તખુની વાર્તા/રજોટી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦. રજોટી

– કામ શરૂ કરીશું ને, પાંચાભાઈ? ભા’સાહેબે તખાને ઇશારો કર્યો. તખો પોતાના ઓટલે પગ લટકાવી બેઠો હતો. કાકાસાહેબનો ઇશારો થતાં જ ભોંયભેગું થયેલું પાંદડું પવનને ઝપાટે ઉડીને ડાળે ચઢે એમ હડી કાઢતો તખો ભા’સાહેબનાં પગથિયાં ચઢ્યો. પાંચાએ બીડી સળગાવી. કસ ખેંચ્યા. હોઠની ભૂંગળી કરી ધુમાડી છોડી. ઘડીભર બધું રાખોડી રાખોડી કરી નાખ્યું.

– પાંચિયા, તખુનો અવાજ સાંભળી પાંચાએ બીડી પગના અંગૂઠે ચાંપી. બીડી ઘડીકમાં તણખાઈ, મરડાઈને ઠૂંઠું થઈ ગઈ. હોઠ મરડી પાંચાએ થ્રેસરને આગળથી ખેંચ્યું. તખાએ પાછળથી ધકેલ્યું. પગથિયાંની ધારે શેરી તરફ મોં ફાડી થ્રેસર ઊભું રહી ગયું. શેરીને નાકે ભા’સાહેબની હવેલી સામે પડેલા કા’ભઈના ઘર સામે જાણે તોપ તંકાઈ. તખો વિચારમાં પડી ગયો. પાંચો ફાંટ વાળી વાળીને કચરાયેલા કણસલાંનું ભૂસું ઠાલવવા માંડ્યો.

– અંઈ મોહેં-જો-દરો કેમ ઊભો કઈરો? તખો હસવા મથ્યો.

– હું કરતેલો તે જુવાર ઉરાડતેલો વરી. પાંચિયો હસ્યો.

🞄🞄🞄

ગામ આખામાં થ્રેસરવાળી વાતનો ઘાઘરો તો એ ય ય ય વૈશાખી વાયરે ફ ર ર ર જાય ફૂલ્યો ને એ ય ય ય ફડફડ જાય ફફડ્યો. ને એમ વાએ કચરું ઊડી આવે એમ લોક શેરીમાં ઘસડાઈ આવ્યું.

– અ’વે જવાર વાએ ની ઉપણવી પડે.

મીશીન એના એખવા તારુ ઓછું આંઈણું છે? ગામની વપતનો વચાર કરીને લાઈવો છે.

લોક ધીરે ધીરે થ્રેસર તરફ સરકતા લાગ્યું.

🞄🞄🞄

– તખુ બેટા, ગામના ભાઈઓ આવ્યા છે તે એમના સારુ જરા પાન-બીડીની ટ્રે લઈ આવો તો. ભા’સાહેબે બગાસું ખાધું,

બીડી-સિગારેટ ને ધાણાદાળની ટ્રે ફરવા માંડી. તીસનંબર ને કેવેન્ડરના કસ ખેંચાવા લાગ્યા. જાણે થ્રેસરિયાજીનો ધૂપ શરૂ થયો. ભા’સાહેબની આંખ ફરકવા લાગી : કા’ભઈ. ભાભીસાહેબને તેડુ કરી તો. કા’ભઈ તખુના છાપરિયા ઘરમાં ઘૂસ્યો. તખુની બા આંધણ મૂકવા ચૂલો ફૂંકતી હતી.

– દિયરના બાયણે ઠેસર આઈવું તે ભાભીજી કંહારનું આંધણ મેલે છે કે હું? કા’ભઈ હસ્યો.

– દિયરજીના હખ્ખ કરતાં કહાર વધારે ની મલે કા’ભૈ, પણ તમારા ભઈનો ભગવાનને તાં’ ખપ પઈડો તા’રથી દિયરજી હાવ બદલાઈ ગિયા છે. તખુની બા સામે નટખટ રંગીલો દિયર તરવરી ઊઠ્યો. એ ફૂંકણી રમાડવા લાગ્યાં.

