તખુની વાર્તા/અંગૂઠો

૯. અંગૂઠો

ગાલ્લું કાંકરા કચડતું પાળ ચઢ્યું. પાંચિયે પૂંછડાં આમળ્યાં કે પોચકા મૂકતે મૂકતે બળદ તેજ થયા. ફિણોટા ઊડવા લાગ્યા. પાંચિયાની સૂકી કાબરચીતરી બાબરી પર એમાંનો એક કોહિનૂર ઝીલવાયો. પાંચિયો તો અદ્દલ જાણે પંચમ જ્યોર્જ.

– એય ટપણા, આંહે કાં મરતેલુ? અ’મણા પંઈડા તળે પિલાઈ જાતેલું. પાંચિયો અછોડા ખેંચતો ઘૂંટણભેર થઈ ગયો.

– આપડુ થ્રેસર આવી ગીયુ ને, હૈં પાંચાભાય? તખો માથું ખંજવાળવા માંડ્યો.

– આઘી ખહતેલી કે ની અબી ઠેસળની પૂછરી! વાટે વાટે જૂ ગેરવતી અ’ળીભેર આવતેલી તે બડી.

તખામાં ઘડીભર મહારાજાધિરાજ તખ્તસિંહ આળસ મરડી બેઠા થઈ ગયા : ચા કરતાં કીટલી બૉ ગરમ દેખુને? આજકાલનું ભીલુ, મારુ હાળુ નઈડુ, અમારા નાનાકાકાના રોટલે તો ડોઝરું ભરે છે ને વળી ફાટી ગીયું છે. તખાએ ઝાટકાભેર બાબરી ઉછાળી.

પાંચિયે પરાણી ઉગામી : ઓ’ઠ ચાટી ચાટીને તો ઈયોણ દા’ડા કાઢતેલા ને તો ભી વળ નહા છોડતેલુ ટેંટુ પાહુ.

તખાએ ગબરડી મારી. પાછે પાછે પગલાં દબાવતું ધમધમ કરતુંક ગાલ્લું ફળિયામાં પેઠું. સામે વરંડાવાળા ઓટલે ખુરશીમાં પગની આંટી મારી ખૂંધવાઈને બેઠેલા ભાસાહેબ દેખાયા. તખાને થયું : કાકાસાહેબને આંખની જગ્યાએ કરોળિયાના જાળા જેવું શું ચળકતું હશે? એને યાદ આવ્યું : બાપુજી ત્યારે પથારીવશ હતા. કાકાસાહેબ કોરા કાગળ લઈ બાપુજીની સહી કરાવવા આવેલા. તેમની ઇન્ડિપેન લંબાવેલી. બાપુજીના અંગૂઠે જરોઈની જેમ ચોટી ગયેલી. એવું થયેલું કે, લાવ થૂંક લગાડી ફેડી નાંખું. પણ કાકાસાહેબની આંખ આમ જ ચળકી ઊઠી હતી.

તખાની આંગળી સળવળી ઊઠી : લાવ, તોડી નાખું જાળું. ભાસાહેબ તાકી રહ્યા. તખાની આંગળી કાચબાના પગની જેમ સંકોચાઈ ગઈ.

– કાકુજી કાકુજી - કાકાસાહેબ, આપડુ થેસર – તખો બોલવા ગયો. ભાસાહેબના ફાચરિયા કથ્થઈ દાંતની ધાર ચળકી. મોં આગળ માખી ઊડતી હોય એમ ઝાપટ મારી. તખો તાકી રહ્યો. ભાસાહેબના પંજા કરચલાના પગની જેમ સંકોડાયા. પ્રસર્યા. ખોળામાંના વાડકામાંથી દાણાચણા હથેળીમાં કાઢ્યા, અંગૂઠે કરી મસર્યા, ફૂંકે ફોતરાં ઉડાડ્યાં, ટેશથી જોઈ રહ્યા : લે, વધેલા ખાઈ જજે ને વાડકો માસાહેબને પહોંચાડ. તપખીરિયાં-પીળિયાં ફોતરાં હવામાં તરતાં કૂદડી ફરતાં ફરસ પર ઊતર્યાં. તખુએ અંગૂઠે ફોતરું મસર્યું. ભાસાહેબને તાકી રહેલા જોઈ સફાળા વાડકી ફંફોળી મોંમાં મૂકી. કચડ કચડ થયું.

