તખુની વાર્તા/ભીંગારો

૨. ભીંગારો

ઉં જાગું. મારી બાજુમાં જસ્યો અજુ હૂતેલો જ છે. એનું મોઢું પો’ળું થેઈ ગીયું છે. હવારનું સપનું તડાક્ તૂઈટું એનો અવાજ હો હંભરાયેલો. અજુ બેતણ હોનેરી તાંતણા આંખ હામે ફરઇકા કરતા છે. લાવ, જસ્યાનું ગોદડું ખેંચી ઓઢોમોઢો કરી લેમ.

કાલ બપોરે ખાઈને ગિલ્લીદંડા રમ્મા જતો ઉતો. તિયારે હામેથી સી-સ કરતો ઇશારો આઇવો જોમ તો અધખૂલી બારી એના મોઢાથી ભરી દેઈને એ મને બોલાવતી ઉતી.

– ધીરકી! ગિલ્લીદંડા રમ્યાઉં, મેં કીધું.

એણે મોઢું બગાડી, ડોકું ને આ’થ અલાવી પાછો બોલાઇવો. પણ હાચું કે’મને તો મને અ’મણા અ’મણાની ધીરકીની બૌ બીક લાગતી છે. અમણા અમણા એની ફરતીમેર અંધારું બૌ ઊડાઊડ કરતું છે હારું! એનું ફરાક બી બૌ ઊડાઊડ કઈરા કરે! એની છાતીએ કારી કારી ઢગલી થવા લાઇગી છે. મંઈ આગિયા ઝબૂક ઝબૂક થિયા કરતા છે. એની દૂંટીની જગાએ મને હોનચંપાનું ફૂલ ખીલેલું લાઈગા કરતું છે. મને એવું થિયા કરે, એવું થિયા કરે, જાણે નાલ્લા ભીંગારાની જેમ ઉં એમાં બેહું! એ પાંપણ હો એવી નચવે એવી નચવે જાણે તાર પર છતરી લેઈને ચાલતી સરકસની પોરી! અમણા અમણાની એ રીહ બી બૌ કાઢતી છે. એ રિહાઈને મોઢું ફેરવી લે તિયારે મારી તો ઉગમણી બારી જ બન્ન થેઈ જાય છે જાણે ફટાક કરતી! આ જસ્યે થોડા દહાડા પર મારો કાન કઈડેલો : પે-એ-લી ધીરકી જો ને! અમણાં અમણાંની એની ઓયણી બૌ ઊડાઊડ કરતી છે – પાધરી કરવી પડહે મારી હાળીને! પછી એ દાંત કચડતો કચડતો ઓહેલો.

– બૌ ઊંચું થતું ઓય તો ભીંગારી ચોંટાડ! મને ઓઠ પીહીરીને બોલતો દેખી એ ડઘાઈ ગેયલો.

– એ તખા! હવારના પો’રમાં આવા ગંદા વિચાર કરતાં હરમા, હારા! મારી અંદરથી કોઈ બોઈલું. વાત્તો હાચી. પણ ધીરકી અમણાંનો પીછો જ છોડતી નથી. એનો ની વાંક ને બધો મારો જ? હં, તે ઉ તો – કોઈ જોતું તો નથી ને એમ ચોગમ નજર ફેરવી કંઈ બઈનું ની હોય એમ ફરિયું ઓરંગી એના ઓટલે ચઈડો. પણ આ જસ્યો હારો ડામ્મીશ છે. મને હું ખબર કે એ મારા ઘરના બાયણા પાછળથી જોતો ઓહે? ની તો જતે જ ની ને! આ જસ્યું – એને ઘેર બીડીઓ ફૂંઈકા કરતું ઉતું તે મારા માહાજીએ એને અમારે તાં’ ભણવા મૂઈકું છે. સાલું મારા રોટલા ખાઈને મારું જ ખોદવા બેઠું છે. કાલે રીઝલ આવી ગિયું છે. એટલે આજકાલમાં એ બલા હો ઉપડહે અવે એને ઘેર.

