તપસ્વી અને તરંગિણી/લેખકનું નિવેદન


લેખકનું નિવેદન

‘તપસ્વી અને તરંગિણી’ ‘દેશ’ સાપ્તાહિકના એપ્રિલ ૧૯૬૬ના અંકમાં સૌ પ્રથમ પ્રકાશિત થયું હતું. પુસ્તકારે પ્રકટ થતાં પહેલાં થોડા સુધારા-વધારા કર્યા છે. ‘દેશ’માં પ્રકટ થયા પછી કેટલાક વાચકોએ વાંધો ઉઠાવતા પત્રો લખ્યા હતા. તેમના મતાનુસાર ઋષ્યશૃંગનું ઉપાખ્યાન ત્રેતા યુગનું છે, અને સત્યવતી, કુન્તી તથા દ્રૌપદીનો સમય પરવર્તી દ્વાપર યુગ છે, તેથી અંશુમાન અને રાજ-પુરોહિતને મુખે સત્યવતી વગેરેના ઉલ્લેખ કરાવીને મેં ભૂલ કરી છે. ‘ત્રેતા’ અને ‘દ્વાપર’ યુગની ઐતિહાસિક યથાર્થતા કેટલી છે, તે વિષે ચર્ચાની જરૂર નથી; તો પણ વિદ્વદ્‌ વર્ગમાં એ વાત સર્વમાન્ય છે કે ઋષ્યશૃંગનું ઉપાખ્યાન ભારત-યુરોપીય કબીલાનું એક અતિ પ્રાચીન પુરાકલ્પન છે. તેથી તથ્ય હિસાબે પૂર્વોક્ત પત્રલેખકો ખોટા નથી એમ માનવામાં મને વાંધો નથી. મારું કહેવું એ છે અને કદાચ ઘણા વાચકો તે સહેલાઈથી ધારી લેશે – કે મેં આ કાલવ્યતિક્રમ જાણી જોઈને અને સભાનતાથી કર્યો છે– એક આંતરિક પ્રયોજનથી. પુરાણકાલીન ભારતમાં એક પતિપરિત્યક્તા રાજપુત્રીનું બીજાું લગ્ન કઈ રીતે સિદ્ધ કરી શકાય તે પ્રશ્ન સામાન્ય નથી; ચોથા અંકના અંત ભાગમાં તે માટે રાજમંત્રી સ્વાભાવિક રીતે જ ચિંતિત છે, ઘટનાને વિશ્વાસ્ય બનાવવા માટે જ મેં સત્યવતી, કુન્તી અને દ્રૌપદીનાં દૃષ્ટાંતો ઉપયોગમાં લીધાં છે. કોણ આગળ થઈ ગયાં અને કોણ પછીથી થયાં એ વાત અહીં અવાન્તર છે. ખરેખર તો હું એ બતાવવા માગું છું કે પ્રાચીન હિન્દુ સંસ્કાર પ્રમાણે, દેવ કે ઋષિના વરદાનથી નારીને કૌમાર્ય પાછું આપી શકાય છે, એટલે અંશુમાનની સાથે શાન્તાનાં લગ્ન પ્રથાવિરોધી નથી, અને એટલે જ રાજપુરોહિતે આ બીજા લગ્નને અનુમોદન આપ્યું. સૌથી વધારે યાદ રાખવાની વાત તો એ છે કે આ નાટકના ઘણા અંશ મારા કલ્પેલા છે, અને રચનાને પણ ઘડવામાં આવી છે – અર્થાત્‌ એક પૌરાણિક વાર્તાને મેં મારી પોતાની રીતે નવી રીતે સજાવી છે, તેમાં આધુનિક માણસનું માનસ અને દ્વન્દ્વવેદના ભરી છે. આ પ્રકારની રચનામાં પુરાણનું આંધળું અનુસરણ ન ચાલે એ કહેવાની જરૂર નથી; ક્યાંક ક્યાંક વ્યતિક્રમ થયો હોય તેને ભૂલ કહેવી એ જ એક ભૂલ છે. મારાં કલ્પેલાં ઋષ્યશૃંગ અને તરંગિણી પુરાકાલનાં આદિવાસી હોવા છતાંયે માનસિકતામાં આપણાં જ સમકાલીન છે; જો આ વાત ગ્રાહ્ય બને તો ‘ત્રેતા’ યુગનાં પાત્રોને મોઢે ‘દ્વાપર’ યુગનો ઉલ્લેખ થવા છતાં કોઈ ખાસ દોષ થતો નથી.

જુલાઈ ૧૯૬૬;, કલકત્તા - બુદ્ધદેવ બસુ