– ગાંગડુ નીકળ્યો? ભાસાહેબ હસ્યા.

– કાકાસાહેબ, આ પાંચિયે મને નઈડુ કીધો! તખાએ કાંકરો ગળે ઉતાર્યો.

– જરા જીભાન લગામમાં રાખો, પાંચાભાઈ. મિયાંના ટટવાને તઈડુ ના કે’વાય ને દરબારના દીકરાને નઈડુ ના કે’વાય, હંમજ્યા?

પાંચિયો ધણિયામાંનાં મધઝરતાં મહૂડાનાં ફૂલાં જોઈ રહ્યો. એની જીભ સળવળ સળવળ થવા લાગી.

ભાસાહેબે તખાને બૂચકાર્યો : તખુદાદા, સમો બદલાયો છે એટલે આપણે જ મોટું પેટુ રાખવાનું. ઝીણા દરજીના રાજમાં આ ખરહાણીની જાતના ભાઈબાપા કર્યે જ છૂટકો. એ હસ્યા. ઘડી પહેલાં ગૂંચળું વાળી બેઠેલા સાપોલિયા જેવા નાકનાં ફોયણાં ફૂંફવી ઊઠ્યા. થૂંક ઊડ્યું. તખાના ખમીસે રાતી પરપોટીની આંખ ફૂટી. થૂંક ઉડાડી શિકાર ફસાવતું ચોમાસુ જીવડું ધસી આવ્યું. તખો પાછું હટવા ગયો. ભાસાહેબની આંખો મલક્યા કરે. તખાની ફીકી પીળિયા આંખોમાં રતાશભર્યો ખુમાર આવ્યો. પલકમાં તો એ વડના ટેટા જેવી રાતી ઘેઘૂર થઈ ગઈ.

પાંચિયે પહેલવાન છાપ સળગાવી. ધુમાડા ફેંક્યા, કૂદકો માર્યો. ભોંય ધમધમી ઊઠી. ભાસાહેબની ડાબી આંખ બિડાઈ. જમણી આંખ ગાલ્લા પર ફરતીફરતી બળદની ડોકમાંની ઘૂઘરમાળ પર ચોંટી ગઈ : ઘૂઘરા વેચી વેચીને બીડીઓ ફૂંકવાનું સારું શીખ્યો છે. પાંચિયાનું મોં વલ્લુ થઈ ગયું. જીભ ઝલાઈ ગઈ. ઈશારો થતાં ખાતાવહીનો રાતોમાતો ચોપડો લઈ તખો માંસનો કટકો ઝાલી ઠેકડા મારતા કાગડાની પેઠમ આવી પૂગ્યો.

– દસ રૂપિયા ઉધારી દે, ભાસાહેબે જમણી આંખ પણ મીંચી દીધી. પાંચિયે દમ ખેંચ્યો. બીડીનું ટોચકું તણખાઈને ઝગ્યું. પગના તળિયે ચંપાયું. મરડાયું. ભિડાયેલા હોઠ વચ્ચેથી થૂંક્યો. ભોંય પર આંખ ફૂટી નીકળી. શિશુસહજ શ્વેત નિર્મળ પણ ઉદ્ધત, સૂનમૂન તાકી રહ્યો. એની ધણિયાણી ઝમકુના પેટમાં આ ઝીણકી લાતંલાત કરતી હતી તે વખતની વાત. લાલ વાવટાવાળા છાપરી સૂંઘતા આવેલા :

– હવે તો ખેડે એની જમીન ને રે’ એનું મકાન.

– આ બધા શોષકો છે, તમે લોકો જ આ દેશના અસલ માલિક છો.

– ગામના મજદૂરો એક થાવ, તમારે વેઠ સિવાય કશું ગુમાવવાનું નથી.

– ક્રાંતિ બંદૂકની નાળમાંથી જન્મે છે.