– તખલા ! આ હવારના પો’રમાં એ કારમુખાની વાત જવા દે! અંદરથી કોઈએ ટોઈકો. હં, તે ઉં તો ધીરકીને ઓટલે ચઈડો. ધીરકીને બારીને હરિયે રોકેલી એટલે એ રાતમરાતું પતંગિયું થઈને ઊડતી આવી. મારા ખભે બેહી ગઈ. મને પે’લી ફેરા તો બો વજન લાઈગું. જાણે ખભા તૂટી પડહે! એના પોચા પોચા હીમળાના રૂ જેવા પેટથી ખભામાં ખાડા પડી ગિયા. પછી તો હારું ઊનું ઊનું ભીનું ભીનું લાઈગું. જોમ તો ખભે કારો કારો ભીંગારો! ઉખેડુ તો હો ની ઊખડે, ઉખેડું તો હો ની ઊખડે. છેલ્લે ઉખઈડો તો ખરો. પણ ઊડીને પાધરો ઓઠે ચોંઈટો, ચીંધરી હૂંઢથી ડંખી ડંખીને એ તો ચૂહવા લાઈગો. જરી તણકો ઊપડે કે હારુ લાગે, જરી તણખો ઊપડે કે હારુ લાગે.

– કોઈ જોઈ જહે તો? મને ધાક લાઈગો દુઃખવા હો બો માંઈડું. મેં આથ ઝંઝેઈરો. એટલે એ તો એના પગેથી પક્કડ જમાવી મોઢું ઊંચું કરી મારા ઉપલા ઓઠે હો ડંઈખો.

– ઓ મા! મારાથી ચીહ નખાઈ ગેઈ.

– હું, થિયું? એણે આંખો પો’ળી કરી થડકાભેર પૂઈછું.

– હુંથિયું ને હાવેણી, ઓઠ પર આથ ફેરવતાં ફેરવતાં મેં કેયું.

– નવમીમાં પે’લ્લો નમ્મર આઈવો એટલે ઉશિયારી મારે કે? એણે કેયું.

– ની, ગણિતમાં ઊડી ગીયો એટલે! મેં એને ચિડાવી.

– જો તખલા! અમણા અમણાનો બૌ ડા’પણડાયો થેઈ ગિયો છે. અમને ગણિત ની આવડે એમાં તારે કેટલા ટકા? એણે બારી ફટાકશુ બન્ન કરી દીધી.

ઉં બાઘો બની ગિયો. એવામાં કનિયો બામણ મારી વા’રે આઈવો. એ મારી નજર હામે ફરકી રિયો. એને દેવાનનનો બૉ વે’મ, કોલર ઊંચા રાખી ખીસામાં આથ ઘાલીને ઊભેલો કનિયો! એ મારથી એક વરહ આગળ. એણે કેયલું : આપણી ભૂલ થેઈ જાય તો જરીક અટકી, નેક નમાવી આસ્તેથી સોરી કહી દેવાનું, એટલે ફિનીશ.

ઉં ધીરકીના બાયણા પાહે ગિયો. પેલ્લી આંગરી વારીને આસ્તેથી ટકોરા માઈરા, ડોકું નમાઈવું. અરવેથી અવાજ ભીનો કરી કેયું :

– સોરી, ધીરુ – વેરી સોરી! પછી તૂટેલા ડગલે ચાલવા માંઈડું.

બાયણાની આટલી અમથી ફાટમાંથી અવાજ ગિયો ઓહે? મને વે’મ ગિયો.

બાયણાની આટલી અમથી ફાટમાંથી અવાજ કેવી રીતે જઈ હકે? મને વરી શંકા થેઈ.

– જરા મોટેથી ભહવું ઉતુને ડોબા! અંદરથી મન બબડવા માંઈડું. મને કનિયા પર ઝાંઝ ચડી : નેક નમાવી, આસ્તેથી સોરી ક’ઈ દેવાનું. એટલે ફિનીસ.

– હું ફિનીસ, તારા બાપનું કપાર? ઉં બબડતો બબડતો ચાલવા માંઈડો.

કદાચ એણે હાંભયરું હો ઓ’ય, મને થિયું. ઉં હામેની હેરી ગમી ચાલવા માંઈડો. તાપ તો કે મારું કામ. ચારેપા ઊની ઊની લૂ. મારા પગે બરબરતી રેતી ચંપાઈ ગેઈ. મેં નેવાને છાંયે ચાલવાના ડાફાં માઈરા. બૌ દાઈઝુ. દોડીને છાણના પોદરામાં બેવ પગ મેલી દીધા. પછી ચાલવા માંઈડું.

માનસીંકાકાની હેરીમાં પોંઈચો. ભિલ્લુ પડી ગેયલા. દાવ હો ચાલુ થેઈ ગેયલો. મેં ભોજલા જેવું મોં કરીને કનિયા ને ભોપલા હામું જોયું. પણ બન્નેવે મારી હામું જોયું ની જોયુ કઈરું. ઉં ગોખલામાં ગેઈને બેહવા કરું તાં જસ્યો મારાં પગલાં દાબતો આવી પોંઈચો. મને ઓહતો ઓહતો આંખ નચવીને કેવા લાઈગો : કેવી મજા પડી? મને કંઈ હમજાયું ની, પણ એના દેદાર જોઈ ફાર પઈડી. બે-ચાર જણા એની હામું જોવા લાઈગા.