પણ ભા’સા’બ તો તમને ઈયાદ કરે છે. ભાભજી, કા’ભઈ લૂખું હસ્યાં. તખુની બા ફૂંકણી લમણે ટેકવી ઘડીભર જડાઈ ગઈ : એને ઉં ભલી ઈયાદ આઈવી? બર્યું કંઈ દાળમાં કાળું ના ઓ’ય.

વાદળી સાડલાના છેડે માથું ઓઢી એમણે કા’ભઈની પાછળ પાછળ ચાલવા માંડ્યું. તખુની બાને સામેથી આવતાં જોઈ ભા’સાહેબ ‘ભાભીસાહેબ, ભાભીસાહેબ’, કરતાં ઘૂંટણિયે પડ્યા. તખુની બા મૂંઝાઈ ગઈ.

– એમણે તો રતનમાથી ય મારી અદકી કાળજી લીધી છે. બોલતાં ભા’સાહેબે તખુની બાનું કૃશ ખાલીખમ કાંડું ઝાલી પોતાને માથે પંજો થાપી દીધો. તખુની બાના હાથમાંથી આછી કંપારી પસાર થઈ ગઈ. ભા’સાહેબની ટાલ ઘડીભર ઢંકાઈ ગઈ. એમણે ‘ભાભીસાહેબ’ને પોતાની ખુરશીમાં બેસાડ્યાં. તખુની બા સાડલો સંકોડી માથે છેડો ઓઢી નીચે જોઈ ગયાં. ભા’સાહેબ તખુની બાના પગમાં બેસી પડ્યાં : એ તો મારી રતનમાથી ય મારે મન અદકાં. ભાઈસાહેબને પરણીને આવેલાં તે હું તો એમનો છેડો ઝાલીને પૂંઠે પૂંઠે કૂવા-તળાવે, મંદિર-મેળે જાતો. ભાઈસાહેબ અમારા લવિંગિંયું મરચું. રીઝે તો દેવ ને રૂઠે તો – મારા ભોળિયા દાદા જેવા.

એટલામાં તખો બાંય વાળતોક વચમાં ઘૂસી ગયો. ભા’સાહેબના હોઠ મરડાયા. ભાઈસાહેબના આશરે હતો ત્યારનો આ કબાબમાં હડ્ડી બની ગયો છે. માનો હતો ત્યારે આખો દા’ડો ખંધોલેથી ઊતરવાનું નામ ના લે. પગ ઉલાળે ને છાતીમાં ભટકાડે. કાનોડિયા ખેંચે. એક વાર તો હથેળીમાં થૂંકાવવાની રઢ લીધેલી. પોતે લાચાર થઈ ગયેલા ભા’સાહેબ હથેળી તાકી રહ્યા. હથેળીમાં થૂંકફોલ્લી ફૂટી નીકળી. ખંજવાળ ઊપડી. એ ઘવડવા લાગ્યા. તખુની બા મીઠું હસી : દિયરજી, નક્કી લખમી પગલી પાડતી ઓહે એટલે અ’થેળી રવરવ થતી ઓહે.

ભા’સાહેબ ઓઠ કરડતાં કરડતાં હસી રહ્યા. તખુની બાએ ધીરેકથી પૂછ્યું : મને કંઈ ઈયાદ કરીને?

– ગામની વિપદ ઓછી કરવા આ થ્રેસર આંણ્યું છે તે તમ સરખાં વડીલના આશીર્વાદ ઉતારો અમારા પર.

– આવા મંગળ પરસંગે અખણ હેવાતણવાળીના શકન લેવાય, અમ હરખી અભાગણના નંઈ. એમનું ગળું રૂંધાયું.

– અમારે તો તમે જ બધું. મન ચંગા તો કથરોટ મેં ગંગા. આને તમારો હાથ અડે એટલે અમે સોમ નાહ્યા.