ખાદીના ધોળા લેંઘાઝભ્ભાવાળા જુવાનિયા જુલ્ફાં ઉછાળી ઉછાળી બોલતા હતા. એક જાડિયો તો લાલ વાવટો ફરકાવવા છાપરીએ ચઢી ગયેલો. બીજો ખેંખડી બગલથેલામાંથી ફરફરિયાં વહેંચવા માંડેલો. પેલા ચશ્મીશની આંખોમાં તો ઝળઝળિયાં આવી ગયેલાં : ભાસાહેબ અંગુષ્ઠમાલ લૂંટારો છે. તમે એકલવ્ય પેઠે અંગૂઠો ના કાપી આપતા બિરાદર. પાંચિયાનો બાપ ડોળા ફાડી તાકી રહેલો. આખરે ફીકોફગ અંગૂઠો પીળા પાના પર ઉતરડાઈ ગયેલો. ઝમકુની ઓઢણી જેવી છાપરી ભાસાહેબના ખોળામાં ઊડી પડેલી. એ દિવસથી આજની ઘડી ને કાલનો દા’ડો, જુવારના છૂંછાની જેમ રઝળતા પાંચિયાનોય ભાસાહેબે કોઢારિયામાં ઢોરભેગો એક ઓર ખૂંટો ખોડાવી દીધેલો.

ભોંય પર ફૂટી નીકળેલી થૂંક પરપોટી હજી તાકી રહી હતી. પાંચિયાએ ચપટી ધૂળ લઈ ધરબી દીધી. ઊઠીને અંગૂઠો ધર્યો. શાહી ચોપડાઈ. અંગૂઠો ચંપાયો. અંગૂઠાને આંગળીથી મસળતો ગૂંગણાયેલા કપાસકાલા જેવું મોં લટકાવતો ગાલ્લે આવ્યો. ગાલ્લાના મો’રે, ઊભું અ’ણિયું ટેકવી, જોતરાં છોડ્યાં.

થ્રેસર ગાલ્લાની પીઠે ખૂંધવાઈ બેઠેલું. તડકે ચળક ચળક દાંતા કકડાવે. વાર્નિશિયા ગંધ પસરે. ચામડી પીળચટી લીસ્સી. માથું પેટમાં ઘૂસી ગયેલું. મોં કૂખમાં ખૂલે. વાંસે ત્રાંસી બખોલ.

ગામમાં તો છેક કાલની ફળિયે ફળિયે ટોચ ને તળિયે ધૂળ ઊડવા માંડેલી : ભાસાબ થ્રેસર લાવ્વાના. ખળીમાં અનાજ ઉપણી ઉપણી બાવડાં રહી જતાં. ઝેણથી આંખ તો ફૂલીને લાલઘૂમ બદામ થઈ જતી. ખળીમાંથી પાછો ફરેલો માટીડો ઝેણે એવો તો રંગાઈ જાય જાણે મસાણની ભભૂત ચોળી હોય. ફેર એટલો કે ભભૂતની કરડ ને આની કરડ નોખી.

મકાનોના પગમાંથી પડછાયા ફૂટ્યા. ફૂટ્યા તે એવા ફૂટ્યા કે તડકે તગતગતી શેરી પર રાખ વાળી. રાખ વાળી તે ભલે વાળી. પણ સામેના હારબંધ મકાનોના અંગૂઠા ચાંપ્યા. ગદી ખોદતું કચુંબર દડ્યું, પણ ઢોર ચારતા ગોવાળિયા ન દેખાયા. છાપાં ઉથલાવતા પંચાતિયા વળ્યા, પણ દાડિયો કરી પસીનો લૂછતા ખેડુ ન ઢૂંક્યા. છીંકણીના સડાકે પોતરાં હીંચોળતી ડોશીઓ ડોકાઈ. પણ આંધણ મૂકતી વહુવારુ ન ફરકી.

ભાસાહેબના કપાળે ઊધઈ વળી હોય એમ કરચલી પડી. એમણે રૂપાની કાંકડી શોધવા બગલખીસાં ફંફોસ્યા. કાંકડી હાથ આવી : તખુદાદા, આ ઉજમાળા અવસરે ગામના સૌ જાતભાઈઓને ચા પાઈશું ને?

