તખુની વાર્તા/અનુકથન

અનુકથન

મે, ૧૯૮૮માં ગદ્યપર્વમાં પહેલી વાર્તા પ્રકાશિત થઈ : પોપડો. એના મૂળમાં જાતને ઓળખવાની – સમજવાની ઝાંખી હતી. મારા પુરોગામી નિશ્ચિહ્નતાને, વ્યક્તિત્વહ્રાસને સમજવાની-સરજવાની મથામણ એ કાળે પૂરી કરી ચૂક્યા હતા. પણ મારી મુશ્કેલી જુદી હતી. હું જે ઘર, ગામ, કુળ, જાતિમાં પેદા થયો હતો અને આઝાદી પછીના ભણતરે મારી જે ઘડ-ભાંજ કરી હતી એનાથી મારું કોકડું સાવ ગૂંચવાઈ ગયેલું હતું.

આઝાદી રાજપૂતો માટે સારા સમાચાર લઈને નો’તી આવી. રાજાશાહી ને અંગ્રેજશાહી ગઈ, લોકશાહી ને સમાજવાદ આવ્યા. સામંતશાહી બુરજ તૂટ્યા. સત્તાનું કેન્દ્ર હતો તે સમાજ હાંસિયામાં ધકેલાયો. રજવાડાઓનું વિલીનીકરણ, જમીન ટોચમર્યાદા, રહે તેનું ઘર ને ખેડે તેની જમીનનો કાયદો, સાલિયાણાં નાબૂદી જેવી ઘટનાઓની હારમાળા રચાઈ. બધી રીતે સમાજ તળિયે જઈને બેઠો. જૂનું ઝૂંટવાઈ ગયું, નવું સ્વીકારી ન શકાયું. હતાશા આવી ગઈ. ભૂતમાં ભાગી જવાનું વલણ વધ્યું. અતીતઝંખાથી સમાજ ફેદરાઈ ગયો. નવી સામાજિક વ્યવસ્થામાં ગોઠવાવાની અનિચ્છા અને અણઆવડતને લીધે સત્તા સંપત્તિ અને મોભ્ભો ગુમાવી બેઠેલો આ સમાજ ફોસીલ થઈ ગયો. મને થયું, આ સમાજની કુંઠા, પીડા, હતાશાની પણ કોઈકે તો વાત માંડવી જોઈએ.

મારા ગૂંચવાયેલા કોકડામાં હું ઊંડો ઊતરતો ગયો તેમ તેમ મને સમજાયું કે હું તો દાભડો છું. મારાં મૂળિયાં તો ધરતીના પેટાળમાં ઊતરેલાં છે. મારા ચહેરામોહરા પર તો મારા પરિવાર, કુળ, વતનનાં આંગળાંની છાપ છે, એની વાસ છે. સંદર્ભ વિના તો મારું કશું વજૂદ જ નથી. આસપાસની, અંદર-બહારની બધી રેખાઓ ઉકેલ્યા વિના હું મને સમજાઉં એમ નથી. એટલે તખુ જન્મ્યો. બને તો રૂપ આપીને મારા કોકડાને સમજું. તખુને બહાને લેખક માટે જરૂરી એવું અંતર પણ રચાશે. તખુ રચનાયુક્તિરૂપે આવે ને એની રીતેભાતે વિકસે એવું મનમાં હતું.

એક પરિવારની વાત કરવી હતી. પણ એને આત્મકથનાત્મક કુટુંબકથા કરવી ન હતી. આ ત્રયોદશીને સળંગ રચના બનાવવાની ઇચ્છા ય નો’તી. દરેક વાર્તા સ્વાયત્ત રહે તો સારું. એક પરિવારમાં સંભવતી ઘટના-પરિસ્થિતિ-સમસ્યા રચનાક્ષણે કૃતિના કેન્દ્રસ્થ સંવેદને કરી ભાવોજ્જ્વલ બને એવી ખેવના રહી છે. સુરેશભાઈ કહેતા હતા તેમ ચોપડી વચ્ચે મૂકેલા પીપળાના પાન જેવું થાય તોય ઘણું.