તખુની બા ટટ્ટાર થઈ ગઈ : ઠેસર ગામની આંતેડી ઠારહે તો વણમાંઈગા ગામઆખાના આશરવાદ ઊતરહે. તખુની બા દિયરજીનો ખભો પસવારી ઊભી થઈ. થ્રેસર પાસે જઈ, હાથ જોડી, માથું નમાવ્યું. પછી હાથો પકડી અડધું ચક્કર ફેરવ્યું. લોક ભા’સાહેબનો જેજેકાર કરી ઊઠ્યું. તખો પાણી લઈ આવ્યો. ભા’સાહેબે ઘૂંટડો ભરી કોગળો કરી નાખ્યો. એમની આંખો લખોટીની જેમ ચળકવા લાગી. – પાંચાભાઈ, ભાભીસાહેબના આશીર્વાદ મળી ગયા. હવે કયા મૂરતની રાહ જોવ છો? બોલીને ભા’સાહેબ કફની ખંખેરતા ઘરમાં ગયા.

પાંચિયાએ ટોપલાભર કણસલાંનું ભૂસું નાખ્યું. રજોટીનો ગુબ્બારો ઊઠ્યો. લોક પાછું હટ્યું. જુએ તો કફની-સુરવાલમાં સજ્જ ભા’સાહેબ કશે બહાર જવા નીકળ્યા છે.

– ડાકોરના ઠાકોર રણછોડરાયાની બાધા રાખેલી આ અમારાં ઠકરાણાંએ કે, ઓ’ણસાલ હાજોહમો ઠેસરનો જોગ કરહે તો મારા કાળિયારાજાને હુંખડી ધરાવા. એટલે ડાકોરના દરબારે હાજરી પુરાવ્યે જ છૂટકો. લોક ભા’સાહેબની ટેક જોઈ દંગ થઈ ગયું. એ ઠકરાણાં સાથે કારમાં બેઠા. ભા’સાહેબને ઇશારે તખો ઠેકડા ભરતો આવ્યો : તખુબેટા, આ પાંચિયા પર નજર રાખતો રહેજે. નઈડું કંઈ ગોલમાલ ના કરી જાય. ભા’સાહેલે તખાના કાનમાં કહ્યું. તખાના ચહેરા પર રુઆબ છંટાઈ ગયો : તમતમારે બેફિકર જાતરા કરિયાવો, કાકાસાહેબ. તખો બધાને સંભળાય એમ બોલ્યો. ઘરઘરાટ સાથે ધૂળધુમાડિયો ગુબ્બારો ઊઠ્યો. લોક આંખ ચોળવા લાગ્યું. તખો સીધો પાંચિયા પાસે પહોંચ્યો. પાંચિયાને ખસેડી જાતે હેન્ડલ ફેરવવા માંડ્યો. પાંચિયો બેફિકર થઈ ફાળિયે મોઢું લૂછતો પગથિયે જઈ બીડી સળગાવતોક બેઠો.

🞄🞄🞄

ને એમ ઠેસરિયાજીએ ગામ ગમી હિરણ્યમય ગુદાપાત્ર ધરી બેઠક સ્થાપી. તખાએ હેન્ડલ ઘુમાવ્યું. નાભિકમળેથી घोडहं घोडहं નાદ ઊઠ્યો. પાંચિયે આહુતિ આપી. ઠેસરિયાજીનો જાણે જગન મંડાયો. ઠેસરિયાજીનું મુખ ઓહોહો જાણે કમળ શું ખીલે! કચરાયેલાં કણસલાં ભમરા શા ભીમરાય. ઠેસરિયાજી મોં ફાડી કોળિયા ઉતારે. જઠરાકાશે વાયુમંડલ વલોવાય. શનિવલય શા ગુદામંડળેથી બે વીસુ ને ઉપ્પર નવ મરુત વછૂટે. ધૂંવાડી ઊઠે. તડ તડ તડ ચિંગારા ઊડે. અગનકણોનાં ઝુંડેઝુંડ તરે-ઊતરે. જાણે રૂપેરી રજસગંગ રેલી. ને એમ રજસ્કેતુ ઠેસરિયાદાદાની ધૂણી બરાબરની ધખી. તે એ ય જાણે તારામંડળ આખેઆખું ગગનગોખેથી અહીં ઊતરી આવ્યું હોય એમ ગામ કંઈ એવું ચમ્મક ચમ્મક ચમકે કંઈ એવું ચમ્મક ચમ્મક ચમકે જાણે ચાંદો ચૂરચૂર થઈ ચોગમ વેરાયો તે એ… ય એ વેળા બ્રહ્માજીનાં ચાર વત્તા સરસ્વતીનું એમ પાંચ પાંચ મુખ સામટાં મંડ્યાં વર્ણન કરવા ને તોય કહ્યું કહેવાયું નંઈ ને સાંભળ્યું સંભળાયું નંઈ. ને એમ લોકના ચહેરે ચાંદાનું ચૂરણ ઝરવા માંડ્યું. ઝરી ઝરીને ઠરવા લાગ્યું. ઠરી ઠરીને એવું ઠર્યું કે લોકના શામળા કાળાભઠ્ઠ ચહેરા ચાંદીની પતરીથી મઢાવા માંડ્યાં. મેલાંઘેલાં કપડાં વગ્ગર ધોયે ધોળા બગલાં જેવાં થવા માંડ્યાં. ઠેસરિયાજીની ધબધોળી કૃપાકણી એવી પસરી એવી પસરી કે ગામમાથે ગગનગોરંભો થયો. વૈશાખી ચઢતા પહોરના સૂરજદાદાના તીખાતમતમતા ભાલોડા ઘડીક તો બૂઠાબટ્ટ થઈ ગયા. લોક ખુશખુશાલ થઈ જોઈ રહ્યું. ઘૂમટા હટાવીને વહુવારુએ પેખ્યું. આંગળી અડાડીને છૈયે ચાખ્યું. મલકતે મોંએ ઘૈઈડિયે ભાખ્યું. અંજલિ ધરીને ડોશીએ આચમનીએ આચમનીએ પીધું.