તખાનું મોં ઝગી ઊઠ્યું. પહોળા થઈ ગયેલા મોંથી ઉત્સાહના અતિરેકે ‘હા જી,’ નીકળે એ પહેલાં તો હવા છલકાઈને ઢોળાઈ ગઈ. કિનાર ઘસાયેલી મેલી કોલરપટ્ટી રમાડતાં રમાડતાં એણે ફલાંગ ભરી. સાવરણી કચરો વાળી લાવે એમ ઘડીના છઠ્ઠા ભાગમાં તો બધા હાજર ભાસાહેબના દરબારમાં.

– કાં’ દાદા, કેમ ઈયાદ કઈરા? કા’ભઈ દાઢીના ખૂંપરા ખેંચવા લાગ્યો.

ભાસાહેબ દાઢમાં કાંકડી નાખી કશુંક કાઢવા મથ્યા. પોલાણમાં કાંકડી કેમે કરતાં પહોંચતી ન હતી.

– તખુદાદા, આ ભાઈઓને પાણીબાણી તો ધરો.

– ના ના, અ’વે ઘેર ગેઈને પીવાનું છે ને? કા’ભઈ ચકળવકળ જોવા લાગ્યા.

ભાસાહેબના મોંમાંથી એકાએક સિસકારો નીકળી ગયો. હોઠ મરડાઈ ગયા. કથ્થઈ કાળા દાંત કટકટવા લાગ્યા. માથું ઢળતુંકને પેટમાં ઘૂસી ગયું. પણ જરા વારમાં તો ખુરશીના હાથાનો ટેકો લઈ કાંચીડાની જેમ ડોક ઊંચી થઈ. દાઢને વારે વારે જીભ અડાડી આશ્વસ્ત થવા મથતા ભાસાહેબનું જડબું જીવડાને ગળ્યા પછી હાલતા ગરોળીના જડબાંની જેમ વિચિત્ર રીતે હાલતું હતું : થ્રેસરની કથા કરાવવાની છે, એટલે બધા જાતભાઈઓને નોતર્યા છે. એમણે તખા ભણી જોયું.

– કા’ભાઈબાવા, પૂંજા હારુ થ્રેસરને એ’ઠે ઉતારિયે તો કેવું? તખાએ કૂંડાળું પૂરું કર્યું.

કા’ભઈ હાથ મસળવા લાગ્યો. ભાસાહેબનાં નસકોરાંને કશુંક અડ્યું. જુએ તો મગતરું ભમે. એમણે પંજો વીંઝોડ્યો : આપણા કા’ભઈ તો ઘરના માણસ. વીંઝોડતાં આંગળીની ઝાપટ વાગી. જશવંત, રણવીર અને ભૂપતે હટવા જેવું કર્યું. મગતરું જમણા નસકોરામાં ધસી આવ્યું. ભાસાહેબ માથું સહેજ પાછળ લઈ બે હાથે કચડી નાખવા મથ્યા : પો’ર હોળી પર લીધેલા પૈસાનુંય કંઈ કરજો, કા’ભઈ. તમે રહ્યા કટંબી એટલે શું ક’ઉ? પણ થ્રેસરના હપ્તાનોય જોગ કરવો જોઈશેને, ભઈલા?

તખુ હસવા લાગ્યો : કાકાસાહેબનું તણ ટકાવારુ ચકઈડું તો ફરતું જ રે’હે. વચાર કરવાનો ઓ’ય તો એ તમારે.

– ભાસા’બ, તમારા પૈહા દૂધે ધોઈને વીયાજ હાથે પાછા આલવાના મારે. તમારા પૈહા ખઈ જઉં તો તમારું વાસીદું વાળવા મારે જનમ લેવો પડે. આ રજબૂતનું વચન છે. કા’ભઈએ જમણી હથેળીની અંજલિ રચી પાણી મૂકવા જેવું કર્યું. ધોમ ધખે ને તુવેરસીંગ તડાક્ તૂટી દાણો દડે એમ એ બોચી ખંજવાળતા ગાલ્લા ગમી જવા લાગ્યા. કા’ભઈ પાછળ એના લાગિયાભાગિયાય ઢસડાયા.

ટોળું ગાલ્લા ભણી ખેંચાયું. ત્યાં તો હાંફળાફાંફળા તાપીશંકર ટોળું ડહોળતાક ઓટલે લાંગર્યા. ભાસાહેબને ફૂંક મારી. એટલી વારમાં તો તખો ઉમંગે હિલ્લોળતો થ્રેસર ઉતારવા ગાલ્લે ચડી ગયો.