આ વાર્તાઓમાં હું અનેક સ્થળકાળમાં જીવ્યો છું. કોઈ પણ ભાવ પહેલા તો ફરકે. પછી ધારણ થાય. એ પીડા¬-કુંઠાને અવલોકતો રહું, એને છૂટી પાડી સમજું. એમ કરતાં કરતાં દૃશ્યો સ્પષ્ટ દેખાવા માંડે, સંભળાવા માંડે ત્યારે લખવાનું શરૂ કરું. ધીરે ધીરે પરિસ્થિતિઓ-ઘટનાઓ આકાર લેવા માંડે એમ એમ આગળ વધું. વચ્ચેથી ખોટકાઈ જાય તો એકડે એકથી શરૂ કરવું પડે. વાર્તા પૂરી કરતાં કરતાં તો આમણ છટકી જાય. દરેક વખતે વાર્તા લખતા આવડતું જ નથી, જાણે પહેલી વાર જ લખવા બેઠો હોઉં એવું થાય. કોઈને અહીં પ્રતીતિકરતાના પ્રશ્નો થાય એવું બને. પણ કળાનો ઇલાકો સંભવિત અસંભાવના લગી ફેલાયેલો હોય છે. લેડી મૅકબેથ શું નાટકમાં છે તેવાં વાક્યો વિચાર્યાં-બોલ્યાં હોય એ શક્ય છે ખરું? છતાં આપણે સંભવિતતાને લઈને એને માણીએ – પ્રમાણીએ છીએ. ઘણી વાર લૌકિક વાસ્તવ અને કળાના વાસ્તવ વચ્ચે લક્ષ્મણરેખા રાગદ્વેષવશ ઓળંગી જવાય ત્યારે આપણી કળાસમજનું પણ અપહરણ થઈ જતું હોય છે એવો મારો અંગત અનુભવ છે.

આ વાર્તાઓ લખતાં લખતાં હું મારી જિવાયેલી ભાષાની રૂબરૂ થયો. એ મારામાં ફરી ઝણકી ઊઠી. કોઈકને અહીં સુરતી બોલી યોજાઈ હોવાનું લાગશે. પણ મેં તો તાપી-નર્મદાના દોઆબમાં વસેલા મારા વતનની બોલાતી ભાષાને, બોલચાલની ભાષાને મનમાં રાખી છે. બોલાતા શબ્દની મોઢામોઢ થઈ એને વાર્તાસંદર્ભનો વિધાયક-વ્યંજક-ઉન્મીલક બનાવવાની નેમ રાખી છે.

મારે તો શિષ્ટ ભાષા અને બોલી બંને સરખાં છે. બંનેનું ભાષાશાસ્ત્ર-વ્યાકરણશાસ્ત્રશાસિત નિશ્ચિત્ત ચુસ્ત માળખું હોય છે. પણ લોક તો હજાર હજાર રીતે વિચારે ને હજાર હજાર જીભે બોલે. આ કોઈ નિયમે ના બંધાય. વળી બોલાતી ભાષા તો વક્તાએ વક્તાએ, સ્ત્રી-પુરુષ-બાળકે, જાતિએ-જાતિએ, ધર્મે-ધર્મે, ભણેલા-અભણે, મનોદશાએ, આશયે, વયે-વયે નવાં નવાં રૂપ ધારણ કરે. એટલે બોલાતી ભાષા વિશે શાણા માણસો તો ઘણું વિચારીને તારણ પર આવતા હોય છે. વળી ‘બાર ગાવે બોલી બદલાય’ એ લોકોક્તિ, બોલી પણ કેવી છટકિયાળ ચીજ છે. એ સૂચવે છે.

આ વાર્તાઓની સામગ્રી જેમાંથી સાંપડી એવા – મારા બાપુજી ઈશ્વરસિંહ, અપરમાતા તેજુબા, બા ગુલાબબા, સાવકામામા ધૂમમામા, મામા ભીખામામા, કાકા અભેસિંહ, મોટાભાઈ રણજિતસિંહ, અશોક, રાજેન્દ્ર, વીરેન્દ્ર, અનિરુદ્ધ, સનત, મારા બાળપણના સૌ ભેરુઓ – સૌને સંભારું છું.

આ વાર્તા ભરત-ગીતાભાભીના સાહચર્યમાં રચાઈ, વંચાઈ. સુ. જો. સાફોમાંય કેટલીક વાર્તા વંચાઈ. એ સૌ સહચરો તરવરે છે. આ વાર્તા ‘ગદ્યપર્વ’, ‘એતદ્’, ‘॥वि॥’, ‘ઇન્ડિયા ટુ ડે’ ને ‘ખેવના’માં પ્રકાશિત થઈ છે. આ ઉપરાંત વર્ષના શ્રેષ્ઠ વાર્તાસંચયો, ‘ઉજાણી’, ગ્રામચેતનાની વાર્તાઓ, ૧૨૧ ગુજરાતી વાર્તાઓ, સંક્રાંતિ, ગુજરાતી વાર્તા, મારી પ્રિય વાર્તા – જેવા અનેક સંચયોમાં પસંદગી પામી છે. એના કન્નડ, મરાઠી, હિંદી, અંગ્રેજી અનુવાદો થઈ ઇન્ડિયન લિટરેચર આદિમાં પ્રકાશિત થયા છે. ‘માવઠું’ને ૧૯૯૪ની શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાનો કથા ફાઉન્ડેશન(દિલ્હી)નો કથા ઍવૉર્ડ પણ મળ્યો છે. ગુજરાતી સમીક્ષકોએ આ વાર્તા વિશે લખ્યું છે : આ સૌનો ઋણી છું.

અજિત ઠાકોર