પણ સતજુગનો પ્રભાવ લાંબો ના ટક્યો. કાળનું પૈડું ફર્યું હોય ને કળજુગનો અમલ શરૂ થયો હોય એમ અચાનક નપાની ટાલ તતડે, મંગીની આંખ ચચરે, ભૂપાનું નાક ઝઝરે, પાંચાની બોચી ચટકે, કા’ભઈની કૂંખ કરડે, બધાનાં માથાં રાખ ભરી હોય એમ ચળકવા લાગ્યાં. પાંપણો ધોળીધબ ઢંકાઈ ગઈ. પાંપણ ખરેલી ચુડેલની આંખો બધે તરવા લાગી.

ટોળાંની પોપડી ખરવા લાગી. લોક બણબણ કરતું પાછું ને પાછું ઠેલાવા લાગ્યું ને કા’ભઈને ઓટલે લાંગર્યું. કા’ભઈ પણિયારેથી માટલું ને પ્યાલો લાવ્યા. બધાં વારાફરતી ઊંચી ધારે ખોબલી કરી પાણી પી પી ભીના હાથ મોં - માથે ફેરવવા લાગ્યા. કરડ જરા ટાઢી પડી. એવામાં કાનજીમામાને ઉધરસ ચઢી. એમના હાડિયા હાલકડોલક થવા લાગ્યા : અ’વે ના દીઠાનું દીઠું ને કૂલે ચીથરું વીંઈટું, એઉં હું કામ કરતા ઓહે તમે હવ?

– રાંઈડા પછીનું ડા’પણ હું કામનું? ટોળાંમાંથી કોઈએ ટહુકો કર્યો. કા’ભઈના હોઠ વંકાઈ ગયા : એલા પેલા તખલાની બાને કો’ જઈને કે’ ચાલુ કરવાનું ઉદ્ઘાટન કઈરુ તે બંધ કરવાનું મૂરત કા’રે કરવાનાં છવ? કાનજીમામા હસવા ગયા, પણ ખખરી બાઝી : કા’ભઈ, ભા’સા’બને ક’યે એમને ચોખા મૂકવા તો તમે ગયેલા. કા’ભઈ આંખ ઢાળીને લમણે પંજો ઘસવા લાગ્યા : મામા હાચી વાત છે. ચારે ગમીથી ફોલી ખાધો છે, પણ કટંબીની તાણમાં તણાઈ જામ છું.

ખેતરાંની હાથે હાથે અક્કલ હો ભા’ને તાં’ ગીરવે મેલી દીધી છે કે હું? કો’કે ટકોરો માર્યો.