– તખલી, ઊતર છાનીમાની. એ તારા બાપનાં તો હજુ ઓવારણાંય લેવાનાં બાકી છે. ભાસાહેબે નસકોરામાંથી બહાર નીકળી આવેલો વાળ ખેંચી કાઢ્યો. ટોળામાં સન્નાટો છવાઈ ગયો. આંધળા પડછાયા હડદોલાવા લાગ્યા. તખો પૈડાંના આરા પર પગ ટેકવી આસ્તેથી ઊતર્યો. સામેના બાપીકા છાપરિયા ઘરની ઓસરીએ જઈ બેઠો : બાપહમાણી ગાળ દીધી? અસ્સલ રજબૂતનું લો’ય ઓ’ય તો બાપહમાણા હગ્ગા ભાઈ પર ના જાય. ગામ આખાની જરજમીન ઓટીમાં આપટીને બેઠો છે.

– ચાલો લા ભેગા થઈને ઝોંટવી લીયે. તખાને ભાસાહેબની આંખ યાદ આવી. ગામ આખું જાળાંમાં ઝૂલે. ખોખાં જ ખોખાં. માખી, મંકોડા, વંદા, પતંગિયાં, ઇયળ-નિર્જીવ ખાલીખમ ખોખાં. હળુ હળુ ઝૂલ્યા કરે. ધોળુફગ હસ્યા કરે.

તખો ભીંતેથી પોપડો ઉખેડવા મથ્યો. નખ ઝઝરી ઊઠ્યા. નાકમાંથી ગૂંગણો કાઢી અંગૂઠા ને આંગળીની ચપટીમાં મસળી ગોળી બનાવી. ભાસાહેબની હવેલી ભણી ઘા કર્યો. પણ એ તો અંગૂઠે જ ચોંટી રહી.

માસાહેબ ડગુમગુ આવ્યાં. લોકે હાથ જોડ્યા. મારગ કરી આપ્યો. દાદીમાને જોતાંવેંત તખાની પણછ ઊતરી ગઈ. માસાહેબે ઓવારણા લઈ ડાબે-જમણે લમણે બંને હાથની મુઠ્ઠી દબાવી ટચાકા ફોડ્યા. પાછે પાછે ભાસાહેબનાં ઠકરાણાં કેડે ઝૂડો ઝમકાવતાં, નથ ઢંકાય એમ પટોળાનો છેડો ખેંચતાં, હથેળીમાં તાંબાનો લોટો ભરેલી કંકુચોખાની થાળી લઈ હાંફળાફાંફળાં આવ્યાં. ગાલ્લાના મો’રા આગળ ઊભાં રહી તાંબાનો લોટો ત્રણ વાર સવળો ને ત્રણ વાર અવળો ઓવાર્યો. પછી તાપીશંકરનો ઇશારો થતાં પાણી આંગણામાં ઢોળી દીધું. છાંટો ઊડે ને કદાચ ચ્છે ને થ્રેસરના કોઠામાં વાસો કરતી પનોતી વળગીબળગી પડી તો’ એવા ફફડાટે ટોળું આઘું ખસી ગયું. ભોંયે અજગર ઊપસી આવ્યો. ઠકરાણાએ કંકુમાં વચલી આંગળી બોળી આગળ ત્રિશૂળ પડખે સ્વસ્તિક દોર્યો. એના પર અક્ષતકંકુના ચાંદલા ચાંપ્યા. શેષ અક્ષતકંકુ ટોળાં પર વધાવ્યા. વાળમાં પડશે, આંખમાં વાગશે, કપડાં બગડશે એ બીકે ટોળું પાછું હટ્યું. લોહીના છાંટા જેવા ચોખા ભોંયે ચંપાયા.