– હાની? ઉં ઢીલો પડી ગિયો.

– કે-એ-મ? ધીરકી હાથે વાત કરવાની. એને ટકોરા મારવાની. પછી કનિયા ગમી ફરીને કે’ : પેલું હું બોલે તું? હં, એસ. ઓ. ડબલ આર. વા-આ-ઈ!

મેં ઓઠ પર અથેળી મહરી. બધાની નજર ભાલાંની જેમ આરપાર ઊતરી ગેઈ. ની, એમ ની, કોઈની ભાલો, કોઈની ગુપતી, કોઈની છરી, કોઈની ગોફણથી છૂટેલો ડગ્ગર, કોઈની કાનસ તો કોઈની કાચકાગર. ઉં ચોફેરથી કોચાયો, ઘહકાયો, હોરાયો. મારું મોઢું કાળું મેહ થેઈ ખરવા ને ઊડાઊડ કરવા માંઈડું. મારી આંખ ફાનસની જેમ ઓલવાઈ ગેઈ. મારા ડિલે મકોડા ફરવા માંઈડા. એક મકોડો અંગૂઠે ચોંઈટો, એક મકોડો જાંઘની બખોલે ચોંઈટો, એક પુપલીને દીટે વરઈગો. એક દૂંટીમાં, એક ખભે, એક ઓઠે. મેં મકોડા ઝંઝેરી કાઢવા કઈરું. મારા આથ વીંઝાયા કે હું! મારા ઓઠ ફફઈડા કે હું! મારી આંખ હલગી કે હું! મારા પગ પછડાયા કે હું!

– એનું તારે હું છે? ઉં બરાઈડો.

પલકારામાં બધા મકોડા ખરી પઈડા ખાલી બે જ ચોંટી રિયા. એક ખભા પર ને બીજો ઓઠ પર. ઉં જોમ તો એ મકોડા ચોગમ દોડાદોડી કરતા ઉતા.

જસ્યાના પગ પર બે-ચાર ચડી ગિયા, એક-બે કનિયાના કોલરે હો. મકોડા જોઈને નંદિયો ગોખલા પર ચડી ગિયો. દોલિયો, હનિયો ને નપલો પાળી પર ચડી ગિયા. ખાલી ભોપલો આથમાં ગિલ્લી લેઈ દંડાથી ગદી ખોત્તો ઉતો. એણે એના ગમી દોડેલા એક મકોડાને પગથી ભોંય ભેગો ઘહી નાંઈખો. પછી આંખ મારીને બોઈલો : એન્થી હું થવાનું છે? પછી બુચકારીને બોઈલો : અવેથી મારો હો ભાગ રાખજે. તું કે’તો ઓય તો ભાગિયા ખેડ કરહું. ની તો ખેડ મારી ને પાક તારો. જેમ કરવું ઓય એમ.

એના મોઢામાંથી વીંછી ખરતા ઉતા. બારહાખેથી ખેરવાઈ પડે એમ. ની, એ પોત્તે જ લઠ્ઠ લાંબો વીંછી ઉતો. એના આથપગ હરવર હરવર, એની પૂછરી ડંખ મારવા વાંકી વરી ગેઈ, મને ધીરકી દેખાઈ, એ એના ભણી હૂહવી હૂહવીને દોડતી ઉતી. ડમરીની જેમ ચક્કર ભમ્મર ફરતી ફરતી દોડતી ઉતી. ઉં અટકાવવા મઈથો. મેં એના પગ પકઈડા તો ખાલી ઝાંઝર આથ આઈવું. એનાથી હું બંધાઈ ગિયો. એ ભોપલા ગમી દોડતી ઉતી.

ધીરુ - ધીરુ, તું તારા અંધારાની ઢગલી હાચવ. ધીરુ, તું તારો હોનચંપો બચાવ!

ઉં બો મઈથો પણ મારું કંઈ વઈરું ની.

– પોરીને ડમરીમાં પગ ની પડી જાય તે હાચવવાનું. અમણાં અમણાંની મા મને આવું કેમ કે’યા કરે છે?

– ઘોડીના! છાણમાંના ભીંગારા! ઉં બરાઈડો.

ત્થૂ! કરીને એ દાંત કાઢવા લાઈગો.