કા’ભઈ ઝાટકાભેર ઊભા થઈ ગયા : એ કયું નઈડું બોયલું? કાનજીમામાએ કા’ભઈને હાથ ખેંચી બેસાડ્યા. ભૂપો ઉશ્કેરાઈ ગયો : જવારના ઊના ઊના રોટલા ભા’ કૈડવાનો ઓ’ય તો ઝેણ હો એણે જ ખાવી જોયે ને? ઠેસરની પૂંઠ કોઈ ભા’ની અ’વેલી ભણી ફેરવી મારો લ્યા.

– જે કળે ટેને આપડા ટડફઠી પાયલી ઇણામ.

– તો આપણા તરફથી પેથલપુરનો ગરાસ યાવચ્ચંદ્રદિવાકરૌ.

ખિખિયાટાથી ઓટલો ભરાઈ ગયો પણ પછી સૌ ખામોશ થઈ ગયા. ભૂપો ઊભો થઈ ચાલવા માંડ્યો. એકડ બેકડ સૌ ઊઠ્યા. થોડી વારમાં મંડળીનું ઉઠમણું થઈ ગયું. કીડી પતંગિયાના અંગેઅંગને તોડી તોડીને તાણી જાય એમ ટોળાંનેય શેરીઓ કકડે કકડે રાફડા ભણી તાણી ગઈ. ખાલી કા’ભઈ તૂટી ગયેલી પાંખ પેઠમ પડી રહ્યા.

🞄🞄🞄

તડકો માથે ચઢ્યો. થ્રેસરનો ઘર્રઘર્ર અવાજ શેરીએ-શેરીએ, વાડે-આંગણે, ઓસરી-ઓસરીએ, ઓરડે- ઓરડે, કાતરિયે-ભોંયતળિયે ઘૂસી ગયો. એ અવાજ રોવાના, ખાંસવાના, ઘૂઘવવાના, હાલરડાંના, ઊટકવાના, ઘોરવાના, આરડવાના, વાગોળવાના, ભસવાના, વિચારવાના અવાજો ગળી ગળી ડેબરાઈ ગયો. એણે કાનનાં કોડિયાં, મોંની બોખલી, નાકની નાળ ને આંખની ડાબલી પૂરી ઘાલી. લોક બધું ઢીમચું થઈ ગયું.

થ્રેસરમાંથી સફેદ મસી ફૂંકાતી રહી અને નિંઘલવા બેઠેલા ગામની ડાળખી ડાળખીએ, ડૂંડે ડૂંડે ને પાંદે પાંદે ઊતરવા લાગી. કહોને કે થ્રેસરમાંથી પહેલાં તો મસી ફૂંકાઈ, પછી ઘૂમરાઈ, પછી ઉપર ઊઠી, પછી ઊડી, પછી સેલારવા લાગી, પછી સ્થિર થઈ, પછી ઊતરવા લાગી.

સૂરજ જરા આથમણી કાની ફર્યો નંઈ ફર્યો ત્યાં રજોટી પરથમ તો મોભારે ચઢી, પછી છાપરે નળિયાંની નાળમાં સોડ તાણીને સૂતી, પછી આંગણાંમાં ઊંચી પાનીએ સંચરી, પછી ઓટલે પગ લટકાવીને બેઠી, પછી ભીંતે જરોઈ શી ચોંટી, પછી ટોડલે પલાંઠી વાળી બેઠી, પછી ઉંબરે ભવાં ચઢાવી અટકી ને વાતે વાતે બટકી, પછી પરસાળે ઊકળી ઊકળી પેઠી, પછી ઓરડે ઓકળિયે ઓકળિયે આળોટી, પછી વળગણીએ ઊંધમૂંધ વાગોળ શી લટકી, પછી દેવલે દેવના વાંસે જઈ ચટકી, પછી વાડે બેડાના પાણીએ સરખી સાહેલી સંગ ન્હાવા પડી.

ભા’ની હવેલીથી લોક શેરીમાં તણાયું. શેરીમાંથી કા’ભઈને ઓટલે લાંગર્યું. કા’ભઈને ઓટલેથી વેરાઈ સૌ સૌનાં બારણાંમાં વસાયું. બારણાંમાં વસાયું પછી બારીએ ઢંકાયું. પહોર ઊતર્યો ના ઊતર્યો ત્યાં લોક ઘરઘરમાં અંધારું પેટાવીને ઊભું. ભીંતે પડખાં ઘસતું બેઠું. કાથીના ખાટલે ડિલ કસતું સૂતું.