તાપીશંકરે નાળિયેર હાથમાં લીધું. શિખામુંડિત બાળકના મસ્તક જેવું અસહાય નાળિયેર. પથરા પર અફાળે, ધાર વછૂટે, લોક આઘુંપાછું થાય, થ્રેસર પર જળ છંટાય. તાપીશંકરે ભાસાહેબના કપાળે કંકુચોખા ચોંટાડ્યાં, થ્રેસરને પગે લગાડ્યા. પ્રસાદ આપ્યા. કોપરાની એક કાતરી ચાવતા, ભાવવિભોર થવા કોશિશ કરતા ભાસાહેબમાંથી બગાસું ખાતા હોય એવું હાસ્ય ઢોળાઈ ગયું. કપાળે કુસકી લાગી હોય એમ અણખત થવા લાગી. ખેલ પૂરો થયેલો જાણી કપાળ લૂંછી નાંખ્યું. હથેળીમાં અજીઠો પ્રસાદ પડી રહ્યો.

ટોળાંમાં પ્રસાદ વહેંચાયો. પડાપડી થઈ. ભાસાહેબની આંખ કશુંક શોધતી હતી. એમણે કા’ભઈને આંટા ભર્યાં. કા’ભઈ તખા પાસે આવ્યા. તખો અંગૂઠા ને આંગળીની ચીપટી બનાવી પોપડો ઉખેડતા નખમાં ભરાઈ ગયેલી હરાક કાઢવા મથતો હતો.

– તારા કાકાસા’બ બોલાવે.

હરાક કેમે નીકળતી નહોતી.

– ડાંગે માઈરાં પાણી જુદાં થિયાં જાઈણાં છે, તખુભા? કા’ભઈના બોલે બોલે તખો ઓર કોકડાયો. હરાક ચપટીમાં આવે આવે ને છટકે.

ભા’સાબ સભાવે નબરો. ચૂહણિયો, એકલપેટો ને સવારથી, પણ ગમ્મે એમ તો હો એ રી’યો જાતભાઈ. તારો તો એ હગ્ગો કાકો, કટંબી. આપણ બધાયનાં કુળગોતર ને મૂળિયાં આમ જોવ તો હરખા. વખતે વ્હારે ન ધાય એ રજબૂત હાનો? તખો સ્પ્રિંગની જેમ ઊભો થઈ ગયો. કોલર ઊંચો કરતાં કા’ભઈ જોડે ચાલવા માંડ્યું. ભાસાહેબ હવામાં આંગળીથી જાણે કોઈ કોયડો ઉકેલવા મથતા હતા. જમણી હથેળીમાં પડી રહેલા ખાંડકોપરાના પ્રસાદ પર ક્યારની માખી બેઠી હતી. કાળોતરા તાંતણિયા પગે પાંખ સંકોડી સૂંઢ કાઢી ખાંડનો કણ ચૂસતી હતી. તખો આવ્યો એટલે ઊડીને એના કોલરની ટોચે જઈ બેઠી. કોલર પર જાણે નવુંનક્કોર બટન ટંકાઈ ગયું. જોતજોતામાં દેડકાના પેટ જેવી પોચી હથેળી પરથી પરસાદ બળેલી ગોટલી પર ખલવાઈ પડ્યો. આંખે અડાડી, ‘જય માતાજી’ ભણી તખાએ પ્રસાદ મોંમાં ઓળ્યો. ભાસાહેબની સહેજ સંકોચાયેલી માંજરી આંખ પારાની જેમ ઝગારા મારતી હસી. તખો પહોળી આંખે પી રહ્યો.

તખાએ કોલરપટ્ટી પંપાળતાં હાક પાડી : ચાલજો’લા, જીરી જીરી ટેકો કરો તો પાર આવે. ટોળું હુડુડુ કરતુંક જંગમાં ઝુકાવતું હોય એમ દોડ્યું : ગામનું કામ છે. એમાં પાછી પાની ની ચાલે. બુમાટો થયો : ગામ રાહે ગાલ્લી રાહ કઈરા વના છૂટકો છે? કે’તા બાકીના પણ જોડાયા.

