાવે તે બેઉ જણા મળીને ખાય. ઉંદરડીને કોઈ સગું નહોતું. ફક્ત એક છછુંદરો કોઈ કોઈ વાર જતો–આવતો. ફૂલરાણી રોજ તરણાં લેવા જતી ત્યારે ત્યાં એક પંખી પડેલું જોતી. પહેલાં તો એને એ પંખીની બીક લાગી. પણ એણે જોયું કે પંખીની પાંખ તૂટેલી છે, એટલે પછી એણે જઈને પંખીની ચારેય તરફ તરણાંનું સુંવાળું બિછાનું કરી આપ્યું, એને દરમાંથી ખાવાનું લાવીને ખવરાવ્યું. પછી રોજ ઉંદરડી જ્યારે બહાર જાય ત્યારે ફૂલરાણી પંખી પાસે આવે, બિછાનું કરી આપે ને ખવરાવે. એમ કરતા બેઉ જણાંનો જીવ મળી ગયો. ધીરે ધીરે પંખીની તૂટેલી પાંખ સારી થઈ ગઈ. તો પણ પંખી રોજ ત્યાં જ રહેતું. ફૂલરાણીને છોડીને બહુ આઘે એ જાય નહીં. એક દિવસ ઉંદરડી ક્યાંકથી નવાં નવાં લૂગડાંના કટકા ઉપાડી લાવી. ફૂલરાણીએ પૂછ્યું કે “આને શું કરશો?” ઉંદરડી બોલી, “આ પહેરાવીને તને પરણાવશું. તારે માટે એક વર ગોતી કાઢ્યો છે. આ મારો ભત્રીજો છછુંદરો જોયો છે ને? એ કેવો હોશિયાર છે! એનું ઘર તો આપણા ઘરથી દસ ગણું મોટું, ને એના કોઠારમાં એટલું તો ખાવાનું છે કે એક વરસ સુધી ખૂટે નહીં. વળી રૂપાળો કેવો! આવું મજાનું મખમલ જેવું કાળું ચામડું તો કોઈ ઉંદરને ન હોય. અને એના શરીરની સુગંધ કેવી! અત્તર–ગુલાબ પણ કુચ્ચા.” ઉંદરડી મનમાં બહુ જ હરખાઈ ગઈ, પણ ફૂલરાણી તો માથે લૂગડું ઓઢીને રોવા લાગી. ઉંદરડી ખિજાઈને બોલી, “ચૂપ કર! જો રોઈશ તો કાન ખચકાવી નાખીશ.” સાંજ પડી એટલે ફૂલરાણી છાનીમાની બહાર નીકળી, ને પંખીભાઈની પાસે ગઈ. બધી વાત સાંભળીને પંખીભાઈ બોલ્યો, ‘ચાલ, હું તને મારી પીઠ ઉપર બેસારીને આઘે આઘે લઈ જાઉં’. પછી એને લઈને પંખી ઊડવા લાગ્યું. રાત પડી. આકાશમાં ચંદ્રમા ઊગતો હતો. પંખીભાઈ અને ફૂલરાણી એક બગીચા ઉપર થઈને જતાં હતાં. નીચે જ્યાં નજર કરે ત્યાં તો જોયું કે બગીચામાં એક ઠેકાણે અપરંપાર રૂપાળાં ફૂલ હતાં. કાન માંડીને સાંભળ્યું તો એમ લાગ્યું કે તે ઠેકાણેથી બંસીના સૂર આવે છે. ફૂલરાણીએ કહ્યું, “ચાલોને, જોઈએ તો ખરાં કે ત્યાં શું થાય છે?” પંખીભાઈએ એને લઈને ધીરે ધીરે એક સુંદર ફૂલ ઉપર ઉતારી, ફૂલરાણીએ જોયું તો બધાય ફૂલ ઉપર પોતાના જેવું જ એક પ્રાણી બેઠેલું. અને એ બધાંને પતંગિયાના જેવી રૂપાળી પાંખો. કોઈ બંસી બજાવે છે, કોઈ ગાયન ગાય છે, કોઈ નાચી રહ્યાં છે. ફૂલરાણીને જોતાં જ એ બધાં એની પાસે આવ્યાં ને બોલ્યા : “તમને અમારાં રાણીજી બનાવશું. તમે બધા કરતાં વધુ રૂપાળાં છો.” પછી બધાંએ એને માથે મુગટ પહેરાવી દીધો, અને નાની નાની બે રૂપેરી પાંખો એની કમર ઉપર ચોડી દીધી. આખી રાત બધાં રાણીજીની આસપાસ નાચ્યાં. પરોડિયું થયું ત્યાં તો રાણીજીને ઉપાડીને એ બધી પરીઓ પોતાને દેશ લઈ ચાલી. પંખીભાઈને પણ સાથે લઈ લીધો.