રજસ્કેતુનો ગામ આખામાં ડંકો વાગી રહ્યો.

સામેનું ઘર ક્યારનું ખાંસીથી ખખડ્યા કરતું હતું. તખુની બા ઉતાવળે પગલે ગઈ. જુએ તો કાનજીમામાની તો જાણે ધમણ ચાલે. ચકળવકળ ડોળા ડબડબ આંખોમાં તરે. મામા ખોળામાંના ઓશીકામાં માથું ખોસી દે. દેહ પીંડલું વળી ગયેલો. નસનું દોરડીજાળું તડોતડ તૂટશે જાણે. તખુની બા પ્યાલો ધરે. ખાંસી પર ઘડીક રાખ વળે. મામા નસકોરે કકડો દાબવા મથે. તખુની બાએ ઓટલે આવી ઘાંટો પાડ્યો : તખલા, કમજાત, બન્ન કર એ નખ્ખોદિયાનું વાજું. તખુના હાથમાંથી હેન્ડલ છૂટી ગયું. થ્રેસર ઠબ થઈ ગયું. ધોળોફગ જિન્નાત જેવો તખો પરસેવે નીતરતો નીચું ગુણુ ઘાલી ઓટલો ચઢ્યો. તખુની બા કાંપતી હતી : એ તો રાખ્ખસ છે, પણ તારામાં કંઈ અક્કલ બળી છે કે નંઈ? ખબરદાર જો ઠેસરને અઈડોબઈડો છે તો.

ભીંતને અઢેલી બેઠેલા પાંચિયાએ મોટું બગાસું ખાધું, થ્રેસરનું હેન્ડલ સંભાળ્યું. તખુનો બાએ પાછો ઘાંટો પાડ્યો : પાંચિયા, ખબરદાર, આ’થાને અઈડો છે તો. પાંચાએ હેન્ડલ ફેરવવા માંડ્યું : મું ભાછાબને એક્કુએક વાત કે’ય દેતેલો. રજબૂતડાનો વિસ્વા મું નહા કરતેલો.

હોહા સાંભળી ટોળું થઈ ગયું.

– મું તો મારા ધણિયામાને જબાપદાર. પાંચિયાએ જોરજોરથી હેન્ડલ ફેરવવા માંડ્યું તખુની બા કછોટો મારી પાંચિયા સામે ધસી ગઈ. એનો ફિક્કો કરમાયેલો ચહેરો તપેલી તાવડીની જેમ તમતમી ઊઠ્યો : મામાનો દમે હાંહ તૂટે છે તને જવાર ઉરાડવાની કમત હુજે છે?

– બા, ઉ એને હરખો કરું છું. તું તારે રે’વા દે. તખો બાંય ચઢાવતો આગળ થયો. ટોળું હોંકારાપડકારા કરતું ધસ્યું. પાંચિયો ખૂણે જઈ બેઠો. આંશીતરીનાં પાનાં કાઢી, એમાંથી મોટું જોઈ અલગ કર્યું. એની સવળી બાજુએ જીભ ફેરવી. પછી નરમ પડેલું પાનું વાળી અવળી બાજુએ આવેલી દીંટ તોડી. નખે કરીને નસ છોલી. પ્લાસ્ટિકની ડબ્બીમાંથી હથેળીમાં તંબાકુ ગેરવ્યું. સળી વીણીને દૂર ફેંકી. અંગૂઠે કરી તંબાકુ મસર્યું. પાનાની પોલી નળી બનાવી. તંબાકુ ભર્યું. ભોંયે ઠપઠપાવી ટેરવે કરી તંબાકુ પાનની નળીમાં દબાવ્યું. નખે કરી ટોચકું વાળ્યું. હોઠના ખૂણે બીડી દબાવી. ચેતાવી-ધુમાડા ફેંક્યા.

ટોળું જોશમાં આવી ગયું :

– તોડી લાખોલા આ આ’થો.