પાંચિયો એકલોઅટૂલો પડી ગયો. ચોપડે ચંપાયો તે ઘડીથી એને એનો અંગૂઠો નામનો જ વળગી રહ્યો હોય એવું લાગ્યું. તે દિવસે લાલ વાવટાવાળા ‘એકલવ્ય ને અંગૂઠો ને અંગુષ્ઠમાલ’ એવું કશુંક બોલતા હતા. એ લબરમૂછિયા જુવાનિયાઓનું પગલું દબાવતા ભાસાહેબ ગામલોકને લઈને આવી પહોંચેલા. પાંચિયાને દારૂનો શીશો ધરેલો. ભાસાહેબની નજર ઝમકુ પર ચોંટી ગયેલી. પણ પાંચિયાનું મન તો ધુમાઈ ચૂક્યું હતું : ગમ્મે એવો પણ ભા મારો ધણિયામો ઓ’તેલો. અટકેફટકે કામ લાગતેલો. મું ભાછાબ હામુ હીંગળા ભેરુ? મુને પીઠોરબાબાની આંણ. પેટના પૂરનારની નિમકહરામી મું નહા કરતેલો. મું નુગરો નહા. પાંચિયો જાતે આગળ થયેલો. લબરમૂછિયા ખાહડાચંપલ મેલતાક ભાગેલા જે ભાગેલા તે આજનો દા’ડો ને કાલની રાત. પાછા આ ગમી ફરક્યા નો’તા. પછી તો દર અમાસ-પૂનમે દારૂનો શીશો આવતો, પણ શીશો જોતાં જ ઝમકુની આંખ ચકચૂર કેમ થઈ જતી હતી? એ લાગલી ઠકરાણાનું ઘરકામ પતાવવા આઘીપાછી થઈ જતી. એની ઝીણીકીય હવે તો ઓઢણી પહેરવા સરખી થઈ ગઈ છે એ વાતની તો એને ગઈ અખાત્રીજે જ ખબર પડી. ભાસાહેબ ચાકર માટે નવા વરસનાં કપડાં ને જૂતાં લાવેલા તે ઝીણકીને ઓઢણી ઓઢાડતા બોલી પડેલા : કોઈ અજાણ્યો જોઈ તો અમારી આ ઝીણકુડીને દૂબળી નૈ પણ દેહણ જ ધારી લે. પાંચિયાના લમણાં ફાટવા માંડ્યાં. એ ભૂરાભટ અંગૂઠાને તાકી રહ્યો. એ અંગૂઠો ન હતો, રાખોડી ધબ્બો હતો. પાંચિયો જમણા અંગૂઠે એને ઘસવા લાગ્યો, પણ શાહી ફેડી ના ફીટી. એણે ચામડી ઉતરડી. લાલ ટશિયો ફૂટી નીકળ્યો. રાખોડી ધબ્બામાં રાતુંચોળ બાકોરું દેખાયું.

તખો ગાલ્લામાં થ્રેસરના હેંડલવાળા પડખે ચડ્યો : પાંચિયા, ઘાંટો સાંભળીને પાંચિયાના હોઠ મરડાયા. એ આરામથી ઊઠ્યો. તખાની સામેના પડખે ચડ્યો. કા’ભઈ આડું લાવ્યા. થ્રેસર ચઢાવ્યું. થ્રેસર આડા પર સરકવા લાગ્યું. અચાનક પાંચિયા બાજુથી ધક્કો આવ્યો. થ્રેસરનો હાથો ગાલ્લાના પડખામાં ભરાયો. તખો બૂમ પાડે પાડે ત્યાં તો કડાકો. જુએ તો થ્રેસરનો હાથો મરડાઈ ગયેલો. ભાસાહેબ ઊભા થઈ ગયા : નાલાયકો, બધા સાલા બળધિયા જ ભેગા થયા છે કે શું? એમનો હાથ લૂલવાઈ લૂલવાઈને વીંઝાવા લાગ્યો. જરા વારમાં તો એ ખુરશી પર ફસડાઈ પડ્યા.

વૈશાખી વાયરે ખળીમાં પરાળ ઊડે એમ ગામ વીખરાઈ ગયું. તખો થાંભલાના ટેકે સિસકારા ભરતો ચગદાઈ ગયેલો અંગૂઠો ચૂસે. અંગૂઠો તો ભૂરો ભૂરો ડેબ્બો. પાંચિયો તખા પાસે ગયો. હળવે હળવે તખાનો અંગૂઠો લઈ પોતાના અંગૂઠાથી માલિશ કરવા લાગ્યો. તખાને કળ વળી. પાંચિયાને જોતાં જ એણે હાથ ખેંચી લીધો : નિમકહરામ!

ઇન્ડિયા ટુ ડે સાહિત્ય વિશેષાંક : ફેબ્રુઆરી ૧૯૯૭