ઘર ઝેણી ઝેણી આંખે જોતું ઉતું. ઉં ખૂણે કાથીની પલંગડીમાં પઈડો, જોમ તો કનિયો, નંદિયો, હનિયો, ભોપલો. બધા ધોરાફક કીડા થઈ ખદબદે. એ બધ્ધા એકહામટા મારા ડિલ પર ચડવા લાઈગા. રોકું રોકું ને રોકાઈ ની, ખંખેરું ખંખેડું ને ખંખેરાઈ ની. એકને અંગૂઠે મહરી કાઈડો! ધોળો ધોળો લિસ્સો લિસ્સો લીટો થિયો. કોણ ઓહે એ?

ભોપલો?

એટલામાં પગલાં હંભરાયાં. જસ્યો ઊતરેલી કઢી જેવું મોં લેઈને જતો ઉતો. પણિયારે પાણી પીને મારી હામું જોતો જોતો એ ચાઈલો ગિયો. બા’ર ઓટલે થામલાને અઢેલી બેઠો. ભોંય ખોતરવા માંઈડો.

ઉં ઉઈઠો. મોઢું ધોયું. બા’ર આઈવો. જસ્યે ઓહિયારી આંખે મારા ગમી જોયું. પછી ફરિયામાં ચાલવા માંઈડું. તાં’ તો ફટાક કરતી બારી ખૂલી. ધીરકી ઉતી! જસ્યો હો ચમઈકો. પછી ચાલવા માંઈડો. ધીરકીએ ઇશારો કઈરો. ઉં તરત ગિયો.

– અંદર આવ! એની આંખો હૂજેલી ઉતી. કપારે ને ગાલે બાલ ચોંટી ગેયલા ઉતા. બાલ હરખા કરી એણે મારા ગમી જોયું.

કેમ રઈડી? મને થિયું કે હેરીવારી વાત એના કાને તો ની પોં’ચી ઓય!

એ ભોંય ગમી જોઈ ગેઈ. મને અવે જરા હો ભો નથી લાગતો. મને થિયું એની છાતીની હામરી હામરી ઢગલી વેરાવા માંઈડી છે. એમાં અવે આગિયાના ઝબૂકિયા હો નથી ને કૈં? બધા આગિયા કાં ચાઈલા ગિયા ઓહે? મને ભોપલાના આથ દેખાયા. આથ ની, આથલિયા થોર-થોડી પાંખો ઝીંટવાઈ રેયલી.

એણે અંગૂઠે ભોંય ખોતરતા ખોતરતા કેયુ : કાલ હવારે તો ઉં જવાની હાતની સેવન ડાઉનમાં એ કંઈ કે’વા મથતી અતી. મારા ઓઠ ફફડવા માંઈડા તાં બાએ હાક મારી – આ આઈવો, કેઈને ઉં ઊઈઠો.

– મારા હણીજાને ચા પીવા હો હાંખલા પારવા પડે છે! ઘરમાં આવતાં ઓયડેથી બાનો અવાજ હંભરાયો. છાનોમાનો ગેઈને બેઠો. અરધી રકેબી પીધી ની પીધી ને ઊઠવા માંઈડું.

– કેપ? બાએ પૂઈછુ.

– નથી ભાવતી.

– તારી કોઈ હગલી ઓય એ એખલા દૂધની બનાવી આપહે. તાં ઢીચ્યાવજે!

– હારુ ! મેં ચાલવા માંઈડું.

બા’ર આઈવો, હેરી ગમી પગ ખેંચાયા. હેરીમાં બધા ઘેરાઈ ગેયલા ગોખલામાં નંદિયો, નપલો ને હનિયો બેહી રેયલા. જસ્યો પાળીને અંઢેલી સૂનમૂન ઊભેલો ઉતો. ઉં આઈવો એટલે કનકવાની દોરી કપાવ એમ વાત કપાઈ ગેઈ. બેઉ છેડા હવામાં ઝૂલે. મારી ગમી ઊઈડા કરે.

જરી વાર રઈને નંદિયો બોઈલો : प्रवै ममं स्वाहा ।

નપલો થોડો બીધો. એણે ઊઠવા માંઈડું. એટલે હનિયે ઓહીને કીધું : બેહ, બેહ. प्रवै ममं स्वाहा ।

ઉં એ કાળોતરો મંતર ખોતરવા માંઈડો. મારી ને ધીરકીની જ વાત ઓહે. સ્વાહા તો જાણે હમઈજા પણ આ ‘प्रवै ममं’ હું ઓહે? ઉં મૂંઝાયો. એટલામાં હામેથી દોલિયો આવતો દેખાયો.

