તારાપણાના શહેરમાં/આપનું આ આવવું


આપનું આ આવવું

એકસાથે ચંદ્ર-સૂરજ આપનું આ આવવું
ભરબપોરે ઊંઘમાંથી આ સફાળું જાગવું

આમ સ્વપ્નું આમ સાચું મારે તે શું માનવું
આમ શંકા આમ શ્રદ્ધા આપને બસ તાગવું

આપના હોવા વિશે સંશય ગયો, ગ્રંથિ નહીં
આપના હોવાપણાને કઈ રીતે સત્કારવું?

આ અચાનક આપ સામે છો અને ઇચ્છા જ ગૂમ
ઝટ દઈ સૂઝે નહીં કૈં માંગવું, નહિ માંગવું

આમ વિસ્મય કે અહીં છો, આમ ભય ચાલ્યા જશો
કૈંક કહેવું, ચૂપ રહેવું એકસરખું લાગવું