– અલા ભૂપા, ઠેસરની પૂંઠ ભા’ની ભણી કરી લાખ. મજા આવહે. કા’ભઈએ તખાનો ખભો હલાવ્યો : તારાં તો બા, પણ મારાં તો ભાભજી થાય. એમને આજકાલનું ભીલું બોલી જાય? તખા, ઠેસર અવળું ફેરવી દેહે તો જ ભા’ની સાન ઠેકાણે આવહે.

તખાને પાણી ચઢ્યું. એણે થ્રેસર અવળું ફેરવવા ધક્કો માર્યો. થ્રેસર સહેજ હલ્યું ને સ્થિર થઈ ગયું.

– જરી જોરથી ધક્કો મારો, તખુભા.

– આ પાંહેથી અડહેલો, આ પાહેથી, ટોળું તખાને પોરસ ચઢાવવા માંડ્યું. તખો હાંફવા માંડ્યો. એણે પાંચિયા સામે જોયું. પાંચિયો નિરાંતે ધુમાડા કાઢતો હતો.

શેરીના નાકેથી કારનો હોર્ન સંભળાવો. ટોળું વીજળીનો આંચકો લાગ્યો હોય એમ પાછું હટી ગયું. કાર આવે ત્યાં સુધીમાં તો દૂધ ફાટે ને ફોદા તરે એમ લોક બે- ચાર, બે-ચારના ઝૂમખામાં આઘુંપાછું થવા લાગ્યું.

તખાએ ઝનૂને ભરાઈ ધક્કો માર્યો. થ્રેસર બે દોરાભાર ખસ્યું. ભા’સાહેબની કાર આંચકો ખાઈ જરા ઘૂરકીને ઊભી રહી ગઈ. ટોળું જોઈ ભા’સાહેબ મલકાતાં મલકાતાં કારમાંથી ઊતર્યા. ધોળાંધફ જુવારનાં છૂંછાં જેવા ચહેરા વચ્ચે ભા’સાહેબની કૂંડાળું વળી ગયેલી રુંઝાળી કાબરચીતરી ઇયળ જેવી, કાળાકાળા વાળ વચ્ચે ઝગારા મારતી, ટાલ જુદી તરી આવી.

તખાએ દાંત ભીંસ્યા. એકાએક હેન્ડલ ફરવા માંડ્યું. રજોટીનો ગુબ્બારો ફેંકાયો. ભા’સાહેબ ઢંકાઈ ગયા. આંખો ચોળવા લાગ્યા. એમણે નસકોરે રૂમાલ દાબ્યો. એમનું મોઢું વલ્લું થઈ ગયું. હોઠ ફફડ્યા, પણ અવાજ ના નીકળ્યો. માથું ઝાટક્યું. હાથ વીંઝોડ્યા.

થ્રેસર ઘર્રઘર્ર ગુબ્બારા ફેંક્યું જતું હતું. એ આડાઅવળા ચાલ્યા. પગથિયાની ધારે ફલાંગ મારી. કૂદકાભેર બીજા પગથિયે આવ્યા રૂમાલથી ચહેરો લૂછતાં લૂછતાં એ જોતા જ રહી ગયા. તખો જોરજોરથી હેન્ડલ ફેરવતો હતો. એમના ચહેરે સ્મિત ઝગી ઊઠ્યું : તખુબેટો, કામ સોંપે તે છેડો ના આવે ત્યાં લગી નહિ છોડે, એમણે ધીરેથી તખુની પીઠ થાબડી : અમથું કહ્યું છે કે ઘરના તે ઘરના ને મજૂરિયા તે મજૂરિયા. તખાની પીઠે જાણે તવેથો ચંપાયો. હાથની પકડ ઢીલી થવા લાગી. પૈડું ધીમું પડવા લાગ્યું. પાંચો વલ્લા મોંએ જોઈ રહ્યો.

ઠકરાણાં ડાકોરનો પ્રસાદ વહેંચવા માંડ્યાં. ટોળું ધીરે ધીરે નજીક ખસવા માંડ્યું. તખો માથું ખંજવાળતો ખંજવાળતો થ્રેસરના ટેકે ઊભો રહી ગયો.

ઇન્ડિયા ટુ ડે સાહિત્યવિશેષાંક : ઓક્ટોબર ૧૯૯૭