– ચધી ચર ચકી ચત ચખુ ચહાં ચથે ચચા ચલુ ચછે : એણે છડી પોકારી.

–– તારી બેન હાથે ચાલતો છે. કંઈ કે’વું છે ગધેડીના?

દોલિયો હેબતાઈને નાહી ગિયો. એકુ એક આઘાપાછા થેઈ ગિયા. મેં ઘેર ગમી ચાલવા માંઈડું. પાછળ પાછળ જસ્યો હો આઈવો મેં પાંખડુ ઝાલી અચમચાવી કાઈઢો. પૂઈછુ : સાલા! મારા રોટલા ખાઈને મારું ખોદે છે? બોલ, प्रवै ममं स्वाहा એટલે હું?

એ રડમસ થેઈ બોઈલો : પ્રદીપકુમાર-વૈજંતીમાલા એવું તારું ને ધીરકીનું નામ જોઈડું છે. મારા કપાર પર જાણે વાગરુ ચોંટી ગિયું. મને તમ્મર આવી ગિયા.

– કોણે ખીજ પાડી!

– કનિયા બામણાએ.

– ઉં બાને બધ્ધું કે’ઈ દેમ છું!

એના ઓઠ ફફડવા માંઈડા. એની આંખો ભરાઈ ગેઈ. કંઈ કારુ કારુ મને ઘેરી વઈરુ. મને ધીરકીની ટગર ટગર કારી ભમ્મર આંખો ને હામરો ચ્હેરો વીંટાઈ વઈરો. ઢળતે પો’રે રાત પડી ગેઈ.

હાંજ પડી. નામનું ખાઈને મેં ધોઈ લાઈખુ. ખાટલામાં પઈડો. બારીમાંથી જોમ તો ધીરકી ફરાફર કરે. प्रवै ममं स्वाहा મને યાદ આઈવું. કનિયો બામણ મંતર બોલે. ધીરકીનો આથ મારા આથમાં. અમારી બંને હામું જોઈ જોઈને ગામ આખું ઓહે કૈં ઓહે. તાં’તો प्रवै ममं स्वाहा આગિયાનું ઝુંડ કોન્જાણે કાં’થી ઊડાઊડ કરતું આવી પોંઈચું. બધા નાહી ગિયા.

રાતે ઉં બાયણે પથારીમાં પઈડો. પછી જસ્યો હો છાનોમાનો આવીને હુતો. ઉં કાની કરી ગિયો.

– તખલા, દા’ડો માથે ચઈડો તો હો એદીની જેમ ઊંઈઘા કરે અજુ?

બાએ બૂમ માઈરી. જોમ તો જસ્યો કા’રનો ઊઠીને દાતણ કરતો ઉતો. ગોદડું ફેંકી બેઠો થિયો.

ઓત્તારી! હામે ધીરકીના ઘેર તો કંઈ જવાની તિયારી થાય છે ને!

દાતણ કરવા વાડામાં ગિયો. ધીરકી આવી.

– માહીબા ઉં જતી છું, એણે કીધું : અ’વે પોરથી તો ઉં હચીન જ ભણા, મારે ઘેર!

– સરટીફીટીક કઢાવી લીધુ? બા નાક પર બેહવા કરતી માખ ઉડાડતાં બોલી. માખી ઊડીને મારા આથ પર બેહી ચટકો ભઈરો. હારુ લાઈગું. એવામાં એણે મારી હામે જોઈ માથુ નમાઈવું. ઉં જાણે ભેખડ પરથી ગબઈડો! મને કોન્જાણે હું થ્યું તે મેં દાંતણ ફેંકવા વાડામાં ચાલવા માંઈડું. એ મારી પાછર પાછર આવી. નાવણિયાની ઓથે ઊભી રેઈ એકકી હાંહે બોલી : તખા, મારા વીરા. આ કાગળ ભોપુને આલી દેજે. કોઈને ખબર ની પડે, જોજે, કે’જે કે કાગર લખે.

ઉ આમલી પરના પોપટાએ ઠોલી ખાધેલા રાતારાતા દે’ક ભણી જોવા માંઈડો.

ધીરકીના આથ ધરુજે. ગુલાબી કાગર. મારો આથ લંબાયો. ખેંચાયો. અવાજ થિયો. કંઈ ભોંયે પટકાયું કે હું?

જોમ તો ધીરકીની દૂંટીમાંથી ભીંગારો ખરી પડેલો. એના પગ અવામાં વલવલ વલવલ.


ગદ્યપર્વ : મે ૧૯૯૦